ખરીદીનો ખ્યાલ

ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. પૂર્વે 479થી ઈ. પૂર્વે 39) એમ કહેતો કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.’ એનો એ આગ્રહ રહેતો કે એના તત્ત્વજ્ઞાનના વિચારો એના જીવનના આચરણમાં પ્રગટ થવા જોઈએ, કારણ કે જીવન સાથે સંકળાયેલા ન હોય એવા વિચારોનું સૉક્રેટિસને માટે કોઈ મૂલ્ય નહોતું. એમનો એક વિચાર એવો હતો કે ડાહ્યો માણસ ક્યારેય ઉડાઉ ન હોય, એને ખ્યાલ હોય કે જીવનમાં આગોતરી જાણ કર્યા વિના મુશ્કેલીના દિવસો પણ આવતા હોય છે, આથી તે બચત કરતો હોય છે.

આ તત્ત્વજ્ઞાની એમ કહેતો પણ ખરો કે મારી માતા દાયણ અને પિતા શિલ્પી હોવાથી મેં પણ એમના વ્યવસાયના ગુણો અપનાવ્યા છે. માતાના ગર્ભમાંથી દાયણ શિશુને બહાર કાઢે છે, તેમ પોતે જનમાનસમાંથી અજ્ઞાનને બહાર ખેંચી કાઢે છે. શિલ્પી જેમ પથ્થરમાં માનવઆકૃતિ કંડારે, એ જ રીતે એ માનવ-વ્યક્તિત્વને કંડારવાનું કામ કરે છે.

આથી સૉક્રેટિસ જ્યારે ગ્રીસના સૈન્યમાં હતો, ત્યારે બીજા બધા બૂટ-મોજાં પહેરીને બહાર નીકળતા, ત્યારે સૉક્રેટિસ ઉઘાડા પગે બીજાઓની જેટલી જ ઝડપથી ચાલતો હતો. એણે ક્યારેય બૂટ પહેર્યા નહોતા. એ ઍથેન્સની શેરીઓમાં અને બજારોમાં પોતાનો ઘણો સમય વિતાવતો હતો. અહીં કોઈ માણસ મળે અને કંઈક વાત શરૂ કરે એટલે એ પોતાની લાક્ષણિક ઢબે વાત કરવા માંડતો.

ઍથેન્સની શેરીઓ અને એના બજારમાં વારંવાર ઘૂમતા સૉક્રેટિસને એનો એક મિત્ર બજારમાં મળી ગયો. એણે સૉક્રેટિસને કહ્યું, ‘તમે આટલો બધો સમય બજારમાં ફર્યા કરો છો અને એકે ચીજવસ્તુ તો ખરીદતા નથી. તો પછી આમ શહેરની બજારોમાં આટલું બધું ઘૂમવાનો અર્થ શો ?’

તત્ત્વજ્ઞાની સૉક્રેટિસે હસીને કહ્યું, ‘ભાઈ, હું બજારમાં ફરું છું અને ત્યાંની સઘળી ચીજવસ્તુઓને નિહાળું છું અને વિચારું છું કે હું મારા જીવનમાં કેટલી બધી ચીજવસ્તુઓ વગર ચલાવી શકું છું.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑