નવી દિશાની ખોજ

કૅલિફોર્નિયામાં વસતા એક પરિવારની સૌથી નાની દીકરી ડેબીને હંમેશાં એમ થયા કરતું કે મારે કંઈક નવીન અને અલગ કામ કરવું છે. એણે નવાં નવાં કામો પર હાથ અજમાવ્યો, પણ એમાં સફળતા સાંપડી નહીં. લગ્ન થતાં એણે એના પતિ સમક્ષ પોતાની ઇચ્છા પ્રગટ કરી, તો એના પતિએ એનો ઉત્સાહ વધારતાં કહ્યું,

‘તારા મનમાં આવું કોઈ કામ કરવાનો ઉમંગ હોય, તો તું જરૂર કશુંક કર. હું તને હંમેશાં સાથ આપીશ.’

ડેબી ચૉકલેટ કૂકીઝ બનાવવામાં કુશળ હતી અને એણે બનાવેલી ચૉકલેટ કૂકીઝ સૌને ખૂબ પસંદ પડતી હતી, આથી એણે વિચાર કર્યો કે ચૉકલેટ કૂકીઝનો વ્યવસાય કરું, તો કેવું ? પરિવારજનોએ કહ્યું, ‘તારો આ વ્યવસાય લાંબો ચાલશે નહીં, કારણ કે તારી કૂકીઝ કૂકીઝસ્ટોર્સના જેટલી કડક હોતી નથી.’

ડેબીને પોતાની રીતે કૂકીઝ બનાવવી હતી અને સ્ટોર્સમાં વેચવી હતી. એના પતિએ બૅન્કમાંથી લોન લઈને પાલો આલ્કોમાં એક સ્ટોર્સ ખોલી આપ્યો. હિંમત હાર્યા વિના ડેબી એક ટ્રેમાં કૂકીઝ સજાવીને મૂકતી અને શૉપિંગ કૉમ્પલેક્સમાં આવતા લોકોને વિનામૂલ્યે વહેંચતી હતી. એની યોજના સફળ થઈ અને એક કલાકમાં તો ગ્રાહકો એની કૂકીઝ લેવા માટે સ્ટોરમાં આવવા લાગ્યા.

પહેલે દિવસે પચાસ ડૉલરની કૂકીઝ વેચાઈ અને બીજે દિવસે પંચોતેર ડૉલરની. એ માનતી હતી કે આવી રીતે કૂકીઝ વહેંચવી, એ સર્વશ્રેષ્ઠ વિજ્ઞાપન છે. એ પછી તો એનો વેપાર ખૂબ જામ્યો, આમ છતાં આજે પણ મિસિસ ડેબી ફિલ્ડ્સના સ્ટોર્સમાં મફત સેમ્પલ રૂપે કૂકીઝ આપવામાં આવે છે અને એ રીતે લોકોને ખરીદવા પ્રેરિત કરવામાં આવે છે. એની કૂકીઝનો સ્વાદ લોકોની દાઢે વળગે છે, એટલે તરત જ સ્ટોરમાં ખરીદવા દોડી આવે છે અને કશુંક નવું કરવાની ડેબીની ધૂન સફળ થઈ.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑