જે પ્રજા રાષ્ટ્રવીરને ભૂલી જાય, તે આંતર કલહમાં સબડીને અધઃપાત પામે છે !
ગાફેલ જમાનો ઘણી જલદીથી પોતાના શ્રેષ્ઠ માણસને વીસરી જાય છે અને સમય જતાં મિથ્યાભિમાની માણસો લોકશ્રદ્ધાના પ્રાચીન મંદિરનો કબજો કરી જૂની પ્રતિમાઓને ઉખાડીને ફેંકી દે છે. એક ફેંકાઈ ગયેલી પ્રતિમાની વાત છે – ઈ. સ. ૧૮૮૫ની.
જંગલખાતાનો એક ઉપરી અંગ્રેજ અમલદાર જંગલના ખૂણે ખૂણે ઘૂમતો હતો. એને માત્ર વૃક્ષોની ગીચતા, હસતી પ્રકૃતિ કે જાગૃત જાળવણીમાં જ રસ નહોતો, પરંતુ એથીયે વિશેષ એમાં આવેલાં જુદાં જુદાં સ્થાનોની ખોજ કરતો હતો. એક વાર રાયગઢના પહાડ પર એ ઘૂમતો હતો અને ત્યાં એણે રાયગઢનો કિલ્લો જોયો.
અંગ્રેજ એટલે પરંપરાનો પૂજારી અને નવનિર્માણનો એટલો જ હિમાયતી. જૂના-નવાનો કસબી, એણે કિલ્લામાં એક જીર્ણ સમાધિ જોઈ. એ સમાધિ ખંડેર બની ગયેલી અને એની આસપાસ જંગલી ઝાડ-વેલા ઊગી નીકળ્યાં હતાં. આ સમાધિ સાપનું રહેઠાણ બનેલી હતી અને જંગલી શિયાળોએ એની આસપાસ નિવાસ કર્યો હતો. એ અંગ્રેજ અમલદારને માત્ર પોતાની સત્તામાં જ રસ નહોતો, બલ્કે આસપાસનાં ઇતિહાસ અને સમાજજીવનમાં ઊંડો રસ દાખવતો હતો. અહીં તમને ગુજરાતનો ઇતિહાસ ઉકેલનાર રાસમાળાના રચિયતા એલેક્ઝાન્ડર કિંગ્લોક ફોર્બ્સ જેવા અંગ્રેજ અધિકારીનું પણ સ્મરણ થાય. એ આ કિલ્લામાં ઘૂમી વળ્યો. એના એકએક અવશેષો જોયા અને પછી એમ જાણ થઈ કે આ તો મહારાષ્ટ્રના સ્થાપક શિવાજીની સમાધિ છે.
જે પ્રજા પોતાના રાષ્ટ્રવીરને ભૂલી જાય છે એ પ્રજા આંતરક્લેશમાં સબડીને અધઃપાત પામે છે. એણે જોયું કે આ કિલ્લો એ તો મહારાષ્ટ્રના સમર્થ સર્જક વીર શિવાજીનો છે. આ કિલ્લો એ માત્ર ભૂતકાળની ભુલાયેલી વિરાસત નથી, પરંતુ વર્તમાન સમયની જીવંત પ્રેરણા પણ છે. મંદિર કે સ્મારકની બીજી કોઈ ઉપયોગિતા હોય કે ન હોય, પરંતુ પ્રજાને શ્રદ્ધાનું બળ આપવામાં, વિખવાદો વિસરાવવામાં અને એને એક કરવામાં એની ઉપયોગીતા છે. આ અંગ્રેજ અમલદારે અખબારમાં લેખ લખ્યો અને સાથોસાથ મહારાષ્ટ્રની પ્રજાને જગાડવા માટે સંદેશો આપ્યો.
કેવા છો તમે કે તમારા વીરને સાવ વીસરી ગયા છો. વીરની પૂજા હોય, એના ભણી મુખ હોય, એના તરફ આવી પીઠ કેમ ? વળી અંગ્રેજ અમલદારે સાથોસાથ સરકારને પણ ઠપકો આપ્યો કે આવા ઐતિહાસિક સ્થાનની આટલી બધી દુર્દશા અને ઉપેક્ષા ન શોભે.”
રાયગઢ એ શિવાજીનો સિંહાસની કિલ્લો. મહારાષ્ટ્રનું નવનિર્માણ કરીને છેલ્લી આંખ અહીં મીંચી હતી. એના પર સમાધિ ચણાઈ. એ સમાધિ ભુલાઈ ગઈ અને પ્રજાની ઉપેક્ષાને કારણે ખંડેર બની ગઈ હતી. અરે આ સમાધિ તો યાત્રાનું ધામ કહેવાય.
અંગ્રેજ અમલદારનો અવાજ બહેરા કાન પર અથડાયો, કોઈ ન જાગ્યું, કશું ન થયું. આ પછી મુંબઈનો ગવર્નર સર રિચર્ડ સૈંયલ રાયગઢના પ્રવાસે આવ્યો. એ ઇતિહાસનો અને મહાપુરુષોના ચરિત્રોનો અભ્યાસી હતો. ચરિત્રો ચારિત્ર્યને ઘડે છે. ચરિત્રો દેશની અધોગતિમાંથી ઉગારી ઉન્નતિ તરફ લઈ જાય છે. એણે શિવાજીની સમાધિ જોઈ. ભુલાયેલા દેશવીરના સ્મારકની કફોડી સ્થિતિ જોઈ અને એણે કોલાબા જિલ્લાના અંગ્રેજ કલેક્ટર પર એક ઠપકાનો પત્ર લખ્યો.
પત્રમાં લખ્યું, “આશ્ચર્ય છે કે તમારા જિલ્લામાં આવેલા આવા ઐતિહાસિક મહત્ત્વના સ્થાનની પણ તમે કશી કાળજી લેતા નથી.” આ પછી થોડો એક ખળભળાટ થયો. મુંબઈ સરકાર પણ જાગ્રત થઈ. એણે વાર્ષિક રૂપિયા પાંચ જેટલી ‘મોટી’ ૨કમ સમાધિની સ્વચ્છતા માટે મંજૂ૨ ક૨ી.
પણ આ અવાજ મહારાષ્ટ્રના એક જાગ્રત પુરુષના કાન પર અથડાયો. જગતની પ્રજાઓના ઉત્થાન-પતનના ઇતિહાસ એણે વાંચ્યા હતા. સમાજસુધારણાની લડત એ સમયે સઘળે ચાલતી હતી, પરંતુ આ જાગૃત પુરુષે રાજકીય સ્વાતંત્ર્યને પ્રથમ સ્થાન આપ્યું. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે એણે એનાં સામયિકો ‘કૈસરી’ અને ‘મરાઠા’ દ્વારા પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો.
એમની નામના યુરોપના અગ્રણી વિદ્વાનોમાં થતી હતી. પ્રાચીન મહાવિદ્વાનનું નામ હતું લોકમાન્ય ટિળક, પરંતુ ભારતીય પ્રજામાં એમની ચાહના એવી હતી કે તેઓ ‘લોકમાન્ય ટિળક’ને નામે ઓળખાતા હતા. અંગ્રેજોના શાસનમાં દબાયેલી, ચંપાયેલી, રૂઢિગ્રસ્ત એવી ભારતની પ્રજાને જાગૃત ક૨વા માટે અને એના ગૌ૨વભર્યા ઇતિહાસની ઓળખ આપવા માટે એમણે ૧૮૯૩માં ગણેશોત્સવ અને ૧૮૯૫માં છત્રપતિ શિવાજી જયંતી જાહેર કરીને પ્રચંડ લોકજાગૃતનું સર્જન કર્યું.
આ મહોત્સવો માત્ર મહારાષ્ટ્રનાં જ નહીં, બલ્કે સમગ્ર દેશમાં રાષ્ટ્રચેતના જગાડનારાં સબળ માધ્યમ બની રહ્યાં. ગણપતિની મૂર્તિને જોઈને હસતા લોકો હવે એને શ્રદ્ધાથી નમવા લાગ્યા અને હિંદુ ધર્મનો ઊંડો મહિમા સમજતા થયા.
એમણે કહ્યું, “આપણે આપણા બાપદાદાઓને યાદ કરીએ છીએ અને એમનાં પરાક્રમો યાદ કરી કુટુંબની પ્રતિષ્ઠા વધારીએ છીએ. આ રીતે રાષ્ટ્રના મહાપુરુષોનાં જીવન દ્વારા આપણે આપણા ધર્મ અને સંસ્કૃતિનું ગૌરવ અનુભવવું જોઈએ. શિવાજી મહારાજ એવી રાષ્ટ્રધર્મ જગાડનારી વીરવિભૂતિ હતા.”
ટિળક મહારાજના આ નિવેદને કેટલાક મરાઠા બુર્ઝવા લોકોને ચીડવ્યા. તેઓ શિવાજી મહારાજ માટે કંઈ કંઈ આક્ષેપો કરવા લાગ્યા, પડતી પ્રજાની એ પારાશીશી છે. એની બુદ્ધિ એ ગૌરવ અનુભવવા માટે નહીં, પણ હીનતા જગાડવા માટે પ્રયોજે છે.
ટિળક મહારાજે જવાબમાં લખ્યું, “મરાઠાના શત્રુ લૉર્ડ હેરિસ જેવા પણ શિવાજી મહારાજના પરાક્રમનું વર્ણન કરે છે. ત્યારે આપણે પણ સમજવું જોઈએ. શિવાજી મહારાજના વંશજો અને સરદારો આ માટે કંઈ કરતા નથી, તે તેમને માટે શરમજનક છે.”
અને ટિળક મહારાજે સમાધિના જીર્ણોદ્ધાર માટે અને શિવાજી ઉત્સવ માટે પ્રજા સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. પુણેમાં એક મોટી સભા બોલાવી. અંગ્રેજ મુત્સદ્દીઓની આંખમાં આ વાત ખટકી, કારણ કે તેઓ જાણતા હતા કે ટિળકની પાસે કંઈક એવું છે કે એનાથી એ પ્રજાને જાગ્રત કરી દે છે. ગણપતિ ઉત્સવ એનું ઉદાહરણ હતું.
અંગ્રેજો દૂરદર્શી હતા. તેઓ જાણતા હતા કે આ ચળવળમાં લાંબે ગાળે એમની સત્તા સામે ખતરો છે. આવી સમાધિને કારણે ઊંઘતી પ્રજા જાગી જાય. એ જાગી જાય, તો વિદેશીને જંપીને રહેવા દે નહીં, પણ નિયત સમયે સભા યોજાઈ અને એ સમય એ કાર્યને અભિનંદતો ન્યાયમૂર્તિ રાનડેનો તાર આવ્યો. મહારાષ્ટ્રનાં રજવાડાં અને જાગીરદારોએ હાજરી આપી. વચન આપ્યું, કોલ્હાપુરના રાજા જે શિવાજીના વંશજો હતા તેઓએ પણ સાથ આપવાનું વચન આપ્યું. મહારાષ્ટ્રમાં જાગૃતિની એક લહેર પ્રસરી ગઈ.
પુનામાં રાષ્ટ્રીય મહાસભા ભરાઈ. પ્રમુખ તરીકે શ્રી સુરેન્દ્રનાથ બૅનરજી હતા. તેમના પ્રમુખપદે એક જાહેરસભા યોજાઈ. શ્રી બૅનરજી અને શ્રી માલવિયાજીએ ભાષણ કર્યાં. અગિયાર હજાર રૂ.નો ફાળો થયો હતો. ટિળક મહારાજે રાયગઢ પર શિવાજી ઉત્સવની જાહેરાત કરી.
અંગ્રેજ મુત્સદ્દીઓ ચેતી ગયા હતા, પણ સામે નરસિંહ ટિળક મહારાજ હતા. અનેક વિઘ્નોને દૂર કરતાં કરતાં તેમણે રાયગઢ પર ભવ્ય ઉત્સવ યોજ્યો. મહારાષ્ટ્રની પ્રજા ફરી એકતા ને જાગૃતિ અનુભવી રહી. આમચા રાષ્ટ્ર ! આમચા રાષ્ટ્ર !
ટિળક મહારાજે સભામંચ પરથી કેસરીની જેમ ગર્જના કરતાં કહ્યું, “આ કાર્યને કોઈ જુદી રીતે ન નિહાળે, આ રાજદ્રોહનું કામ નથી. જેવી રીતે અંગ્રેજોએ ઑલિવર ક્રોમવેલનું સ્મારક કર્યું છે, ફ્રેન્ચોએ નેપોલિયન બોનાપાર્ટનું કર્યું છે એવી રીતે આપણા સ્વરાજ્યના સંસ્થાપક શિવાજી મહારાજનું સ્મારક કરીએ છીએ. શિવાજી એક અવતારી પુરુષ હતા.”
સમારંભ પૂરો થયો, પણ તેઓના તણખા જુદી જુદી રીતે ઊડ્યા, દેશમાં મોટી વાતમાં નાનાં છિદ્રો શોધનારા આજેય મળે છે. લોકમાન્ય ટિળકે શિવાજીને અવતારી પુરુષ કહ્યા, એ મહારાષ્ટ્રના સુધરેલા લોકોને ન રુચ્યું. એ જીવતા આ ભૂમિ પર હતા ને એમના દેવ બીજી ભૂમિ પર હતા.
ટીકાકારો અંગ્રેજ વિદ્વાનોની વાતોને માનનારા હતા, છતાં કેટલાક હજી ચૂપ નહોતા. દોષખોજ અને નિંદાખોરી એમનો ધર્મ હતો. એક પ્રસંગે એક પારસી વિદ્વાને દસ્તાવેજી પુરાવાઓથી સિદ્ધ કરી આપ્યું કે દગો કરવાની દાનત શિવાજી મહારાજની નહોતી, સામા પક્ષની હતી. લોકમાન્ય ટિળકે આ માટે પોતાની તમામ શક્તિઓ કામે લગાડી દીધી હતી, પણ બીજી તરફ સરકારના કાન ભંભેરવામાં આવતા હતા. શિવાજી ઉત્સવ પાછળ રાજદ્રોહ છુપાયેલો છે એવો પ્રચાર થવા લાગ્યો.
સરકારે લાલ આંખ કરી. તરત રજવાડાંઓ અલગ થઈ ગયાં. શ્રીમંત જાગીરદારોએ તો જાણે કંઈ લેવા-દેવા ન હોય, તેમ વર્તવા માંડ્યું. કેટલાક ડોળઘાલુ વિદ્વાનો તો લગ્યે જ રાખતા હતા અને લોકમાન્ય ટિળક એની સામે બરાબર જવાબ આપતા જતા હતા. આ વિદ્વાનો ટિળક મહારાજને ઉતારી પાડવાનો એક પ્રયત્ન બાકી રાખતા નહીં, પણ આ ઉત્સવ ધીરે ધીરે પ્રજા સુધી પહોંચી ગયો.
ગણેશ ઉત્સવની જેમ શિવાજી ઉત્સવ રાષ્ટ્રીય ઉત્સવ બની ગયો. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે લોકમાન્ય ટિળક માટે રાષ્ટ્રપ્રેમ એ જ ધર્મ હતો. ઐક્યના પુરસ્કર્તા અને જનસામાન્યના ઉત્કર્ષના પ્રહરી ટિળકને મિત્રો, સાથીઓ અને સમાજે ‘લોકમાન્ય’ બનાવ્યા. એમણે તૈયાર કરેલી ભૂમિકા ૫૨ મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય આંદોલનનું સર્જન કર્યું.
ઈંટ અને ઇમારત
6-6-2024