અર્ધજાગ્રત મન પર કાબૂ રાખવો એ માટે જરૂરી છે કે એને કારણે મન તમારા નિયંત્રણમાં રહેશે. જો અર્ધજાગ્રત મન પર કાબૂ નહીં હોય, તો તમે આવતીકાલે પરીક્ષા હોય ત્યારે અભ્યાસ છોડીને ટેલિવિઝનની સિરિયલ જોવા બેસી જશો. અર્ધજાગ્રત મન વશમાં નહીં હોય તો, અત્યંત મહત્ત્વનો ‘પ્રોજેક્ટ’ કરતા હશો અથવા તો કોઈ ઉત્કૃષ્ટ કલાકૃતિ રચતા હશો અને અધવચ્ચે તમારો ‘મૂડ’ ચાલ્યો જશે અને પછી કામને આગળ ધપાવવાને બદલે તમારે એ ‘મૂડ’ના રિપૅરિંગમાં લાગી જવું પડશે. મૂડ પાછો લાવવા માટે પણ બીજા નુસખાઓ અજમાવવા પડશે અને એવી વ્યક્તિ રાહ જોવા લાગે છે કે ક્યારે ‘મૂડ’ પાછો આવે અને ક્યારે એ અધૂરું કાર્ય પૂર્ણ કરે.
કોઈ વિષય પર ગંભીર રીતે વિચાર કરવાનો હોય, ત્યારે ઘણી વ્યક્તિઓ ટોળટપ્પાં ક૨વા લાગી જાય છે. કોઈને માથે પુષ્કળ જવાબદારી હોય, છતાં એ જવાબદારી નિભાવવાને બદલે એનાથી દૂર ભાગે છે અને આવી ભાગનારી વ્યક્તિને નાસવામાં એનું મન સાથ આપે છે. ક્યારેક અનિયંત્રિત મન વ્યક્તિને કહે છે કે આજે મજા નથી, માટે જૉબ પર જવું નથી અથવા તો એને કહે છે કે લક્ષ્ય સિદ્ધ કરવા માટે આટલો બધો પરિશ્રમ શા માટે ? જો લક્ષ્ય સિદ્ધ ન થાય તો જીવનમાં કંઈ આફત તૂટી પડવાની નથી. આથી માનવીને માટે અર્ધજાગ્રત મન પરનો કાબૂ સૌથી મહત્ત્વનો છે.