કારતક સુદી પૂર્ણિમા એટલે દેવદિવાળી આવી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને એ મહાન પુત્રને જન્મ આપનારી મહાન માતા સાધ્વી પાહિણીનું સ્મરણ થાય. જૈન ઇતિહાસમાં પાહિણીએ શાસનને પોતાનો પુત્ર આપ્યો તો યાકિની મહત્તરાએ વિદ્વાન હરિભદ્રસૂરિને માતાની માફક માર્ગદર્શન આપ્યું. જેથી 1,444 ગ્રંથોની રચના કરનાર આચાર્ય હરિભદ્રસૂરિ પોતાને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવે છે. પહેલી વાત કરીએ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનાં માતા પાહિણી- દેવીની.
વિ. સં. 1145ના કારતક સુદ પૂનમની રાત્રે એમણે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. માતા-પિતાએ એનું નામ ચંગદેવ (ચંગ એટલે ઉત્તમ) રાખ્યું. નાનકડો યંગદેવ એક વાર આચાર્યશ્રીની પાટ પર બેસી જાય છે. અંતે ચંગદેવને માતાપિતા દીક્ષા માટે અનુમતિ આપે છે. એનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું અને સમય જતાં વિદ્વાન એવા એ મુનિને વિ. સં. 1166ના વૈશાખ વદ ત્રીજના દિવસે મધ્યાહ્ન સમયે આચાર્યપદવી આપીને એમનું નામ હેમચંદ્રસૂરિ રાખ્યું. આ પ્રસંગે એમનાં માતા પાહિણીદેવી ઉપસ્થિત હતાં. એમના હૃદયમાં એવો ઉલ્લાસ જાગ્યો કે પુત્રની આચાર્યપદવી સાથે માતાએ પણ સંયમમાર્ગ ગ્રહણ કર્યો. માતા પાહિણી સાધ્વી પાહિણી બન્યાં અને એમને પ્રવર્તિનીનું પદ અર્પણ કરવામાં આવ્યું.
સાધ્વી પાહિણી તપ અને ત્યાગમાં લીન બની ગયાં. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય વિહાર કરતાં કરતાં પાટણમાં પધાર્યા હતા. અહીં પૂજ્ય પ્રવર્તિની પાહિણીએ અનશન આદર્યું હતું. અનેક ભાવિકો એમનાં દર્શન માટે આવતા હતા. એમની ભાવનાને અભિનંદતા હતા. પોતાના નાની વયના પુત્રને જિનશાસનને સમર્પિત કરનાર સાધ્વી પાહિણીને અંતઃકરણથી પ્રણામ કરતા હતા.
જ્ઞાનના ભંડાર સમા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે અનેકવિધ વિષયો ૫૨ ગ્રંથો લખ્યા. ગુર્જરનરેશ જયસિંહ સિદ્ધરાજ અને કુમા૨પાળ જેવા શાસકોને ઉચિત માર્ગદર્શન આપ્યું. જિનશાસનની કીર્તિગાથાને સુવર્ણશિખર પર પહોંચાડી. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યનો પ્રભાવ સામાન્યમાં સામાન્ય માનવીથી માંડીને રાજાધિરાજ સુધી પથરાયેલો હતો. એમના જીવનમાં સ્વધર્મ-વત્સલતા અને પરમત-સહિષ્ણુતા જોવા મળે છે. પાંચ વ્રતોને જીવનમાં ધારણ કરનાર આ આચાર્યની જીતેન્દ્રિયતા દૃષ્ટાંતરૂપ હતી. એમના હૃદયમાં કરુણા અને અનુકંપાનો સ્રોત સતત વહેતો હતો. આવી મહાન વિભૂતિને જન્મ આપનારી માતા પણ પુત્રના પંથે ચાલી હતી. સાધ્વી પાહિણી પોતાના જ્ઞાનધ્યાનમાં સદૈવ લીન રહેતાં હતાં. એમના અંતરમાં પોતાના પુત્ર હેમચંદ્રસૂરિનું અપૂર્વ જ્ઞાન જોઈને આનંદ પ્રવર્તતો હતો. એમની વિશિષ્ટ યોગસિદ્ધિ અને મહાન શાસનપ્રભાવના જોઈને સાધ્વી પાહિણી અતિ પ્રસન્ન હતાં. શ્રી હેમચંદ્રાચાર્ય પણ માતા સાધ્વીની પૂરી કાળજી રાખતાં હતાં. માતા પ્રત્યે એમના અંતરમાં અગાધ ભક્તિભાવ હતો. સાધ્વીજી પાહિણી બીમાર પડ્યાં હતાં. આસપાસનું સાધ્વીવૃંદ એમને અંતિમ આરાધના કરાવતું હતું. બીમાર સાધ્વી માતા પાસે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમના શિષ્યો સાથે દર્શને આવ્યા. પ્રવર્તિની પાહિણી કાળધર્મ પામ્યાં ત્યારે શ્રાવકોએ પુણ્યમાં ત્રણ કરોડ વાપર્યા. વીતરાગ ધર્મના આચાર્ય પોતાની તેજસ્વી અને ધર્મનિષ્ઠ માતાને શું આપી શકે ? એમણે ત્રણ લાખ શ્લોકનું પુણ્ય માતાને આપ્યું. ઇતિહાસમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રકાંડ વિદ્વત્તા અને ધર્મપ્રભાવકતાને યાદ કરવામાં આવે છે, તો એની સાથોસાથ એમની માતા પ્રવર્તિની પાહિણીની ઉચ્ચ ભાવનાને અને ઉત્કટ ધર્મપરાયણતાને પણ યાદ કરવામાં આવે છે.
સાધ્વી યાકિની મહત્તરા
ક્ષમા સર્વ ગુણોની ખાણ છે. ક્ષમા ઉદાર હૃદયનું પ્રબળ શૌર્ય માગતી હોવાથી ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ કહેવાય છે. આવી ક્ષમાને જૈનદર્શન દુર્ગતિનું હરણ કરનારી, રત્નત્રયીને પ્રાપ્ત કરાવનારી, જન્મ-મરણરૂપ સંસારસમુદ્રને તારનારી અને ત્રણે લોકમાં સારરૂપ કહે છે. આવી ઉત્તમ ક્ષમાને જાગ્રત ક૨વાનું કાર્ય યાકિની મહત્તરાએ કર્યું હતું.
આચાર્ય હરિભદ્રસૂરિજીના હંસ અને પરમહંસ નામના બે શિષ્યોની અન્ય ધર્મીઓને હાથે હત્યા થઈ. આનાથી આચાર્યશ્રીનું હૃદય ખળભળી ઊઠ્યું. પોતાના પ્રિય શિષ્યની ક્રૂર હત્યાનો આઘાત એમના દિલમાં બદલાની આગ જગાવી ગયો. આચાર્યશ્રીએ બૌદ્ધ વિહારમાં અભ્યાસ કરતા 1444 વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઊકળતા તેલની કડાઈમાં જીવતા ભૂંજી નાખવાનો વિચાર કર્યો. ક્રોધ વિવેકને ભગાડે છે. આચાર્યશ્રીનું ક્રોધનું બીજ વેરનું વટવૃક્ષ બની ગયું. વેરની વસૂલાત માટે આચાર્યશ્રીએ ઉપાશ્રયના દરવાજા બંધ કર્યા. મોટી ભઠ્ઠી સળગાવી. એના પર કડાઈમાં તેલ નાખ્યું અને પછી પોતાના મંત્રબળે એ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરીને આકાશમાં ઊભા રાખ્યા. ક્રોધાયમાન આચાર્યશ્રીનો ઇરાદો તો એક પછી એક વિદ્યાર્થી અને અધ્યાપકને મંત્રબળે બોલાવીને જીવતા ઊકળતા તેલની કડાઈમાં નાખવાનો હતો.
આચાર્યશ્રીના વેરની વાતની જાણ યાકિની મહત્તરાને થઈ. એક આચાર્યને હાથે આવો નૃશંસ હત્યાકાંડ ! યાકિની મહત્તરા વેગે ચાલીને ઉપાશ્રયમાં આવ્યાં. ઉપાશ્રયનાં દ્વાર બંધ હતાં. આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાની માતા સમાન યાકિની મહત્તરાને કહ્યું, “હાલમાં મારી ક્રિયા ચાલે છે. થોડા સમય પછી આવજો.”
યાકિની મહત્તરાએ દૃઢ અવાજે કહ્યું, “મારે તમારું જરૂરી કામ છે. તત્કાળ દરવાજો ખોલો.”
દરવાજો ખૂલ્યો. યાકિની મહત્તરાએ વિનયપૂર્વક આચાર્યશ્રીને વંદન કર્યાં અને પછી કહ્યું, “આચાર્યશ્રી, આપની પાસે પ્રાયશ્ચિત્ત લેવા આવી છું. મને આપ પ્રાયશ્ચિત્ત આપો.”
પ્રકાંડ વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની જાતને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવતા હતા, કારણ કે એ જ યાકિની મહત્તરાનો એક શ્લોક તેઓ સમજી શક્યા નહીં અને એમનો વિદ્વત્તાનો અહંકાર ખંડિત થયો હતો. અંતે વિદ્વત્તામાં પરાજિત થતાં રાજપુરોહિત વિદ્વાન હરિભદ્રે જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી. પોતાને યોગ્ય માર્ગ દર્શાવનાર યાકિનીને આચાર્ય હરિભદ્રસૂરિ માતા ગણતા હતા. આવી માતા સમાન સાધ્વી સામે ચાલીને શેનું પ્રાયશ્ચિત્ત લેવા આવી છે તે જાણવાની શ્રી હરિભદ્રસૂરિને જિજ્ઞાસા જાગી.
યાકિની મહત્તરાએ કહ્યું કે અજાણતાં ચાલતાં ચાલતાં એમના પગ નીચે એક દેડકો દબાઈ ગયો. એક પંચેન્દ્રિય જીવની હિંસાથી એમનો આત્મા અપાર વેદના અનુભવે છે. આ હિંસાનું પ્રાયશ્ચિત્ત ચાહે છે, કારણ કે જો આલોયણા કર્યા વિના કદાચ તેમનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તો વિરાધક બની જાય.
આચાર્ય હરિભદ્રસૂરિએ જરા ઊંચા અવાજે કહ્યું, “ઓહ ! તમે પંચેન્દ્રિય જીવનું ધ્યાન રાખી શક્યાં નહિ ? એનું તમારે પ્રાયશ્ચિત્ત કરવું જ પડશે.”
યાકિની મહત્તરાએ પ્રાયશ્ચિત્તનો વિનયપૂર્વક સ્વીકાર કરીને કહ્યું, “મારાથી અજાણતાં થયેલા એક તિર્યંચ પંચેન્દ્રિય જીવની (દેડકાની) હિંસાનું પ્રાયશ્ચિત્ત તો મને મળ્યું, પરંતુ તમે 1444 મનુષ્યોની જાણી-જોઈને હિંસા કરી રહ્યા છો તેનું પ્રાયશ્ચિત્ત શું થશે ?”
યાકિની મહત્તરાના આ શબ્દો સાંભળતાં જ આચાર્યશ્રી હરિભદ્રનો ક્રોધ શાંત થઈ ગયો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મંત્રબળે બોલાવ્યા હતા, તેમને પાછા મોકલી આપ્યા.
પોતાના દુષ્કૃત્ય કરવાના વિચારના પ્રાયશ્ચિત્ત રૂપે ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરે તેવા 1444 ગ્રંથોની રચના કરી. ક્રોધ ક્ષમામાં ફેરવાયો. વેર વિદ્યામાં પલટાઈ ગયું.
તા. 16-11-2023
આકાશની ઓળખ