જીવનમાં સૌથી મોટો પડકાર હોય તો એ છે કે આપણું મન આપણી ઇચ્છાને ખોટે માર્ગે લઈ ન જાય. જો મન ઇચ્છાને અવળે માર્ગે દોરી જાય, તો વ્યક્તિના જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય આવે છે. મન એને ખોટે માર્ગે લઈ જઈને વધુ ને વધુ નબળો બનાવે છે. વ્યસન કરનાર માણસને એનું મન સતત નિર્બળ બનાવતું રહે છે. એની ઇચ્છાને વધુ ને વધુ તીવ્ર બનાવે છે. આળસુને એનું મન વધુ આળસુ બનાવે છે, અનિષ્ટ વિચારો કરનારને એનું મન અનિષ્ટોથી ભરેલી દુનિયામાં સતત દોરી જાય છે. કોઈ વ્યક્તિ શરાબી બને. એ શરાબી બને એટલે એને પૈસાની જરૂર પડે, તેથી ઘરમાં ચોરી કરે. એને પરિણામે ઘરમાં કલહ જાગે, તો શરાબ પીધા પછી એનું મન ક્રોધિત થઈને મારપીટ કરે. આ રીતે શરાબની ઇચ્છાને વશ થયેલું મન વ્યક્તિને માત્ર દારૂથી જ નહીં, પણ અનેક રીતે નિર્બળ બનાવે છે.
એક વાર આળસ ઘર કરી ગઈ હોય, તો વ્યક્તિ તત્કાળ કાર્યસિદ્ધ કરવાને બદલે તરત જ કહેશે કે આજે નહીં, પછી ક્યારેક કામ કરીશું. પછીને દિવસે એ વિચારશે કે એકાદ દિવસ કામ કરવામાં વિલંબ કરીએ, તો એમાં વળી શું ખાટું-મોળું થઈ જવાનું છે ! પછીના દિવસે એ વિચારશે કે કામ થયું નથી, પણ જો કોઈ ચમત્કાર થાય ને ઊગરી જવાય તો સારું. માલિક બીમાર પડે તો સારું અથવા કામ લેવા આવનાર એને ભૂલી જાય તો સારું. આ રીતે મન સતત એને ક્યાંક અવળે માર્ગે લઈ જઈને એને વધુ ને વધુ નિર્બળ બનાવે છે, વધુ ને વધુ વ્યસનમાં ફસાવતું જાય છે. એના મનમાં પહેલાં એક અનિષ્ટ પ્રવેશે અને એની પાછળ પાછળ અનિષ્ટોની આખી સેના દડમજલ કરતી દાખલ થાય છે. આથી જ કહેવાયું છે કે ‘મન સાધ્યું એણે સઘળું સાધ્યું.’