પર્વના પવિત્ર દિવસો તો અભયદાનનો અનુપમ અવસર ગણાય !
સાડાત્રણસો વર્ષ પહેલાંનું એક સવાર ઊગતું હતું. ખંભાત બંદરના ડક્કા ઉપર ઉષાનાં સુંદર અજવાળાં હમણાં જ પથરાયાં હતાં. ક્ષિતિજ સુધી પથરાયેલો રત્નાકર પોતાની ગોદમાં નૌકાઓને રમાડી રહ્યો હતો, પણ એ નૌકાનારીઓ કંઈક રિસાયેલી હતી. દિવસોથી અંતઃપુરમાં પૂરી રાખેલી મદભર માનુનીની જેમ, કેટલાય વખતથી લંગર નાખીને બંધનમાં પડી હતી. નૌકાઓ ઊપડવાની સર્વ તૈયારીઓ પૂરી થઈ ચૂકી હતી, પણ ઊપડવાનું બનતું નહોતું. માલ પીઠ પર લદાઈ ગયો હતો. તારણિયાં, દાણ, ઓચરિયાંની આપલે પણ થઈ ગઈ હતી.
દરિયો પણ ડાહ્યો હતો, ને હવા પણ અનુકૂળ હતી. પણ ન જાણે કેમ, ટંડેલો, નાખુદા, માલમો, નાવિકો, ખલાસીઓ હાથપગ જોડીને બેઠા હતા. સહુ દરિયાપીરને નીરખી રહ્યા હતા. કોઈ વિલંબનું કારણ પૂછે તો કહેતા : ‘દરિયે જોખમ છે !’
પૂછનાર કહેતા : ‘ત્યારે દરિયે તાળાં વસાયાં. અરે, ખંભાતના શાહસોદાગર અને ગોવાના બેતાજ બાદશાહ રાજિયા શેઠ જેવા ભડવીર ભયભીત થવા લાગ્યા, ત્યારે હવે માની લો કે આ વેપલો ચાલી રહ્યો !’
આ શબ્દો પૂરા ન થાય એટલામાં બે મસ્તાન અશ્વોથી ખેંચાતો એક સુવર્ણરથ બારામાં આવીને ઊભો રહ્યો. પાછળ બે સશસ્ત્ર અરબ ઘોડેસવારો હતા. સોનાચાંદીનાં શિખરવાળા અને મખમલ-મશરૂના પડદાવાળા એ રથને સહુ ઓળખતા હતા. બધા સાવધ થઈ ગયા, ને સ્વાગત માટે આગળ ધસી આવ્યા. હવા એક નૌકાથી બીજી નૌકાએ સંદેશો લઈ ગઈ : રાજિયા શેઠ આવી ગયા છે !’ એક સૂરજ તરફ હજાર આભલાં મંડાય, એમ બધી આંખો એ એક વ્યક્તિ તરફ વળી.
એ વ્યક્તિ વાતાવરણને ભરી દેતી. ન સ્થૂલ ન સૂક્ષ્મ, પડછંદ દેહયષ્ટિવાળી, ગૌરવભરી રીતે રથમાંથી ઊતરી. એના લાંબાપહોળા કપાળમાં કેસરનું બદામાકાર તિલક હતું. વિઝિટિંગ કાર્ડની રસમ વિનાના એ જમાનામાં આ તિલક ઓળખ આપવા માટે પૂરતું હતું. વાજિયા શેઠ જૈન હતા. એમની કસબી પાઘ ને ખંભાતી જોડા એમના વતનનો પરિચય આપતાં હતાં. કાનમાં રહેલાં બે કીમતી કુંડળો અને કંઠમાં પહેરેલો સાતસેરો હાર એમની સમૃદ્ધિની ઝાંખી કરાવતાં હતાં.
ઝીણી રેશમી કોરનું ધોતિયું, ગોવાના કોઈ ફિરંગી દરજીએ કંડોરેલો જામો, કેડે વીંટેલો જરિયાની દુપટ્ટો ને એમાં ખોસેલી રત્નજડિત કટારી વણિકત્વની સાથે એમના વીરત્વની સાક્ષી પૂરતાં હતાં.
આ વાજિયા શેઠ કાવી-ગંધારના વતની હતા. સ્તંભતીર્થ(ખંભાત બંદર)ના મહાન નાણાવટી રાજિયા શેઠના એ નાના ભાઈ હતા. આ રાજિયા શેઠ અને વાજિયા શેઠોએ 1661ની સાલના દુષ્કાળમાં તેત્રીસ લાખ રૂપિયા ખર્ચ્યા હતા, ને ‘પહેલો શાહ વાણિયો ને બીજો શાહ બાદશાહ’ એ બિરુદ હાંસલ કર્યું હતું. રાજિયા શેઠને પહેલી સલામ વણજારા સુખધને ભરી. એના વઢિયારા બળદોની પોઠો વિખ્યાત હતી. કહો તો પૃથ્વી ફરતો આંટો મારી આવે ને વિલાયતનાં બજારો વીંધતો આવે : એવો એ વણઝારો હતો. એણે કહ્યું : ‘હજૂર ! ખેપ જ ખાલી છે. ભરેલાં વહાણ ઊપડતાં નથી, ને બહારનાં વહાણ નાંગરતાં નથી. દિવસોથી બેઠાબેઠ છું. આટલા જીવોને પાળવા કેમ ? હું ઉપવાસ કરું, પણ એ કંઈ ઉપવાસ કરે ?”
‘જાણું છું,’ વાજિયા શેઠે ટૂંકો જવાબ વાળતાં કહ્યું : ‘પણ, સુખધન ! પારસનાથ પ્રભુના દેરાસરનો મુનીમ મારી પાસે ફરિયાદ કરતો હતો કે અનેક વાર ઉઘરાણી કર્યા છતાં સુખધન લાગો આપતો નથી. એક બળદે અડધું ફદિયું ભારે પડે છે, અલ્યા ? ધર્મનું દેવું સારું નહિ.’
‘જાણું છું, બાપ ! દેવનું દેણું છે. દૂધે ધોઈને દેવું છે. લાગો તો કોઈ વિસાતમાં નથી, પણ ધંધો જ ક્યાં ચાલે છે ?’
‘સુખધન ! દેવનું દેણું સારું નહિ. ધંધામાં બરકત ન આવે. એક મહિનાની નુકસાની પેઢી પરથી લઈ જજે, પણ ધરમનો લાગો આજે ને આજે ભરી દેજે.’ વાજિયા શેઠે કહ્યું.
‘અરે, શેઠજી, હવે ધરમના કામમાં ઢીલ નહિ થાય. તમે મને અને આ અબોલ અસંખ્ય જીવોને આજે જીવતદાન દીધું ! આપની ગાદી દિન દિન દુગણી તપો !’
વાજિયા શેઠ આગળ વધ્યા, એમણે કહ્યું, ‘જાણું છું કે હમણાં કચ્છ-કાઠિયાવાડના કેટલાક માથાભારે લોકોએ ભારે ત્રાસ ઊભો કર્યો છે : અરબી અને ફિરંગી ચાંચિયાઓ સાથે એ મળી ગયા છે.’
‘તો શું થશે ?’ બધા નાવિકોના મુખ પર ચિંતા ઘેરાઈ વળી.
‘થવાનું શું હતું ? આપણે પહોંચી વળીએ તેમ છીએ. પાણીમાં રહેવું ને મગરથી ડરવું એ કંઈ બને ? ગોવા સરકારે મદદ માટે વચન આપ્યું છે, પણ મેં જાણીજોઈને તમને જવા દીધા નથી. પર્વાધિરાજ પર્યુષણના પવિત્ર દિવસો માથે છે અને દરિયાઈ મામલા છે. એ દિવસોમાં કાંઈ મારામારી થાય એ ઠીક નહીં.’
બરાબર છે, ધર્મ-કર્મ બડી ચીજ છે. જુઓ, આજથી ત્રીજે દિવસે પર્યુષણ બેસવાનાં. બસ, ત્રણ દિવસ આ અને આઠ દિવસ પર્વના એટલા દિવસ બંધી : બારમે દિવસે તમતમારે હાંકી મૂકજો. દેજો દરિયામાં દોટ, રાખણહારો રામ છે.’ મુનીમે શેઠના કથનનો અર્થવિસ્તાર કર્યો ને આડકતરી રીતે વિદાયનો દિવસ નક્કી કરી આપ્યો.
‘બાર દિવસ તો વાતવાતમાં વીતી જશે.’ બધા આનંદમાં આવી ગયા. વાજિયા શેઠ પોતાના રથ તરફ પાછા વળ્યા, ત્યાં સાગરની સપાટી પરથી વહાણોનું એક ઝુંડ કિનારા તરફ પૂરઝડપથી ધસી આવતું દેખાયું. સહુ જોઈ રહ્યા. એકાએક ઓળખનારા ઓળખી ગયા ને બોલ્યા : અરે, આ તો કપ્તાન વીજરેલનાં વહાણ.’
વાત કરતાં કરતાં તો કપ્તાન વીજરેલનાં વહાણ કિનારે આવીને લાંગર્યાં. સાગરના સમ્રાટ સમો, શૌર્યની પ્રતિમા સરખો કપ્તાન વીજરેલ ઊતર્યો. આભને થોભ દેતું એનું મોટું મસ્તક, કદાવ૨ કાયા જોનારના દિલમાં ભય પેદા કરતાં. વીજરેલે હજારો ચાંચિયાઓનો ઘાણ કાઢવો હતો, ને અનેક લડાઈઓ લડ્યો હતો : જેની નિશાનીમાં એના દેહ ૫૨ અનેક ઘા હતા. વાજિયા શેઠને જોતાં જ એ પાસે આવ્યો, નમસ્કાર કર્યા ને કહ્યું : ‘હજૂર ! સાગરના સાવજને પકડી પાડ્યો છે. ચૌલના ખોજગીને સામી છાતીએ હરાવ્યો છે. સાથે જ બાંધીને લાવ્યો છું. ગોવા સરકારે એક લાખ લ્યાહેરીનો દંડ કર્યો છે. ન આપે તો દશમે દિવસે કાંધ મારવાનો હુકમ છે.’
મુશ્કેટાટ બંધાયેલો રાવણના અવતાર જેવો પડછંદ લૂંટારો ખોજગી વાજિયા શેઠના પગમાં પડ્યો. એણે દયાની માગણી કરી ને વચન આપવા લાગ્યો કે, ‘હવેથી તમારાં વહાણોની આડો પણ નહિ ઊતરું.’
‘કપ્તાન વીજરેલ, ખોજગી દયા માગે છે; સારી વર્તણૂકનું વચન આપે છે.’
‘એવાના ભરોસા શા ? કાલે ફરી જાય તો ?’
તો પછી વળી શું ? એ છે ને આપણે છીએ. બિલ્લીબાઈ રોજ ઘી ચાટી ન જાય. આપણે પણ એના જેવા મુછાળા મર્દો છીએ ને ?” વાજિયા શેઠે વણિકત્વ ને ક્ષત્રિયત્વ બન્નેનું દર્શન કરાવતા શબ્દો ઉચ્ચાર્યા.’ ગોળથી કામ સરે તો ઝેર ન વાપરવું, એ મતના આ વણિકશ્રેષ્ઠી હતા.
‘પણ દંડ કોણ આપે ?’
‘અમારા પર્યુષણ પર્વના મોટા દિવસો નજીક છે, એ જાણો છો ને ?’ વાજિયા શેઠે કહ્યું.
‘હા જી, આઠ દિવસ વહાણવટું બંધ રાખવાનો સરકારી હુકમ પણ છે.’ ગોવાના લશ્કરી કપ્તાન વીજરેલે કહ્યું.
‘અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે એ દિવસ એકગણું દાન ને સોગણું પુણ્ય ! કેટલો સસ્તો સોદો ! અને આ તો એક મનુષ્યને અભય આપવાનું કામ ! એક લાખ લ્યાહરી (રૂપાનો સિક્કો)ખજાનેથી લઈ જજો. મુક્ત કરો એ સાગરના સાવજને.’ વાજિયા શેઠની ઉદારતાએ ને ધર્મપ્રિયતાએ સહુને આંજી નાંખ્યા. દરિયાનો લૂંટારો ખોજગી એ દિવસે મુક્ત બન્યો.
*
એ પછી તો અનેક ચંદ્ર ઊગી ગયા, ને અનેક સૂર્ય આથમી ગયા. નૌકાગોરી રિઝાઈ ગયાં ને સાગરશ્યામ મનાઈ ગયા. પાપીને પણ દિલ હોય છે. ગમે તેવા વેરાન દિલમાં પણ કરુણાનાં જળ છાંટતાં કોઈ દિવસ લાગણીના અંકુર ફૂટે છે.
સાગરના સાવજ સમા ચૌલના ખોજગીએ ચાંચિયાગીરી છોડી વહાણવટાનો ધંધો આદર્યો. હરામના હજાર છોડી હલાલનો એક ખાવાનો નિરધાર કર્યો. રાજિયા શેઠ અને વાજિયા શેઠની કૃપા પણ એના પર ઊતરી. અધર્મીને ઉદ્ધાર્યાનો એમના દિલે આનંદ હતો. ખોજગીનાં વહાણ આ બે વણિકરાજોની કૃપાથી જાવા, સુમાત્રા, પેગુ ને સિંહલદ્વીપથી લઈને ચીન ને અરબસ્તાન સુધી ઝપાટો કરવા લાગ્યાં. પણ એક દિવસ સાગરસફરી ખોજગીનું જ વહાણ ચાંચિયાઓએ આંતરી લીધું. ભયંકર જલ-યુદ્ધ જામ્યું. સાગરના સાવજ સમો ખોજગી ખુદ બહાર આવ્યો, શસ્ત્ર સંભાળ્યાં ને યુદ્ધ જમાવ્યું. ભારે જંગ પછી, ઘણી મહેનતે, બહુ મોટી ખુવારી બાદ એણે ચાંચિયાઓના વહાણને કબજે કરી દિરયામાં ડુબાવી દીધું. જીવ બચાવવા નાસતા બાવીસ ચાંચિયાઓને કેદ કર્યા.
ખોજગીના ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી. એણે હુકમ કર્યો, ‘સમીસાંજે એ બાવીસેની કતલ કરી એમના પાપી દેહને દરિયામાં ફેંકી દેજો. પૃથ્વી પર પાપીઓનું નામોનિશાન ન રહે. ભાદરવાનો મહિનો હતો. ઓતરા-ચીતરાના તાપથી દરિયાનાં પાણી પણ તપી જતાં હતાં. આકાશમાં એકે વાદળું ન હતું.
સમી સાંજે આથમણા આભમાં રૂપાળી બીજ ઊગી આકાશી સુંદરીના ભાલની આડ જેવી એ શોભી રહી હતી. એ વેળા જલ્લાદોએ વહાણના તૂતક ૫૨ બાવીસે ચાંચિયાઓને હાજર કર્યા. કાળ ભૈરવ જેવો ખોજગી પણ પોતાની આજ્ઞાનો અમલ થતો જોવા ત્યાં હાજર થયો. ઇશારામાત્રની વાર હતી, પણ ત્યાં એક કહ્યું :
‘અમે બધા માથા સાટે માલ ખાનારા છીએ. ખડિયામાં ખાંપણ લઈને નીકળ્યા છીએ. મરવાનો ભય નથી, પણ અમે રાજિયા-વાજિયા શેઠની પ્રજા છીએ. વહાણવટું ભાંગતું ચાલ્યું એટલે આ કાળાં કામ કરવાનાં આવ્યાં. પેટની આગ છે ને ! પણ એક વાત કહું ?’ વૃદ્ધ ચાંચિયો પ્રશ્ન પૂછીને થોભી ગયો.
‘જલદી કહો, મારી તરવાર વધુ વખત સબૂરી નહીં ધરી શકે.’ ખોજગી સરદારે ભયંકર અવાજે કહ્યું.
‘હમણાં રાજિયા શેઠના પર્યુષણ પર્વના પાવન દિવસ ચાલે છે, એ વેળા તો ખૂનના કેદીને પણ માફી મળે. અમે તમારી માફી માગીએ છીએ. માફી આપવી, ન આપવી તમારી મરજીની વાત છે.’ વૃદ્ધ ચાંચિયાએ બે હાથ જોડતાં કહ્યું.
કાળમૂર્તિ બનેલ ખોજગી થોડી વાર કંઈ ઊંડા વિચારમાં ઊતરી ગયો. એને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. એને જ રાજિયા-વાજિયા શેઠના પર્યુષણ પર્વના દિવસોએ મોતના મુખમાંથી બચાવ્યો હતો. એ દિવસો દરેક રીતે પવિત્ર લેખાવા જોઈએ, અભયના ગણાવા જોઈએ. થોડી વાર વિચાર કરીને એણે હુકમ કર્યો : ‘રાજિયા શેઠના પર્વના પાવન દિવસ છે. છોડી દો બધાને !’ સહુનાં બંધન છૂટી ગયાં. સહુની તરવારો મ્યાન થઈ ગઈ. રાજિયા શેઠના પર્વના મોટા દિવસનો જયજયકાર બોલાવતા બાવીસે જણા ચાલ્યા ગયા.
કપ્તાન વીજરેલ વિચાર કરી રહ્યો :
સંસાર તો પડઘો-માત્ર છે. દયા કે કરુણાની વિલીન થયેલી એકાદ ક્ષણ મોડીવહેલી કોઈ અન્ય ક્ષણને જરૂર ઉજાળવાની. સંસાર તો માનવીનાં સારાંનરસાં કૃત્યોનો પડવો-માત્ર છે.’ ‘આજે આપણે ઉદાર, તો કાલે સંસાર ઉદાર ! પાણી વરસે ને પૃથ્વી ન પલળે એ કેમ બને ?”
5-9-2024
ઈંટ અને ઈમારત