
સુખનો ચહેરો બહાર છે અને દુઃખનો ચહેરો ભીતર છે. માણસ પોતાના સુખને કેવી મોહભરી ચકળવકળ આંખે જોતો હોય છે અને દુઃખ પ્રત્યે કેવો સાવ આંખો મીંચી દે છે ! ઊગતા સૂરજ તરફ પ્રત્યેક માનવી ઉષ્માપૂર્ણ દૃષ્ટિપાત્ કરતો હોય છે, જ્યારે ડૂબતા સૂરજ પર એ અલપઝલપ નજર નાખીને મુખ ફેરવી લેતો હોય છે. કારણ કે વ્યક્તિને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે, આથી એ જીવનમાં સતત સુખની શોધ કરતો હોય છે અને દુઃખથી દૂર ભાગતો હોય છે, પરંતુ સુખનું સાચું મૂલ્ય તો દુઃખની અગ્નિપરીક્ષામાંથી પસાર થયા પછી જ પ્રાપ્ત થાય છે.
દુઃખ વ્યક્તિના ચિત્તને સ્થિરતા આપે છે. એ ગંભીર બનીને પોતાના જીવન વિશે ગહનતાથી વિચારવા લાગે છે. સુખ માટે ઝડપભેર દોડી રહેલો માણસ દુ:ખ આવતાં એકાએક થોભી જાય છે; સ્તબ્ધ બનીને થંભી જાય છે. સુખના આનંદ અને ઉલ્લાસમાં કે પછી સુખ માટેની આંધળી દોડમાં એ ઘણું ભૂલ્યો-ભટક્યો હોય છે. એને કેટલાંય વિકાર અને વ્યસનોનાં વળગણો લાગી ગયાં હોય છે, પરંતુ એનાં સારાં-માઠાં પરિણામની એને દુઃખમાં જ જાણ થાય છે. સુખમાં ઝાકમઝોળભર્યો અનુભવ હોય છે, જ્યારે દુઃખમાં ગંભીર દૃષ્ટિકોણ હોય છે, આથી જ ‘વાલ્મીકિ રામાયણ’ જેવી મહાન કૃતિ દુ:ખના આઘાતમાંથી સર્જન પામી છે.
આમ જુઓ તો દુઃખની વેદનાએ જગતને કેટલાંય મહાન સર્જનો આપ્યાં છે. કવિની પીડા હોય કે ચિત્રકારની વેદના હોય, પણ એણે જગતને નવાં નવાં સર્જનોની પ્રેરણા આપી છે. આનું કારણ એ છે કે દુઃખ વ્યક્તિને મનના ઊંડાણમાં જઈને વિચારતી કરી મૂકે છે. એનામાં એક પ્રકારની વૈચારિક પ્રૌઢતા આપે છે અને એથી જ દુઃખ એ દવા જેવું છે. એ ઉગ્ર છે, પણ ગુણકારક છે. એ અપ્રિય છે પણ ઉદ્ધારક છે. દુઃખને સામે ચાલીને આલિંગન આપવા કે સ્વીકારવા માટે કોઈ જતું નથી, પરંતુ પોતાના શિરે આવેલાં દુ:ખમાંથી બોધપાઠ લેનારા ઘણા હોય છે. જો દુ:ખ ન હોત તો માનવીને પોતાની ભાવનાનું પૃથક્કરણ કરતાં આવડ્યું ન હોત. એ દુઃખ આવતાં પોતાની ભાવનાની યોગ્યાયોગ્યતા વિચારે છે. તે ભાવના ધસમસતા પ્રવાહમાં કરેલી ભૂલોને જાણવાનો, તાગવાનો અને એના મૂળ કારણને સમજવાનો પ્રયાસ કરે છે.
સામાન્ય માન્યતા એવી છે કે ભાવના આવેગમાં કે ભક્તિના ઉછાળમાં વ્યક્તિ ઈશ્વરને પામે છે, પરંતુ ભાવનો આવેગ વ્યક્તિના ચિત્તને ક્યાંય ઠરવા દેતો નથી. ભક્તિની અતિશયતા એને ઘેલછામાં ડુબાડી દે છે, આથી પરમાત્મ-પ્રાપ્તિમાં ભાવ અને ભક્તિ સાથે દુ:ખનું મિશ્રણ થવું જોઈએ. સંતોનાં ચિરત્રો જોતાં ખ્યાલ આવે છે કે આ સંતોને જીવનમાં ઘણાં દુઃખો પડ્યાં છે. આ દુઃખોને કારણે જ એમની પરમાત્મા પ્રત્યેની આસ્થા વધુ દૃઢ બની અને એ દુઃખો દ્વારા જ એમની ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને તેના પ્રત્યેના ભાવના કુંદનની કસોટી થઈ છે. આથી એક કવિએ કહ્યું છે, “દુ:ખ સબકો માંજતા હૈ.”
જેમ કોઈ વાસણને માંજવામાં આવે અને એના પરથી ધૂળ, કચરો કે મેલ દૂર થાય અને એ વાસણ ચોખ્ખું અને ચકચકિત થઈ જાય, એ જ રીતે આવાં દુઃખને કારણે વ્યક્તિના જીવન પર ચઢી ગયેલી પ્રમાદની ધૂળ, ભયનો કચરો, અહંકારનો મેલ અને વ્યર્થતાનો કાટ દૂર થાય છે. આ રીતે દુઃખ માનવ-આત્મા પર લાગેલી મલિનતાને દૂર કરે છે.
ભારતીય પરંપરામાં પ્રેમની કસોટી તરીકે દુ:ખનું મહત્ત્વ અને તેનો મહિમા સ્વીકારાયો છે. કવિ કાલિદાસના ‘કુમારસંભવ’માં કામદેવની સહાય પામેલી યુવાન પાર્વતીને શંકર જાકારો આપે છે અને એ જ પાર્વતી જ્યારે તપથી પરિપૂત થાય છે, ત્યારે શંકર સામે ચાલીને એનો સ્વીકાર કરે છે. કાર્તિકેયના જન્મ પૂર્વેની ભૂમિકા ત્યારે જ રચાઈ કે જ્યારે પાર્વતીનો પ્રેમ આ આકરી તાવણીમાંથી પસાર થઈ શક્યો.
કોઈ કવિને પૂછશો કે આ સુંદર કાવ્ય લખ્યું, ત્યારે તમને એનો સૌથી વધુ આનંદ ક્યારે આવ્યો ? ત્યારે એ કવિ કહેશે કે આ કાવ્યસર્જનની પ્રક્રિયા વખતે જે મથામણ અને પીડા અનુભવી હતી અને પછી કલમમાંથી એક એક શબ્દો નીકળતા ગયા, તેમાં અપાર આનંદ આવ્યો. આનું કારણ એ છે કે જેટલો આનંદ પ્રક્રિયામાં હોય છે, એટલો પરિણામમાં હોતો નથી. જેટલો આનંદ કઠિન અને અજાણ્યા રસ્તા પર સફર કરવામાં આવે છે, એટલો આનંદ મુકામે પહોંચી ગયા પછી આવતો નથી. જીવનમાં માર્ગનું મહત્ત્વ છે, પડાવનું નહીં; પરિશ્રમનું મહત્ત્વ છે, પૈસાનું નહીં અને આથી જ મિલનની મધુરતા કરતાં વિરહની તડપન વધુ ધ્યાન ખેંચનારી બને છે. કૃષ્ણની પ્રાપ્તિ કરતાં મીરાંનો આંસુનો પ્રપાત વધુ મહિમાવાન છે. મહિમા પીડાનો છે, પ્રાપ્તિનો નહીં.
ભૌતિક જગતમાં પણ આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ અમુક વસ્તુ મેળવવા ચાહતી હોય, ત્યારે એને માટે એ કેટલી બધી ગડમથલો અને પ્રયાસો કરતી હોય છે ! કેટલાય પડકાર ઝીલતી હોય છે ! પરંતુ એની પ્રાપ્તિ થયા પછી એનામાં પૂર્વેનાં એ જોશ કે ઉત્સાહ રહેતાં નથી.
અગાઉનો એ ઉમંગ નજરે પડતો નથી. એ ઉલ્લાસ જોવા મળતો નથી. યુદ્ધમાં યોદ્ધો લડતો હોય ત્યારે એનામાં જે પ્રચંડ ઉત્સાહ જોવા મળે છે, એ ઉત્સાહ વિજયપ્રાપ્તિ પછી ક્યાં જોવા મળે છે ? આમ દુઃખ એ હૃદયને પીડા આપનારું છે એ સાચું, પરંતુ દુઃખની ભઠ્ઠીમાં તપ્યા પછી જ માનવી જીવનનું કુંદન પામે છે.
૧૯૫૩ની ૨૯મી મેએ સવારે ૧૦-૩૦ વાગ્યે શેરપા તેનસિંગે એવરેસ્ટના શિખર પર પગ મૂક્યો. છેક ૧૯૩૫થી શેરપા તેનસિંગ હિમાલય પર સાહસિક પ્રવાસ ખેડતા હતા. એમણે કેદારનાથ શિખર પર આરોહણ કર્યું, નંદાદેવીનું પૂર્વશિખર સર કર્યું હતું, પણ છ-છ વખત પ્રયાસ કરવા છતાં એ એવરેસ્ટ સર કરી શક્યા નહોતા. આ સાતમા પ્રયાસમાં વિશ્વનું સર્વોચ્ચ શિખર એવરેસ્ટ સર કરનાર પર્વતારોહક બન્યા.
છેક ૧૯૩૫થી શરૂ થયેલી પર્વતારોહણની પ્રક્રિયાનું ૧૯૫૩માં પરિણામ જોવા મળ્યું, પણ પછી તેનસિંગ અને એના સાથી એડમન્ડ હિલેરી માત્ર ૧૫ મિનિટ એવરેસ્ટ શિખર પર રહ્યા. આથી એમનો પીડાભર્યો દીર્ઘ પુરુષાર્થ મહત્ત્વનો બન્યો. એમણે જાનના જોખમે ખેડેલાં સાહસો યાદગાર બન્યાં. એમણે સહન કરેલી પીડાઓ અને મુશ્કેલીઓની નોંધ લેવામાં આવી, જ્યારે સિદ્ધિનો આનંદ તો થોડો સમય જ માણ્યો.
વળી એ જ શેરપા તેનસિંગને કોઈએ એમ કહ્યું હોત કે તમારે વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવું છે, તો તમને હું હેલિકૉપ્ટર મારફતે ઉતરાણ કરાવું તો તેમાં શો વાંધો ? હકીકત એ છે કે તેથી પર્વતારોહક તેનસિંગને કોઈ આનંદ થયો ન હોત. જે એવરેસ્ટ આરોહણનો આનંદ તેનસિંગ અને હિલેરીને મળ્યો હતો, તે હેલિકૉપ્ટર દ્વારા પ્રાપ્ત ન થાત. આનું કારણ એ કે મુશ્કેલી કે દુઃખ માનવીમાં લડાયક ચેતના જાગૃત કરે છે. એ સંજોગોનો ગુલામ બનવાને બદલે એની સામે ઝઝૂમે છે, જ્યારે સુખ માનવીને નિર્બળ બનાવે છે. આને પરિણામે તો અત્યંત સમૃદ્ધિમાં ઊછરેલાં બાળકો ભાગ્યે જ પ્રતિભાવાન હોય છે, કેમ કે એમને પીડા, દુઃખ, અભાવ કે જીવનમાં આવતી મુશ્કેલીઓનો ખ્યાલ હોતો નથી, દુ:ખનો સાક્ષાત્કાર હોતો નથી, વેદના પછીના ઉલ્લાસનું કોઈ દર્શન હોતું નથી.
એક અજ્ઞાત કવિએ લખ્યું છે :
” बिना दुःख के सुख है निस्सार । बिना आंसू के जीवन भार ।।”
મતલબ કે ‘દુઃખ વિનાનું સુખ સારહીન છે અને આંસુ વિનાનું જીવન ભારરૂપ છે’ અને હકીકતમાં માનવીએ દુઃખોના સ્વીકાર માટે સજ્જતા કેળવવી પડે છે. મહાત્મા ગાંધીજીએ આવાં દુઃખોનો સામે ચાલીને સ્વીકાર કર્યો. પોતાની ભાવનાને સિદ્ધ કરવા માટે દુઃખ-સ્વીકારની ભૂમિકા મહત્ત્વની છે – વચનપાલનને કાજે રામે વનવાસનો સ્વીકાર કર્યો તેવી.
દુઃખ સમયે ભીતરમાં વિશ્વાસ હોવો જોઈએ. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ચાર વખત વિજેતા બનનાર અને બાર વર્ષ સુધી ગૌરવવંતું પ્રમુખપદ સંભાળનાર ફ્રેન્કલીન રુઝવેલ્ટ પક્ષાઘાતની અસર ધરાવતા હતા. આમ છતાં એ વિશ્વયુદ્ધના સમયે ચર્ચિલ અને સ્ટાલીન જેવા રાજપુરુષો સાથે ચર્ચા કરવા થાક્યા વિના લાંબા પ્રવાસો ખેડતા હતા. પક્ષાઘાતને કારણે શારીરિક વેદના અને મુશ્કેલી હોવા છતાં લાંબા પ્રવાસ બાદ પણ એમના ચહેરા પર તાજગી દેખાતી હતી.
એક વાર અમેરિકાના આ કર્મઠ પ્રમુખને કોઈએ પૂછ્યું, “આટલો બધો શ્રમ ઉઠાવો છો અને આટલી બધી શારીરિક પીડા સહન કરો છો, એનું રહસ્ય શું ?”
પ્રમુખ રૂઝવેલ્ટે કહ્યું, “અડગ સહનશક્તિ. તમે જે માણસને જુઓ છો એને પક્ષાઘાત પછી પગનો અંગૂઠો હલાવવાનું પૂરેપૂરું શીખતાં બે વર્ષ લાગ્યાં હતાં. આ જ સહનશક્તિએ મને હંમેશાં કામના થાકને બદલે નવી તાજગી આપી છે.”
25-6-2023
જાણ્યું છતાં અજાણ્યું