એ સમયે વાલીપણાના મુખત્યારનામા કે કોર્ટ ફી અને કાગળોનાં કારસ્તાન નહોતાં !

રાજનગર અમદાવાદના માનવરોના ઝળહળાટને જોવા જેવો છે. આ જ રાજનગરમાં સો-દોઢસો વર્ષ પૂર્વે થયેલા શ્રેષ્ઠીઓનાં જીવનને જોઈએ તો કોઈ પણ પ્રજાને એનો ગર્વ થાય. ધર્મમાં ઊંડી શ્રદ્ધા અને કર્મથી અવિરત મહેનત દ્વારા એમણે આ અમદાવાદ નગરીમાં ઉમદા માનવીઓનો આદર્શ રચ્યો હતો. એવા આદર્શોની કથા ભાવનગરની જૈન ઑફિસે પ્રગટ કરેલા ‘રાજનગરનાં રાજરત્નો’માં મળે છે અને એનું આલેખન આપણને વિ. સં. 1860ની આસપાસના સમયમાં લઈ જાય છે.

આ રાજનગરનાં રત્નો ધર્મમાં ઊંડી આસ્થા ધરાવતાં હતાં. વ્યવસાયને કાજે અવિરત પુરુષાર્થ કરતાં હતાં અને જીવનમાં ઉમદા મૂલ્યોની ઉપાસના કરતા હતા. એવા રાજનગરની ખાનદાનીના ખમીર સમા વફાદાર વાલી તરીકે અનન્ય કામગીરી બજાવનારા મહોકમભાઈની વાત કરીએ.

આ મહોકમભાઈ રાજનગરના શેઠ કેસરીસિંહના ભત્રીજા હતા. આધેડ કેસરીસિંહ શેઠ બિછાનામાં પડ્યા હતા. તેની આગળ બેઠેલા વૈદ્યો માત્રાઓ ઘૂંટી રહ્યા હતા. ભયંકર રોગગ્રસ્ત હોવાથી બોલી શકતા નહોતા. આસપાસ સગાંસંબંધીનું ટોળું વીંટળાઈ બેઠું હતું. એક વ્યક્તિ નવકારમંત્રોનો અને નવ સ્મરણનો જાપ કરતી બેઠી હતી. શેઠાણી સૂરજબાઈની આંખમાં જળઝળિયાં હતાં. તેઓ ધીમે હાથે પતિના પગ દાબતાં હતાં. એમની બાજુમાં આઠ વરસનો બાળક હઠીસિંહ અને નાનો ઉમેદ ઉદાસ ચહેરે બેઠા હતા.

‘મહારાજ પધારે છે’ તેવો અવાજ બહારથી આવ્યો. મુનિ મહારાજે ‘ધર્મલાભ’નો ઉચ્ચાર કરતાં ઓરડામાં પ્રવેશ કર્યો. શેઠાણી તથા ઓરડામાં એકઠા થયેલા માણસો દૂર ખસીને ઊભાં રહ્યાં. શેઠ સાધુ-મહારાજને હાથ જોડી બેઠા થવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ તેવી શક્તિ નહોતી. મહારાજશ્રીએ સૂઈ રહેવાનો સંકેત કરી વાસક્ષેપ નાખ્યો ને શાંત વાણીમાં માંગલિક સંભળાવ્યું.

મહારાજશ્રીના ગયા પછી શેઠાણી તેમના પલંગ પાસે ગયાં. શેઠે હાથ ઊંચો કરી મોઢા તરફ આંગળી કરી. શેઠાણીએ પાણીનો પ્યાલો ભરીને મોઢા પાસે ધરવાની તૈયારી કરી. રોગીએ માથું ધુણાવી પાણીની ના પાડી અને જીભ તરફ અંગુલિનિર્દેશ કર્યો. તેઓએ કાંઈ બોલવાનો પ્રયત્ન કર્યો, પણ વાચા બંધ થઈ ગઈ હોય તેમ જણાવ્યું. શેઠાણીનું હૈયું ભરાઈ આવ્યું. ત્યાં બેઠેલા અનુપચંદ ગોરજીએ પોતાની પાસેથી ઊંચી માત્રા કાઢીને ખરલમાં ઘસી રોગીને પિવડાવી. પાંચેક મિનિટમાં જીભ છૂટી થઈ હોય તેમ શેઠે ધીમેથી કહ્યું :

‘મહોકમ ક્યાં છો ? મારી પાસે આવ.’

‘આ રહ્યો કાકા, આજ્ઞા કરો.’

‘મહોકમ, આ હાથી (હઠીભાઈ – હઠીસિંહના દેરાંના રચિયતા) અને ઉમેદ તને ભળે છે. તારી કાકીનું ઘડપણ પાળજે. છોકરા નાના છે, તેને સાચવજે અને આપણો વહીવટ પણ તારે સંભાળવાનો છે.’ પછી શેઠાણીને ઉદ્દેશીને કહ્યું, ‘તમારે મહોકમભાઈની સલાહ લેવાની છે. સમજ્યાં કે ?’

શેઠાણીએ ડોકું ધુણાવી સંમતિ દર્શાવી.

“કેમ મહોકમ, આ બધું ખરા દિલથી સંભાળીશ કે ? મેં તને પુત્રવત્ પાળ્યો છે ને તારામાં મારું મન ઠરે છે, તેથી આ બધું તને ભળાવું છું.’

‘જેવી આશા.’ આંસુઓથી ભરેલી આંખે મહોકમે જવાબ આપ્યો. અત્યારની જેમ એ સમયે વાલીપણાનાં મુખત્યારનામાં કે કોર્ટ ફી ને કાગળોનાં કારસ્તાન નહોતાં; મિલકતની નોંધ ને વિલના વિવાદોની પાછળ વકીલ બૅરિસ્ટરોનાં ખિસ્સાં ભરવાનાં નહોતાં. કેસરીસિંહ શેઠે અણમાપ્યો લાખોનો વહીવટ જીભાન ઉપર પોતાના ભત્રીજાને સોંપ્યો ને ભત્રીજાએ શિર નમાવીને કાકાની ઇચ્છા-આજ્ઞાને માથે ચડાવીને તે પાળવાનો કૉલ દીધો. તેમાં નહોતો કેસરીસિંહને અવિશ્વાસ કે નહોતી મહોકમશામાં સ્વાર્થપટુતા. અહીં ખાનદાનીનાં ખમીરની ખરેખરી કસોટી હતી. મહોકમના જવાબથી કેસરીસિંહ શેઠને શાંતિ વળી ગઈ હોય તેમ નિશ્ચિંત મનથી આત્મધ્યાનમાં રમણ કરતાં તેમનો સ્વર્ગવાસ થયો.

કેસરીસિંહ શેઠ મહાન ઐશ્વર્યપતિ હતા. એમના દાદા નેહાલ ખુશાલના સમયથી જ અમદાવાદમાં એમની ધીકતી પેઢી ચાલતી હતી. ઘરે રેશમ અને કિરમજનો વેપા૨ હતો. દેશપરદેશ માલ મોકલવા-મંગાવવાને ખંભાતમાં પોતાનાં વહાણો રહેતાં, વખારો હતી. તેમને આંગણે ગુમાસ્તા, નોકર, ચાકર, ગાડી, ઘોડાં, બેલો, સગ્રામો, ચોકીદારો વગેરે હતા. બાદશાહી હવેલી અને મોટો કારભાર હતો. જાહોજલાલી સંપૂર્ણ હતી. એના ભોગવનાર હઠીસિંહ અને ઉમેદ નાના બાળક હતા. તેની સમૃદ્ધિની ગણના લાખો ઉપર થતી.

સં. 1860માં આ બનાવ બન્યો. પોતાના કાકાને વચન આપ્યા પ્રમાણે મહોકમભાઈએ પોતાનો વાલીધર્મ બજાવવો શરૂ કર્યો. પોતાની અંગત જંજાળના ભોગે કેસરીસિંહ શેઠના વહીવટને સારી રીતે સંભાળ્યો. મહોકમભાઈ દીર્ઘદૃષ્ટિવાળા પુરુષ હતા. પોતાના ઉપર મૂકેલા વિશ્વાસનો એમણે પ્રમાણિકપણે સદુપયોગ કર્યો. કેસરીસિંહ શેઠના સમયથી તેની પેઢી રેશમ અને કિરમજ દેશાવરોથી મંગાવી હિંદના જુદા જુદા ભાગમાં મોકલતી હતી તે સાથે મહોકમભાઈએ અમદાવાદમાં કિનખાબ અને અટલસ વણવાની સાળો ચાલુ કરાવીને સેંકડો કુટુંબોની રોજી વધારી અને કાચા માલનો અંગત ભાંગો શરૂ થતાં પેઢીને ચોધારી પેદાશ થવા માંડી.

મહોકમભાઈ આ પ્રમાણે પેઢીના વહીવટ ઉપર કાબૂ મેળવવા તથા ધંધાનો વિકાસ કરવા સાથે હઠીસિંહ તથા ઉમેદભાઈનું વ્યાવહારિક અને નૈતિક જીવન ઘડવામાં બેદરકાર નહોતા. તેમનું દૃષ્ટિબિંદુ કાકાને અંતિમ સમયે આપેલ વચન વફાદારીથી પાળી બતાવવાની તાલાવેલી હતી. તેમણે બંનેને ધુડી નિશાળે મૂકી આંક, હિસાબ ને નામાનો અભ્યાસ કરાવી ધીમે ધીમે પેઢી ઉપર આવવા અને ઉપલક જોવા- જાણવાનો ૨સ લેતા કર્યાં. ને સં. 1868માં હઠીસિંહની સોળ વર્ષની ઉંમરે તેનાં લગ્ન અમદાવાદના નગરશેઠ હેમાભાઈની પુત્રી સાથે મોટી ધામધૂમથી કર્યાં.

શેઠ આ વખતે મુંબઈ ઇલાકાના જૈનોમાં શેઠ અમીચંદ સાકરચંદના સુપુત્ર મોતીચંદે મોટા ધનવાન અને ઉદાર ગૃહસ્થ તરીકે ખ્યાતિ મેળવી હતી. એમનો વેપા૨ વિશાળ પાયા પર હતો. તેમની ઉદારતા તેથી પણ વિશાળ હતી. અફીણ ઉપરાંત રેશમ ખરીદવા અને પરદેશ ચડાવવાનો વગેરે બીજા ઘણા વ્યવસાય કરતા હતા. તેઓ દરરોજ કાંઈ પણ સખાવત કર્યા વગર મોઢામાં અન્ન મૂકતા નહોતા.

સર જમશેદજી જીજીભાઈ બેરોનેટ સાથે તેમને ભાગીદારી અને ભારે મહોબત હતાં. બંને એકબીજાને ભાઈઓની પેઠે ચાહતા હતા. એમની જાહેર અને ગુપ્ત સખાવતો લાખોની થતી હતી. જમણો હાથ દાન કરે ને ડાબો હાથ જાણે નહીં.’ એવી એમની ઇચ્છા રહેતી. શેઠ મોતીચંદ સાથે શેઠ કેસરીસિંહને સારો ઘરોબો હતો. તેઓએ પરસ્પર વેપારીસંબંધ સ્થાપ્યો હતો. મુંબઈ ખાતે રેશમ વેચવાની આડતનું કુલ કામ શેઠ મોતીશાહને એમણે આપ્યું હતું. મહોમકભાઈએ એમાં ખૂબ વૃદ્ધિ કરી. મુંબઈ અથવા અમદાવાદમાં તેઓ મોતીશા શેઠને ચાર છ માસે મળતા હતા. તેઓ બંને વચ્ચે ગાઢ પ્રેમ બંધાયો હતો. બંને પ્રેમધર્મને પિછાણતા હતા.

સંવત 1873માં અમદાવાદથી નગરશેઠ હેમાભાઈનો સંઘ ગિરનાર શત્રુંજયની જાત્રાએ નીકળ્યો ત્યારે મહોકમભાઈ અને હઠીસિંહ સાથે હતા. ભારે ધૂમધામ હતી. સંઘ જૂનાગઢ આવ્યો ત્યારે ત્યાં હજારો યાત્રિકોની માનવમેદની જામી હતી. આ પ્રસંગે શેઠ મહોકમભાઈએ ભારે ઉદારતાથી શેઠ મોતીચંદ અમીચંદના નામથી સંઘને જમણ આપીને શ્રી મોતીશાહ શેઠ સાથેની પોતાની મિત્રતાની ગરિમા દેખાડી દીધી. આ હકીકતની મોતીશાહ શેઠને ખબર પણ આપી નહિ, પરંતુ આ વાત છૂપી રહે ? શેઠ મોતીશાહને આ વાતની ખબર પડી ગઈ. એઓ મનથી મલકાયા. તેમને મહોકમભાઈની વિશાળ લાગણી માટે માન ઊપજ્યું. ખાનદાનીના ખમીરનો મોતીશાહ શેઠને અનુભવ થયો.

મોતીશાહે વેપારમાં લાભ કરી આપ્યો. તેનો બદલો વાળી દેવાને તક મળતાં મોતીશાહે વાત છેડી.

બંનેનો ચીન ખાતે મજમુ વેપાર ચાલ્યો, તેમાં અઢળક કમાઈ થઈ પડી. ત્રણ વરસના હિસાબમાં માત્ર કેસરીસિંહના ભાગમાં જ ચાર લાખ રૂપિયા મળ્યા. ભાગીદારી લાભદાયી નીવડી.

મહોકમભાઈ યુવાની પસાર કરી આધેડ વયમાં પ્રવેશ કરતા હતા. એમને ઓચિંતા કાળદેવે ઝડપી લીધા. એમણે કાકાને આપેલ વચન પાળી બતાવ્યું. વાલી (ટ્રસ્ટી) કોને કહેવાય અને તે કઈ રીતે કાર્ય કરી શકે તે માટે મહોકમભાઈએ આદર્શ દૃષ્ટાંત પૂરું પાડી ખાનદાનીનાં ખમીરની વિશાળતા-નિઃસ્પૃહતા બતાવી દીધી. એણે પેઢીના ઐશ્વર્ય, વેપાર, ધન અને આબરૂનો ખૂબ વિકાસ કર્યો હતો.

તા. 7-12-2023

આકાશની ઓળખ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑