ધૂળનું વાવેતર

‘ફિલાડેલ્ફિયા બુલેટિન’સામયિક એની કેટલીક વિશેષતાઓ માટે પ્રસિદ્ધ હતું. એની એક વિશેષતા હતી સત્યોને આકર્ષક રીતે પ્રસ્તુત કરવાની. એના સંપાદક ફ્રેડ ફૂલર શેડ છટાદાર શૈલીમાં એવી રીતે વિચારોનું આલેખન કરતા કે વાચકને તે અત્યંત હૃદયસ્પર્શી બની જતું. સાંપ્રત સંવેદનાઓ અને સમસ્યાઓનું તેઓ પ્રભાવક રીતે આલેખન કરતા.

સંપાદક ફ્રેડ ફૂલર શેડ આ કલામાં માહિર હતા. એક વાર આ સંપાદકને કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. ફ્રેડ ફૂલર શેડે કૉલેજના યુવાન વિદ્યાર્થીઓને પૂછ્યું,

“તમારામાંથી કોઈએ એમના જીવનમાં કોઈ લાકડું કાપ્યું છે ખરું ?”

આ વિસ્તારમાં એ સમયે ઘણા યુવાનો ખેતીકામ કરતા હતા. સંપાદકનો આ સવાલ સાંભળતાં ઘણાએ આંગળી ઊંચી કરી.

એ પછી એમણે બીજો પ્રશ્ન પૂછ્યો, “તમારામાંથી કોઈએ ખેતરમાં બીજની જગ્યાએ ધૂળની વાવણી કરી છે ખરી ?”

યુવાન વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા,

“આવું તે થતું હશે ? ધૂળ કંઈ વાવી શકાય ખરી ?”

ફ્રેડ ફૂલર શેડે કહ્યું, “દોસ્તો, તમારી વાત સાવ સાચી છે. ખેતરમાં ધૂળ વાવી શકાય નહીં, કારણ કે એ પહેલેથી જ ત્યાં મોજૂદ હોય છે, ખરું ને !”

વિદ્યાર્થીઓએ આ વાતનો સ્વીકાર કર્યો.

ફ્રેડ ફૂલર શેડે કહ્યું, “ભૂતકાળની બાબતોને વારંવાર ઉખેળીને વર્તમાનને વાવવાનો પ્રયાસ કરવો નહીં. અતીતમાં દફનાવેલી બાબતોને તમે સતત બહાર લાવવાનો પ્રયાસ કરશો, તો તે તમારા ખેતરમાં ધૂળ વાવવા જેવું ગણાશે. એનો કશો જ અર્થ નથી.”

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑