
દુઃખનાં રોદણાં રડતો માનવી જેને પરમ સુખ માને છે, તે વિશે કોઈ ગંભીર વિચાર કરે છે ખરો ? ક્ષણભંગુર બાબતને પરમ શાશ્વત સુખ માનીએ છીએ અને પછી એ ચાલ્યું જતાં પારાવાર દુઃખ અનુભવીએ છીએ, તે કેવું ? યુવાની સદાકાળ રહેવાની છે એમ માનીએ છીએ અને કુદરતના ક્રમ પ્રમાણે પછી વૃદ્ધત્વ આવે અને માણસ એનાં દુઃખ-દર્દની ફરિયાદ કરે, તે કેવું ? જે શાશ્વત કે સનાતન નથી, એને તમે શાશ્વત અને સનાતન માનીને ચાલો અને પછી એ ચાલ્યું જાય ત્યારે એનો ભારે વસવસો કરો, તે કેવું ?
સઘળાં ક્ષેત્રોમાં ‘એન્ટરટેઇનમેન્ટ’નો મહિમા ધરાવતું આધુનિક જગત તો ઇન્દ્રિયના આનંદને પરમસુખ માનીને બેઠું છે. ઇંદ્રિયોને પોષવા, શણગારવા અને ઉશ્કેરવા માનવીએ પાર વિનાના પ્રયત્નો કર્યા છે, પરંતુ સમય જતાં એ ઇન્દ્રિયો ક્ષીણ અને શિથિલ થાય, ત્યારે એ દુ:ખી દુ:ખી થઈ જાય, તે કેવું ? માનવીના દેહ પર સદાય વસંતના અબીલગુલાલ ઊડતા નથી. વસંત પછી પાનખર આવે, એ કુદરતનો અનિવાર્ય ક્રમ છે. બાળપણ પછી યુવાની અને યુવાની પછી વૃદ્ધત્વ આવે એ સ્વાભાવિક પ્રક્રિયા છે.
હવે જો બાળપણને જ સદા ટકનારું માનીને બેસી રહીએ તો શું થાય? યુવાનીનો અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ એમ માનીને જીવીએ, તો શું થાય ? જે દેહના લાલન, પાલન અને પોષણ માટે, અરે ! એના સુશોભન માટે અવિરત દોડધામ કરી, તે દેહ પાંગળો બની જાય તેમાં વાંક કોનો ? તેનું દુઃખ શા માટે ? જિંદગીભર આંખો મીંચીને કુબેરના ભંડાર જેટલી સમૃદ્ધિ ભેગી કરી હોય અને અંતિમ વેળાએ એમાંથી એક પાઈ પણ ખર્ચી શકાતી ન હોય કે પછી એ બધું અહીં જ મૂકીને જવાનું છે, તેનો આઘાત અનુભવીએ તેનો અર્થ શો ? આ આઘાતના જનક તમે પોતે જ છો, પછી એનું દુઃખ શેનું ?
જિંદગીના ગણિતની ખોટી રકમો મંડાતી હોય, ત્યારે એનો તાળો મળે ક્યાંથી ? આવી ખોટી મંડાયેલી રકમો જ વ્યક્તિના જીવનમાં હતાશા, નિષ્ફળતા કે નિરાશા લાવતી હોય છે. સુખનું સાચું ગણિત માનવીને હાથ લાગ્યું નથી, કારણ કે એનું સુખ એ આજનું સુખ છે, ક્ષણિક કે સ્વાર્થકેન્દ્રી સુખ છે, વર્તમાનનું સુખ છે, થોડા સમયનું સુખ છે. એ જિંદગીની મોજ-મસ્તી અને વિલાસને સુખ માનીને બેઠો છે. જાહેરમાં અથવા ખાનગી રીતે એ સતત ઇંદ્રિય-સુખોની શોધ કરે છે. ક્યારેક યુક્તિપૂર્વક તો ક્યારેક લુચ્ચાઈથી આ સુખ મેળવવા માટે હવાતિયાં મારે છે. એની આ મોજમજાનું ચક્ર પણ મજાનું છે ! એને પોતાના જીવનમાં નાની સરખી મોજમજાની ના પાડવામાં આવે, તો એ નિરાશ થઈ જાય છે. ઊંચી કિંમતનો મોબાઇલ ન મળે, તો રિસાઈ જાય છે. પડોશીને ત્યાં અદ્યતન મૉડલની મોટર હોય તો એ અદેખાઈથી ઉજાગરો કરે છે. મોજમજા અને વિલાસના ભ્રામક સુખે જ માનવીના જીવનને ખોટે માર્ગે દોર્યું છે.
જૈન ધર્મના પ્રથમ આગમગ્રંથ ‘શ્રીઆચારાંગસૂત્ર’ના ત્રીજા અધ્યાયમાં ભગવાન મહાવીરની એક માર્મિક વાણી મળે છે,
“पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्ज एवं दुक्खा पभोकरवसि ।” “હે પુરુષ, તું પોતે પોતાનો નિગ્રહ કર, સ્વયં નિગ્રહથી તું સમસ્ત દુઃખોથી મુક્ત થઈ જઈશ.”
જે કામનાઓ, જે વસ્તુઓ અને જે પ્રલોભનો તને દુઃખ આપનારાં છે એની બાબતમાં તું સંયમ ધારણ કર. જે કામનાને તું સદા વળગી રહે છે, તે જ કામના તને થોડા સમયમાં છોડી જવાની છે અને એટલે જ સ્વયં નિગ્રહથી, અર્થાત્, સાચા સંયમથી અથવા તો સુખના સાચા ગણિતથી મનુષ્ય એના જીવનની વ્યર્થતાઓ અને નિષ્ફળતાઓનો પાર પામી શકે છે.
જાપાનની એક કંપનીએ પીડા વગર પ્રસૂતિ થાય એવી દવા બનાવી. એ દવા માતાને માટે અમૃત સમાન હતી, કિંતુ નવજાત શિશુને ઝેર સમાન નીવડી. પ્રસૂતાને સહેજેય પીડા વિના પ્રસૂતિ થઈ, પરંતુ પીડા વિના જન્મેલાં એ બાળકો શરીરે અપંગ, અંધ અને વિકૃત હતાં. આજે પણ આ દવા બનાવનારી કંપની પર અદાલતમાં મુકદ્દમાઓ ચાલે છે અને જગતમાં જાપાન એ એક એવું રાષ્ટ્ર છે કે જ્યાં કાયદાથી પ્રસૂતિની પીડા ઓછી કરતી દવાઓ બનાવવા પર પ્રતિબંધ છે. બાળકના જન્મના ઉલ્લાસને માટે પ્રસૂતિની પીડાને અનિવાર્ય માનવામાં આવે છે.
મહાભારતમાં બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને રાજધર્મ અને વિશેષે તો માનવધર્મનો માર્મિક ઉપદેશ આપ્યો છે. આ યુદ્ધમાં બીજા યોદ્ધાઓ તો હણાયા અને મૃત્યુ પામ્યા, પરંતુ ભીષ્મ પિતામહને દિવસો સુધી બાણશય્યા પર રહેવું પડ્યું. બાણોની વેદના વેઠવી પડી. આ સંદર્ભમાં ભીષ્મ પિતામહ શ્રીકૃષ્ણ તરફ જોઈને કહે છેઃ
“હે મધુસૂદન, આ યુદ્ધમાં મારા જેવું પારાવાર કષ્ટ કોઈ પણ યોદ્ધાને વેઠવું પડ્યું નથી. જોકે આ કષ્ટ અને વેદનાને આપની કૃપા જ ગણું છું,
કારણ કે જે જ્ઞાન વેદાભ્યાસથી પામ્યો નહોતો અને આટલા લાંબા જીવનથી પણ મેળવી શક્યો નહોતો, એ જ્ઞાન આ બાણશય્યા પર પડ્યે પડ્યે મારી વેદનાઓને મુઠ્ઠીમાં રાખીને અંતર્મુખ થવાથી પામ્યો છું.”
એના ઉત્તરમાં શ્રીકૃષ્ણ હસીને કહે છે, “તમારા આત્માને આવા કઠોર અનુભવની જરૂર હશે, પિતામહ.”
“એમ જ હશે.” ભીષ્મે કહ્યું.
અને પિતામહ ભીષ્મએ અઠ્ઠાવન રાત્રી સુધી બાણશય્યામાં વેદના ભોગવી એમ કહેવું યોગ્ય નથી, કિંતુ એ વેદના દ્વારા મહાન તપ કરીને અંતર્મુખ બન્યા. બાણશય્યાની વેદના એમને અનુપમ જીવનદર્શન આપી ગઈ. દુઃખ એ માનવીને અંતર્મુખતા આપે છે.
આજ સુધી માનવીએ જીવનમાં આવતાં પારાવાર દુઃખો તરફ સતત ફિટકાર અને તીવ્ર તિરસ્કાર વરસાવ્યો છે. દુઃખને એ હંમેશાં વિધિનો શાપ માનતો રહ્યો છે. જીવનભર એની મથામણ હોય છે કે આ દુઃખ એના જીવનમાં પ્રવેશે નહીં અને એ પોતે સદૈવ સુખનો અખૂટ આનંદ ભોગવે. દુઃખ ત૨ફ ‘બૂરી નજરે’ જોઈને માનવીએ પોતાના જીવનને વધુ કષ્ટમય, આપત્તિજનક અને વિષાદપૂર્ણ બનાવ્યું છે. દુ:ખ પ્રત્યેનો એનો અભિગમ એ એના જીવનની ઘણી પરેશાનીઓનું મૂળ કારણ છે.
અજ્ઞાન, દુર્ગુણ, ભ્રામક માન્યતા, અપાર કામના અને ભૂતકાળ-પરસ્તીથી આવેલી આપત્તિઓને આપણે ઓળખીશું તો ખ્યાલ આવશે કે આપણા જીવનમાં જેને દુઃખો કહીએ છીએ, એ દુઃખોના સર્જનનું કારણ જીવનની ઊર્ધ્વતા અંગેનું આપણું અજ્ઞાન છે. સમ્યગજ્ઞાનના અભાવે રૂઢિ, માન્યતા અને વહેમોમાં આપણે ફસાઈ ગયા હોઈએ છીએ. દુર્ગુણ કે વ્યસન આપણને કોઠે પડી જાય છે. વર્ષોથી ચાલી આવતી ભ્રામક માન્યતાઓનો નત મસ્તકે સ્વીકાર કરી લઈએ છીએ. ચંચળ મન સતત કામનાના એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદકા માર્યા કરે છે અને વર્તમાનને સમજવાને બદલે વીતી ગયેલા ભૂતકાળમાં જીવવાનું આપણે પસંદ કરીએ છીએ. આને પરિણામે જીવનમાં પારાવાર સમસ્યાઓ સર્જાતી હોય છે. એ સર્જાતી સમસ્યાઓને આપણે ‘દુઃખ’ એવું લેબલ આપીએ છીએ, પરંતુ જો આપણા દુ:ખના હાર્દમાં જઈશું તો એક સત્ય પ્રાપ્ત થશે : સાચી સમજણને કારણે દુઃખ અનુભવતા અંતઃકરણમાં પ્રસન્નતાનો ઝરો હોય છે. એ વહેવા લાગશે તે પછી આવનારી આપત્તિ કશી અસર કરશે નહીં, મુશ્કેલી ચિત્તને ધ્રુજાવશે નહીં. બધી જ યાતનાઓ, વેદનાઓ અને આકાંક્ષાઓનો અંત આવશે; કારણ કે ભીતરની પ્રસન્નતા આપણા અંતસ્તલમાં વહે છે.
23-7-2023
જાણ્યું છતાં અજાણ્યું