જીવનમાં સફળતા હાંસલ કરવા માટે વ્યક્તિએ ત્રણ યાદી (લિસ્ટ) કરતા રહેવું જોઈએ. એક યાદી તો રોજિંદા કામની છે. સૌથી અગત્યનું કયું કામ છે તેને અગ્રતાક્રમ પ્રમાણે મૂકીને વ્યક્તિ નોંધ કરતી હોય છે. અગ્રતાક્રમની જરૂ૨ એ માટે કે વ્યક્તિનું મન એવું છે કે ઘણી વાર અઠવાડિયા પછી કરવાનું કામ પહેલાં હાથ પર લે છે અને આજે કરવાનું કામ બાજુએ રાખે છે. મન આડુંઅવળું દોડતું હોય છે, તેથી એ કદાચ ગમતું કે સરળ લાગતું કામ પહેલાં હાથ પર લે અને જરૂરી પણ અણગમતા કામની ઉપેક્ષા કરે તેવું પણ બને. વળી, એમ પણ થાય કે એક કામ શરૂ કર્યા બાદ એમાં સહેજ આગળ ગયા પછી વ્યક્તિ એવું વિચારતી હોય છે કે બીજું મહત્ત્વનું કામ પહેલાં હાથ પર લઈ લઉં તો સારું. એ બીજા કામમાં અડધે સુધી પહોંચે, ત્યાં એની ધીરજ ખૂટી જાય અને એ બીજું કામ છોડીને ત્રીજું કામ કરવા લાગી જાય. એ ત્રીજા કામને પૂર્ણ કરવાને આરે પહોંચ્યો, હોય ત્યાં એમ થાય કે આ ચોથું કામ નહીં થાય તો તો મુશ્કેલીનો પાર નથી.
આવી બધી દ્વિધા, અનિશ્ચિતતામાંથી બહાર નીકળવા માટે સૌથી મહત્ત્વનું કામ એવું છે કે રોજિંદા કામની અગ્રતાક્રમ પ્રમાણે યાદી કરવી. પરંતુ આ સિવાય બીજી બે યાદી કરવી જરૂરી છે. એક યાદી એવી છે કે તમે તમારા જીવનમાં જે જે બાબતોમાં પરિવર્તન લાવવા ચાહતા હો તેનો વિચાર કરો. એ પરિવર્તનમાં લાભદાયી પરિબળો અને અવરોધક પરિબળોનો ખ્યાલ કરો અને એ રીતે પરિસ્થિતિનો સમગ્રતયા વિચાર કરીને તમે આ બીજી યાદી અગ્રતાક્રમ ક્રમ પ્રમાણે તૈયાર કરો.
અને ત્રીજી યાદી તમારે જીવનમાં જે હાંસલ કરવું હોય તેની કરો અને તેને માટે કઈ કઈ બાબતો શીખવી જરૂરી છે અને કેવી કેવી ક્ષમતા આવશ્યક છે એની નોંધ કરો. આવી અગ્રતાક્રમ અનુસારની યાદી વ્યક્તિને એના રોજિંદા જીવનથી જીવનના બદલાવથી કે જીવનના ધ્યેયથી ચલિત થવા દેશે નહીં.