સાચું કારણ

છસો જેટલી સંગીતરચનાઓ કરનાર વૂલ્ફગોંગ એમિડિયસ મોઝાર્ટ (ઈ.સ. 1756-1791) ક્લાસિકલ યુગનો સૌથી પ્રભાવશાળી અને પુષ્કળ રચનાઓ આપનાર કમ્પોઝર હતો. બાલ્યાવસ્થાથી સંગીતની ઊંડી સૂઝ અને પ્રતિભા ધરાવનાર મોઝાર્ટે પાંચ વર્ષની વયે સંગીતનિયોજનનું કાર્ય શરૂ કર્યું અને આઠ વર્ષની વયે એની સંગીતરચનાઓ પ્રગટ કરવા લાગ્યો. માત્ર પાંત્રીસ વર્ષની જિંદગીમાં એણે વિપુલ પ્રમાણમાં સંગીતસર્જન કર્યું.

એક વાર આ મહાન કમ્પોઝરને મળવા માટે એક યુવાન આવ્યો. એણે મોઝાર્ટને પ્રશ્ન કર્યો, ‘તમે સાવ નાની ઉંમરે મહાન સંગીતકાર બન્યા હતા. પાંચ વર્ષની વયે તમે યુરોપનાં રાજ-રજવાડાંઓ સમક્ષ પોતાની રચના પ્રસ્તુત કરી હતી. તમે મને કહો કે મારે કઈ રીતે સંગીતમાં આગળ વધવું ?’

મોઝાર્ટે એને પિયાનોવાદનની કલા વિશે સમજણ આપી. વિવિધ પ્રકારનાં વાદ્યો કઈ રીતે વગાડવાં તે સમજાવ્યું અને છેલ્લે આ બધાને માટે કેવી દીર્ઘ સંગીતસાધનાની જરૂર પડે છે, તે અંગેની સલાહ આપી.

આટલું કહ્યા પછી એ યુવાનને કહ્યું, જો, આ બધી બાબતને તું અનુસરીશ અને સતત સાધના ચાલુ રાખીશ, તો ત્રીસમા વર્ષે સંગીતની દુનિયામાં તારો ડંકો વાગતો હશે !

મોઝાર્ટનો ઉત્તર સાંભળીને યુવાન અકળાયો. એણે કહ્યું, ‘તમે તો ઘણી નાની વયે જ મહાન કલાકાર બની ગયા હતા. કી-બોર્ડ અને વાયોલિન પર તો સાવ નાની ઉંમરે નિપુણતા હાંસલ કરી હતી. પાંચમા વર્ષે તમે કામિયાબી મેળવી અને આઠમા વર્ષે તો તમે તમારી પહેલી સિમ્ફની લખી હતી, તો પછી મને કેમ નાની ઉંમરે આવી સિદ્ધિ ન મળે, ત્રીસ વર્ષ સુધી મારે રાહ જોવી પડશે ?’

મોઝાર્ટે હસીને કહ્યું, ‘આનું કારણ કહું ? હું તારી માફક કોઈને સંગીતકાર કેમ થવાય, તે વિશે પૂછવા ગયો નહોતો.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑