કૃતિ એ જ સર્વસ્વ

બ્રિટનના વિખ્યાત શિલ્પકાર સ્ટોરીની વિશેષતા એ હતી કે તે એવી મૂર્તિઓનું નિર્માણ કરતો કે જાણે એ વ્યક્તિ સાક્ષાત્ જીવંત લાગતી.

એનાં શિલ્પોને સહુ ‘બોલતાં શિલ્પો’ કહેતા, કારણ કે વ્યક્તિના ચહેરાને પથ્થરમાં કંડારીને એને જીવંત કરવાની એની પાસે બેનમૂન કલા હતી.

શિલ્પી સ્ટોરીએ બ્રિટનના રમણીય ઉદ્યાનમાં મૂકવા માટે જ્યૉર્જ પિવોડીની મૂર્તિનું સર્જન કર્યું. આની પાછળ અથાગ પરિશ્રમ કર્યો. એના ચહેરાની રેખા પથ્થરમાં પ્રગટે એ માટે રાત-દિવસ મહેનત કરી.

ઉદ્યાનમાં એ શિલ્પનું અનાવરણ કરવાનું નક્કી થયું અને સહુએ એક અવાજે કહ્યું કે આ અદ્ભુત શિલ્પની અનાવરણ વિધિ આવા અનુપમ શિલ્પીના હસ્તે થવી જોઈએ, જેણે આવી કલા કંડારી, એને આ બહુમાન મળવું જોઈએ.

દેશમાં આવા કલાકાર વિરલા છે. આવી કલાપ્રતિભા પણ ક્યાં જડે છે. સ્ટોરીનું સન્માન એ દેશની કલાનું સન્માન છે.

રમણીય ઉદ્યાનમાં મોકાની જગ્યાએ જ્યોર્જ પિવોડીની મૂર્તિની અનાવરણ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. અનાવરણ કરતાં પૂર્વે સહુએ પ્રવચનો કર્યાં.

જનમેદનીના હર્ષનાદ વચ્ચે જ્યૉર્જ પિવોડીની મૂર્તિનું અનાવરણ થયું અને શિરસ્તા મુજબ સ્ટોરીને પ્રવચન આપવાનું કહેવામાં આવ્યું. સ્ટોરીની કલાસાધનાની રોમાંચક કથા સાંભળવાની સર્વત્ર જિજ્ઞાસા હતી. સહુ કાન માંડીને બેઠા હતા.

ત્યારે શિલ્પકાર સ્ટોરીએ એ મૂર્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું, “બસ, આ જ છે મારું ઉદ્ઘાટન-પ્રવચન.”

આટલું કહીને એ સ્વસ્થાને બેસી ગયો. હર્ષધ્વનિ કરતા લોકો સમજ્યા કે કલાકારની સમગ્ર કૃતિ એ જ એનું આખું પ્રવચન હોય છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑