
શ્રી શંખેશ્વર તીર્થના સંદર્ભમાં આપોઆપ ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી મહારાજસાહેબનું સ્મરણ થાય. એમના જીવનમાં ધર્મશક્તિનું પ્રાગટ્ય જોવા મળે છે. સ્થૂળ દૃષ્ટિ એને ચમત્કાર તરીકે ખપાવતી હોય છે. શ્રી ઉદયરત્નજી મહારાજની પ્રભાવક શક્તિ વિશે ઘણી કથાઓ અને કિંવદંતીઓ મળે છે. આશરે વિ. સં. ૧૭૫૮માં એમની પ્રેરણાથી ખેડાથી શ્રી શંખેશ્વર તીર્થનો છ’રી પાલિત સંઘ નીકળ્યો હતો. એ સમયે શંખેશ્વર ગામ પર સત્તા ધરાવતો ઠાકોર એક ગીનીનો કર લઈને યાત્રાળુઓને મૂર્તિનાં દર્શન ક૨વા દેતો હતો. ખેડાના સંઘને શંખેશ્વર પહોંચતાં વિલંબ થતાં ઠાકોરના હુકમથી પૂજારીએ દરવાજો ખોલવાનો ઇન્કાર કર્યો. શ્રી ઉદયરત્નજી મહારાજ અને સંઘના સહુ શ્રાવક-શ્રાવિકાઓએ તો એવી પ્રતિજ્ઞા લીધી હતી કે શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને જ અન્નજળ લેશે. મુનિરાજ અને આખોય સંઘ દ્વાર પાસે ઊભો રહ્યો અને મુનિ ઉદયરત્નના અંતરમાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ સરી પડી.
પાસ શંખેશ્વરા ! સાર કર સેવકાં
દેવ કાં એવડી વાર લાગે ?
કોડી કર જોડી દરબાર આગે ખડા
ઠાકુરાં ચાકુરાં માન માગે !’
અંતે ‘પ્રગટ થા પાસજી’ કહીને દ્વાર ખોલવાની વિનંતી કરી. આ સ્તુતિથી પ્રભુના અધિષ્ઠાયક નાગરાજ પ્રસન્ન થયા અને દેરાસરનાં દ્વાર ઊઘડી ગયાં. ચોતરફ હર્ષધ્વનિ ગાજી ઊઠ્યો. આખાય સંઘે ભાવપૂર્વક દર્શન-પૂજન કર્યાં. આ ઘટનાને પરિણામે ગામનો ઠાકોર મુનિરાજનાં ચરણમાં પડ્યો અને શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથની મૂર્તિ એણે શ્રીસંઘને સોંપી દીધી.
શ્રી શંખેશ્વર તીર્થ ઘણું પ્રાચીન અને મહાપ્રભાવશાળી ગણાય છે. જુદા જુદા અનેક ગ્રંથોમાં એના પ્રભાવનાં વર્ણનો મળે છે. એને વિશે એવાં સુંદર સ્તવનો મળે છે કે જેમાં શ્રી શંખેશ્વર મહાતીર્થનું મહિમાગાન કરવામાં આવ્યું હોય. જુદા જુદા ધર્મગ્રંથોમાં આ તીર્થ અને તેના પ્રભાવ વિશે જે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, તે જોઈએ.
ગુજરાતી ભાષા માટે ઍલેક્ઝાન્ડર ફોર્બ્સે મહત્ત્વનું કામ કર્યું. કવિ દલપતરામ સાથે રહીને એમણે ગુજરાતી સાહિત્યની સેવા કરી. એવા ફાર્બસની સ્મૃતિમાં ચાલતી ફાર્બસ ગુજરાતી સભા (મુંબઈ) તરફથી વિ. સં. ૧૯૮૪માં પ્રગટ થયેલ ‘ગુજરાતનાં ઐતિહાસિક સાધનો'(વિભાગ ૧-૨)માં પ્રસિદ્ધ લેખક શ્રી નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદીએ એક મહત્ત્વની નોંધ કરી છે. તેઓ લખે છે કે, ‘સંવત ૧૧૭૨ની સાલમાં મોનાજી ગંધારિયો નામનો વાણિયો પોતાનાં વહાણો ભરીને સમુદ્ર-માર્ગે જતો હતો, તેવામાં સમુદ્રમાં ખૂબ તોફાન થયું, વહાણો બચવાની કે જીવતા રહેવાની પણ આશા ન રહી. એ સમયે એણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ભક્તિપૂર્વક સ્મરણ કરીને પોતાનાં વહાણોમાંની કુલ મિલકતનો ચોથો ભાગ શંખેશ્વર તીર્થમાં ખર્ચવાની પ્રતિજ્ઞા કરી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના પ્રભાવથી તેનાં વહાણો બચ્યાં. મિલકતનો હિસાબ ગણતાં ચોથા ભાગનું ધન નવ લાખ રૂપિયા થયું. તેટલા રૂપિયા ખર્ચીને એણે શંખેશ્વરજીનું દેવાલય બંધાવ્યું.
શ્રી શંખેશ્વર તીર્થની ચોપાસ વસતા લોકો એવી દૃઢ શ્રદ્ધા ધરાવે છે કે શંખેશ્વરની યાત્રાએ આવનારા યાત્રાળુઓ કોઈ દિવસ દુ:ખી થતા નથી. દિવસે તો શું, રાત્રે પણ ચોર-ડાકુ વગેરે યાત્રાળુઓને લૂંટતા કે પરેશાન કરતા નથી. કદાચ કોઈ એવા અજાણ્યા ચોરો લૂંટવા આવે તો આ તીર્થના ચમત્કારથી તેઓ હતાશ થઈને પાછા ચાલ્યા જાય છે અથવા તો એમની યોજના પાર પડતી નથી. વળી આ ચોરોને પણ શાસનદેવ દુ:ખી કરતા નથી. તેઓ ચાલ્યા જાય એટલે બસ.
શ્રી શંખેશ્વર તીર્થ વિશેની એક પ્રચલિત ઘટના જોઈએ. એની નજીક આવેલા પંચાસરની એક શ્રાવિકાએ પુત્રને જન્મ આપ્યો. એ પછી થોડા સમયમાં જ તેનો પતિ અવસાન પામ્યો. શ્રાવિકાએ પોતાના એકના એક પુત્રની રક્ષા માટે શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરીને પોતાના પુત્રના ભારોભાર રૂપિયા તોળીને તીર્થમાં પ્રભુચરણે અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી.
છોકરો અઢી વર્ષનો થયો એટલે પ્રતિજ્ઞા પૂર્ણ ક૨વા માટે માતા પોતાના પુત્રને તથા રૂપિયા સાથે લઈને શ્રી શંખેશ્વર તીર્થની યાત્રાએ નીકળી.
ચોરોને આની જાણ થતાં તેમણે માર્ગમાં ગાડાને અટકાવ્યું. ગાડામાંથી એ સ્ત્રીને નીચે ઉતારી મૂકી. ગાડામાં રહેલી મિલકત એકઠી કરીને ચોરો ગાંસડી બાંધવા લાગ્યા. નિરાધાર સ્ત્રીએ શ્રી શંખેશ્વરજીને વિનંતી કરી, ‘હે પ્રભુ ! મારી માનતા પૂર્ણ કરવા કાજે હું આપનાં દર્શને આવતી હતી, રસ્તામાં આ ચોરો મને લૂંટી રહ્યા છે. હવે આટલી રકમ ફરી વાર એકઠી કરીને મારી માનતા પૂરી કરી શકું તેવી મારી સ્થિતિ નથી. મારી માનતા પૂર્ણ કરાવવી અને લાજ રાખવી તે આપના હાથમાં છે.’
થોડીવારમાં જ તત્કાલ કોઈ ઘોડેસવાર ઘોડો દોડાવતો દોડાવતો ત્યાં આવ્યો. તેણે ચોરોને ધમકાવ્યા, તેથી ચોરો નિરુત્સાહ થઈને ચાલ્યા ગયા. પેલો ઘોડેસવાર ગાડા સહિત શ્રી શંખેશ્વર તીર્થના ઝાંપા સુધી પહોંચાડીને ક્યાંય ચાલ્યો ગયો. આ કિસ્સો શંખેશ્વરજીના વૃદ્ધ પુરુષો પાસેથી સાંભળીને અહીં આલેખ્યો છે.
યાત્રાળુઓ રસ્તો ભૂલ્યા હોય તેને પણ આ ઘોડેસવાર સહાય કરે છે. એક વાર રાધનપુરના શ્રાવકો શેઠ હ૨ગોવિંદ વગેરે રાત્રે શંખેશ્વર તીર્થમાં જતા હતા. અજવાળી રાત હતી, છતાં રસ્તો ભૂલ્યા. આડે રસ્તે ચાલતાં નદી આડી આવી, ગાડું કેમે કરી ભેખડ ઉપર ચડે નહીં. સાવ નિરાશ થઈ ગયા. થોડી વાર પછી એકદમ હિંમત આવી અને વજનદાર ગાડાને હાથોહાથ ભેખડ ઉપર ચડાવી દીધું, પણ ઉપર ચડ્યા પછી રસ્તો ન મળે. બધા ભારે મૂંઝવણમાં પડ્યા.
થોડી વારમાં એક કાળો ઘોડેસવાર આવ્યો. તેણે કહ્યું કે તમે રસ્તો ભૂલ્યા છો, મારી પાછળ પાછળ આવજો. તેની પાછળ પાછળ ઠેઠ શ્રી શંખેશ્વરજી તીર્થના ઝાંપામાં પહોંચ્યા, એટલામાં પેલો ઘોડેસવાર ક્યાંય અદશ્ય થઈ ગયો.
આ કિસ્સો જેમના જીવનમાં બન્યો હતો તે શ્રાવક હરગોવિંદના મુખેથી મુનિરાજશ્રી જયંતવિજયજીએ સાંભળેલી ઘટના જોઈએ.
ઘણી વાર યાત્રાળુઓ અંધારી રાતે શંખેશ્વરજી આવતા હોય અને રસ્તો ભૂલવાથી ભય જેવું લાગતું હોય તો શંખેશ્વરજીના મંદિરના શિખર ઉપ૨ જાણે સર્ચલાઇટ મૂકી હોય તેવો દીવો દેખાય છે અને તેનો પ્રકાશ ત્રણ-ચાર ગાઉ સુધી પડે છે. તેના અજવાળાથી યાત્રાળુઓ ગામમાં પહોંચી ગયા પછી જુએ તો શિખર ઉપરનો દીવો કે પ્રકાશ કંઈ પણ મળે નહીં.
આ કિસ્સાને નજરે જોનાર શંખેશ્વરના વૃદ્ધ ચોકીદાર-રાજપૂતો પાસેથી સાંભળેલી એક વાત મુનિરાજશ્રીએ લખી છે.
શંખેશ્વર ગામ બહાર ઉત્તર દિશામાં સ્મશાન તરફ એક મોટો ખાડો હતો. જૂના સમયમાં આ ગામમાં વસતા એક ગૃહસ્થની ગાય હંમેશાં ચરીને ઘેર પાછા આવતી વખતે તે ખાડાને સ્થાને જતી. ત્યાં તેનું દૂધ ઝરી જતું.
ઘેર આવ્યા પછી દૂધ ન નીકળે. ગોવાળિયા સાથે વારંવાર તકરાર થતી, થોડા દિવસ પછી એ અંગે ખાતરી કરવા ગામની પાછળ બરાબર તપાસ રાખતાં, ને ખાડાના સ્થાને ગાયનું દૂધ ઝરી જતું જોયું. એટલે ત્યાં કોઈ ચમત્કારિક દેવ હોવાની લોકોને ખાતરી થવાથી તે ખાડાવાળી જમીનને ખોદાવતાં ત્યાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ નીકળી, એટલે શ્રી સંઘે ગામમાં નવું દેરાસર (ગામમાં જૂના દેરાસરનું ખંડિયેર છે તે) કરાવીને તેમાં બિરાજમાન કરી. આ છે આ તીર્થનો અપૂર્વ મહિમા !
20-8-2023
જાણ્યું છતાં અજાણ્યું