શારીરિક શ્રમનો પ્રભાવ

રોડ્ઝ સ્કોલર અને ન્યૂયૉર્કના એટર્ની કર્નલ ઇંડી ઇગાન કામમાં અત્યંત વ્યસ્ત રહેતા હતા. ક્યારેક એમ વિચારતા કે ઘાણીના બળદની માફક એમને સતત મહેનત કરીને માનસિક ચકરાવા લેવા પડે છે. મન પર સતત ચિંતાનાં વાદળો રહેતાં હતાં, આમાંથી બહાર નીકળવા માટે એમણે એક નવો ઉપાય શોધી કાઢ્યો. એમણે જોયું કે જ્યારે જ્યારે એ કોઈ શારીરિક શ્રમ કરતા, ત્યારે મન પર ઘેરાયેલાં માનસિક ચિંતાનાં વાદળો વીખરાઈ જતાં હતાં. આથી એમણે જિમ્નેશિયમમાં જઈને પોતાની પસંદગીની રમત સ્ક્વોશ ખેલવાનું શરૂ કર્યું. આ સમયે એમનું મન પેલી ચિંતાઓના બોજથી મુક્ત થઈ જતું. એ પછી ક્યારેક ગૉલ્ફ કોર્ટનું ચક્કર લગાવતા અથવા તો પૅડલ ટેનિસની રમત રમતા.

આ શારીરિક શ્રમ કરતી વખતે એમને સતત એવો અનુભવ થયો કે આવા શ્રમને પરિણામે કાયદાની આંટીઘૂંટીમાં જકડાયેલું એમનું ચિત્ત એની સમસ્યાઓમાંથી મુક્ત થઈ જતું હતું અને હળવાશ અનુભવતું હતું. એક પ્રકારની નવી તાજગી અને નવી શક્તિ આવી હોય તેમ લાગતું. કર્નલ ઇડી ઇંગાને જોયું કે એ જ્યારે બૉક્સિંગ કરતા, ત્યારે એમના મનમાં કોઈ ચિંતા જાગવાની શક્યતા જ રહેતી નહીં.

બૉક્સિંગમાં એવી ધારદાર એકાગ્રતાની જરૂર પડતી તેમજ પ્રતિસ્પર્ધી પર સતત એવી નજર ઠેરવવી પડતી કે મનમાં ચિંતા તો શું, પણ કોઈ બીજો વિચાર જાગે એવી પણ શક્યતા રહેતી નહીં અને એને પરિણામે પછીના સમયમાં નવીન વિચારો આસાનીથી આવતા અને કપરાં કાર્યો સાવ સરળ લાગવા માંડતાં. આથી એમણે મનમાં એક સૂત્ર રાખ્યું કે મન જ્યારે ચિંતાગ્રસ્ત બને ત્યારે માનસિક શ્રમ લેવાને બદલે શારીરિક શ્રમ કરવા માંડો. એના પરિણામથી તમે પોતે નવાઈ પામશો.

અને ન્યૂયૉર્કના આ એટની ઑલિમ્પિક લાઇટ-હેવીવેઇટ ચૅમ્પિયન પણ થયા અને એ જ રીતે કાયદાની દલીલબાજીની જેમ મુક્કાબાજીમાં પણ માહેર બની ગયા.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑