પાપા, ઓડેન, આમિદા, ન્યુમ, જેડ એમ્પરર ! ઓળખો છો આ દેવોના દેવને ?

દેવોના દેવ છે મહાદેવ.’ તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. હિંદુ ધર્મની ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક અને શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. જોકે શૈવ સંપ્રદાય અનુસાર શિવ પરમ તત્ત્વ છે અને એમનાં કાર્યોમાં સંહાર ઉપરાંત સૃષ્ટિ અને સ્થિતિ(પાલન)નાં કાર્યોનો પણ સમાવેશ થાય છે.

આમાં બ્રહ્માને સૃષ્ટિસર્જનનું ઉત્તરદાયિત્વ સોંપાયેલું છે. આ સૃષ્ટિનું સર્જન થયું તે પહેલાં અમૂર્ત અને કેવલાત્મા બ્રહ્મ હતા, પરંતુ રજોગુણ સાથે સંલગ્ન થતાં તેઓ બ્રહ્મા બન્યા. આ બ્રહ્માને માટે ધાતા, સ્રષ્ટા, પ્રજાપતિ, પિતામહ એવા શબ્દો પ્રયોજાય છે અને એમ કહે છે કે બ્રહ્માનો એક દિવસ પૂર્ણ થતાં પૃથ્વી ૫૨ પ્રલય થશે અને એ પછી બીજા જ દિવસે બ્રહ્મા વળી સૃષ્ટિનું સર્જન કરશે. હા, પણ બ્રહ્માનો એક દિવસ એટલે ૨,૧૬,૦૦,૦૦,૦૦૦ વર્ષ થાય.

આ તો હિંદુ ધર્મની વાત થઈ. જ્યાં સૃષ્ટિના સર્જન અને સંહાર સુધીનાં કાર્યની વાત છે, પરંતુ આ વિશ્વમાં એવા પણ ધર્મો છે કે જ્યાં એક દેવે બીજા અનેક દેવોનું સર્જન કર્યું હોય અને એ ગૌણ દેવોએ સૃષ્ટિનું સર્જન કર્યું હોય. આવા દેવની શોધમાં નીકળીએ, ત્યારે ‘ઓસેનિઆ’ એટલે કે ઑસ્ટ્રેલિયા અને એની આસપાસના પૅસિફિકના હજારો ટાપુઓ તરફ નજર કરીએ. જુદી જુદી ઘણી જાતિઓ વસે છે. એમ કહેવાય છે કે આમાંની કેટલીક જાતિ તો ઈ. સ. પૂર્વે પાંસઠ હજાર વર્ષ પૂર્વે આ પૅસિફિક ટાપુઓમાં સ્થાયી થઈ હતી. આ ટાપુઓના લોકોને ઑસ્ટ્રેલિયામાં વસતા એના આદિવાસીઓ કરતાં વધુ સારી રીતે પ્રાકૃતિક જીવન જીવવા મળે છે અને એમાં ન્યૂઝીલૅન્ડની આદિવાસી પ્રજા માઓરીમાં પાપા અને રંગી એવા બે દેવ મળે છે, જેમણે આ જાતિના છ દેવોને જન્મ આપ્યો. આમાં રંગી અને પાપા એ બંને જોડિયા દેવો છે. જેમાં રંગી એ આકાશનો દેવ છે અને પાપા એ પૃથ્વીનો દેવ છે. આ અર્ધનારીશ્વર જોડિયા દેવોએ છ બાળકોને પેદા કર્યાં, જેમાંથી નીચેના છ દેવતાઓ જન્મ પામ્યા.

સમુદ્ર, જંગલ, યુદ્ધ, ખેતી, અહીં-તહીં ઊગેલાં જંગલી વૃક્ષો અને જુદાં જુદાં તત્ત્વો ઉત્પન્ન કર્યાં અને કથા તો એવી છે કે પાપા અને રંગીના દેહ એવા તો સંયુક્ત હતા કે એમનાં આ નવાં બાળકો એમના સકંજામાંથી માંડ માંડ બહાર આવ્યાં. સમય જતાં એ જોડિયા બંને દેવોને વિખૂટા પાડ્યા, ત્યારે એમ કહે છે કે આકાશી દેવ રંગી વિયોગના દુઃખને કારણે આંસુ સારવા માંડ્યાં અને એને કારણે આકાશમાંથી વરસાદ વરસવા લાગ્યો. આમાંથી કેટલાક દેવો આકાશમાં રહ્યા અને કેટલાક દેવોએ પોતાની માતા પૃથ્વી પર રહેવાનું પસંદ કર્યું. માઓરી જાતિના છ દેવોને ઉત્પન્ન કરનારા પાપા અને રંગી એ દેવોના જનક મનાય છે.

આવી જ રીતે ‘દેવોના પિતા’ની ખોજ કરીએ તો એક સમયે બ્રિટન અને સ્કેન્ડીનેવિયામાં વસતી નોર્સ જાતિના દેવોની વાત થઈ શકે . બ્રિટનમાંથી તો આ જાતિના લોકો ખ્રિસ્તી થઈ ગયા, પરંતુ સ્કેન્ડીનેવિયામાં એ આઠમીથી અગિયારમી સદી સુધી વસતા હતા અને તે પછી આ નોર્સ એ ‘વિકિંગ્સ’ તરીકે વિશેષ જાણીતા થયા. આ નોર્સના ઓડેન દેવને દેવોનો પિતા કહેવામાં આવે છે. એને ‘પિતાના પિતા’નું, ‘સર્વજ્ઞ’ હોવાનું કે ‘યુદ્ધદાતા’ હોવાનું બિરુદ અપાયું છે અને કહ્યું છે કે એની પાસે સ્વર્ગ, પૃથ્વી, આકાશ, વાયુ અને યુદ્ધ એ બધા પર પ્રભુત્વ જમાવવાની તાકાત છે. એ જીવન અને મૃત્યુનો દેવ છે.

આમ તો ઓડેનનું આલેખન એક આંખવાળા માનવી તરીકે થાય છે, જેણે પોતાની બીજી આંખ બુદ્ધિ અને મૃત્યુના જ્ઞાનને આપી છે. જે વ્યક્તિ પર એને વિશ્વાસ છે એને એ શસ્ત્રો આપે છે. એ યુદ્ધોને જન્મો આપીને માનવશક્તિ પ્રગટ કરે છે, પરંતુ એના કેટલાક નિર્ણયો વિવાદાસ્પદ હોય છે. એના બે કાગડા એ માઇન્ડ અને મેમરી છે. જે એના ખભા પરથી રોજ સવારે ઊઠીને ઊડે છે અને આખા જગતની માહિતી મેળવીને ઓડેનના કાનમાં કહે છે અને ઓડેન આસ્ત્રાડ નામના વિશાળ મહાલયમાં બેસીને પોતાનું પ્રભુત્વ જાળવે છે. એની પાસે આઠ પગવાળું સાધન છે, જેનાથી એ હવામાં ઊડી શકે છે. આ ઓર્ડન એ માત્ર મનુષ્યોનો જ નહીં, પણ દેવોનો પિતા છે.

મધ્ય યુરોપ અને એની આસપાસના કેલ્ટિક પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારોમાં ઈ. સ. પૂર્વે ૬૦૦ વર્ષ અગાઉ કેલ્ટિક દેવોનો ભારે મહિમા હતો. આ કેલ્ટિક દેવો અંગેનાં શિલ્પો અને શિલાલેખો પણ મળે છે. આ આયર્લૅન્ડના ઇતિહાસમાં પણ એના ઘણા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે અને આ કેલ્ટિક દેવોમાં દેવોના દેવ તરીકે ડાંગડા ઓળખાય છે.

‘મહાન પિતા’ અને મહાશક્તિશાળીનું બિરુદ આપવામાં આવ્યું છે. એ દેવોનાં રાજ્યનો મુખ્ય રાજા છે. જે એમને આયર્લૅન્ડમાં લઈ ગયો હતો અને એ રાજા ગ્રામજનોનો સાદો પોશાક પહેરે છે. એ એક મજબૂત લડવૈયો છે અને પોતાની લાકડીથી એ એના દુશ્મનોને મારી શકે છે અને બીજી લાકડીથી એ મૃત માનવીઓને જિવાડી શકે છે. ડાગડા એ અત્યંત બુદ્ધિશાળી અને ડાહ્યો દેવ મનાય છે.

આફ્રિકાના દેવોની વાત કરીએ તો દક્ષિણના ઘાનામાં રહેતા લોકો ન્યુમને સર્વશ્રેષ્ઠ દેવ માને છે. આ દેવ આકાશમાં રહે છે. એ સર્વશક્તિમાન અને સર્વદુષ્ટા હોવાથી એ લોકોને જીવન બક્ષે છે અને એ માનવીના જીવનની સંભાળ લે છે. એણે આ જગતની રચના કરી અને રચના કર્યા પછી એ એનાથી અળગો થઈ ગયો. એના દૈવી સંદેશવાહકોને એબસમ કહેવામાં આવે છે. આ એબસમ એ એનાથી નીચી પાયરીના દેવો છે, જે સર્વસત્તાધીશ ન્યુમને કરવામાં આવેલી પ્રાર્થનાઓનો ઉત્તર આપે છે. આ એબસમ એ માનવીઓની મૂંઝવણને અને એના રોગોને દૂર કરી શકે છે. એમને જીવનની કટોકટીમાંથી ઉગારે છે, પણ એની સાથોસાથ એમની પાસે વિનાશ કરવાની પણ ક્ષમતા છે.

આવી જ રીતે જુદા જુદા દેશોમાં જુદા જુદા બુદ્ધની ઉપાસના થાય છે. જેમ કે જાપાનમાં એ ‘આમિદા’ તરીકે જાણીતા છે. તો ચીનમાં ‘અમિતાભ’ તરીકે જાણીતા છે અને એ બુદ્ધને ‘અવિચળ પ્રકાશિત બુદ્ધ’, ‘શાશ્વત જીવન આપતા બુદ્ધ’, ‘પવિત્ર પૃથ્વી ધરાવતા બુદ્ધ’ એમ જુદા જુદા સંપ્રદાયમાં જુદી જુદી રીતે એમની ઉપાસના થાય છે. ચીન અને કોરિયામાં થઈને બૌદ્ધ ધર્મ જાપાનમાં આવ્યો. આમાં બુદ્ધા ઑફ ધ પ્યોર લૅન્ડ’ સંપ્રદાય માને છે કે અમિદા એ જગતનો તારણહાર છે આ સંપ્રદાય જાપાનમાં ઘણો લોકપ્રિય બન્યો. એમ કહેવાય છે કે માત્ર ‘નેમુ અમિદા બુત્સુ’ એટલે કે અમિદા અને બુદ્ધને અંજલિ આપવાનો વિચાર તમને અમિદાની પાવન શુદ્ધ ભૂમિમાંથી પુનર્જન્મ અપાવવા માટે પૂરતો છે અને એથી જ એમ કહેવાયું છે કે આ પવિત્ર ભૂમિમાં કોઈ ભેદભાવ નથી. સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ તફાવત રાખવામાં આવતો નથી. સારું અને ખોટું, ઉત્તમ અને કનિષ્ટ એ સહુ કોઈ આ પાવન ભૂમિમાં પ્રવેશી શકે છે માત્ર એનામાં અમિદા તરફની પૂરી શ્રદ્ધા હોવી જોઈએ.

ચીનના ધર્મોમાં તાઓના અવતાર સમા ‘જેડે એમ્પર૨’ની ઈશ્વર તરીકે પૂજા થાય છે. આ જેડે એમ્પ૨૨ એ સ્વર્ગનો કારભાર ચલાવે છે અને બીજા દેવોને એમની કામગીરી સોંપે છે. ચીનના આ સંપ્રદાયમાં લોકો જેડે એમ્પ૨૨ને બદલે એના હાથ નીચેના દેવોની ઉપાસના કરે છે, કારણ કે તેઓ જેડે એમ્પ૨૨ એટલે કે સર્વોચ્ચ દેવની સાથે મુલાકાત કરાવશે. આ સર્વોચ્ચ દેવ જેડે એમ્પ૨૨ એક મોટી કંપની ચલાવતા ઉદ્યોગપતિ જેવો જ લાગે. એ દરેક દેવે એણે સોંપેલી કામગીરી બરાબર બજાવી કે નહીં, એની તપાસ રાખે છે. એમણે કરેલાં કાર્યોનું મૂલ્યાંકન કરે છે અને એ પ્રમાણે એમને પ્રમોશન આપે છે અથવા તો નીચી પાયરીએ મોકલી આપે છે. આ જેડે એમ્પ૨૨ પાસે માનવીના જીવનનો ચોપડો હોય છે. જેમ હિંદુ ધર્મમાં ચિત્રગુપ્તનો ચોપડો હોય છે, તેમ. એ પોતાનાં આ ચોપડા પરથી મૃત માનવીના આત્માને કઈ ગતિ આપવી તે નક્કી કરે છે. આ જેડે એમ્પ૨૨ માણસજાતના રક્ષક તરીકે કામ કરે છે. એમનું કામ ખેતરમાં ઊગેલા પાકોની ગુણવત્તા જાળવવાનું, માનવીને સમૃદ્ધિ આપવાનું અને કુદરતી આફતોથી બચાવવાનું છે.

નોંધપાત્ર બાબત એ છે કે આ બધા દેવોમાં કોઈ પુરુષ છે, તો કોઈ અર્ધનારીશ્વર છે, પરંતુ ક્યાંય સ્ત્રી છે ખરી ? તો અમેરિકાના આદિવાસીઓમાં અને ખાસ કરીને એના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં વસતા નાવજો અને આપચે નામની દેવીઓને તમામ પુરુષોની માતા તરીકે જોવામાં આવે છે. એને સૂર્યકિરણ અને જલબિંદુનો સ્પર્શ થતાં એણે બે બાળકોને જન્મ આપ્યો. સ્લાયર અને વોટર નામનાં બે બાળકો પોતાના પિતાનું નામ જાણવા માગતાં હતાં, પણ એમને એમના પિતાનું નામ કહેવામાં આવ્યું નહીં. આ સ્ત્રીઓને આ કથા કંઈક મહાભારતની કુંતીની કથા સાથે મળતી લાગે, પણ ખેર ! નાવજો અને આપચેને આજે માનવજાતની માતા તરીકે ઓળખવામાં આવે છે.

18-6-2023

જાણ્યું છતાં અજાણ્યું

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑