દિલનો અવાજ

અમેરિકાના એલાબામા રાજ્યના મોબીલે શહેરમાં જન્મેલા (2011) ટિમ કૂકના પિતા ડોનાલ્ડ બંદર પર કામ કરતા હતા અને માતા ગેરાલ્ડીન ફાર્મસીમાં નોકરી કરતાં હતાં. એપલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કૂક વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીના સી.ઈ.ઓ. હોવા છતાં જીવનના નિર્ણયો લેવામાં સદૈવ પોતાના દિલના અવાજને મહત્ત્વ આપે છે.

ઓબર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને 1982માં તેઓ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં ગ્રૅજ્યુએટ થયા. સ્વાભાવિક રીતે જ સહુએ એમને એન્જિનિયરિંગના ક્ષેત્રે જઈને કારકિર્દી બનાવવાનું કહ્યું, પણ ટિમ કૂકને એન્જિનિયર બનવાને બદલે બિઝનેસમૅન થવાની તીવ્ર ઇચ્છા હતી. આથી એમણે એમ.બી.એ. થવાનો નિર્ણય લીધો અને 1988માં ચૂક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને એ એમ.બી.એ. થયા. એ પછી બાર વર્ષ એમણે વિખ્યાત આઈ.બી.એમ. કંપનીમાં કામ કર્યું, પણ એમના દિલને લાગ્યું કે ઘણું થયું, હવે કોઈ નવી કંપનીમાં જવું જોઈએ. આથી કોમ્પેક કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો મેળવ્યો અને હજી આ કંપનીમાં છ મહિના વિતાવ્યા હતા ત્યાં જ એક વિશિષ્ટ ઘટના બની.

એપલ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ સાથે મળવાનું બન્યું. બંને વચ્ચે પાંચેક મિનિટ વાતચીત થઈ, પણ ટિમ કૂકને સ્ટીવ જોબ્સની સાથે કામ કરવું એટલું બધું પસંદ પડ્યું કે આ પાંચેક મિનિટની વાતચીતમાં એમના દિલમાંથી અવાજ આવ્યો અને એમણે એપલ કંપનીમાં કામ કરવાનું સ્વીકાર્યું.

આજે ટિમ કૂક કહે છે કે આ દિલના અવાજને અનુસરીને કોમ્પેક કંપનીમાંથી એપલ કંપનીમાં આવ્યો, તે મેં મારા જીવનમાં લીધેલો શ્રેષ્ઠ નિર્ણય છે. આને કારણે મને સર્જનાત્મક જિનિયસ સાથે કામ કરવાની તક મળી અને અમેરિકાની આ મહાન કંપનીને આગળ વધારનારી એક્ઝિક્યુટિવ ટીમમાં સ્થાન મળ્યું.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑