ઘણી વાર વક્તવ્ય આપતી વખતે એવો અનુભવ થાય છે કે જાણે આપણે બોલતા નથી, પણ સાંભળીએ છીએ. એનો અર્થ એ કે એક ઘટના ઘટતી હોય છે, ત્યારે સમય જતાં એ ઘટનાનું વિલોપન પણ થતું હોય છે. ઈશ્વરની ભક્તિ કરવામાં આવે, ત્યારે એના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે, એના ગુણોની સ્તવના કરવામાં આવે છે, એના ભવ્ય મહિમા પ્રત્યે ભાવ પ્રગટ કરવામાં આવે છે, પરંતુ ભક્તિની પરાકાષ્ઠા સધાતાં નિરાકાર ઈશ્વર સુધી ભક્ત પહોંચી જાય છે. ઈશ્વર નજર સામે હોતો નથી, ત્યારે ભક્તિ સાકાર છે. બને છે એવું કે સાકાર ભક્તિ ધીરે ધીરે ઓગળતી જાય છે અને વ્યક્તિ નિરાકાર ઈશ્વરની ઉપાસનામાં ડૂબી જાય છે.
અધ્યાત્મની સર્વોચ્ચ અવસ્થા અલગ અને ભિન્ન હોય છે, જેમાં વ્યક્તિ જે પામવા માટેની પ્રક્રિયા કરતો હોય છે તે પરિણામ પાસે આવતાં તદ્દન પરિવર્તન પામે છે. ભક્તિના શિખરે પહોંચેલી વ્યક્તિ પાસે ભક્તિ નહીં હોય અને માત્ર ઈશ્વરનું પરમ સાન્નિધ્ય હશે. ધ્યાનના પરમ શિખરે પહોંચેલી વ્યક્તિ પછી ધ્યાનમાં નહીં હોય, કારણ કે એને એનું ધ્યાન કરવું પડતું નહીં હોય, એના જીવનની ક્ષણેક્ષણ ધ્યાનમાં જ વીતતી હશે. કેટલી માળા ગણી એની ગણતરી કરીને એ ભક્તિનો પ્રારંભ કરે છે પણ સમય વીતતાં મનમાં માળાનો જપ થતો રહે છે અને ગણતરી ભુલાઈ જાય છે. આ ભક્તિની પરાકાષ્ઠા છે. આમ જે પ્રક્રિયાથી વ્યક્તિ પરમાત્મા પાસે પહોંચવાનો પ્રયત્ન કરે છે, એ પ્રક્રિયા જ્યારે પરમાત્મા મળે ત્યારે આથમી જાય છે.