તમારી આંખ અને કાન પર ભરોસા નહીં કરી શકો !

એક સમયે કલ્યાણકારી શોધોએ માનવજીવન પર આશીર્વાદ વરસાવ્યો. પાષાણયુગમાં ઉત્ક્રાંતિ શરૂ થઈ, વૃક્ષના થડને ગબડતું જોઈને ચક્રની શોધ થઈ, બે પથ્થર એકબીજા સાથે ઘસાતાં અગ્નિ પેદા થયો. આમ માનવજાતિના પ્રારંભકાળમાં થતી શોધ માનવજાતિને માટે સુખાકારીરૂપ બની રહી, પરંતુ એ પછી માનવી ખુદ માનવીના લોહીનો તરસ્યો બન્યો. વિરોધીને હણી નાખવાથી શરૂ થયેલી એની ક્રૂરતા વધુ ને વધુ બહેકતી ગઈ. સત્તા, પ્રભુત્વ અને અધિકારને માટે એ સાવ સહજ હોય તેમ ક્રૂરતાનો આશરો લેવા લાગ્યો.
૧૯૪૫ની ૧૬મી જુલાઈએ અમેરિકાએ પ્રથમ ૫૨માણુ બૉમ્બનું સફળ પરીક્ષણ કર્યું અને પછી એની પરમાણુ તાકાતના જોરે જગતને નમાવવા નીકળ્યું. વિનાશની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ, ક્રૂરતાના સીમાડા જમીનદોસ્ત થઈ ગયા, માનવતાને મોતના હવાલે કરી દેવામાં આવી.
૬ઠ્ઠી ઑગસ્ટના રોજ અમેરિકાએ જાપાનના હિરોશીમા શહે૨ ૫૨ બૉંબ નાખ્યો અને નેવું ટકા શહેરનો નાશ થયો. એંસી હજાર લોકો મૃત્યુ પામ્યાં. જાપાનની શરણાગતિ માટેની અમેરિકાની ભૂખ એને વધુ સંહાર તરફ દોરી ગઈ. ત્રણ દિવસ બાદ જાપાનના નાગાસાકી શહે૨ પર બીજો બૉંબ નાખ્યો. ચાલીસ હજાર લોકો મૃત્યુ પામ્યા. એના કિરણોત્સર્ગના સંસર્ગથી પણ કેટલાય લોકો મૃત્યુ પામ્યા અને વર્ષો સુધી રેડિયેશન અને કૅન્સરની બીમારીથી લાખો લોકો પીડાતા રહ્યા.
હજી આજેય એ પીડાગ્રસ્તોની પીડા ઓછી થઈ નથી, પણ એના કરતાંય વિશેષ પીડા તો માનવતાને થઈ. આવો પારાવાર વિનાશ જોયા પછી પણ માનવજાત ક્યાંય ને ક્યારેય થંભી નહીં. એ તો ભર- ઊંઘમાં ચાલતી જ રહી અને વિનાશ વેરતી રહી. ક્રૂરતાએ એના કાળજામાં કબજો જમાવ્યો. યુદ્ધમાં થતી જાનહાનિ આંકડાઓની રમત બની ગઈ. એનાં વિનાશક દૃશ્યો એ ટેલિવિઝન પર નિહાળવાની બાબત બની ગયા.
ઘાતક શસ્ત્રોને ઓળંગીને ચીન જેવાએ તો બાયૉલૉજિકલ વેપન્સ તરીકે કોરોનાના રોગચાળાનો ઉપયોગ કર્યો. એક સમયે માનવીની સુખાકારી માટે કામ કરતું જ્ઞાન અને વિજ્ઞાન હવે વિસ્ફોટ અને વિનાશને માર્ગે ચાલી રહ્યું છે. ટેલિવિઝન પરનાં યુક્રેન અને ગાઝાની તબાહીનાં દૃશ્યો નજ૨ સામેથી પસાર થાય છે, પરંતુ એની આજે માનવીય સંવેદના ૫૨ લેશમાત્ર અસર થતી નથી. વિજ્ઞાન હવે માનવજાતની સુખાકારી છોડીને વિનાશક દાવપેચો અજમાવવા માટે કામે લાગ્યું છે.
આની ખોજમાં નીકળેલો માણસ આજે છેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી પહોંચી ગયો છે અને હવે ફરી એક નવો સવાલ જાગ્યો છે. પરમાણુ શક્તિની ખોજ થઈ, ત્યારે વિચાર્યું કે માનવજાતને માટે એ કલ્યાણકારી નીવડશે, પણ તે ઉપકારક બનવાને બદલે વિનાશકારી સાબિત થઈ. આજે અનેક દેશો અણુબૉંબ ધરાવે છે એવા ગુમાનમાં ઘૂમી રહ્યા છે. જાણે હાથમાં બૉંબ રાખીને ઈરાન ઇઝરાયેલને ભય પમાડે અને પાકિસ્તાન ભારત સામે આંખ ઊંચી કરે અને રશિયા યુક્રેનને ઘૂંટણભેર નમન કરવા માટે ધમકી આપે.
જગત આખું પળેપળ ત્રીજા વિશ્વયુદ્ધનો ભય સેવે છે. એક બાજુ જગતના લાખો લોકોને પાણી મળતું નથી અને બીજી બાજુ જગતના દેશો પાણીપતનું યુદ્ધ ખેલવા તૈયાર થઈ ગયા છે ! આ ધરતી પર રામ આવ્યા, બુદ્ધ, મહાવીર અને ક્રાઇસ્ટ આવ્યા અને એ સહુએ પોતાના ઉપદેશમાં માનવતાને ગૂંથી લીધી. ઉચ્ચ ભાવનાઓ અને ઉદાર ગુણોનો મહિમા કર્યો, પરંતુ એ ધર્મભાવનાઓની આજે શી હાલત કરી છે. આજે ધર્મ એ મતપ્રાપ્તિની અને સત્તાપ્રાપ્તિની સીડી બની ગયો છે અને પરિણામે સત્તાની સાઠમારીમાં ઝનૂની ધર્મભાવનાઓનું કુરુક્ષેત્ર ચાલ્યા કરે છે !
આજના વિશ્વમાં અડધોઅડધ દેશોમાં એવા લોકો સત્તા પર બેઠા છે કે જેઓ ધર્મના માધ્યમનો ગલત ઉપયોગ કરીને અધર્મને પ્રસરાવે છે. ધર્મોની આત્યંતિકતાએ ધીરે ધીરે પ્રજાના દિમાગ પર એવું પ્રભુત્વ મેળવ્યું છે કે રાજકારણીઓ એનો પૂરો લાભ ઉઠાવે છે. આ જગતમાં ચોતરફ ગરીબી છે, ભૂખમરાથી રોજેરોજ કેટલાય લોકો મરી રહ્યા છે, પ્રદૂષણથી માનવજીવન હચમચી ઊઠ્યું છે. આવે સમયે જગતની સુખાકારી ભૂલીને ધર્મ અને વિજ્ઞાન પેલા ઊંઘતા માણસની જેમ નિરુદ્દેશ રહેલી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આપણે સામાન્ય રીતે માણસો પર આધારિત બાબતો હવે મશીનોથી કરી શકીશું. એ કમ્પ્યૂટ૨ પ્રોગ્રામને જાતે શીખવાની અને સમજવાની મદદ કરે છે. માનવબુદ્ધિનું હૂબહૂ અનુકરણ કરે છે.
ચોતરફ એમ કહેવાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શોધથી મનુષ્યજાતિએ ઉત્ક્રાંતિનું શિખર સર કર્યું છે અને એ સાચું છે કે એની કૃત્રિમ બુદ્ધિમત્તાના ફાયદાઓ માનવજાતિને જરૂ૨ થશે, પરંતુ એ.આઈ. જેમ વધુ સંશોધિત અને વ્યાપક બનતું જાય છે, તેમ તેમ કૃત્રિમ બુદ્ધિમત્તાનાં સંભવિત જોખમો વધતાં જાય છે. વિખ્યાત સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ તો કહે છે કે, ‘કૃત્રિમ બુદ્ધિનો વિકાસ માનવજાતિના અંતનું ભવિષ્ય ભાખી શકે છે’ અને એલોન મસ્કે પણ સ્વીકાર્યું હતું કે, ‘આપણે જાણીએ એના કરતાંયે વધુ સક્ષમ છે તેમજ એ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ નરકનો ભય મને સતાવે છે.’
શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નરક સર્જશે ? કે પછી આપણને સ્વર્ગના સુખનો અનુભવ કરાવશે ? આજે ધીરે ધીરે માનવીના રોજિંદા જીવન પર એની અસર પડતી જાય છે અને હકીકતમાં તો મોટા ભાગના લોકો દરરોજ કોઈ ને કોઈ રીતે આનો ઉપયોગ કરે છે. એણે માનવીના રોજિંદા જીવનમાં એટલો ઝડપથી પ્રવેશ કર્યો છે કે સ્ટેટિસ્ટાના એક અભ્યાસ પ્રમાણે તો વૈશ્વિક એ.આઈ. માર્કેટ ચોપન ટકા જેટલું વધશે. આજે માર્કેટિંગ, મૅન્યુફૅક્ચરિંગ અને હેલ્થકેર જેવા ઉદ્યોગોમાં આ ટૅક્નૉલૉજીનો ઝડપથી ઉપયોગ કરવામાં આવે છે અને એને પરિણામે લાખો લોકોને નોકરી ગુમાવવી પડશે. જેઓ ઓછા વેતનની નોકરી કરે છે, તેઓ પર સૌથી વધુ ખતરો છે. આવાં માણસોનાં કાર્યો એ.આઈ.ના ઉપયોગથી રોબૉટ ખૂબ ઝડપથી અને કુશળતાપૂર્વક કરશે, આથી ઘણી નોકરીઓ ગુમાવવી પડશે.
બીજી બાજુ જે નવી નોકરીની તકો ઉદ્ભવશે, તે માટે વ્યક્તિમાં આંતરિક પ્રતિભાની જરૂર રહેશે. શિક્ષણ અને તાલીમની જરૂ૨ ૨હેશે અને એથીયે વધુ વધારે ને વધારે સર્જનાત્મકતાની અવશ્યકતા રહેશે. કાયદો અને એકાઉન્ટિંગના વ્યવસાય પર એ.આઈ. પહેલો આઘાત કરશે. આ સંદર્ભમાં ટૅક્નૉલૉજી વ્યૂહરચનાકા૨ ક્રિસ મેસીનાએ કહ્યું છે કે, ઘણા વકીલો પોતાના કેસ અંગે હજારો દસ્તાવેજો અને કાગળો વાંચે છે. આમાં ક્યારેક મહત્ત્વની વાત એ ચૂકી પણ જાય છે. જ્યારે કેસમાં જે પરિણામ હાંસલ કરવાનો પ્રયાસ કરો છો, તેને માટે વ્યાપક પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતું એ.આઈ. ઘણા કૉર્પોરેટ વકીલોને ઘેર બેસાડી દેશે !
એક સૌથી મોટું ભયસ્થાન એ સામાજિક મૅનિપ્યુલેશનનું છે.
રાજનેતાઓ એમના દૃષ્ટિકોણને વધુ પ્રગટ ક૨વા માટે આ પ્લૅટફૉર્મ ૫૨ વધુ ને વધુ આધાર રાખે છે. પ્રત્યક્ષ લોકસંપર્ક ગઈકાલની ઘટના બની જશે. ૨૦૨૨ની ચૂંટણી દરમિયાન ફર્ડિનાન્ડ માર્કોસ, જુનિયરે ફિલિપાઇન્સવાસીઓના મત મેળવવા માટે ટીકટોક ટ્રોલ આર્મીનો ઉપયોગ કર્યો હતો. રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં ડીપફેક્સના પ્રકાશમાં ઑનલાઇન મીડિયા અને સમાચારો અત્યંત અસ્પષ્ટ બની રહ્યા છે. નેતાઓ, કલાકારો અને અન્ય વ્યક્તિઓ વિશે ખોટી માહિતી અને પ્રચાર ક૨વામાં આવે છે. આથી જ ફોર્ડે કહ્યું, ‘આને કા૨ણે કોઈને ખબર નથી કે વાસ્તવિક શું છે અને શું નથી. તેથી એ ખરેખર તો એવી પરિસ્થિતિ તરફ દોરી જાય છે કે જ્યાં તમે જે કંઈ સાંભળ્યું કે જોયું હોય તેના પર અર્થાત્ તમારા કાન અને આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.’
આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હકીકતમાં તો વ્યક્તિની ગોપનીયતા અને સુરક્ષા પર પ્રતિકૂળ અસર ક૨શે. વાસ્તવિકતા એ છે કે એના ભ્રામક જગતના ભયચક્રમાં માનવી ફસાઈ જશે, ડીપફેક અને ફેકન્યૂઝ એ એનું ઉદાહરણ છે અને સરમુખત્યારશાહી શાસન એના ઉપયોગથી પ્રજાજીવનની સાચુકલી ભાવનાઓનું ગળું ટૂંપી દેશે. આને પરિણામે સામાજિક આર્થિક અસમાનતાનું વિસ્તરણ થશે. કૃત્રિમ બુદ્ધિમત્તાને કારણે પૂર્વગ્રહોથી લોકો પ્રભાવિત થતા રહેશે અને એના દ્વારા સંચાલિત સ્વાયત્ત શસ્ત્રો વિશ્વને ક્યાં લઈ જશે તે પ્રશ્નાર્થ છે.
હવે તમે જ કહેશો કે માનવજાત આજે ઊંઘમાં અહીં-તહીં ભટકી રહી છે !
8-8-2024
ઈંટ અને ઈમારત