ભારતે વાત કરી ‘યુનિવર્સલ રિલિજિયન’ અને ‘યુનિવર્સલમૅન’ની !

આજના ધર્મોનો વ્યાપક વિચાર જરૂરી છે. તાજેતરમાં ‘કોવિડ, પેન્ડેમિક ઍન્ડ વર્લ્ડ્ઝ રિલિજિયન્સ’ પુસ્તકમાં જુદા જુદા ધર્મનાં લેખો પ્રકાશિત થયા. જેમાં એ સમયે કોવિડની મહામારીમાં ધર્મોની શી સ્થિતિ થઈ ? ધર્મોની ઉપાસના કઈ રીતે થઈ અને એ ધર્મએ માનવજાતને કઈ રીતે મદદ કરી ? અથવા તો એ ધર્મ એની પરંપરાને કારણે કેવી ભૂલ કરી બેઠો એની વિદ્વાનો દ્વારા ચર્ચા કરી છે. દુનિયાના તમામ મહત્ત્વના ધર્મોએ કરેલા કોવિડ પેન્ડેમિકના સામનાને દર્શાવતા આ પુસ્તકમાં જૈન ધર્મ વિશે લંડનનાં ડૉ. વિનોદ કપાસીએ અને કુમારપાળ દેસાઈએ લખ્યું છે અને તે ગ્રંથ સૂચવે છે કે પરિવર્તનને પારખી નહીં શકનાર ધર્મ ભારે વિસંવાદ સર્જે છે.

પરિવર્તનને ઓળખવા માટે સતત ગતિશીલ દૃષ્ટિ જોઈએ અને જે ધર્મ પોતે સમય મુજબ જરૂરી પરિવર્તન સાધે છે એ જ ધર્મ એનું અસ્તિત્વ ટકાવી શકે છે. તમે કહેશો કે આનો પુરાવો શો ? જરા જગતની સંસ્કૃતિઓનો વિચાર કરો કે એ સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ, જેણે પરિવર્તનનો સ્વીકાર કર્યો નહીં. એ ગ્રીસની સંસ્કૃતિ કે રોમન સંસ્કૃતિના આજે અવશેષો મળે છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ હજી આજેય અડીખમ ઊભી છે. આથી જરૂરી પરિવર્તન ૫૨ દૃષ્ટિ રાખવી જોઈએ. ઘણી વાર પરંપરા નદીના વહેતા પ્રવાહને બદલે સાંકડા વર્તુળમાં આવેલા સરોવર જેવી બની જાય છે. આ પરંપરા સામે અનેક પડકારો હોય છે. એવું પણ બને છે કે ધર્મના મૂળ સિદ્ધાંતો અને વર્તમાન સમયે એને અનુલક્ષીને ક૨વામાં આવતા ક્રિયાકાંડો કે વિચારધારાઓ સાવ ભિન્ન રૂપે પ્રવર્તતાં હોય છે. વિજ્ઞાને પણ એ પરંપરા પાસે રિવર્તન માંગ્યું છે અને આપણે જાણીએ છીએ કે જે સંસ્કૃતિ પરિસ્થિતિ સાથે પરિવર્તન પામતી રહી તે જ આ જગતમાં ટકી શકી છે. એનો તાદૃશ અનુભવ તો કોરોનાકાળમાં આપણે આપણી કેટલી બધી માન્યતાઓ, પરંપરાઓ, ધર્મવિધિઓ અને ધર્મ આચરણોમાં ફેરફાર કરવો પડ્યો હતો. એટલે કે પરિવર્તન એ આવશ્યક બને છે. પરંપરા પ્રત્યે વિવેકદૃષ્ટિ રાખીને તથા હેય ઉપાદેયનો વિચાર કરીને ધર્મભાવનાએ આગળ વધવું જોઈએ.

આથી હવે અમારે એ ઇતિહાસનું પુનરાવર્તન નથી કરવું કે જેને લીધે યુદ્ધો થયાં. માન્સ કિંગ કહે છે – “જો ધર્મો વચ્ચે શાંતિ પ્રવર્તતી નહીં હોય તો દેશો વચ્ચે અશાંતિ રહેશે. વિવિધ ધર્મો વચ્ચે સંવાદ નહીં થાય તો ક્યારેય શાંતિ નહીં સ્થપાય.’

છેલ્લાં પાંચ હજાર વર્ષમાં ઓછામાં ઓછાં નાનાં-મોટાં થઈને પંદર હજાર યુદ્ધો થયાં છે. માણસજાત એક એવી જાત છે કે એણે જેટલા એના જાતભાઈઓને મારી નાખ્યા છે, એટલા બીજી કોઈ જાતિએ એના જાતભાઈઓને મારી નથી નાખ્યા.

જગતમાં આજે બે જ પરિસ્થિતિ છે. એક યુદ્ધની અને બીજી છદ્મ યુદ્ધની, આતંકવાદ અને બૉમ્બવિસ્ફોટનું ઠંડું યુદ્ધ જગત ૫૨ ભ૨ડો લઈને બેઠું છે. આજનો માનવી સાધનસંપન્ન બન્યો, પણ સૌથી મોટામાં મોટો ઘસારો એના જીવનને લાગ્યો છે. એનાં જીવનમૂલ્યોને લૂણો લાગ્યો છે; એમની જીવનરીતિ અર્થપ્રાધાન્ય નહીં, પણ માત્ર ‘અ’દોડ બની ગઈ છે.

ધર્મ વિશે આપણે ત્યાં ઘણી ઘણી વાતો, ચર્ચાઓ, વિવાદો અને છેક આંદોલનો થાય છે. રાજકારણીઓએ મત રળવા માટે એનો વેપાર પણ કર્યો છે. જ્યારે બીજી બાજુ વિશ્વધર્મ વિશેની પ્રવર્તમાન વિચારણાથી આપણે ઘણા દૂર ચાલ્યા ગયા છીએ. ઓગણીસમી સદીમાં સ્વામી વિવેકાનંદ વર્લ્ડ પાર્લમેન્ટ ઑફ રિલિજિયન્સમાં ગયા. 1893ની 11મી સપ્ટેમ્બરે યોજાયેલી આ વિશ્વધર્મ પરિષદમાં સૌરાષ્ટ્રના મહુવા ગામના 29 વર્ષના યુવાન વીરચંદ રાઘવજી ગાંધી પણ ગયા હતા. એ સાંખ્ય, વેદાંત, અદ્વૈત, બૌદ્ધદર્શન અને જૈનદર્શનને જાણતા હતા. એમણે એ વખતે ત્યાં યુનિવર્સલ મૅનની વાત કરી અને વિશ્વમાં સૌ પ્રથમ યુનિવર્સલ મૅન અને યુનિવર્સલ રિલિજિયનની વાત સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધીએ કરી હતી.

મહાત્મા ગાંધીજીએ આમાંથી જ એક સરસ વાત કરી વ્યાપક ધર્મભાવનાની. જુદા જુદા ધર્મોના સુંદર અંશો લઈને એનો એક સરસ મજાનો સમુચ્ચય કરીને માણસ જીવે. વર્તમાન વિશ્વ ધર્મને બહુ જુદી રીતે જુએ છે.

દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદના પ્રારંભે પ્રાર્થનાનું ગાન કરાયું કે, હે ઈશ્વર, અમને આ એઇડ્સની બીમારીમાંથી ઉગારજે, કે જેને પરિણામે આજે આફ્રિકા ખંડમાં રોજ 25,000 માણસો આ ભયાનક બીમારીના શિકાર બને છે. એનો અર્થ એ કે જે ધર્મ પૃથ્વી પર જીવતા માણસનો – માનવતાનો વિચાર કરતો નથી, એ ધર્મ નથી કિંતુ અધર્મ છે. 1993ની શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદના પ્રારંભે રેડઇન્ડિયનોએ ગીત ૨જૂ કર્યું હતું, જેમાં એમની પાસેથી વિના કારણે ભૂમિ છીનવી લેનારાઓ પર આક્રોશ ઠાલવ્યો હતો. જેને જંગલી અને આદિવાસી ગણીને અત્યાર સુધી ધુત્કાર્યા એવા રેડ ઇન્ડિયન્સનું ગીત રજૂ થયું. આ રેડઇન્ડિયનો સવાલ ઉઠાવતા હતા કે અમે તમારો કશોય ગુનો કર્યો નથી, અમારી જમીનના ભાગ તમે શું કામ લઈ જાઓ છો ? અમને કેમ આટલો ત્રાસ આપો છો ? અમને અમારી નાની કોમને શાંતિથી જીવવા દો. આમ પ્રાર્થના હવે માત્ર મંગલમય ગાન નથી રહી. એ દબાયેલી, કચડાયેલી, રૂંધાયેલી માનવજાતની વેદનાની ચીસ બની ગઈ છે. હવે અગણિત ભેદો-પેટાભેદો મિટાવીને માણસને પરસ્પરને ચાહવા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે ધર્મ જોઈએ છે. માણસને રિબાવવા, શોષણ કરવા, અત્યાચાર અને આક્રમણ માટેના ધર્મની જરૂર નથી. એકબીજાની લાગણી મેળવવા માટે અને માનવીય ગુણને મહોરવા માટે ધર્મ જોઈએ છે.

એક વખત પૂર્વ આફ્રિકાના કેનિયા દેશના પ્રવાસમાં મને વિચિત્ર વિચાર આવ્યો. મેં મારા મિત્રને કહ્યું કે, ‘મારે આફ્રિકાના નૈરોબીની ઝૂંપડપટ્ટી જોવી છે.’ એને પહેલાં તો બહુ આઘાત લાગ્યો કે મને આવું ક્યાંથી સૂઝ્યું ? વળી એને આ ઝૂંપડપટ્ટી ક્યાં છે, એની કશી ખબર નહોતી. એ ત્રીસ વર્ષથી નૈરોબીમાં રહેતો હતો. એણે તપાસ કરી અને તપાસ કર્યા પછી એણે મને કહ્યું કે દૂરના અમુક વિસ્તારમાં આ ઝૂંપડપટ્ટી આવેલી છે, પણ હું તમને ત્યાં ન લઈ જાઉં, કારણ કે ત્યાં જવાનું આપણું કામ નહીં. મેં મારા અન્ય ભારતીય મિત્રોને કહ્યું કે, ‘મારે આ ઝૂંપડપટ્ટી જોવી છે.’ દુનિયાનાં સરસ દૃશ્યો જોયાં છે. ઇંગ્લૅન્ડનું કુદરતી સૌંદર્યથી સભર લેક ડિસ્ટ્રિક્ટ જોયું હોય અને અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થની પ્રકૃતિકવિતા ગુંજી ઊઠી હોય. હવે મારે એ પણ જોવું છે કે દુનિયામાં નરક કેવું હોય છે. જ્યાં ડ્રગ છે, જ્યાં દારૂ છે, વ્યસન અને વ્યભિચાર છે અને બિહામણી ગરીબી છે. છેવટે એક માણસે કહ્યું કે આ વિસ્તારમાં ચાલતી શાળા માટે એક પાદરીને ડોનેશન રૂપે પ્રતિવર્ષ મકાઈ આપું છું. એ પાદરી કદાચ તમને આ વિસ્તારની અંદર લઈ જાય. હું એ પાદરી પાસે ગયો અને મેં કહ્યું કે મારે આ ઝૂંપડપટ્ટી જોવી છે. એને પહેલાં તો લાગ્યું કે, ‘આ કોઈ વિચિત્ર માણસ લાગે છે !’ પછી કહ્યું, ‘ચાલો હું તમને બતાવું. પણ શરત એટલી કે મોટરમાંથી હાથ બહાર નહિ કાઢવાનો, નહિ તો આ તમારો હાથ કોઈ કાપી નાખશે અને ઘડિયાળ લઈ જશે.’ મેં નૈરોબીની એ ઝૂંપડપટ્ટી જોઈ. અહીં પોશો ચિલ્ડ્રન હોય છે. પોશો એટલે મુઠ્ઠી મકાઈ. ગરીબી એટલી કે કોઈ સ્ત્રીએ એક મુઠ્ઠી મકાઈને માટે પોતાનો દેહ આપ્યો હોય અને એમાંથી જે બાળકો થયાં એને પોશો ચિલ્ડ્રન કહેવાય. અહીં પચાસ ટકા વસ્તી એચ.આઈ.વી. ગ્રસ્ત છે અને મેં પેલા પાદરીને કહ્યું, ‘કે તું ?’ આ વિસ્તારમાં એ સ્કૂલ ચલાવે છે. મને સ્કૂલમાં લઈ ગયો. આ સ્કૂલ એટલે થોડા બાંકડા, માથે છાપરું – બીજું કંઈ નહિ, મને કહે કે ઘણી વાર સોમવારે બાળક ભણવા આવે ત્યારે થોડી વારમાં બેભાન બની જાય, કારણ એવું કે શનિ-રવિની રજામાં એને કશું ખાવા ન મળ્યું હોય. સોમથી શુક્ર સુધી અહીંયાં અમે એને મકાઈ આપીએ, થોડો લોટ ખાવા આપીએ આ બધાંથી એમનું જીવન ટકતું હોય. આ પાદરી મૂળ પોર્ટુગલનો. ‘કુરાને શરીફ’ ૫૨ મહાનિબંધ લખ્યો હતો અને આફ્રિકાનો આ વિસ્તાર એનું કાર્યક્ષેત્ર હતો. એણે અહીં એક હૉસ્ટેલ બનાવી હતી. એ હૉસ્ટેલ બતાવવા લઈ ગયો. એ હૉસ્ટેલમાં એચ.આઈ.વી.ગ્રસ્ત વેશ્યા સ્ત્રીઓ હતી. એઇડ્સ ફેલાય નહિ એ માટે એ સ્ત્રીઓને આ માણસ જુદા જુદા હુન્નરો શીખવતો, એમાંથી આવક થતી અને એમનું ગુજરાન ચાલતું. ગરીબીનું આવું દૃશ્ય મેં બીજે ક્યાંય જોયું નથી. મેં એને એક દિવસ સવાલ કર્યો, ‘અમે તો આ એઇડ્સનું નામ સાંભળીને ડરીએ છીએ. તું આ બધાની વચ્ચે રહે છે તો તને ડર નથી લાગતો ?’ મને કહે, ‘હા. એક દિવસ એક પચ્ચીસ વર્ષની છોકરી મારે ત્યાં આવી અને આવીને એણે કહ્યું કે આ દુનિયા બહુ ખરાબ છે. આ દુનિયામાં માણસ જેટલું બિનવફાદાર પ્રાણી બીજું કોઈ નથી. અને સગાંવહાલાં જેવાં બીજા કોઈ દુશ્મનો નથી.’

પાદરીએ એને પૂછ્યું કે, ‘તને શું થયું ?’ એણે કહ્યું કે, ‘મને એઇડ્સ થયાનું ડૉક્ટરોએ નિદાન કર્યું અને મારાં ઘરવાળાંએ કૂતરાથી પણ બદતર રીતે મને ઘરની બહાર કાઢી મૂકી. હું બહાર ઊભાં ઊભાં રોટલો માગું, આપતા નથી.’ આ પાદરીએ એને સમજાવીને શાંત પાડી. પહેલાં તો આ યુવતી ભારપૂર્વક કહે કે મને એઇડ્સ છે જ નહીં. પાદરીએ ડૉક્ટરને બોલાવ્યા. બતાવ્યું. એને એઇડ્સ માલૂમ પડ્યો. ધીરે ધીરે એને શાંત પાડી. એની જગત તરફની કટુતા ઓછી કરી. એનામાં ધીરે ધીરે હૃદયની મોકળાશ ઊભી કરી. અને જ્યારે એ સ્ત્રી મૃત્યુ પામી ત્યારે એ પ્રભુને પ્રાર્થના કરતી હતી કે મને આવતું જીવન સારું આપજે. મૃત્યુ વેળાએ એની આંખમાં આશાનું કિરણ દેખાતું હતું, જે આ પાદરી કદી ભૂલ્યા નહીં. આજનો માનવી ઉત્તમ તત્ત્વો લઈને અધ્યાત્મ તરફ જાય છે. પરિણામે એક સમયે ધર્માંતરની પ્રવૃત્તિ મહત્ત્વની બની હતી એને બદલે આજે હું મારા ધર્મની સારી વાત કરું. તમે તમારા ધર્મની સારી વાત કરો અને આપણે બંને સારી વાત ભેગી કરીને આપણું જીવન ઘડીએ. પૃથ્વીના ગ્રહ 52 ધર્મોનું મેઘધનુષ્ય રચીએ. કઈ રીતે આ શક્ય બને ?

તા. 21-12-2023

આકાશની ઓળખ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑