પ્રજાનો વિશ્વાસ

ચીનના વિખ્યાત ફિલસૂફ અને શિક્ષક એવા કૉન્ફ્યૂશિયસે (ઈ. પૂ. 551થી ઈ. સ. પૂ. 479) પોતાના દેશને વ્યવહારુ ડહાપણની સમજ આપી. ચીનમાં વ્યાપક લોકાદર મેળવનાર આ ચિંતકે એની સંસ્કૃતિ પર ગાઢ પ્રભાવ પાડ્યો. બાવીસમા વર્ષે પોતાના ઘરમાં સ્થાપેલી પાઠશાળામાં પ્રાચીન સાહિત્ય, રાજનીતિ, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવતા હતા. કૉન્ફ્યૂશિયસ રાજકારણમાં પણ રસ લેતા હતા અને રાજકીય નેતા પણ હતા. એક વાર એમના એક શિષ્યએ પૂછ્યું,

‘ઉત્તમ સરકાર કોને કહેવાય ?”

કૉન્ફ્યૂશિયસે ઉત્તમ સરકાર માટે ત્રણ બાબતો મહત્ત્વની ગણાવી અને કહ્યું, જે સરકાર લોકોને ભોજન અને શસ્ત્રો પૂરાં પાડી શકે અને લોકોનો વિશ્વાસ જીતી શકે તેને ઉત્તમ સરકાર કહેવાય.’

શિષ્ય વિચારમાં પડ્યો. સરકારે પ્રજાને જરૂરી અન્ન આપવું જોઈએ, શસ્ત્રો દ્વારા એનું સંરક્ષણ કરવું જોઈએ અને લોકવિશ્વાસ સંપાદન કરવો જોઈએ, પણ શિષ્યએ પૂછ્યું,

આ ત્રણમાંથી કોઈ એક બાબત છોડી દેવી હોય તો કઈ છોડી દેવી ?’

કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘શસ્ત્રસરંજામ.’

વળી શિષ્યએ પ્રશ્ન કર્યો, ‘અને બે ચીજ વગર ચલાવવાનું હોય તો ?”

કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘અન્ન. ભોજન વિના લોકો ભૂખે ટળવળીને મરી જાય છે.’

શિષ્યએ વળી પ્રશ્ન કર્યો, ‘તો શું ભોજન અને સંરક્ષણ કરતાં પણ ઉત્તમ સરકારને માટે લોકવિશ્વાસ મહત્ત્વનો છે ?’

કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘જે પ્રજા પોતાની સરકારમાં વિશ્વાસ ગુમાવી બેસે, તે તો ભોજન કરવા છતાં મરેલી જ છે.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑