માલિક કે ગ્રાહક

વિશ્વના અગ્રણી મોટર-ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડ પોતાના વ્યવસાય અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડે ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર-ઉત્પાદન તેમજ લડાઈના માલસામાનના ઉત્પાદનમાં રસ લીધો, પરંતુ એમણે મોટર-કારના જથ્થાબંધ ઉત્પાદનથી ક્રાંતિ કરી.

વિશ્વના બધા દેશોમાં ફૉર્ડ કારના માંડલ ‘T’ ઉપરાંત બીજાં અનેક મૉડલો પ્રચલિત બન્યાં હતાં અને મોટરકારના ઉત્પાદનમાં ક્રાંતિ સર્જાતાં અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પણ ઘણો પ્રભાવ પડ્યો.

વિશ્વપ્રસિદ્ધ હેન્રી ફૉર્ડ પોતાના અંગત કામ માટે લંડન શહેરમાં આવ્યા અને બ્રિટનના લોકોને એ જાણીને આશ્ચર્ય થયું કે વિશ્વપ્રસિદ્ધ ફૉર્ડ-કારના નિર્માતા સ્વયં રૉલ્સ રોયસ કારમાં ફરી રહ્યા છે. કોઈએ આ અંગે એમને પૂછ્યું નહીં, પરંતુ જ્યારે તેઓ ઇંગ્લૅન્ડના સમ્રાટ જ્યોર્જ પાંચમાને મળવા ગયા, ત્યારે એમણે સવાલ કર્યો,

‘મિ. ફૉર્ડ, તમારી કારના વિજ્ઞાપનમાં તમે લખો છો કે ફૉર્ડ એ જગતની સૌથી સારામાં સારી મોટરકાર છે, તેમ છતાં ઇંગ્લૅન્ડમાં તમે તમારી કંપનીની કારને બદલે બીજી કંપનીની કારમાં કેમ ફરો છો ? આ બાબત ભારે અટપટી લાગે છે.’

ફૉર્ડે કહ્યું, ‘સમ્રાટ, એ વાત તો હું ચોક્કસ કહીશ કે મારી કાર એ વિશ્વની સૌથી ઉત્તમ કાર છે. મારા એ મતમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ તમને શું કહું ? હું મારા મૅનેજરને વારંવાર કહી ચૂક્યો છું કે મારે લંડનમાં ઘૂમવા માટે ફૉર્ડ કારની જરૂર છે, પણ એ કહે છે કે મોટર તૈયાર થતાં જ એ તરત વેચાઈ જાય છે. તેથી મારે માટે સવાલ એ છે કે ફૉર્ડ કાર ગ્રાહકને આપું કે માલિકને આપું ? આને પરિણામે હું ફૉર્ડમાં ફરી શકતો નથી અને તેથી સેકન્ડ બેસ્ટ કાર રૉલ્સ રૉયસનો ઉપયોગ કરું છું.’

ફૉર્ડનો આ ઉત્તર સાંભળીને સમ્રાટ ચકિત થઈ ગયા અને લોકોને આ પ્રસંગની જ્યારે જાણ થઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે ફૉર્ડની અપ્રતિમ સફળતાનું રહસ્ય શું છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑