સુખની અપેક્ષા જેટલી વધુ, એટલું વધુ દુઃખ !

જરા તમારા જીવનમાં આવતાં દુઃખોની ગહેરી ચિકિત્સા કરો, તો ખ્યાલ આવશે કે એનું એક કારણ સચ્ચાઈથી ભાગવાની વૃત્તિ છે. કેટલાક માનવીમાં શાહમૃગીય વૃત્તિ જોવા મળે છે. શાહમૃગ દુશ્મનને સામે આવતો જોઈને રેતીમાં માથું ખૂંપાવી દે છે અને માને છે કે દુશ્મન તો ક્યાંય નજરે પડતો નથી જ્યારે એનો દુશ્મન રેતીમાં માથું ખૂંપાવીને ઊભેલા શાહમૃગને આસાનીથી પકડી લે છે. નક્કર હકીકત, નજ૨ સામેની વાસ્તવિકતા કે સચ્ચાઈથી ભાગનારા લોકોની સ્થિતિ આવી જ હોય છે. આવા લોકો જેનાથી ડરે છે, એને વિશે જુદી જુદી કલ્પનાઓ કરે છે. આજના સૂરજને આવતીકાલનાં કાલ્પનિક વાદળમાં ઢાંકી દેવાની કોશિશ કરે છે. તમે જ કહો કે સ્વર્ગ અને નરકની માન્યતાએ જીવનમાં કેટલાં બધાં જાળાં સર્જે છે !

મૃત્યુથી ભાગવાની માનવીની વૃત્તિને કારણે એણે કેટલા બધા પ્રપંચો સર્જ્યા છે ! સ્ત્રીઓને સાચવી શકવાની ક્ષમતા ગુમાવી બેઠેલા હિંદુસમાજે સતીપ્રથાનું સર્જન કર્યું. પરદેશગમન પર પ્રતિબંધ મૂકીને એણે સચ્ચાઈથી ભાગવાનો એક સમયે પ્રયાસ કર્યો હતો. આ રીતે ભયજન્ય બાબતની આસપાસ એ એવી માન્યતાનો મજબૂત કિલ્લો રચી દે છે કે જે એના જીવનમાં દુઃખનું કારણ બને છે. આપણા દેશમાં સચ્ચાઈથી ભાગવાને કારણે ઘણાં અનિષ્ટો સર્યાં છે અને એ અનિષ્ટો સમાજને દુઃખદાયી બન્યાં છે. આ માન્યતાઓએ જ કેટલીય વિધવાઓના જીવનને નરકની યાતનાસમું બનાવ્યું હતું.

આપણા દુઃખની શોધ કરીએ તો ઘણી વાર એમ જણાય કે આ દુઃખ એ ભૂતકાળમાં જીવવાની આપણી આદતને કારણે સર્જાયેલું છે. ભવિષ્યની ફિકર અને ભૂતકાળની માન્યતાઓને કારણે વ્યક્તિ મૂંઝાયેલો રહે છે. એ પોતાના ભૂતકાળને ભૂલી શકતો નથી અને તેથી વર્તમાનમાં વારંવાર એનું સ્મરણ કરીને દુઃખ અનુભવે છે. વૃદ્ધ પુરુષો પોતાના ભૂતકાળને યાદ કરીને રોજ આંસુ સારતા જોવા મળે છે ! પિતા પોતાની બાલ્યાવસ્થાને યાદ કરીને પોતે પિતાને કેટલો આદર આપતા હતા તેનું સ્મરણ કરે છે અને સાથે જ આજે પુત્ર એમની સાથે કેવી રીતે વર્તે છે, તેની તુલના કરીને વર્તમાન જીવનને દુ:ખી બનાવતા હોય છે. આમ દુઃખનું કારણ ભૂતકાળનો બોજ ઊંચકીને ચાલવાની માણસના મનની આદત છે.

કેટલીક વ્યક્તિઓ વારંવાર દુઃખ પામતી હોય છે. નાની બાબતનું પણ એમને મોટું દુઃખ લાગતું હોય છે, તો કેટલીક વ્યક્તિઓને દુઃખી રહેવાની આદત હોય છે. એ સતત કોઈ ને કોઈ દુ:ખમાં જીવતી હોય છે. એનું મન દુઃખને કા૨ણે એક પ્રકારની ઉદાસીનતા અનુભવતું હોય છે અને તેને લીધે સુખની મોટી મોટી અપેક્ષા રાખે છે. એ વિચારે છે કે મારી પાસે કશું નથી અને સામેની વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ, સત્તા અને કીર્તિ છે.

ઘણી વ્યક્તિઓની જીવન દૃષ્ટિ એમના પડોશીઓ પર સ્થિર થઈ ગયેલી હોય છે. પડોશી પાસે જો રંગીન ટી.વી. હોય, તો એ વ્યક્તિ સતત પોતાના બ્લૅક ઍન્ડ વ્હાઇટ ટીવી તરફ આઘાત અને નફરતની નજરથી જોઈને દુઃખમાં રહેતો હોય છે. આ રીતે દુઃખમાં વ્યક્તિની દૃષ્ટિ અન્ય પ્રત્યેના સદ્ભાવ તરફ નહીં, પણ પોતાના અભાવ પર રાખે છે અને બીજાને જોઈને જીવતો માનવી એનું આખુંય જીવન દુઃખમાં ગાળે છે. એને પોતાની પાસેના પાંચ લાખનો આનંદ નથી, કિંતુ અન્યની પાસે વીસ લાખ છે, તેનું દુઃખ છે અને એને પરિણામે માનવીનું મન રામાયણના પેલા માયાવી મૃગની જેમ સતત ભટકતું રહે છે અને પછી એ એને જીવનભર અહીં તહીં દોડાવતું રહે છે. આથી તો મનને શેખચલ્લી કહ્યું છે. જે વાસ્તવમાં નહીં, પરંતુ ભવિષ્યની કલ્પના અને આકાંક્ષામાં જીવે છે. એ લોલકની જેમ જમણી અને ડાબી તરફ ઘૂમ્યા કરે છે, પણ સ્થિર રહેતું નથી. આ સંદર્ભમાં ભગવાન બુદ્ધના જીવનના એક પ્રસંગનું સ્મરણ થાય છે. ઉચ્ચ વિદ્યાલયોમાં અભ્યાસ કરીને યુવાન પોતાના નગરમાં પાછો આવ્યો, ત્યારે એના મનમાં જ્ઞાનનો ગર્વ ચકરાવા લેતો હતો. આ જગતમાં પોતાના જેવો જ્ઞાની બીજો કોઈ નથી એમ કહેતો છાતી કાઢીને કહેતો હતો. કોઈ પણ વ્યક્તિ જાય તો એને સામો પ્રશ્ન પણ કરતો કે, ‘તમે મારા કરતાં ચડિયાતો કોઈ જ્ઞાનીને જોયો છે ખરો ?’

યુવાનના આ ગર્વની વાત ભગવાન બુદ્ધ સુધી પહોંચી. તેઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આ યુવકને મળવા ગયા. યુવકે એમને પોતાના જ્ઞાનની બડાઈની વાત પૂરી કરીને પ્રશ્ન કર્યો, ‘હે બ્રાહ્મણ ! તમે કોણ છો ? તમારો પરિચય જણાવો.’

ભગવાન બુદ્ધે કહ્યું, ‘પોતાના મન અને દેહ પર અધિકાર ધરાવતો હું એક સામાન્ય માનવી છું.’

યુવક આ પરિચય સાંભળીને વિમાસણમાં પડી ગયો. એને કશું સમજાયું નહીં એટલે ફરી કહ્યું, ‘જરા સ્પષ્ટ રીતે તમારો પરિચય વિગતે વર્ણવો.’

ભગવાન બુદ્ધ બોલ્યા, ‘જેમ કુંભાર કુંભ બનાવે છે, નાવિક નૌકા ચલાવે છે, ધનુર્ધારી બાણ ચલાવે છે, ગાયક ગીત ગાય છે, વાદક વાઘનું વાદન કરે છે અને વિદ્વાન વાદ-વિવાદમાં ભાગ લે છે, એ જ રીતે જ્ઞાની પુરુષ સ્વયં પર શાસન કરે છે. એમના દેહ અને મન પર પ્રભુત્વ ધરાવે છે.’

યુવકને હજીય કશું સમજાયું નહીં એટલે ફરી પૂછ્યું, ‘શાસ્ત્રો તો ઘણાં વાંચ્યાં, નીતિ અને રાજ્યના શાસન વિશેનું ગહન અધ્યયન કર્યું છે, પરંતુ ક્યાંય આ સ્વયં પર શાસન કરવાની વાત વાંચી નથી. એ કઈ રીતે થઈ શકે ?’

ભગવાન બુદ્ધે કહ્યું, ‘આને માટે પહેલાં સ્વયંને ઓળખવો જોઈએ. લોકો દ્વારા પ્રશંસાનાં પુષ્પોની વર્ષા થતી હોય કે નિંદાના દઝાડતા અંગારા ફેંકવામાં આવતા હોય, તોપણ સ્વયં પર અનુશાસન ધરાવનારનું મન સદૈવ શાંત રહે છે. પ્રશંસા કે નિંદાની એના પર કોઈ અસર થતી નથી.’

ભગવાન બુદ્ધનાં વચનો સાંભળીને યુવકે કહ્યું, ‘ઓહ, આજ સુધી હું શાસ્ત્રોના અભ્યાસને જ્ઞાન માનતો હતો અને એનો ગર્વ ધારણ કરીને ફરતો હતો, પણ આજે મને સમજાયું કે જ્ઞાની પુરુષનો પહેલો પાઠ તો પોતાને જાણવાનો છે, પોતાના મન અને દેહ પર સંયમ પ્રાપ્ત કરવાનો છે. પછી એ બીજું બધું કરી શકે. આપ મને આપનો શિષ્ય બનાવો.’

યુવકને ભગવાન બુદ્ધની સાચી ઓળખ સાંપડી અને એમની સાથે ચાલી નીકળ્યો. આ રીતે જો પહેલા પોતાના મનને જાણવામાં આવે તો પછી દુ:ખને પણ સુખમાં પલટી નાખવાની શક્યતા જાગે અને ત્યારે જ ખ્યાલ આવે કે જેને આપણે સુખ માનીને બેઠા હતા, તે તો ઇન્દ્રધનુષ જેવું છે. જે દૂરથી ખૂબ રંગીન લાગે અને નજીક જઈએ તો એમાં ખોવાઈ જઈએ.

એને પહેલો આંતરઅનુભવ એ થાય છે કે સુખ એ ક્ષણિક છે. સુખ આવે છે અને ચાલ્યું જાય છે. આ સુખ બાહ્યકેન્દ્રી હોવાથી ઘણી વાર દેહ, ઇન્દ્રિય, સંપત્તિ અને પદની આસપાસ વીંટળાયેલું હોય છે. જ્યાં સુધી એની પાસે એ સુખ હોય છે, ત્યાં સુધી વ્યક્તિ બીજો કશો વિચાર કરતી નથી. યુવાનીમાં દેહનું સુખ માણનાર માનવી ક્યારેક એ દેહ નિર્બળ થવાનો છે, અશક્ત થવાનો છે અને અંતે ખાખ થવાનો છે એવું વિચારતો નથી. ઇન્દ્રિયોનું સુખ ભોગવનારને એવી ઝાંખી પણ થતી નથી કે આજે જે ઇન્દ્રિયોમાંથી અપાર સુખ મેળવું છું, તે સુખ ઝાઝાં વર્ષ ટકનારું નથી. એ ઇન્દ્રિયોના સુખની પાછળ એટલો બધો ભમતો રહે છે કે પછી પલાંઠી વાળીને એ વિચારતો નથી કે આ ઇન્દ્રિયો જીર્ણ અને શિથિલ થવાની છે, દેહ વૃદ્ધ થવાનો છે અને પછી જીવનમાં એના આ સુખનો કશો અર્થ રહેવાનો નથી; બલ્કે એ બધું જીવનમાંથી વિદાય પામવાનું છે. સંપત્તિના સુખમાં ડૂબેલા માનવીને એના ઉપભોગમાં જ આનંદ આવતો હોય છે.

પદ પર બેઠેલી વ્યક્તિ એટલો બધો અહંકાર સેવતો હોય છે કે એ ભૂલી જાય છે કે ક્યારેક નિવૃત્તિ પણ આવવાની છે!

આ રીતે સુખ જેટલું આકર્ષક છે એટલું જ ક્ષણભંગુર છે અને તેથી સુખના સમયે ‘રામસ્મરણ’ શક્ય બનતું નથી. સુખની છલના એવી છે કે એ આવે ત્યારે વ્યક્તિ એનાથી પૂરેપૂરો છેતરાઈ અને ઘેરાઈ જાય છે. એમાં એટલો બધો ડૂબી જાય છે કે એ સુખ ચાલ્યું જશે એની કલ્પના સુધ્ધાં કરી શકતો નથી. આવું ક્ષણિક, લોભામણું સુખ ચાલ્યું જાય, ત્યારે માણસ કેવો મજબૂર અને લાચાર બની જાય છે ! હકીકત એ છે કે સુખને બદલે દુઃખ એના જીવનને વિશેષ ઘાટ આપી શકે તેવું હોય છે.

સુખ અને દુઃખની સાચી સમજણ કેળવીએ તો દુઃખદ ઘટનાને શુભ ભાવનામાં ફેરવી શકાય તેમ છે. ભારતીય કલાકારીગરીના નિષ્ણાત એવા રુડ્યાર્ડ કિપ્લિંગે ૧૮૮૯માં અમેરિકાના ‘સાન ફ્રાન્સિસ્કો એક્ઝામિનર’માં પોતાની એક કૃતિ મોકલી અને એને અસ્વીકારના પત્ર સાથે સંપાદકે લખ્યું, ‘શ્રીમાન કિપ્લિંગ, હું ખૂબ દિલગીર છું, પણ તમને અંગ્રેજી ભાષા કઈ રીતે પ્રયોજી શકાય એનો સહેજે ખ્યાલ નથી.’

આવી અસ્વીકૃતિઓથી સહેજે મૂંઝાયા વિના કિપ્લિંગે લખવાનું શરૂ કર્યું અને એ જ વર્ષે ઑક્ટોબરમાં એ લંડન પહોંચ્યા, ત્યાં એ બેસ્ટ સેલર લખનાર ખ્યાતનામ લેખક બની ગયા. ૧૮૯૦નું વર્ષ તો એમને સર્જક તરીકે સૌથી વધુ ખ્યાતિ આપનારું વર્ષ બન્યું. ટૂંકી વાર્તા, કવિતા અને ફિક્શનના લેખક તરીકે રુડ્યાર્ડ કિપ્લિંગે અવિસ્મરણીય સ્થાન મેળવ્યું. આ રીતે દુ:ખ માનવીમાં એક નવી મક્કમતા આપે છે. હકીકતમાં આ દુઃખની ચિકિત્સા કરીએ, ત્યારે ખ્યાલ આવે કે મન ક્યારે દુ:ખી થાય છે, જ્યારે કોઈ પણ ઘટના તમારી ઇચ્છા, અપેક્ષા કે આકાંક્ષા પ્રમાણે ન થાય, ત્યારે તમે ઇચ્છતા હો કે તમારા સાથીઓ કે સહયોગીઓની વર્તણૂક આવા જ પ્રકારની હોવી જોઈએ. હવે એમાં વાણી, વર્તનમાં કોઈ ફેર પડે તો મન દુઃખ અનુભવે છે, પણ સામે પક્ષે એણે વિચારવું જોઈએ કે પ્રત્યેક વ્યક્તિ જુદી પરિસ્થિતિ, જુદી આર્થિક સ્થિતિ અને ભિન્ન કૌટુંબિક સંજોગો કે સંસ્કાર પામીને આવતી હોય છે. આમ તમને લાગતું દુ:ખ અનેક પાસાંઓ અને કારણો ધરાવતું હોય છે.

11-6-2023

જાણ્યું છતાં અજાણ્યું

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑