કાર્યકુશળતાનો પ્રભાવ

ગ્રીસમાં એક નિર્ધન બાળક આખો દિવસ જંગલમાં લાકડાં કાપતો હતો અને સાંજે લાકડાનો ભારો બનાવીને બજારમાં વેચવા બેસતો હતો. એની કમાણી એ જ આખા પરિવારના ભરણપોષણનું સાધન હતી. આથી એ છોકરો ખૂબ મહેનત કરતો અને ખૂબ સુંદર રીતે લાકડાનો ભારો બાંધતો.

એક વાર આ છોકરો બજારમાં ભારો વેચવા માટે બેઠો હતો, ત્યારે એક સજ્જન ત્યાંથી પસાર થયા. એમણે જોયું તો આ છોકરાએ ખૂબ કલાત્મક રીતે લાકડાંનો ભારો બાંધ્યો હતો. બીજા લોકો જેમતેમ લાકડાનો ભારો બાંધતા હતા. થોડાં લાકડા બહાર નીકળી ગયાં હોય અને થોડાં સહેજ આમતેમ લબડતાં પણ હોય, જ્યારે આ છોકરાએ ખૂબ સુંદર અને વ્યવસ્થિત રીતે ભારો બાંધ્યો હતો. પેલા સજ્જને એ છોકરાને પૂછ્યું, ‘શું આ લાકડાનો ભારો તમે પોતે બાંધ્યો છે ?”

છોકરાએ આત્મવિશ્વાસ સાથે ઉત્તર આપ્યો, ‘હા જી, હું આખો દિવસ લાકડાં કાપું છું અને જાતે જ ભારો બાંધું છું અને આ બજારમાં વેચવા આવું છું.’

સજ્જને વળી પ્રશ્ન કર્યો, ‘તો શું તું આ ભારો ફરી ખોલીને બાંધી શકે ખરો ?”

છોકરાએ ‘હા’ કહીને માથું ધુણાવ્યું અને ભારો ખોલી ફરી એને અત્યંત સ્ફૂર્તિ અને ચપળતાથી સુંદર રીતે બાંધ્યો. આ સજ્જન આ બાળકનો આત્મવિશ્વાસ અને એની કાર્યકુશળતાથી અત્યંત પ્રભાવિત થયા અને એમને એમ લાગ્યું કે આ બાળક પાસે નાનામાં નાના કામને સુંદર અને વ્યવસ્થિત રીતે કરવાની ક્ષમતા છે. જો એને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળે, તો એ જરૂર જીવનમાં કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકે. એ સજ્જને એ છોકરાને કહ્યું, ‘તું મારી સાથે ચાલ. હું તને ભણાવીશ.’

અને છોકરો એ સજ્જન સાથે ગયો. એ સજ્જન હતા ગ્રીસના તત્ત્વચિંતક ડેમોક્રિટ્સ અને એણે જે બાળકને મદદ કરી તે ગ્રીસનો મહાન ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ પાયથાગોરસ. જેના ‘પાયથાગોરસ પ્રમેય’ આજે પણ પ્રચલિત છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑