તમે કોઈ ગંભીર સર્જરી કરાવવા જતા હો કે પછી પહેલી વાર વિદેશ પ્રવાસે જતા હો અથવા તો મોટા પાયે તૈયારી કર્યા બાદ લગ્નપ્રસંગ સાવ નજીક આવી ગયો હોય, ત્યારે તમારું મન કઈ રીતે વિચારે છે ?
આવી ક્ષણે કોઈનું મન સકારાત્મક દિશામાં જાય છે, તો કોઈનું મન નકારાત્મક વિચાર કરે છે. સકારાત્મક વિચાર કરનાર માને કે ‘હું જેવું ઇચ્છું છું, તેવું જ થશે’ અને નકારાત્મક વિચાર કરનાર એમ માનશે કે ‘હું જે નથી ઇચ્છતો, તે જ થશે’. સકારાત્મક વિચાર કરનાર માનવીનું મન શાંતિ અને સ્વસ્થતાથી એ ઘટના તરફ જશે, જ્યારે નકારાત્મક વિચાર કરનાર એ બાબતમાં અધીરાઈ, અજંપો અને ક્યારેક સાવ અવ્યવસ્થિત કે વિચિત્ર વર્તન કરનારો બની રહેશે. સકારાત્મક વિચાર કરનાર કોઈ સર્જરી કરાવવા જશે ત્યારે એમ માનશે કે આવા જાણીતા સર્જનનું ઑપરેશન જરૂર સફળ જશે. વળી આ સર્જરી પછી રોગ દૂર થશે અને તબિયત અવશ્ય સુધરશે, આથી ચિંતા કરવાની લેશમાત્ર જરૂર નથી. નકામી ફિકર રાખવાનો કોઈ અર્થ નથી. જ્યારે નકારાત્મક વિચાર કરનાર માનશે કે મારા કેવા કમનસીબ કે મારે આ સર્જરી કરાવવી પડે છે ! આ સર્જરી નિષ્ફળ પણ જઈ શકે અને મોટી મુશ્કેલી પણ ઊભી કરી શકે. આવું થશે તો શું થશે ? મારી કેવી દુર્દશા અને બેહાલી થઈ જશે. ડૉક્ટર ભલે ઘણા સારા કહેવાતા હોય, પરંતુ એ સફળ થશે એની ક્યાં કોઈ ખાતરી આપી શકે છે.
સકારાત્મક વિચાર ધરાવનાર વિદેશનો પ્રવાસ ખેડશે, ત્યારે એમ માનશે કે આ સફર જરૂર લાભદાયી બનશે. કદાચ અર્થલાભ ન થાય, તોપણ અનુભવલાભ મળશે જ. જુદા જુદા દેશ જોવાનો આનંદ પ્રાપ્ત થશે. એ દેશોની અનોખી પ્રકૃતિ અને આગવું પ્રજાજીવન નિહાળવાનો લાભ મળશે. જ્યારે નકારાત્મક વિચાર કરનાર એમ વિચારશે કે આ વિદેશ પ્રવાસ ક૨વાને બદલે ઘેર બેસી રહ્યા હોત તો શું ખોટું હતું ? આવી ઝંઝટ કરવાની શી જરૂર હતી ? પરદેશમાં તો પારકા લોકો હોય, ત્યારે કંઈક અઘટિત થાય તો આપણું કોણ ? કોઈ વિમાની અકસ્માત થશે અથવા તો આતંકવાદી હુમલાનો ભોગ બનવું પડશે તો ? આ રીતે સકારાત્મક વિચાર કરનાર વિચારે છે કે ‘જુઓ, બે દિવસની વચ્ચે માત્ર એક જ રાત છે’ અને નકારાત્મક વિચાર કરનાર કહેશે કે, ‘ઓહ ! માત્ર એક જ દિવસ છે અને એની બંને બાજુ રાત છે.’