કર્તવ્યની બલિવેદી પર

પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ્ અને સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રી લૂઈ પાશ્ચર (ઈ. સ. 1822-1895) પાસે વિજ્ઞાનની અદ્ભુત આંતરસૂઝ અને પ્રાયોગિક નિપુણતા હતી. એમણે જે ક્ષેત્રમાં કાર્ય કર્યું, તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને સવિશેષ તો માનવજાતના કલ્યાણ માટે અને ઉદ્યોગો માટે આ સંશોધનો કર્યાં.

ખાદ્ય-પદાર્થોને જંતુમુક્ત બનાવવાની (પાશ્ચરીકરણ) રીત અને રોગ સામેથી પ્રતિકારક રસી(વૅક્સિન)ની શોધ જેવી મહત્ત્વની શોધો કરી. દૂધ અને ખાદ્યસામગ્રીની સાચવણી માટેની એમણે કરેલી પાશ્ચરીકરણની રીત ઘણી પ્રચલિત બની. એમણે પ્રાણીના રોગો પર પણ સંશોધન કર્યું.

એ સમયે રેશમઉદ્યોગ એ ફ્રાંસનો એક મોટો ઉદ્યોગ હતો. 1872માં રેશમના તાંતણા ઉત્પન્ન કરતા કીડા કોઈ રોગને કારણે મરી જવા લાગ્યા અને દેશનો મહત્ત્વનો ઉદ્યોગ ભયમાં મુકાઈ ગયો. આ સમયે પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી અને લૂઈ પાશ્ચર પર પ્રભાવ પાડનાર જ્યાં બાપ્તિસ્તે ડ્રમાએ પાશ્ચરને આ રોગનો અભ્યાસ કરવાની વિનંતી કરી. આને માટે લૂઈ પાશ્ચર પૅરિસ છોડી અલાઇસ ગયા અને તેમણે રોગકારક બે જીવાણુઓ શોધી રેશમના કીડાને રોગમુક્ત કર્યા.

આ સંશોધન દરમિયાન લૂઈ પાશ્ચરનાં ત્રણ સંતાનો બીમાર થતાં મૃત્યુ પામ્યાં ત્યારે એમને સાંત્વના આપવા આવેલા એક સ્વજને એમને કહ્યું,

‘શાબાશ, તમે ખરા હિંમતબાજ છો. ત્રણ ત્રણ બાળકોનાં દુ:ખદ અને આઘાતજનક અવસાન થયાં છતાં તમે હિંમત હાર્યા વગર કામ કર્યે જાઓ છો.’

લૂઈ પાશ્ચરે સહજતાથી કહ્યું, “હિંમતની તો મને ખબર નથી, પરંતુ આ મારી ફરજ અને હું એ મારી ફરજમાં સહેજે ચૂક થાય, તેમ ઇચ્છતો નથી.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑