ચાલ, વિજેતા બન !

ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક ‘લાઓત્સે’ વિશેષણનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ થાય છે. લાઓત્સેનું ખરું નામ ‘લી’ હતું અને તેઓ કૉન્ફ્યૂશિયસ પહેલાં લગભગ પચાસ વર્ષ પૂર્વે ચીનમાં થઈ ગયા.

આ લાઓત્સે માત્ર શબ્દોના સાધક નહોતા, પરંતુ અનુભૂતિના આરાધક પણ હતા. એમને મન શુષ્ક જ્ઞાનની કશી કિંમત નહોતી. આવા પ્રખર ચિંતક અને ધર્મપુરુષ લાઓત્સેએ ગ્રીસના સૉક્રેટિસની માફક જે ઉપદેશ આપ્યો તેનું આચરણ કરી બતાવ્યું અને જેનું આચરણ કર્યું, તેનો જ ઉપદેશ આપ્યો.

લાઓત્સે વિશ્વની સંચાલક પરમ શક્તિ કે પરમ ગૂઢ તત્ત્વ વિશે વિચાર કરતા હતા, એવામાં એક પહેલવાન એમની પાસે આવ્યો. એણે જોયું તો લાઓત્સેનું શરીર ઘણું મજબૂત છે એટલે એને મન થયું કે આને કુસ્તી કરીને પછાડી દઉં, તો જ હું ખરો પહેલવાન. એને બિચારાને લાઓત્સેના જ્ઞાનની કશી ખબર નહોતી. એટલે એણે તો આવીને લાઓત્સેને પડકાર ફેંક્યો કે મારે તમારી સાથે કુસ્તી ખેલવી છે અને તમને ચિત કરી દેવા છે.’

લાઓત્સેએ વિચાર્યું કે આ માણસને બીજાને ચિત કરવામાં બહુ આનંદ આવે છે. બાકી આવી રીતે કોઈને પછાડીએ તો મળે શું ? એમણે વિચાર્યું કે આ બિચારો ભલે મને પરાજિત કરીને વિજયનો આનંદ માણે.

લાઓત્સે એની સાથે કુસ્તી ખેલવા માટે ઊભા થયા અને પછી અખાડામાં જઈને જમીન પર સૂઈ ગયા અને કહ્યું, ‘ચાલ, હવે મારી છાતી પર બેસી જા. વિજેતા બન. તું જીત્યો અને હું હાર્યો.’

પહેલવાન તો આ સાંભળીને પરેશાન થઈ ગયો. આવી તે કંઈ કુસ્તી હોય ? એણે કહ્યું ‘મારે તમને હરાવવા છે.’

ત્યારે લાઓત્સેએ ઉત્તર આપ્યો, ‘અરે ભાઈ ! વિજયની ઇચ્છા થવી એ જ દુઃખનું મૂળ છે. જે ઇચ્છાને જીતે છે એના જેવો કોઈ સુખી નથી અને જેનામાં બીજાને પરાજય આપીને વિજય મેળવવાની ઇચ્છા પ્રબળ છે, એના જેવો બીજો કોઈ દુ:ખી નથી.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑