સફળતાનો આનંદ

એકસો મીટરની દોડ એ જગતની સૌથી ઝડપી દોડ કહેવાય છે. એમાં ખેલાડી ટૂંકા અંતરને કાપવા માટે પોતાની પૂરી તાકાત નિચોવી દે છે. કેટલીક વ્યક્તિઓ સફળતા હાંસલ કરવા માટે જિંદગીમાં હંમેશાં એકસો મીટરની દોડ દોડતા હોય છે. એની આ આંધળી દોડમાં એ સતત સફળતાનો નશો કરતો રહે છે અને એના જીવનમાં ક્યારેય એ થોડી વાર શાંત ચિત્તે, સ્થિર મને પોતાની જાતનો વિચાર કરતો નથી. અઢળક સંપત્તિ મેળવનાર માનવી કેટલો બધો દોડતો રહે છે અને સફળતાનાં એક પછી એક શિખર સર કરવા માટે અવિરત પ્રયાસ કરતો રહે છે. સત્તાના કૅફમાં દોડતો રાજકારણી અવિરતપણે પોતાની સત્તા જાળવવાનો અને વધુ સત્તા મેળવવાનો વિચાર કરતો હોય છે.

ઘણી વાર સફળતા માટે દોડતી વ્યક્તિ નક્કર ધરતીનો વિચાર કરતી નથી. એ જીવનની પાયાની હકીકતો ભૂલી જાય છે અને પહેલો ભોગ પોતાની તંદુરસ્તીનો લે છે. સ્વાસ્થ્યની સહેજે પરવા કરતો નથી અને છેવટે એવું બને છે કે એને દેશના વડાપ્રધાનનું પદ મળે, પણ એ મેળવવાની દોડમાં એટલો બધો થાકી ગયો હોય છે કે લોકસભાની પાટલી પર સૂઈ જાય છે !

ધનવાન અઢળક ધન વચ્ચે જીવતો હોવા છતાં એનો દેહ રોગોનું ઘર બની ગયો હોય છે. આવી વ્યક્તિઓની પ્રાપ્તિ સાથે જ પ્રશ્નો ઊભા થતા હોય છે, આથી જ સફળતા માટે પ્રયાસ કરતા માનવીએ પોતાના જીવન- સરંજામનો વિચાર કરવો જોઈએ. એણે વિચારવું જોઈએ કે તંદુરસ્તી, ઘરની શાંતિ, કુટુંબનો સ્નેહ, શોખ, પ્રેમાળ સબંધ અને સદ્કાર્યોની પ્રવૃત્તિ સાથોસાથ ચાલવી જોઈએ, તો જ સફળતાની પ્રાપ્તિ પછી સફળતાનો આનંદ પામવો અને માણવો શક્ય બનશે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑