મેં સ્વયં મારી જાતને સતત શ્રેષ્ઠ બનવા પ્રેરણા આપી છે !

માનવતાની ચીસ અને ફૂટબૉલનીકિક‘ !

અનરાધાર ધનવર્ષા થતી હોય, એવે સમયે કોઈને માત્ર ધનસંચયનો વિચાર આવે છે, જે પોતાની સંપત્તિના ચરુ પર સાપ થઈને ફેણ માંડીને એને જાળવવા માટે ઉજાગરા કરે. કોઈ પોતાની સંપત્તિ અંગત મોજ-વિલાસમાં પ્રયોજે છે અને કોઈ તો ભવ્ય સમારંભો કે લગ્નનાં આયોજનો કરીને પોતાની સંપત્તિનું વરવું પ્રદર્શન કરતા હોય છે. લગ્ન, લગ્ન પૂર્વે અને લગ્ન પછી એમ ત્રણ ત્રણ પ્રકારના ઠઠારાઓથી પોતાની ધનની અમીરાઈ પ્રગટ કરે છે, પણ એમાં દિલની અમીરાઈ પ્રગટ થતી નથી.

આજે અઢળક ધનસંપત્તિ ધરાવતા ધનકુબેરની નામાવલિમાં જેનું નામ બોલાય છે એવા ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાત કરવી છે.  ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ પોર્ટુગલનો ફૉર્વડના સ્થાન પ૨ ૨મતજગતનો અદ્ભુત અને ઉત્કૃષ્ટ ફૂટબૉલર છે. એ ફૂટબૉલની એક કિકથી ગોલ કરે, ત્યારે અગણિત પ્રેક્ષકો એની કામયાબી પર વારી જતા હોય છે. સાઉદી અમેરિકાની અલ નાસ૨ ક્લબ તરફથી અને પોર્ટુગલ નૅશનલ ટીમ તરફથી એ સુકાનીપદે ખેલે છે. સર્વોચ્ચ ફૂટબૉલરોને મળતાં પાંચ-પાંચ બેલોન ડી-ઓર ઍવૉર્ડ મેળવ્યાં છે અને જગતનાં તમામ સમયનાં મહાન ફૂટબૉલરોમાં એ આગવું સ્થાન ધરાવે છે. એના નામે વિશ્વવિક્રમોની વણઝાર છે.

વિશ્વમાં સૌથી વધુ દર્શકો ધરાવતી અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી વળેલી કોઈ લોકપ્રિય રમત હોય તો તે ફૂટબૉલની રમત છે અને એ રમતના શ્રેષ્ઠ ખેલાડીઓને ખેલવા માટે કરોડો રૂપિયાના કરાર થતા હોય છે. મારે રોનાલ્ડોને કેટલા કરોડના ખર્ચે કોઈ ટીમે પોતાના તરફથી ખેલવા માટે કરાર કર્યા છે, તેની વાત કરવી નથી, પરંતુ એ રોનાલ્ડો ફૂટબૉલના સુપરસ્ટારની સાથોસાથ એનાં લોકકલ્યાણનાં કાર્યોથી સખાવતી સુપરસ્ટાર સાબિત થયો છે.

અત્યંત ગરીબ કુટુંબમાં જન્મેલા રોનાલ્ડોની માતા ડોલોરેસ એવેરો ચોથા બાળકને ઉછેરી શકશે નહીં, એમ લાગતાં ગર્ભપાત કરવાનો વિચાર કર્યો હતો. એને માટે ઘેર કેટલાંક ઓસડિયાં પર અજમાવ્યાં હતાં. એનું કારણ એ કે એની માતા રસોયણ અને ક્લીનર હતી. એના પિતાએ પોર્ટુગીઝ લશ્કરમાં સેવાઓ આપી હતી અને અંગોલા અને મોઝામ્બિકમાં બે યુદ્ધો પણ લડ્યા હતા. લશ્કરની સેવા પૂરી કરીને ઘેર પાછા ફર્યા, ત્યારે બેરોજગારીએ એમને પરેશાન કરી દીધા. કોઈ કામ મળતું નહોતું, તે સમયે એન્ડોરિન્તા ક્લબના ફૂટબૉલનાં સાધનોની રખેવાળી ક૨વાનું કામ કરતા હતા.

બાળપણથી જ રોનાલ્ડોને ફૂટબૉલ ખેલવાની લગની લાગી હતી. ક્યારેક જમવાનું છોડીને પણ ઘરની બારીમાંથી કૂદકો મારી ફૂટબૉલ ખેલવા પહોંચી જતો. બાળપણમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એના ગુસ્સાને કાબૂમાં રાખી શકતો નહીં. એક વાર શિક્ષકે ઠપકો આપતાં એણે શિક્ષક પર ખુરશી ફેંકી હતી. તેથી ચૌદ વર્ષની વયે તેને નિશાળમાંથી કાઢી મૂકવામાં આવ્યો. સહુને લાગ્યું કે એ હવે ગામડાંનો માછીમાર બની જશે. એવામાં પંદર વર્ષની ઉંમરે રોનાલ્ડોને હૃદયની બીમારી હોવાનું નિદાન થયું. એને સર્જરી કરવી પડે તેમ હતી, પરંતુ થોડા જ સમયમાં એણે પોતાના સ્વાસ્થ્યની પુનઃ પ્રાપ્તિ કરી, પરંતુ આથી બીમાર બાળકોની સારવાર માટે રોનાલ્ડો જીવનભર તત્પર રહ્યો છે.

આમ તો રોનાલ્ડોનું નામ ક્રિસ્ટિયાનો હતું, પરંતુ એણે એના પિતાના અત્યંત ગમતા એવા ફિલ્મઅભિનેતા અને એ પછી અમેરિકાના પ્રમુખ બન્યા હતા, તેવા રોનાલ્ડ રીગન પ્રત્યેના અહોભાવને કારણે પોતાના પુત્ર ક્રિસ્ટિયાનોના નામમાં રોનાલ્ડ ઉમેર્યું હતું. રોનાલ્ડો વીસ વર્ષનો હતો, ત્યારે એના શરાબી પિતાનું અવસાન થયું અને એને સદાય અફસોસ રહ્યા કર્યો છે કે એના પિતા એની યુવાનવયે અવસાન પામ્યા, જેથી એ ક્રિસ્ટિયાનોની કામયાબી જોઈ શક્યા નહીં. આમ છતાં પૃથ્વી પરના સૌથી મહાન ફૂટબૉલર રોનાલ્ડો આજે વિચારે છે કે એના પિતા સ્વર્ગમાંથી એને જુએ છે અને એને કારણે એ ફૂટબૉલમાં અસાધારણ સફળતા મેળવી રહ્યો છે, કારણ કે એના પિતાએ જ એને ફૂટબૉલ સાથે પરિચય કરાવ્યો હતો.

અમેરિકામાં ફૂટબૉલ ‘સોકર’ તરીકે ઓળખાય છે અને એથીયે વિશેષ રોનાલ્ડો સારો માણસ બને તે માટે એમણે માર્ગદર્શન આપ્યું હતું. રોનાલ્ડોની આસપાસ એવું કોઈ વાતાવરણ નહોતું કે એને આ રમતમાં પ્રોત્સાહન આપે, પરંતુ રોનાલ્ડો કહે છે કે, ‘મેં મારી જાતને પ્રેરણા આપી છે, હું સ્વ-પ્રેરિત છું.’ એ પોર્ટુગલના મડેઇરા ગામમાં મોટો થયો. એનાં મેદાનોની ધૂળ પર ગોલ કરવા માટે દોડ લગાવી. ક્યારેક પડ્યો અને ક્યારેક સામી ટીમનાં કોઈ ફૂટબૉલરને કારણે એ મેદાન પર પછડાયો, પણ આજે મડેઇરાના ઍરપૉર્ટ પર રોનાલ્ડોની કાંસ્ય પ્રતિમા છે. એ ઍરપૉર્ટનું નામ ‘ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ’ છે અને ત્યાં એની ટ્રૉફી અને સન્માનો પ્રદર્શિત કરતું મ્યુઝિયમ છે. એક જમાનામાં જેની શેરીઓમાં રોનાલ્ડો રખડતો હતો. આજે એ ગામની દુકાનો રોનાલ્ડોની ફૂટબૉલ જર્સી, મગ અને બેકપેક્સથી ભરેલી છે. આખા ગામને એ ગૌરવ છે કે પોતાનો રોનાલ્ડો દુનિયાનો શ્રેષ્ઠ ફૂટબૉલર બન્યો છે. શ્રેષ્ઠ ફૂટબૉલર તરીકે સુપરસ્ટાર રોનાલ્ડો પર સતત ધનવર્ષા થતી રહી છે, પરંતુ મારે આ મહાઅમી૨ની ફૂટબૉલનાં મેદાન પર મેળવેલી કામયાબી, અસંખ્ય પુરસ્કારો, અઢળક પ્રશંસા અને ધનવર્ષાની વાત કરવી નથી, પરંતુ મેદાન પરના આ સુપરસ્ટારે મેદાનની બહાર સખાવતી કાર્યોમાં પણ એ સુપરસ્ટાર બન્યો છે.

એણે પોતાના વતનમાં કૅન્સર હૉસ્પિટલ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું. એની માતાને કૅન્સર થયું હતું અને જે હૉસ્પિટલે એની સારવાર કરી હતી તેને અંદાજે દોઢ મિલિયનથી પણ વધારે દાન આપ્યું હતું. દસ વર્ષની ઉંમરના રોનાલ્ડોના ચાહક એવા બાળકને બ્રેઇન સર્જરી માટે ત્યાસી હજાર ડૉલરથી પણ વધારે દાન કર્યું. વિશ્વનાં શ્રેષ્ઠ ખેલાડીને ગોલ્ડન બૂટ ઍવૉર્ડ મળે છે. ખેલાડી પોતાનો આ ઍવૉર્ડ જતનથી જાળવી રાખે છે, જ્યારે રોનાલ્ડોએ કૅન્સરને માટે પોતાના આ ગોલ્ડન બૂટ ઍવૉર્ડની હરાજી કરાવી અને એમાંથી મળેલા દોઢ લાખ મિલિયન ડૉલર એણે કૅન્સરની સંસ્થાને અને જીવલેણ રોગ ધરાવતા બાળકની અંતિમ ઇચ્છા પૂરી કરતા મેક-એ-વિશ ફાઉન્ડેશનને એની સઘળી ૨કમ આપી. એ સાથે એણે સ્પેન, બ્રાઝિલ અને અન્ય દેશોની હૉસ્પિટલોમાં પણ સા૨વા૨ માટે સારી એવી ૨કમ મોકલી. પોતે શિક્ષણ મેળવી શક્યો નહીં, પરંતુ બીજાઓ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે એ સતત ઉત્સાહિત રહેતો અને આથી 2014માં નેપાળમાં ભૂકંપ આવતાં રોનાલ્ડોએ નેપાળની એક શાળાને વર્ગખંડો, શૌચાલયો અને પુસ્તકાલયનાં નિર્માણ માટે ત્યાંસી હજાર ડૉલરનું દાન આપ્યું. નેપાળના ગ્રામીણ વિસ્તારમાં આવેલી શાળા ભૂકંપને કારણે જમીનદોસ્ત બની ગઈ હતી, એ રોનાલ્ડોના દાનથી પુનઃનિર્માણ પામી અને સેંકડો બાળકો આજે આ શાળામાંથી શિક્ષણ મેળવી રહ્યાં છે.

એ પછીના વર્ષે એણે જાણ્યું કે સીરિયામાં ચાલતા આંતરવિગ્રહને કારણે અનેક લોકો ઘરબાર છોડીને જીવ બચાવવા ભાગી છૂટ્યા છે. આવે સમયે હોપ ફોર રેફ્યુજીઝ અભિયાન માટે ઘણા મોટા ભંડોળની જરૂ૨ હતી, તો રોનાલ્ડોએ તેની બેલોન ડીઓર ટ્રૉફીની હરાજી કરી. છ લાખ અને તોંતેર હજાર ડૉલર એકઠા થયા, તેનો ઉપયોગ શરણાર્થીઓને માટે ભોજન, રહેઠાણ અને તબીબી સંભાળ માટે ક૨વામાં આવ્યો. 2019 એની જુવેન્ટસની ટીમ તરફથી અને નાઇકી ઉપરાંત બીજી કંપનીઓની સ્પૉન્સરશિપનાં સોદાથી એકસો નવ મિલિયન ડૉલરની કમાણી થઈ, પણ એવામાં આ દુનિયા પર કોવિડનો ઝંઝાવાત આવ્યો અને કોવિડનાં સમયે આ રોગચાળાનો સામનો કરવા માટે રોનાલ્ડોએ ૧.૯ મિલિયનનું દાન કર્યું. એના દાનથી દર્દીઓની સારવાર માટે જરૂરી તબીબી સાધનો અને અન્ય દવાઓનો પુરવઠો ખરીદવા માટેનું ભંડોળ હૉસ્પિટલોને મળ્યું. સોશિયલ મીડિયા પરથી લોકોને કોવિડ સમયે કેવી સાવચેતી રાખવી જોઈએ એનું માર્ગદર્શન આપ્યું. આફ્રિકામાં ફેલાયેલા ઇબોલાના રોગચાળા સામે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો.

હજી ગયા વર્ષની જ વાત કરીએ તો તુર્કીમાં પ્રચંડ ભૂકંપ આવ્યો અને આખો દેશ તબાહ થઈ ગયો. આવે સમયે રોનાલ્ડોએ ખાદ્ય પૅકેજો, ગાદલાં, ધાબળા, પથારી, બેબીફૂડ, દૂધ અને આપત્તિ સમયે પીડિતોને મોકલવામાં આવતા તબીબી પુરવઠાની ૨કમ એણે આપી હતી. આ રીતે દાનનાં અનેકવિધ ક્ષેત્રોમાં એટલે કે આપત્તિરાહત, કૅન્સર સંશોધન, શિક્ષણ, તબીબી સહાય અને કોવિડ-૧૯ સામેની લડાઈમાં રોનાલ્ડોએ લાખો ડૉલરનું દાન કર્યું છે. જરૂરિયાતમંદોને ભોજન, રહેઠાણ અને શિક્ષણપ્રદાન માટે મદદ કરી છે.

માનવકલ્યાણનો આ હિમાયતી પ્રાણીકલ્યાણનો પણ હિમાયતી છે. આજથી આઠેક વર્ષ પહેલાં પોતાના વતન મહેઇરામાં રખડતા કૂતરાઓને બચાવવા માટેના પ્રોજેક્ટમાં મદદ કરી હતી. કૂતરાઓની નસબંધી અને રસીકરણ તથા તેમને ખોરાક અને આશ્રય આપવાનો આમાં સમાવેશ થાય છે. ૨૦૧૫માં એની જીવનચરિત્રાત્મક ફિલ્મ ‘રોનાલ્ડો’ પ્રદર્શિત થઈ હતી. રોનાલ્ડોની સખાવતની યાદી તો ઘણી લાંબી છે. આ વિશ્વશ્રેષ્ઠ ફૂટબૉલ૨ ૨૦૨૩માં અલ નાસર ક્લબમાં જોડાયો. જેનો અરબી અર્થ ‘વિજય’ થાય છે. એમાં જોડાતાં જ અલ નાસરના ઇન્સ્ટાગ્રામ પર આઠ લાખ ફોલોઅર્સ હતા, તે વધીને ચૌદ મિલિયનથી વધુ થઈ ગયા. સવાલ એ થાય છે કે ફૂટબૉલર રોનાલ્ડો મહાન કે સખાવતી રોનાલ્ડો. રોનાલ્ડો પોતાના ભાવિ જીવનના ધ્યેયને દર્શાવતાં કહે છે. હવે ત્રણ જ કામ કરવાં છે : ફૂટબૉલના મેદાન પર ખેલવું, પરિવાર સાથે જીવન ગાળવું અને પરોપકારનાં કાર્ય કરવાં.

ઈંટ અને ઇમારત

28-3-2024

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑