અમે બાળકીને બચાવીશું ખરા, પણ એને જિવાડવું પડશે તમારે જ !

આજે વર્ષો વીત્યાં છતાં આફ્રિકાના નાયરોબી શહેરથી થોડે દૂર આવેલી ઝૂંપડપટ્ટીનાં એ ભયાવહ દૃશ્યો હજી આંખ સામે તરવરે છે !
ગરીબી, બેહાલી અને વ્યસનની નાગચૂડમાં રિબાતા ગરીબોને માથે રોજ ભૂખના કોરડા વિંઝાતા હોય, હાડપિંજર પર ચામડી લપેટી હોય એવું શરીર થઈ ગયું હોય, જીવનમાં નકરી શૂન્યતા હોય અને માત્ર એક જ વસ્તુની રાહ જોતા હોય કે ક્યારે રઝળતાં રઝળતાં આ મોત વહાલું થાય.
એમાં પણ એચ.આઈ.વી. પૉઝિટિવથી ગ્રસ્તની સ્થિતિ તો એવી દયાજનક હોય કે માણસને જીવન પરથી નહીં, બલ્કે માણસની ઈશ્વર પરથી શ્રદ્ધા ઊઠી જાય !
ઘરમાં પાળેલા કૂતરાને પ્રેમથી બોલાવીને રોટલો ખવડાવવામાં આવે, પરંતુ ઘરના કોઈ સ્વજનને જો એચ.આઈ.વી. સંક્રમણ થયું, તો એને ઘરમાંથી ધક્કો મારી બહાર કાઢવામાં આવે, એટલું જ નહીં, બલ્કે ઘરની બહાર એને દૂરથી રોટલો ફેંકવામાં આવે.
એચ.આઈ.વી.ગ્રસ્ત બાળક હોય કે યુવતી હોય, પણ એનું જીવન જીવતા નરકની યાતનામાંથી જ પસાર થતું હોય. એ બાળકના જીવનમાં એઇડ્સ થવાને કારણે એની જરૂરી કાળજી લેવાતી નથી તો બીજી બાજુ એને રહેવા માટે કોઈ આશરો મળતો નથી. તેથી એમનું નિર્દય રીતે જાતીય શોષણ કરવામાં આવે છે. માદક દ્રવ્યોની હેરાફેરી કરતાં તત્ત્વોના એ હાથમાં સપડાય છે અને ક્યારેક એ સ્વયં માદક દ્રવ્યોનો ભોગ બને છે. શોષણયુક્ત બાળમજૂરીનો શિકાર થાય છે અને એની પાસે ભીખ મંગાવનારા લોકો એને ત્રાસ આપતા હોય છે.
પોષણ અને આરોગ્ય જેવી બાબતો તો ક્યાંથી એમના સુધી પહોંચે ? ઘરમાંથી હકાલપટ્ટી પામનાર બાળકને શાળામાં પ્રવેશ ક્યાંથી મળે ? આથી બેહાલ દશામાં શેરીઓમાં ભટકતા ભટકતા કોઈ ખૂણામાં એ મોતની ચાદર ઓઢી લે છે. કેટલાક એમના નબળા સ્વાસ્થ્યને કારણે તરફડી તરફડીને મરવાને વાંકે જીવતા હોય છે. એચ.આઈ.વી ગ્રસ્ત યુવતીઓની સ્થિતિ તો અત્યંત બદતર હોય છે. એમનાં દૂરનાં સગાંઓ દ્વારા એ બળાત્કારનો શિકાર બનતી હોય છે અને સતત શારીરિક શોષણથી પીડાતી હોય છે. શાળાઓ એમને પ્રવેશ આપતી નથી અને એમાં પણ આ છોકરીઓનાં માતા-પિતાનું મૃત્યુ થાય એટલે એમને ઘરનું સઘળું કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, પરંતુ આ જગતમાં જેમ ઘોર અંધકાર છે, તેમ ઝળહળતો પ્રકાશ પણ છે. મહારાષ્ટ્રના પંઢ૨પુર શહેર નજીકના એક નાનકડા ગામમાં આજે સિત્તેર વર્ષનાં મંગલ તાઈ એચ.આઈ.વી.થી પીડિત ૧૫૦ જેટલાં અનાથ બાળકો માટે પાલવી નામની સંસ્થા દ્વારા કાર્ય કરી રહ્યા છે.
એમનું આખું નામ છે મંગલ અરુણ શાહ, પણ સહુ એમને ‘મંગલ તાઈ’ તરીકે ઓળખે છે. મરાઠીમાં ‘તાઈ’ એટલે ‘મોટી બહેન’ અને એમ એ સહુની મોટી બહેન હોય એ રીતે સંભાળ લે છે. એક વાર એમને જાણ થઈ કે અઢી વર્ષની અને દોઢ વર્ષની બે બાળકીઓને નજીકના ગામમાં ગાયના ગમાણમાં બાકીના શ્વાસ પૂરા કરવા માટે ત્યજી દેવાઈ છે. આ સાંભળી મંગલ તાઈનું હૃદય વેદનાથી છલકાઈ ગયું અને તેઓ તરત જ એ ગામમાં દોડી ગયાં. એમને ખ્યાલ આવ્યો કે જે બાળકીઓને આવી રીતે નોંધારી ત્યજી દેવામાં આવી છે, એમનાં માતા-પિતા એઇડૂઝને કારણે મૃત્યુ પામ્યાં હતાં. આ બંને છોકરીઓ પણ એચ.આઈ.વી. પૉઝિટિવ હતી, આથી એમનાં સગાંવહાલાંઓએ એમને ગમાણના એક છેડે ગૌશાળામાં ત્યજી દીધી હતી.
એની પાછળનું એક કારણ એ હતું કે પરિવારમાં કોઈને એઇડ્ઝ હોય તે ભારે શરમજનક બાબત ગણાતી હતી. વળી એનો કોઈને ચેપ લાગે, તો શું થાય ? સ્પર્શથી આ રોગનો ચેપ લાગે છે, એવી ખોટી માન્યતા ઘર કરી ગઈ હતી. મંગલ તાઈએ સહુને સમજાવ્યા અને ગ્રામજનોને પણ કહ્યું કે, ‘છોકરીઓની તમે સંભાળ લો તો સારું,’ પણ કોઈ એમને સ્વીકારવા તૈયાર નહોતા.
હવે કરવું શું ? એમને આમ નોંધારા તો કઈ રીતે છોડી દેવાય ? આથી મંગલ તાઈ અને એમની પુત્રી ડિમ્પલે આ બંને બાળકીઓને પોતાના ઘેર લઈ જઈને ઉછેરવાનો વિચાર કર્યો. એમણે આ છોકરીઓને ભોજન આપ્યું, સ્નાન કરાવ્યું અને પછી વિચાર્યું કે કોઈ અનાથાશ્રમમાં અથવા તો આવાં એચ.આઈ.વી. પૉઝિટિવ બાળકોની સંભાળ લેતા સેવાસદનમાં મૂકી આવીએ, પરંતુ આખાય સોલાપુર જિલ્લામાં અને સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં આવા રોગગ્રસ્તની સંભાળ લેનારી કોઈ સંસ્થા મળી નહીં.
બીજી બાજુ કોઈ સરકારી હૉસ્પિટલ એમને દાખલ ક૨વા તૈયાર નહોતી. અનાથ બાળકો માટે અનેક સંસ્થાઓ ચાલતી હતી, પરંતુ એ સંસ્થાઓએ જ્યારે જાણ્યું કે આ બાળકો એચ આઈ.વી. ધરાવતાં બાળકો છે, તો એમને પ્રવેશ આપવાનો ધરાર ઇન્કાર કરી દીધો. આખરે મંગલ તાઈએ વિચાર કર્યો કે, ‘જેનું કોઈ નથી એને મારે મારાં માનીને અપનાવી લેવા જોઈએ.’ બીજી કોઈ સંસ્થાની શોધ કરવાને બદલે એમણે જાતે જ આ બે નાની બાળકીઓની સંભાળ લેવાનું નક્કી કર્યું. મંગલ તાઈએ પોતાનો નિર્ણય પરિવારને જણાવ્યો. પહેલાં તો પરિવાર અકળાઈ ઊઠ્યો, પણ ધીરે ધીરે મંગલ તાઈનો મક્કમ ઇરાદો જોઈને એમનો વિરોધ શાંત થઈ ગયો.
મંગલ તાઈનું કામ સહેજે આસાન નહોતું, એનું કારણ એ કે એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકોને રહેવા માટે ઘર આપવા કોણ તૈયાર થાય ? અને જો તૈયાર થાય તો આસપાસનાં રહેવાસીઓ વિરોધ કરે. બીજી બાજુ મંગલ તાઈ અને ડિમ્પલે નક્કી કર્યું હતું કે, ‘આવાં બાળકોને શેરીઓમાં ભૂખ્યાં-તરસ્યાં મરવા માટે છોડી દેવાં નથી.’
વળી એક એવી ઘટના પણ જોઈ કે અહીંના રેલવેસ્ટેશન પર એક સફાઈકામદારે એક કૂતરાને મોંમાં પ્લાસ્ટિકની બૅગ લઈને ભાગતો જોયો એ થેલીમાંથી બહાર લોહી ટપકતું હતું. પેલા સફાઈકામદારને થયું કે થેલીમાં તો એવું શું હશે ? આથી એણે કૂતરાને ડરાવ્યો અને એ કૂતરો પ્લાસ્ટિકની બૅગ છોડીને ભાગી ગયો. એ બૅગમાં એક નવજાત શિશુ હતું. એ બાળકને કૂતરાએ થોડો કરડી ખાધો હતો અને એમાંથી લોહી નીકળતું હતું. એને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયા, પણ જ્યારે ડૉક્ટરને જાણ થઈ કે આ બાળક એચ.આઈ.વી. પૉઝિટિવ છે, ત્યારે એમણે કહ્યું કે અમે આ બાળકને બચાવીશું તો ખરા, પણ તમારે એને જિવાડવું પડશે અને મંગલ તાઈએ એ કામ માથે લીધું અને એણે ‘પલવી’ નામનું કેર હૉમ શરૂ કર્યું.
ઈ. સ. ૨૦૦૧ના માર્ચ મહિનામાં એની સ્થાપના થઈ અને પલવીનો અર્થ છે – ‘છોડનાં નવાં પાંદડાં’. આ પલવી સંસ્થા એ મહારાષ્ટ્રમાં એચ.આઈ.વી.ગ્રસ્તની સંભાળ લેતી પહેલી સંસ્થા બની. આજે બે નાની બાળકીઓની સંભાળ માટે શરૂ થયેલી આ સંસ્થાને ૭૦ વર્ષીય મંગલ તાઈ અને એમની પુત્રી ડિમ્પલ અને એમના પૌત્રો સંભાળે છે અને એચ.આઈ.વી. ધરાવતાં ૧૨૫ અનાથ બાળકોની એ સંભાળ લે છે. એમણે આ બાળકોને આરોગ્ય, શિક્ષણ, સલામત અને કલંકમુક્ત વાતાવરણ આપવાની સાથોસાથ હૃદયનો પ્રેમ અને ચહેરા પરનું હાસ્ય પણ આપ્યું છે.
મંગલ તાઈ અગાઉ નિરાધાર મહિલાઓ માટે રસોડું ચલાવતાં હતાં અને સરકારી હૉસ્પિટલમાં રક્તપિત્ત અને એચ.આઈ.વી. પૉઝિટિવ દર્દીઓ માટે નર્સ તરીકે સ્વૈચ્છિક સેવા આપતાં હતાં. એ સમયે જ એમણે આવા રોગ સાથે જીવતા લોકો પ્રત્યે આચરવામાં આવતી, હૈયું કંપાવી નાખતી ક્રૂરતાને જોઈ હતી, તો બીજી બાજુ એમની પુત્રી ડિમ્પલ પણ અનાથ આશ્રમોમાં સ્વયંસેવક તરીકે, રક્તપિત્તનાં દર્દીઓ, નિરાધાર મહિલાઓ અને સેક્સવર્કરોને મદદ આપતી હતી. આમ સેવાભાવના બંનેના લોહીમાં વહેતી હતી. સ્વામી વિવેકાનંદ, બાબા આમટે અને મધર ટેરેસાથી તેઓ પ્રભાવિત હતાં.
મંગલ તાઈએ ખુદ કેર હોમ બનાવવાનું નક્કી કર્યું. એમણે પંઢ૨પુ૨ નજીકના નાનકડા ગામ ટકલીમાં પોતાની સંસ્થાની સ્થાપના કરવાનું નક્કી કર્યું, ત્યારે એના ગ્રામજનોએ કશો ઉત્સાહ બતાવ્યો નહીં, બલ્કે એમની આ યોજના પર ઠંડું પાણી રેડવા પ્રયાસ કર્યો. કેટલાકે તો કહ્યું કે, ‘ગમાણમાંથી મળેલી આ બે બાળકીઓની આટલી બધી ફિકર શા માટે કરો છો ? માતાની માફક આવું જતન કરવાને બદલે એને નજીકના જંગલમાં મૂકી આવો અને એ બિચારી એની આવરદા હશે ત્યાં સુધી એ જીવશે.’
કોઈએ તો એવો તર્ક પણ આપ્યો કે, ‘વહેલા કે મોડા તેઓ મૃત્યુ પામવાનાં જ છે, તો પછી એમને જિવાડવા માટે આટલી બધી કોશિશ કરવાનો આવો કોઈ અર્થ ખરો ?’
આથી ગામમાંથી કોઈ કેર હોમ માટે મકાન ભાડે આપવા માટે તૈયાર થયા નહીં. મંગલ તાઈ જાણતાં હતાં કે આ લોકોના મનમાં એચ.આઈ.વી. પૉઝિટિવ અંગે ઘણી ખોટી માન્યતાઓ છે અને એથી તે એનો વિરોધ કરે છે. આથી એમણે બે નિર્ધાર કર્યા. એક તો મારે આવાં બાળકો માટે સંસ્થા સ્થાપવી અને એથીયે વધુ તો સમાજમાં ફેલાયેલી આ રોગ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ દૂ૨ ક૨વી. પડકારના આ બે હિમાલય પા૨ ક૨વાનો કર્મયોગ શરૂ કર્યો.
26-9-2024
ઈંટ અને ઈમારત