પૃથ્વીને દેવભૂમિ બનાવવા માટે નવું નરક સર્જવાની જરૂર નથી

અતિ મહત્ત્વાકાંક્ષા ક્યારેક માનવતાની ઘાતક બને છે !

દેવાનુપ્રિય પ્રિયદર્શી સમ્રાટ અશોકને, કલિંગના અભૂતપૂર્વ વિજય પછી, એક મહાન આકાંક્ષા જન્મી :

આ સૃષ્ટિને દેવભૂમિ જેવી બનાવું; પૃથ્વીપટ પરથી પાપને સમૂલ ઉખેડી નાખું; અધર્મનો સર્વથા સંહાર કરું ને નાસ્તિકતાનું નિકંદન કાઢી નાખું ! પણ આ સંસારને સુધારવા માટે પ્રેમ કરતાં ભય વધુ જરૂરી છે.

મંત્રીરાજે કહ્યું : પ્રભુ, કેટલાક જન્મથી જ પાપભીરુ હોય છે. તક હોય તોય તેઓ પાપ આચરતા નથી; પણ કેટલાક સ્વભાવથી પાપ-પ્રિય હોય છે. યમ સિવાય એમને પાપમાંથી કોઈ પાછા હઠાવી શકતું નથી. તેઓને માટે આપનો કૃપાપ્રસાદ નહિ, પણ આપનો રાજદંડ જરૂરી છે. આથી તો શાસ્ત્રમાં રાજદંડને યમદંડ જેવો વર્ણવ્યો છે, પ્રભુ !’

મહારાજ અશોકને આ વાત ગળે ઊતરી ગઈ. એ બોલ્યા : જરૂ૨, એ માટે એવા પાપીઓને યમદંડની ખાતરી થાય તેવું યમ-આગાર બનાવો. નરકની વેદનાઓને પૃથ્વી પર સાકાર કરો ! પ્રેમથી નહિ, પણ ભયથી કદાચ માણસજાત સુધરી જાય. મારે તો આ રીતે કે બીજી રીતે આર્યાવર્તને બીજી દેવભૂમિ બનાવવી છે.’

યમ-આગાર નિર્માણ થયું. એને જોવું એ તો હૃદયની કસોટી હતી, પણ એનું વર્ણન સાંભળતાંય રોમ રોમ થીજી જાય ! દયા-માયા ન જાણતા હોય એવા એક આજ્ઞાંકિત અધિકારીની નિમણૂક થઈ. મનુષ્યને જીવતા શેકવાના, શક્કરિયાની જેમ ભૂંજવાના, તલની જેમ પીલવાના, અગરબત્તીની જેમ બાળવાના અને સંહારીને રાઈ રાઈ જેવડા કટકા કરવાના સંચા ગોઠવવામાં આવ્યા. નામ સાંભળીને માણસ ભયભીત થઈને મૃત્યુ પામે એવું એ યમ-આગાર તૈયાર થયું. પાપીઓ સાથે કડક હાથે કામ લેવા માંડ્યું. કારમો ત્રાસ વર્તી રહ્યો. સોયના ચોરને શૂળીની સજા થવા માંડી.

આ ત્રાસ સામે કોણ પોકાર કરે ? જો કોઈ પોકાર કરે તો એ પોકાર ખુદ ધર્મની સામે થાય ! અને ધર્મવિરોધીના નાશમાં કોણ ન માને વારુ ? પ્રિયદર્શી મહારાજા અશોક અધર્મના નાશ સિવાય વિશેષ શું કરી રહ્યા હતા ? સમસ્ત પ્રજાની જીભ રાજભયથી સિવાઈ ગઈ, ત્યારે ખુદ સમ્રાટ અશોકના બંધુ રાજા વીતશોકે આ કાર્યનો વિરોધ કરતાં કહ્યું :

‘રાજનૂ, ધર્મના વૃક્ષને ઉછેરવા માટે જુલમનાં જળ ન જોઈએ. ગમે તેટલો ઉત્તમ તમારો ન્યાય હોય, પણ આખરે તો માનવીય ન્યાય છે, એ ભૂલવું ન જોઈએ. ગમે તેટલો સારો કાયદો પણ મનુષ્યે બનાવેલો કાયદો છે. મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. એક ભૂલને મિટાવવા બીજી ભૂલ ન કરશો. પૃથ્વીને દેવભૂમિ બનાવવા માટે અહીં નવું નરક સર્જવાની જરૂર નથી. પૃથ્વી પર આપણે એવું પગલું ન ભરવું જોઈએ, જે પાછળથી ભૂલભરેલું લાગે તો સુધારી ન શકીએ.’

‘એટલે પૃથ્વીને દેવભૂમિ બનાવવાનું મારું સ્વપ્ન મિથ્યા થાય ?’

‘પૃથ્વીને પૃથ્વી જ રાખીએ, તોય ઘણું છે. એટલું જ એક રાજાનું કર્તવ્ય ! દેખાતો ગુનેગાર કેટલીક વાર નિરપરાધી હોય છે. ચક્ષુથી દેખાય તેટલું ને આપણી બુદ્ધિમાં સમજાય તેટલું જ સાચું નથી. કોઈ પણ વાતનો અતિ ઉત્સાહ એ પણ એક પ્રકારનું અનિષ્ટ છે. મહારાજ ! પૃથ્વીને પૃથ્વી રહેવા દો. સતને સત અને અસતને અસત રહેવા દો ! સતની સેવા કરો, અસતને પિછાણો.’

‘એ નહિ બને. માણસમાં દેવ અને પશુ બંને તત્ત્વ વસે છે. પશુતત્ત્વ માટે યમ-આગાર અનિવાર્ય છે. તેઓની પ્રીતિ મેળવવા માટે ભયની જરૂર છે.’ ‘હું એનો વિરોધ કરું છું.’

રાજાના ભાઈ છો એટલે કદાચ એ સહ્ય થશે.

રાજાનો ભાઈ થઈને વિરોધ નહિ કરું ! રાજનૂ, પ્રજાનાં દુ:ખ જાણવા ને જોવા મારે પ્રજાના જન બનવું પડશે. એ પ્રજાજનોની વચ્ચે જઈને તમારા નરકાગાર સામે વિરોધ જગાવીશ, પ્રજા જાગે તો રાજાએ જાગવું જ રહ્યું. મિથ્યા મહત્ત્વાકાંક્ષા જેટલું પૃથ્વીને દુ:ખી કરનાર બીજું કોઈ નથી.’ વીતશોકે એ દિવસે રાજમહેલ તજ્યો. ગરીબનાં વસ્ત્રો સજી, ગરીબની ઝૂંપડીઓમાં રહેવા એ ચાલ્યા ગયા. એ ક્યાં ગયા તેની કશી ભાળ મળી નહિ.

*

વસંત ઋતુ સોળે કળાએ ખીલી હતી. જંગલમાં નિરાંતે ફરતા હરણરાજોની આંખમાં પણ વસંતના રાગ પ્રગટ્યા હતા. પાટલીપુત્રથી થોડે દૂર મહારાજા અશોકના રાજ્યના મહાન વનપ્રદેશમાં એક પુરુષ નીચી મુખમુદ્રાએ બેઠો હતો. પાસે જનાનું ઝરણું વહેતું હતું. નાના નાના કાંકરાઓ ઉપર થઈને વહેતું ખળખળ જળ સંગીતની મજા આપતું હતું.

અચાનક વગડાને વીંધીને આવતી એક ચીસ સંભળાઈ : ‘રે, કોઈ બચાવો !’ સાથે ૨થ ને ઘોડાનો ઘરઘરાટ કર્ણગોચર થયો. હરણાના કાન ઊંચા થયા. પુરુષ ઊભો થયો ને એ અવાજની દિશા તરફ જોયું.

સામેથી એક રથ, હાંફતા બે ઘોડા સાથે આવતો હતો. એમાં ઇંદ્ર-ઇંદ્રાણીની શોભાને યાદ આપે એવું એક યુગલ બેઠું હતું. ગોદમાં ગુલાબના ગોટા જેવું નાનું બાળક હતું. ત્રણેનાં નેત્ર ભયથી વિહ્વળ હતાં. નારીનું રૂપ અપાર હતું, ગુલાબી કુમાશ આખા દેહ પર વ્યાપી રહી હતી.

‘વનવાસી પુરુષ દેવતા ! અમને દુ:ખિયાંને રક્ષણ મળશે ?’ મહારાજા અશોકના ઘોડેસવારો હમણાં આવી પહોંચશે. પુરુષે કહ્યું. એની ભયપૂર્ણ નજર ચારેતરફ ચકળવકળ થઈ રહી હતી.

અશોકના ઘોડેસવારો ? તેમાં તમને શો ભય ?” પુરુષે પ્રશ્ન કર્યો.

‘અમારા સર્વનાશનો ભય. મહારાજા નાસ્તિકોનો નાશ કરી રહ્યા છે. અમારું નામ એમની નામાવિલમાં ચડી ગયું છે. ધર્મ-પરિવર્તનની ઇચ્છા નથી, દેહ-પરિવર્તનથીય એ દુષ્કર લાગે છે. સગે હાથે શહીદી ન વહોરી શક્યા. જીવતા ભૂંજાવાની સજામાંથી બચવા અમે નાસી છૂટ્યા છીએ, પણ તેથી અમારો ગુનો હવે દ્વિગુણ બન્યો છે. એક તો અમે નાસ્તિક ને બીજું રાજઆજ્ઞાનું ઉલ્લંઘન ! હાથ પડતાં જ અમને કતલ કરવાની આજ્ઞા પણ છૂટી ચૂકી છે !’

વનવાસી પુરુષની નિસ્તેજ આંખોમાં લાલ હિંગળો પુરાયો. એણે પોતાના વાંકડિયા વાળ પર હાથ પસાર્યો, દાઢી સમારી ક્ષણવારમાં એની કાયા જુવાનની છટાથી ટટ્ટાર થઈ ગઈ. સમ્રાટ અશોક ધર્મને નામે રક્તપાત કરે છે ? શું આમ જ પૃથ્વીને દેવભૂમિ બનાવાતી હશે ? મહત્ત્વાકાંક્ષા પણ કેટલી ભયંકર ! રાજાનાં સિંહાસનો શું આમ જ શોભતાં હશે ? હરકત નહિ ! કોઈ મારનાર છે તો કોઈ જિવાડનાર છે ! ચાલો, મારી કુટીમાં ચાલો ! જીવના સાટે તમને જાળવીશ. ઘણા દિવસથી જેની રાહ જોવાતી હતી, એ ઘડી હવે આવી પહોંચી લાગે છે.’

વૃદ્ધે નાના બાળકને તેડી લીધું ને આગળ ચાલ્યો. જમીનની સરળ સપાટી પણ કાંટાની માફક ખૂંચતી હોય એમ પેલી સુંદર નારી અડધી ઊંચી પાનીએ પાછળ ચાલી. એની કંકુવર્ણી પાની ગમે તેવા દૈત્યને દયા ઊપજાવે તેવી હતી. બધાંને અંદર બેસાડી વનવાસી પુરુષ બહાર આવ્યો.

એવામાં મહારાજા અશોકના ઘોડેસવારો ઉતાવળે ઉતાવળે રથનો ચીલેચીલો દબાવતા આવતા હતા. વનવાસી પુરુષે પરિસ્થિતિ પારખી. એ સાવધ થયો. ઘોડેસવારોએ યમદૂતની ક્રૂરતાથી બૂમ પાડી : ‘એ વનવાસી, પેલાં નાસ્તિકો ક્યાં ગયાં ?’

વનવાસીએ કંઈ જવાબ આપવાને બદલે આગળ વધવા નિશાની કરી. પણ ઘોડેસવારોને વહેમ પડ્યો. એક જણ આગળ વધ્યો ને વનવાસીની કુટી તરફ તપાસ માટે જવા લાગ્યો.

‘ખબરદાર ! કોઈના રહેઠાણમાં જવાનો તમને કે ખુદ સમ્રાટ અશોકને પણ હક્ક નથી.’ વનવાસીની છાતી વેંતભર ઊંચી ઊછળતી હતી.

‘પ્રિયદર્શી સમ્રાટ અશોકનું આ રીતે નામ લેનાર તું કોણ ?’

‘જેણે એને રાજા બનાવ્યો એ એક પ્રજાજન ! રાજાને ધર્મની આડમાં હૃદયનો રક્તરંગી શોખ પૂરો કરવાનું કોણે શીખવ્યું ?’

‘સૈનિકો ! આ માણસે જ પેલાં નાસ્તિકોને સંઘર્યાં લાગે છે ! વધો આગળ, ને એના રહેઠાણની તપાસ લો ! એક પણ નાસ્તિક જગત ૫૨ જીવતો ન રાખવાનું સમ્રાટનું કડક ફરમાન છે. પહેલાં એનો હિસાબ કરી લઈએ.’

‘વનવાસી મહાહરામખોર !’ વનવાસીને તલવારના ઝાટકે હણી નાખ્યો. એની લાશને લાત મારતા સિપાઈઓ બબડ્યા. અચાનક એના હાથની કપાયેલી આંગળી પર વીંટી જેવું દેખાયું. વીંટીનો હીરો ઝગારા મારતો હતો. સૈનિકોએ મહારાજા આગળ એક વનવાસી પ્રજાજનની બેવફાઈની ગાથા ગાવાના પુરાવા તરીકે એ વીંટી સાથે લઈ લીધી. પેલા યુગલને પણ અધર્મનો નાશ કરવાનું કર્તવ્ય લઈને નીકળેલા સિપાહીઓએ હણી નાખ્યો.

*

સમ્રાટ અશોક સિંહાસને બેસીને ધર્મવરોધીઓના નાશનો હિસાબ તોળી રહ્યા હતા. તે સમયે સિપાહીઓના ઉપરીએ ઇનામની આકાંક્ષાથી વનવાસી નાસ્તિકની વીંટી સમ્રાટ અશોકને બતાવી અને કહ્યું કે, “મહારાજ ! મરતાં મરતાં પણ એણે પોકાર કર્યો : ‘માનવી માનવી વચ્ચે આ રક્તપાત ? ઓ પ્રભો ! પૃથ્વીને નરકમાં પલટાતી બચાવ ! પૃથ્વીને પૃથ્વી રહેવા દે !’

સમ્રાટે વીંટી આંખની વધુ નજીક લીધી, નામ વાંચ્યું ને ધરતીકંપનો આંચકો લાગે એમ એ સિંહાસનથી નીચે પડી ગયા.

‘હા, કોણ વહાલા ભાઈ વીતશોકની આ વીંટી ? તેમનું ખૂન.’

સમ્રાટ અશોક બેહોશ થઈ ગયા. જાગ્યા ત્યારે ભયંકર વિલાપ કર્યો: ‘હું બંધુઘાતક, નિર્દોષનો હત્યારો ! પુણ્ય માટે પાપનો પ્રચારક !’

મહત્ત્વાકાંક્ષામાં ખોવાઈ ગયેલું, મા-બાપ ને બહેન-ભાઈ, પત્ની-પતિ કે માતા-પુત્રનું હૈયું એમનામાં સળવળ્યું. એ હોશમાં આવ્યા ત્યારે એમણે માથું કૂટ્યું. એમને લાગ્યું કે ગમે તેવા ઘાતકની હત્યામાં પણ કોઈ ભાઈ-બહેનના, કોઈ પિતા-પુત્રના કેવા હાયકારા હોય છે !

બીજે દિવસે ઠેર ઠેર રક્તપાતની બંધીનાં ફરમાન ચોડાવા લાગ્યાં. એમાં લખ્યું હતું કે તમારા પ્રિયદર્શી સમ્રાટની આકાંક્ષા પૃથ્વીને દેવભૂમિ બનાવવાની છે, પણ પૃથ્વી કદાચ દેવભૂમિ ન બની શકે તોપણ અમે એને નરકભૂમિ તો બનાવવા માગતા નથી. પૃથ્વી પૃથ્વી રહે, એમાં વસતા માણસમાં ક્ષમા ને પ્રેમ રહે, તોય ઘણું છે.

એક વનવાસીની કુરબાનીએ હજારો પિતા-પુત્ર, ભાઈબહેન, પતિ-પત્નીની જોડ અખંડ રાખી. પ્રજા એ ઉપકારી વનવાસીની પૂજા-આરતી કરી રહી. અશોકના મરનાર ભાઈ વીતશોક પ્રજાહદયના સાચા સમ્રાટ બન્યા હતા, જ્યારે અશોક હજી સાચો સમ્રાટ થવા વલખાં મારતો હતો.

1-8-2024

ઈંટ અને ઈમારત

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑