જો પરિવર્તન નહીં, તો પીછે હઠ સ્વીકારો !

આપણે ત્યાં એક જ ધર્મનાં સંપ્રદાયો વચ્ચે ચીનની દીવાલ ચણાયેલી હોય છે, ત્યારે એક ધર્મ બીજા ધર્મ સાથે કઈ રીતે મેળાપ સાધી શકે ? આજે વિશ્વમાં ધર્મો સમરાંગણમાં યુદ્ધ ખેલવાને બદલે પરસ્પર સંવાદની ભૂમિકા રચે છે અને આથી જ આજના ધર્મવિષયક આંતરરાષ્ટ્રીય અધિવેશનોમાં પહેલી શરત એ હોય છે કે, “તમારે એવું નહીં કહેવાનું કે તમારો ધર્મ જ મહાન છે.’ વળી હકીકત એ છે કે દુનિયાના તમામ ધર્મ એમ જ કહે છે કે તે સૌથી શ્રેષ્ઠ છે અને બાકીના બધા સામાન્ય છે. હવે પરિષદોની પ્રથમ શરત જ એ કે તમારે એમ નહિ કહેવાનું કે તમારો ધર્મ મહાન છે, કારણ કે દરેકનો ધર્મ એમની રીતે મહાન છે. તમારે તો એ દર્શાવવાનું કે તમારો ધર્મ આજની માણસજાતને માટે કઈ રીતે ઉપયોગી બને તેવો છે. એના વિકાસમાં એ સક્રિય યોગદાન આપી શકે તેમ છે. ધર્મ એ તલવારની ધાર નથી, પણ માણસ-માણસને જોડતી એક સરસ મજાની સેતુરૂપ સાંકળ છે.

માણસજાતનું મૂલ્યોનું આમૂલ પરિવર્તન થાય છે ત્યારે ધર્મની શ્રેષ્ઠતાનાં યશોગાન કરવાને બદલે મારો ધર્મ તમને જીવન માટે શું આપી શકે છે ? તમારા ધર્મમાં કઈ ભાવના છે જે મારા જીવનમાં ઉપયોગી બને તેમ છે ? એ વિચારવું જોઈએ. જૈનદર્શનનો વ્યવહાર અને નિશ્ચયદૃષ્ટિ મળે અને ઉપનિષદમાં પરા અને અપરાવિદ્યાનો વિચાર મળે. આ બંનેનો સમુચ્ચય સાધવાનો છે અને એ સમુચ્ચયમાંથી જે જાગે છે એ આધ્યાત્મિકતા છે.

વિશ્વમાં ઇન્ટ૨ફેઇથનું આંદોલન શરૂ થયું છે. વિવિધ ધર્મના અભ્યાસીઓ સાથે મળીને આવતીકાલના વિશ્વને પોતાની ભાવનાઓ પ્રદાન કરે છે. વિશ્વમાનવી હવે વિશ્વધર્મ અને વિશ્વસરકારનો વિચાર કરે છે.

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી પ્રગતિની હરણફાળ ભરી રહ્યાં છે. તમે માનવહૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરી શકશો, પણ એ હૃદયમાં કોઈ યંત્રથી તમે પ્રેમ અને કરુણાની ભાવના નહીં મૂકી શકો. એ તો તમારે તમારા જીવનમાંથી જ પેદા કરવાની છે. તમે કોઈ રસ્તામાં રખડતો-ફરતો મુફલિસ માણસ, જેને ગ્રેડપતિ કહો છો એ રોડપતિને કરોડપતિ બનાવી શકશો, પણ એનામાં શીલ અને સૌજન્યની સુવાસ નહીં મૂકી શકો. અને એટલે જ વર્તમાન વિશ્વને સૌથી મોટી આવશ્યકતા અધ્યાત્મની છે. આપણે દુર્ભાગ્યે અધ્યાત્મને કોઈ ઘરડા માણસની ચીજ માની છે. માણસ વૃદ્ધ થાય, કશું કામ રહે નહિ અને ત્યારે એણે આ અધ્યાત્મનો વિચાર કરવો જોઈએ એમ વિચારીએ છીએ. વાસ્તવિકતા એ છે કે ઘણા મહાન આધ્યાત્મિક પુરુષો – એ સ્વામી વિવેકાનંદ હોય, – આદિ શંકરાચાર્ય હોય કે શ્રીમદ્ રાજચંદ્ર હોય – એમનામાં આધ્યાત્મિકતાનો પ્રાદુર્ભાવ ઘણી નાની વયે થયો હતો અને તેઓ આધ્યાત્મિકતાની ૫૨મકોટિ સુધી પહોંચ્યા હતા. માણસે જોયું કે સાધનસંપન્ન થવાથી સુખ નથી મળતું. તમે જોજો કે માણસ જેમ જેમ સાધનની પાછળ દોટ મૂકે – તમારી પાસે સાઇકલ હોય એટલે સાઇકલ જોવાને બદલે આપણી નજર જાય કે ઓહો, પેલો સ્કૂટર પર ફરે છે, આપણી પાસે સ્કૂટર હોય તો મજા આવી જાય. સ્કૂટર હોય તેને થાય કે ઓહ! માત્ર સ્કૂટર છે. બહુ મજા નથી. ગાડી જોઈએ. ગાડી હોય તો એમ થાય કે ગાડી તો છે, પણ નવા મૉડલવાળી ગાડી જોઈએ ને આપણી તો સાવ ખખડધજ થઈ ગઈ છે. જેમાં બેઠા છીએ, એની મજા આવતી નથી. જીવનનો આનંદ ખોઈ બેઠા છીએ. આપણા ધર્મગ્રંથોએ બહુ સરસ વાત કરી કે વસ્તુમાં કદી સુખ નથી. આપણે વસ્તુમાં જ સુખ માનીને બેઠા અને પરિણામે સાચા સુખથી વંચિત રહ્યા. ઍન્ડ્રુ કાર્નેગી માટે કહેવાય છે કે દુનિયાનો ક્રોડાધિપતિ માણસ, મૃત્યુ પહેલાં ત્રણ દિવસે એને વિચાર આવ્યો કે આ મારી સેક્રેટરી મારા ચેક લખતી વખતે કેવું વિચારતી હશે ! એનો પગાર ભલે ત્રણ હજાર ડૉલર હોય પણ ચેક લખે છે ત્રણ લાખ ને ત્રીસ લાખ કે એક કરોડ ડોલરનો ! કાર્નેગીએ એને પૂછ્યું કે, ‘તારો પગાર ત્રણ હજાર ડૉલર છે, પણ તું આટલા મોટા મોટા ચેક લખે છે ત્યારે તારા મનમાં તું જરૂ૨ ભગવાનને પ્રાર્થના કરતી હોઈશ કે આવતો ભવ બસ કાર્નેગી જેવો જ આપજે. ખરું ને ?’ સેક્રેટરીએ ના પાડતાં કહ્યું કે, ‘હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે આવતા ભવે ગમે તે ભવ આપજે, પણ તમારા જેવો ભવ ન આપે !’

કાર્નેગીએ કહ્યું કે, ‘કેમ, આવું કહે છે ?’ સેક્રેટરીએ કહ્યું કે, ‘તમે ન તો ધરાઈને ખાઈ શકો છો, ન તો સૂઈ શકો છો, ન તો શાંતિથી બેસી શકો છો, ન તો ચિત્તની શાંતિ છે તમારી પાસે. આ અકળામણ, આ દોડધામ, આ વેદના, આ વ્યથા, આ લોલુપતા, આ લાલસા, આ લિપ્સા – બધું કેટકેટલું તમારા ચિત્તમાં અને વ્યવહારમાં ચાલ્યા કરે છે ! એટલે હું તો ભગવાનને કહું છું કે હે પ્રભુ ! આ એક કરોડ ડૉલર ન જોઈએ. આપણે તો ત્રણ હજારવાળી નોકરી જ બરાબર છે. આપવું હોય તો એ જ આપજે.’ આજે માણસ સાધનસંપન્ન થયો, પણ એણે સાધનાસંપન્ન થવાની જરૂર છે. કારણ કે જીવનનો આનંદ ભીતરમાંથી પ્રગટતો હોય છે. આનંદ કોઈ બહારથી વેચાતી મળતી, ઉછીની ખરીદી શકાય તેવી વસ્તુ નથી.

આપણું જીવન અલ્પવિરામ છે, એમાં અધ્યાત્મ ભળે એટલે જ પૂર્ણવિરામ થાય. જીવનનું સાચું પૂર્ણવિરામ ત્યારે જ આવે કે જ્યારે વ્યક્તિ સ્વયંમાં આધ્યાત્મિકતાનો અનુભવ કરે. એનું પહેલું સોપાન છે વર્તમાન પ્રત્યે જાગરણ. આપણે વર્તમાન ફરિયાદોના બોજ સાથે જીવીએ છીએ. સત્કાર-સમારંભમાંથી બહાર નીકળતા કે સ્મશાનમાં સમય વિતાવતા માનવીની વાત સાંભળજો. અનેક વાનગીઓ આરોગ્યા પછી સત્કાર-સમારંભમાંથી બહાર નીકળતી વખતે ચટણી ખાટી હોવાની ફરિયાદ સાંભળવા મળે. મને થાય કે આ માણસને ન દૂધપાક દેખાયો, ન ગુલાબજાંબુ નજરે પડ્યાં. ફરસાણ સાવ વીસરી ગયો. માત્ર ચટણી જ દેખાઈ ! કોણ જાણે કેમ, આપણે જીવનમાં નકારાત્મક બાબતો એટલી બધી વાગોળતા ગયા કે આપણો અભિગમ જ નકારાત્મક બની ગયો છે.

1990ની 23મી ઑક્ટોબરે લંડનના બકિંગહામ પૅલેસમાં W.W.Fના અધ્યક્ષ ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપને એક પુસ્તક અર્પણ કરવાનું હતું. બે દિવસ અગાઉથી અમને કેવી રીતે બેસવું, કેવી રીતે ચાલવું, પ્રિન્સ ફિલિપ જ્યારે બોલતા હોય ત્યારે વચ્ચે એક જ વ્યક્તિએ બોલવું, ખુરશીઓની વ્યવસ્થા આ પ્રમાણે છે તે નકશો આપીને જણાવ્યું. પ્રિન્સ ફિલિપ આવે ત્યારે કઈ રીતે હસ્તધૂનન કરવું તેની પણ માહિતી આપી. વળી કહ્યું કે બ્લ્યૂ શૂટ જ જોઈએ, ટાઈ પણ બ્લૂ હોવી જોઈએ, પૉલિશ કરેલા કાળા રંગના બૂટ હોવા જોઈએ – લાલ રંગના નહીં ચાલે – આમ બે દિવસ સુધી કવાયત ચાલી. હું ગયો ત્યારે મને થયું કે મહાત્મા ગાંધીમાં કેટલું આત્મબળ હશે કે એક પોતડી પહેરીને તેઓ બકિંગહામ પૅલેસમાં ગયા હતા. કઈ શક્તિ હશે, કેવી તાકાત હશે, એમનામાં કેવું ખમીર હશે. એ કયું ખમીર ? એ અધ્યાત્મનું ખમીર.

પ્રસિદ્ધ ફ્રેન્ચ નવલકથાકાર વિક્ટર હ્યુગોના શબ્દો મને યાદ આવે છે. એમણે કહ્યું કે, ‘વિશ્વના તમામ લશ્કરો કરતાં એક વસ્તુ બળવાન છે અને એ છે સવેળાનો વિચાર.’ પરંતુ હવે ધર્મ એ અધ્યાત્મ તરફ ગતિ કરી રહ્યો છે. એને ચહેરો માનવતા ભણી છે અને એટલે જ અનેક દેશોની પદયાત્રા કરનાર એવા શાંતિયાત્રાના પદયાત્રી શ્રી સતીશકુમારને એમનાં જુદાં જુદાં દેશોનાં ભ્રમણ દરમિયાન વિવિધ સંસ્કૃતિઓનો પરિચય થયો. હિંદુ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ ધર્મીઓને મળ્યા. તો રશિયન, અમેરિકન, યુરોપિયન, એશિયન લોકોને મળ્યા. શ્યામવર્ણા, ગોરા અને ઘઉંવર્ણા માનવીઓને મળ્યા. સામ્યવાદી, સમાજવાદી અને મૂડીવાદીઓને મળ્યા અને અંતે એમણે પોતાની યાત્રાનો નિષ્કર્ષ આપતાં એમ કહ્યું,

“તમે તેઓને ઊંડાણથી તપાસશો અને તેમનામાં રહેલી માનવતાનો સ્પર્શ કરી જોશો તો બધે જ કાગડા કાળા જ છે, પણ તે એકતાને પારખી શકો તે પહેલાં તમારે તમારા પૂર્વગ્રહોથી મુક્ત થવું પડે. ભારતનો ઝંડો લઈને હું હિંદુ તરીકે જઈશ તો મને પાકિસ્તાની મળશે. હિંદુ તરીકે હિંદુ ધર્મ દુનિયામાં શ્રેષ્ઠ છે તેવું કહેતો હું જઈશ તો મને ખ્રિસ્તી કે મુસ્લિમ એમ કહેતા મળશે કે, ‘ના, ના. ! તમે ખોટા છો. અમારો ધર્મ જ શ્રેષ્ઠ છે.’ હું સમાજવાદી તરીકે જઈશ તો મને મૂડીવાદી મળશે. હું ઘઉંવર્ણા માનવી તરીકે જઈશ તો મને શ્યામવર્ણો કે ગોરો માનવી મળશે, પણ હું એક માનવી બનીને જઈશ તો જ મને માનવી મળશે.”

આથી આજે ધર્મ એ માનવની ચિંતા કરે છે. માનવતાના પ્રસારની ખેવના રાખે છે અને આ જગત પર ટૅક્નૉલૉજીમાં આવતાં પરિવર્તનો મનુષ્યજાતિ પર આધિપત્ય મેળવી રહ્યાં છે, ત્યારે આપણે એક એવા યુગમાં પ્રવેશી ગયા છીએ કે એના વિકાસનાં પરિમાણ અને એની ગતિ આપણને આશ્ચર્યચકિત કરતી રહેશે.

એકાએક કોઈ ભેખડ ધસી પડે કે હિમપ્રપાત થાય એ રીતે થતું ટૅક્નૉલૉજીનું પરિવર્તન. મનુષ્યજાતિના સત્ત્વને અને શક્યતાને આકાર આપશે અને આ પરિવર્તન આપણા ગ્રહ પરની દરેક જીવસૃષ્ટિને એક યા બીજી રીતે પ્રભાવિત કરતું રહેશે અને એ પરિવર્તન માત્ર ધર્મ, સમાજ, સંસ્કૃતિ કે વાણિજ્ય પૂરતું જ મર્યાદિત નહીં રહે, પરંતુ આપણા જીવવિજ્ઞાન, નીતિશાસ્ત્ર, આહારશાસ્ત્ર અને જીવનપદ્ધતિ એ સહુ કોઈ પર પ્રબળ પ્રભાવ પાડશે અને ત્યારે આવે સમયે પ્રત્યેક ધર્મએ વર્તમાન વિશ્વ સાથે અને આધુનિક માનવી સાથે તાલ મિલાવવા માટે નવી દૃષ્ટિની ખોજ કરવી પડશે.

તા. 28-12-2023

આકાશની ઓળખ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑