ૐની નાદસાધના એટલે પરમપદની પ્રાપ્તિનો રાજમાર્ગ !

આપણી આ સત્સંગસભામાં ઉપનિષદ્નાં દ્રષ્ટા ઋષિઓએ આપેલા આત્મજ્ઞાનની ઓળખ પામવાનો આપણે સહુ પ્રયાસ કરીએ છીએ, ત્યારે એક પ્રશ્ન એ આવે કે જીવનમાં આવતા સુખ અને દુઃખ એને વિશે આપણા મહાન ઋષિઓએ કેવું દર્શન આપ્યું છે ? હકીકત એ છે કે ‘શ્વેતાશ્વરોપનિષદ્’નાં છઠ્ઠા અધ્યાયના વીસમા મંત્રમાં દુ:ખના નાશનો અમોઘ ઉપાય દર્શાવ્યો છે.

માનવીના જીવનમાં સુખ અને દુઃખ એ ઘૂમતા ચક્રની પેઠે એક પછી એક આવતા રહે છે. એને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય કે પછી ઇચ્છિત કામના સિદ્ધ થાય એટલે એ સુખનો અનુભવ કરે છે. આની વિરુદ્ધમાં કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે એને દુઃખનો અનુભવ થાય છે. ગમા અને અણગમાનું આ સતત ચાલતું ચક્ર એને ક્યારેક સુખ તો ક્યારેક દુઃખનો અનુભવ કરાવે છે. વળી એ સ્વાભાવિક બાબત છે કે માનવી સુખની પ્રાપ્તિ ઇચ્છે છે અને દુઃખને જાકારો આપવા ચાહે છે.

સુખ અને દુઃખ પ્રમાણે એનું ચિત્ત એને અનુભવતું હોય છે. સુખનો આસ્વાદ કરવા એ આતુર હોય છે અને સુખની પ્રાપ્તિ એને ખૂબ મીઠી લાગે છે. જ્યારે દુઃખ એ એને અણગમતું છે. એનાથી દૂર નાસવાનો પ્રયત્ન કરે છે અને કોઈ દુઃખ આવી પડે તો એ વ્યાકુળ, હતાશ કે બહાવરો પણ બની જાય છે. ક્યારેક પોતાના નસીબને દોષ આપે છે, તો ક્યારેક આવા દુઃખમય જીવનને ડુબાડી દેવા માટે આત્મહત્યાની કોશિશ પણ કરે છે.

વળી જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ સતત આવતા રહે છે. આધિ એટલે માનસિક પીડા, મનમાં થતો આઘાત અને એને પરિણામે જાગતી વેદના. વ્યાધિ એટલે રોગ અને ઉપાધિ એટલે સંસારની ઉપાધિ. માનવીના જીવનમાં આ એક યા બીજી બાબત આવતી રહેતી હોય છે. ક્યારેક તો એક સાથે ત્રણેય એના પર ત્રાટકતા હોય છે, તો બીજી બાજુ એ પણ હકીકત છે કે આપણને જીવનમાં નિર્ભેળ સુખનો અનુભવ થતો નથી. નિર્ભેળ સુખ એટલે કે જે સુખ મળે છે તે માત્ર સુખ જ હોય અને એમાં દુઃખનો લેશમાત્ર અંશ પણ ન હોય.

આપણે જાણીએ છીએ કે આપણા જીવનની અત્યંત સુખદાયી ઘટનામાં પણ થોડુંક દુ:ખ તો છુપાયેલું હોય જ છે. આથી ઉપનિષદ્ કહે છે કે, ભાગ્યે જ કોઈ દેહધારીને નિર્ભેળ સુખનો સાતત્યપૂર્ણ અનુભવ થતો હોય છે. સામે પક્ષે દુઃખની બાબતમાં પણ એવું જ છે. દુઃખને દૂર કરવાનો ઘણા લોકો પ્રયાસ કરતા હોય છે, પરંતુ એનો આત્યંતિક નાશ કરી શકતા નથી. અર્થાત્ જીવનમાંથી એક દુઃખ દૂર થાય ત્યાં વળી દુ:ખ બીજું ઊભું થઈ જતું હોય છે અને ક્યારેક તો વાર્તાકાર પ્રેમચંદજીએ કહ્યું છે તેમ દુઃખ કદી એકલું આવતું નથી, બલ્કે એની આખી સેના લઈને આવે છે. આપણા સહુનો એ અનુભવ છે કે એક દુઃખ દૂર થાય ત્યાં બીજું બારણે આવીને ઊભું જ હોય. હજી એક દુ:ખમાંથી માંડ છૂટકારો મેળવ્યો હોય, ત્યાં બીજા બે દુઃખ સામે આવી ચડે. આથી જ જીવનમાં સુખ અલ્પ અને દુ:ખ અધિક એવો અનુભવ થતો હોય છે.

ક્યારેક તો વ્યક્તિને એટલાં બધાં દુ:ખો સહન કરવા પડે છે કે એને સમજાતું નથી કે આ સંસાર એ અમૃતમય છે કે વિષમય છે. આનું કારણ શું ? આપણા મહાન ઉપનિષદ્ ગ્રંથોમાં જઈએ તો એ કહે છે કે, આત્મસુખનું અજ્ઞાન એ જ દુઃખનું મૂળ કારણ છે. દુઃખ પેદા જ ત્યાં થાય છે કે જ્યાં માનવી આત્મા અને અનાત્માનો વિવેક ચૂકી જાય છે. આનો અર્થ શું ?

આનો અર્થ એ કે એ વ્યક્તિ પોતાના શરીરને જ આત્મા માને છે. એને આત્મજ્ઞાનનો કશો અનુભવ હોતો નથી. એ જડ અને વિનાશી એવા શરીર અને ઇંદ્રિયોની આસપાસ જીવ્યા કરે છે. ભમ્યા કરે છે. જ્યારે એ આપણા ઉપનિષદ્ ગ્રંથો કહે છે કે આત્મા એ શરીર, ઇંદ્રિયો, મન અને બુદ્ધિ એ બધાથી સાવ જુદો છે, કારણ કે શરીર અને ઇંદ્રિયો એ બધા જડ છે, એનો વિનાશ થાય છે, જ્યારે આત્મા એ ચેતન અને અવિનાશી છે. શરીર અને ઇંદ્રિયો વગેરે પરપ્રકાશિત છે, જ્યારે આત્મા એ સ્વ-પ્રકાશિત છે. શરીર, ઇંદ્રિયો, મન, બુદ્ધિ વગેરે પ્રકૃત્તિના વિકારો છે, જ્યારે આત્મા એ કોઈનો વિકાર નથી અને તેથી જ ઉપનિષદો પોકારી પોકારીને કહે છે કે આત્માનું સ્વરૂપ સત્, ચિત્ત અને આનંદ છે અને શરી૨ ઇંદ્રિયો, મન, બુદ્ધિ વગેરે એનાથી પ્રકાશે છે.

આનો અર્થ એ કે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા દરેક પ્રાણીના શરીરમાં જીવાત્મા રૂપે રહેલો છે. જીવનું સાચું સ્વરૂપ પરમાત્મા છે અને જ્યાં સુધી એને આ શરીરનું સાચું સ્વરૂપ સમજાશે નહીં, ત્યાં સુધી એ એના જીવનમાં આવતાં દુઃખનો કદી નાશ નહીં કરી શકે, આથી પરમાત્માને જાણ્યા વિના દુ:ખનો આત્યંતિક ઉચ્છેદ શક્ય નથી. ઉપનિષદ્ કહે છે જે આત્માને જાણે છે તે દુઃખના સાગરને તરી જાય છે. ‘તતિ શોમાવિત્ ।’

આ સઘળું સમજ્યા પછી આપણી આ સત્સંગસભા ઉપનિષદ્રનાં ઋષિઓના જ્ઞાનમાંથી એ જાણવા માગે છે કે કોને જાણવાથી બીજા સઘળાં રહસ્યો પામી શકાય છે ? અને આ સંદર્ભમાં ઉપનિષદ્નાં ઋષિઓ કહે છે કે પરમાત્માને જાણવાથી સકળ રહસ્યો પામી શકાય છે. હકીકતમાં એને જાણવો એ જ આપણું પરમ કર્તવ્ય છે. એનું કારણ શું ? તો એનો ઉત્તર એ છે કે જેમ બીજને જાણવાથી ઊગેલા વૃક્ષના રહસ્યોની માહિતી મેળવી શકાય છે અને એ રીતે સમસ્ત સર્જનનો સાર પામી શકાય છે, એ જ રીતે આ જગતના સર્જનનું રહસ્ય પામવા માટે પરમાત્મા એક જ જાણવા જેવો છે. કારણ કે બ્રહ્માંડના મૂલાધાર, મહાબીજ અથવા અધિનાયક છે અને તેથી એ પરમાત્માને જાણવાથી સમસ્ત સર્જનનો સાર આપણને સહજપણે ઉપલબ્ધ થાય છે.

સવાલ એ જાગે કે એ પરમાત્મા છે કેવો ? ત્યારે ઉપનિષદૂનાં ઋષિઓ પાસેથી એનું જ્ઞાન પામીએ. એ પરબ્રહ્મ પરમાત્મા ગૂઢાતિગૂઢ, ગુપ્તાતિગુપ્ત, અદૃશ્ય, અગ્રાહી, અગોત્ર, વર્ણરહિત અને ચક્ષુશ્રોત્રાદિ ઇન્દ્રિયો વિનાના છે. એમને હાથપગ જેવા સ્થૂળ અંગોપાંગ નથી. એ નિત્ય છે, વ્યાપક ને વિરાટ, સર્વગત, સુસૂક્ષ્મ, અવિનાશી, સૌના આદિ અને એકમાત્ર મૂળકારણ છે. વિવેકી અથવા પરમપ્રાજ્ઞ પુરુષો એમને જડચેતનાત્મક જગતમાં અને જગતરૂપે સર્વત્ર સર્વાવસ્થામાં અનુભવે છે. બીજા શબ્દોમાં સર્વદશા દરમિયાન સર્વદેશ અને કાળમાં એમના સિવાય અન્ય કશું અનુભવતા જ નથી. પરાવિદ્યાના આધારે પરમાત્માની અનુભૂતિની એવી અલૌકિક અખંડ અવસ્થાએ આસીન થવાય છે. એવી અસાધારણ અવસ્થાએ આસીન પ૨માનુભવી પ્રાજ્ઞપુરુષોને પરમાત્મનિષ્ઠ કહેવામાં આવે છે. એ સર્વ પ્રકારના ભેદ, ભય, શોક, મોહભ્રમ અને બંધનમાંથી મુક્તિ મેળવીને પ્રશાંતિના પારાવારમાં સ્નાન કરે છે. એમનું જીવન ધન્ય બને છે.

આ પરમાત્માને જાણી લીધા પછી જીવનમાં કશું અનુભવવાનું કે જાણવું શેષ રહેતું નથી. વ્યક્તિના અભ્યુત્થાન માટે આટલું જ્ઞાન પર્યાપ્ત થઈ પડે છે. એ પરમાત્માને અનુભવવો પડે અને એને અનુભવતા જ ખ્યાલ આવશે કે એ સર્વના મૂળાધાર બનીને સર્વમાં સર્વરૂપે ક્રીડા કરી રહ્યા છે, એક સનાતન રસરાસ રમી રહ્યા છે, એમનામાંથી જ સહુનો પ્રાદુર્ભાવ થાય છે, એમનામાં જ સઘળું સ્થિતિ કરે છે અને એમની અંદર વિલિન થાય છે.

આ સંદર્ભમાં જોઈએ તો ૐ એ જીવનનો નાદ છે. જ્યાં જ્યાં જીવન છે ત્યાં ત્યાં નાદ છે. નાદ એની અભિવ્યક્તિનો સાર છે. સાગર, પર્વત, વૃક્ષ, પશુ-પક્ષી, મનુષ્ય વગેરે ભલે એના પ્રત્યે સભાન હોય કે નહિ, એમનાં અસ્તિત્વમાં તે સ્વયંભૂ, અનાદિ તેમજ અનંતનાદ ધબક્યા કરે છે. અસ્તિત્વના છેક ઊંડાણમાં રહેલો આ મૂલ નાદ સર્જનનો સ્રોત છે, સૃષ્ટિનો સાર છે, તેથી જ તે યથાર્થતાનું પ્રતીક છે. ‘ૐૐ’ ‘કૃતિ પાક્ષર બ્રહ્મ પ્રણવ કૃતિ ભ્રહ્મ ।’ ૐૐ પ્રતીક છે, તે યથાર્થતાનું વર્ણન કે છે. પરમ સત્યનું સૂચક છે. વાણી માટે તમે જે બીજા ધ્વનિ કે અક્ષરોનો ઉપયોગ કરો છો તે હોઠ, જિલ્લા, દાંત વગેરે સાથે ઘર્ષણથી ઉચ્ચારાય છે. મોં બંધ રાખીને પણ સંભળાતો અને ન સંભળાતો હોવા છતાં આ એકાત્મનાદ નો અનુભવ કરી શકાય છે, એનું ઉચ્ચારણ કરી શકાય છે. ૐ એક નાદ છે શબ્દ નહિ. તે શબ્દ જેવો જણાતો હોવા છતાં શબ્દ નહિ પણ માત્ર નાદ છે. એ નાદમાંથી શબ્દનું સર્જન થાય છે. આ ૐનો નાદ સાધના છે. શબ્દથી ૫૨ એવા પરમપદ સુધી પહોંચવાનો માર્ગ છે. ૐૐ જેવો એકરૂપ – સંપૂર્ણ ધ્વનિ નથી, સ્વયંભૂ નાદ નથી. જ્યારે જ્ઞાનેન્દ્રિયો શિસ્તબદ્ધ બને છે, ત્યારે કોઈ વિરલ વ્યક્તિ માટે પોતાના જ શરીરમાં ૐના એ નાદનો અનુભવ કરવાનું શક્ય બને છે.

તા. 13-10-2024

જાણ્યું છતાં અજાણ્યું

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑