પ્રવાસીનો પરિગ્રહ

પોલૅન્ડમાં હાર્ફ ચાઇમ નામના ધર્મગુરુ વસતા હતા. આ ધર્મગુરુ અપરિગ્રહનો આદર્શ મનાતા હતા. એમનું જીવન સાવ સીધું-સાદું અને જરૂરિયાતો તદ્દન ઓછી. એમની જીવનશૈલીની વાત સાંભળીને સહુને આશ્ચર્ય થતું. આ તે કેવા ધર્મગુરુ, કે જે ઓછામાં ઓછી ચીજવસ્તુઓથી જીવે. એક બાજુ ભૌતિક માનવી ચીજ-વસ્તુઓના ખડકલા કરીને જીવતો હોય, એના વગર એનું જીવન ચાલે નહીં, ત્યાં આ ધર્મગુરુની વાત સહુને આશ્ચર્યકારક લાગતી.

એક અમેરિકને હાર્ફેજ ચાઇમની નામના સાંભળી. એને ધર્મગુરુના દર્શનની ઇચ્છા જાગી અને શોધતો શોધતો પોલૅન્ડમાં એ યહૂદી ધર્મગુરુના ઘરમાં આવી પહોંચ્યો. એનું ઘર જોઈને અમેરિકન પ્રવાસી અતિ આશ્ચર્ય પામ્યો. આ તે કેવું ઘર ? જ્યાં ન કોઈ ટેબલ-ખુરશી મળે, ન કોઈ જરૂરી સામાન દેખાય. ઘરની દીવાલો સાવ કોરી, ક્યાંય કશો શણગાર નહીં !

પ્રવાસી અમેરિકને આશ્ચર્ય સાથે ધર્મગુરુને પૂછ્યું, ‘અરે, આ તો આપનું નિવાસસ્થાન છે. સેંકડો લોકો આપને મળવા આવે છે અને આપ એને જીવનનો સાચો રાહ બતાવો છો, પણ ઘરમાં કેમ કશું રાખતા નથી?”

હાફૅઝ ચાઇમે કહ્યું, ‘છે ને, આ મારા જીવનસંગાથી જેવાં પુસ્તકો છે, પછી બીજું જોઈએ શું?’

‘એ તો ઠીક, પણ ઘરમાં ફર્નિચર તો હોવું જોઈએ ને ! આપના માટે અને આવનારને માટે તો એની જરૂર પડે ને.”

સંત હાફૅઝે વળતો પ્રશ્ન કર્યો, ‘મારી વાત છોડ, પણ તારી વાત કહે, તારું ફર્નિચર ક્યાં છે ?’

‘મારું ફર્નિચર, મારા જેવા પ્રવાસીની સાથે ફર્નિચર ક્યાંથી હોય ? હું કઈ રીતે મારી સાથે રાચરચીલું રાખું ? આજે અહીં, તો કાલે બીજે.

‘બસ, ભાઈ, હું પણ આવો જ આ દુનિયાનો પ્રવાસી છું.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑