માર્ગ અને મુકામ

એવરેસ્ટ આરોહણ કરનાર વચ્ચે કેટલા બધા પડાવ કરતો હોય છે. એક પડાવ કરે, ટેન્ટ બાંધે, થોડું ભોજન લે, આરામ કરે અને ફરી બીજા પડાવ ભણી ગતિ કરે. એક પછી એક પડાવ બાદ અંતે વ્યક્તિ એવરેસ્ટ પર વિજય હાંસલ કરે છે. આપણા જીવનનાં ધ્યેયો પણ એવરેસ્ટ જેવાં છે.

પ્રત્યેક વ્યક્તિ ધ્યેય નક્કી કરે છે, પણ સાથે એના પડાવનો વિચાર કરતો નથી. જીવનમાં માત્ર ઊંચું નિશાન રાખે કશું થતું નથી, મહાન આદર્શ કે ઉચ્ચ ધ્યેય રાખવાથી કશું વળતું નથી. એને માટે તો તમારે લક્ષ્ય નક્કી કરવાની સાથોસાથ વચ્ચેના પડાવ પણ નક્કી ક૨વા પડે છે. જેમ મૅરેથૉનની લાંબી દોડ દોડનાર વ્યક્તિ એની દોડનું સુંદર ‘પ્લાનિંગ’ કરતો હોય છે. ક્યારે ધીમે દોડવું અને ક્યારે તીવ્ર ગતિએ દોડવું એ દોડનાર નક્કી કરતો હોય છે. મૅરેથૉનના પ્રારંભે જ એ ઝડપી અને તીવ્ર દોડ લગાવે, તો થોડી વારમાં થાકીને લોથપોથ બની જાય અને અંતે પરાજય પામે.

આથી જીવનમાં લક્ષ્ય, ધ્યેય કે આદર્શ નક્કી કરવાની સાથોસાથ ત્યાં સુધી પહોંચવાનાં પગથિયાંઓ રચવાં પડે છે. દેશના વડાપ્રધાન બનવાની ઇચ્છા હોય, તો પહેલાં મ્યુનિસિપલ કૉર્પોરેટર, ધારાસભાના સભ્ય કે રાજ્યનું મંત્રીપદ મેળવીને આગળ વધાય છે. આઈ.એ.એસ. થઈને ઊંચા દરજ્જાની નોકરી મેળવવી હોય, તો હાયર સેકન્ડરીમાં પહેલાં સારા માર્ક્સ મેળવવા જરૂરી બને છે.

જીવનને ભલે સ્વપ્નસિદ્ધિની શોધ કહેવાતું હોય, પણ હકીકતમાં મહત્ત્વનું તો સ્વપ્નસિદ્ધિનાં સોપાન છે. માત્ર સ્વપ્નો નહીં, પણ એની ક્રમિક પ્રાપ્તિનો વિચાર કરવો જોઈએ. કૉલેજના અનુભવી આચાર્ય બનવાની ઇચ્છા રાખનારે પહેલાં સારા અધ્યાપક બનવાનો પ્રયાસ કરવો પડે છે. આમ, જિંદગીમાં ઊંચું લક્ષ્ય રાખનારે એની વચ્ચેના પડાવનો કે માર્ગમાં વચ્ચે આવતા મુકામનો પહેલાં વિચાર કરવો જોઈએ અને એની પ્રાપ્તિનું પ્રથમ આયોજન કરી પછી પરમ ધ્યેય હાંસલ કરવું જોઈએ.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑