ચમકતી ખુશમિજાજી

અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સમાજના પ્રશ્નો ઉકેલતા સમાજના અગ્રણીને કોઈએ પૂછ્યું,

“તમે જાતજાતના લોકો સાથે ચર્ચા-વિચારણા કરો છો, તુંડે તુંડે મતિ: ભિન્ન-ને કારણે કેટલાયની સાથે કલાકો સુધી માથાકૂટ કરો છો. આટલું બધું થાય છે છતાં તમે કેમ હંમેશાં ખુશમિજાજ દેખાવ છો ?”

અગ્રણીએ કહ્યું, “તમારી વાત સાચી છે. લુચ્ચા, નાદાન, બેવકૂફ, કુટિલ અને દાવપેચ લડાવનારા ઘણા લોકો અહીં આવે છે. ઘણી વાર એમની ધૃષ્ટતા કે ક્રૂરતાને નમ્રતાનો અંચળો ઓઢાડે છે, પરંતુ એ બધાને જોતો રહું છું. માનવ-સ્વભાવને જાણતો હોવાથી એમની વાતોથી હું ઉશ્કેરાતો નથી, બલ્કે એમને માણું છું. એમની તરકીબો જોઈને મનોમન હસું છું. આવી વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવતા સામાજિક અન્યાયોથી હૃદયમાં અત્યંત દુઃખી પણ થાઉં છું.’

એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો, “એ તો બરાબર, પણ આટલી વ્યથા અને પરેશાની વચ્ચે ચહેરા પર આવું હાસ્ય રાખવું, સદાય ખુશમિજાજ રહેવું, માનવમનની કુટિલતાઓ જોવા છતાં મનને ક્રોધિત થવા દેવું નહીં. આ અશક્ય કઈ રીતે શક્ય બનાવો છો ? એની પાછળનું રહસ્ય શું?”

અગ્રણીએ કહ્યું, “પ્રાતઃકાળે જાગ્રત થાઉં ત્યારે મનમાં એક વિચાર કરું છું કે આજે મારો દિવસ કઈ રીતે પસાર કરવો છે ? ઘોર નિરાશાથી કે ચમકતી ખુશમિજાજીથી ? પછી હું નક્કી કરું છું કે આ બંને વિકલ્પોમાંથી બુદ્ધિમાન માણસે ખુશમિજાજી જ પસંદ કરવી જોઈએ, એટલે હું દિવસભર ખુશમિજાજ રહેવાનું નક્કી કરું છું. અને બસ, પછી તો એ ખુશમિજાજી મારી આસપાસના વાતાવરણમાં ભરી દઉં છું. મારી વિકલ્પની પસંદગી સતત યાદ રાખું છું. એમ કરીને હું નિરાશાને નજીક આવવા દેતો નથી. આ છે મારી આનંદમસ્તીનું રહસ્ય.”

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑