‘વીરાયતન’ સંસ્થા અને આચાર્યા ચંદનાજી માનવસર્જિત કે કુદરતી આપત્તિથી ઘેરાઈ ગયેલા માનવીની આંખનાં આંસુ લૂછવાનું કામ ભીતરની કરુણા કરે છે. તો અંધકારને ઓગાળી નાખીને શિક્ષણનો મહાપુરુષાર્થ કરવાનું કામ જ્ઞાનનો પ્રકાશ આપીને કરે છે. સામાન્ય રીતે માનવતા કાજે વિકટ અને કપરા સમયમાં દુઃખી લોકોને સહાય કરવા માટે સહુ કોઈ દોડી જાય છે, પરંતુ કરુણા અને જ્ઞાન એ બંનેનો સંયોગ થાય, ત્યારે એ અણધારી આપત્તિ અને જીવનની ઉપાધિ જ્ઞાનની સમાધિમાં પલટાઈ જાય છે.
જૈન સમાજમાં આવું કાર્ય તાઈ મા(આચાર્યા શ્રી ચંદનાજી)એ કર્યું છે. એમના આ માનવસેવાના કાર્યમાં આપત્તિની યાતનાને કરુણાના પ્રવાહથી દૂર કરીને શિક્ષણના પ્રકાશને પ્રગટાવતો મહાપુરુષાર્થ જોવા મળે છે. એમના વ્યક્તિત્વમાં તમને એક વિશિષ્ટ દર્શન થશે. એમાં અજ્ઞાનના અંધકારમાં જીવતા ઉપેક્ષિત જનોની વહારે આવીને વાત્સલ્ય આપતી માતાનાં દર્શન થશે. એમ કહેવાય છે કે, ‘માતા જન્મ આપે છે અને શિક્ષક જ્ઞાન આપે છે’, પણ અહીં તો આ વાત્સલ્યભરી માતા જીવનશિક્ષક બની રહી છે.
જૈન સમાજમાં અહિંસાની ભાવનાનું ઉત્કૃષ્ટ રૂપે પાલન થયું છે, પરંતુ કરુણાની ભાવનાનું એટલું પ્રાગટ્ય થયું નહીં. અહિંસા દ્વારા આપણે હિંસામાંથી અટકી ગયા, પરંતુ કરુણા દ્વારા આપણે વૈશ્વિક માનવતાનું એટલું કાર્ય કરી શક્યા નથી. સંત તુકારામની પંક્તિનું સ્મરણ થશે કે ‘હમ સબ માંહિ, સકલ હમ માંહિ, હમસે ઔર દૂસરા નાહીં’.
પ્રભુ મહાવીરનાં પાવન વચનોનું સ્મરણ કરીએ. એમણે કહ્યું, ‘માણુસ્સ ખુ સુ દુલ્લહમ્’ એટલે કે ‘મનુષ્ય થવું મુશ્કેલ છે’ અર્થાત્ માનવી ત્યારે જ સાચો મનુષ્ય બની શકે કે જ્યારે એના હૃદયમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાનો આવિર્ભાવ થાય, પણ એ સાથે ભગવાન મહાવીરે આવા માનવીને એક ભવ્ય દર્શન આપ્યું કે, ‘એક્કો હુ માણુસ જાઈ’ અર્થાત્ ‘સમગ્ર મનુષ્યજાતિ એક બને.’ આમ જ્યાં સમગ્ર મનુષ્યજાતિનો વિચાર કરવામાં આવતો હોય ત્યાં કઈ રીતે દુ:ખી, ત્રસ્ત, અજ્ઞાની, આપત્તિગ્રસ્ત, એ સહુની ઉપેક્ષા કરી શકીએ ? આવતી કાલે ૨૬મી જાન્યુઆરીએ પ્રકાશિત થનારા ‘તાઈ મા : એક અભિનવ દૃષ્ટા’ ગ્રંથમાં શકુંતલામાંથી તાઈ મા બનેલાં આચાર્યા શ્રી ચંદનાશ્રીજીના જીવન અને સેવા, શિક્ષણ અને માનવતાનાં કાર્યોની ઝાંખી પ્રાપ્ત થશે. દર્શનશાસ્ત્રનો અભ્યાસ અને પનવ્યન્યાયનું અધ્યયન અને સાધનામય તપઃપૂત વિશુદ્ધ જીવનમાંથી તેઓને એક સત્યની પ્રાપ્તિ અને પ્રતીતિ થાય છે. વળી તેઓ જૈન, બૌદ્ધ અને વૈદિક શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, અર્વાચીન દાર્શનિકોના વિચારોનું ગહેરાઈથી અધ્યયન કરે છે, સંસ્કૃત અને પ્રાકૃત, સાહિત્યનો અભ્યાસ કરીને ‘સાહિત્યરત્ન’ અને ‘શાસ્ત્રી’ની ઉપાધિ પ્રાપ્ત કરે છે, પરંતુ આ વ્યાપકતાએ આચાર્યાશ્રી ચંદનાજીને નવી રાહ, નવી દૃષ્ટિ અને નવી પ્રેરણા આપી. એમને લાગ્યું કે, ‘તારાઓ એ આકાશની કવિતા છે, તો માનવસેવા એ ધરતી પરની કવિતા છે.’
એમણે આસપાસના સામાજિક જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરનારા અનેક પ્રશ્નો જોયા. એની ઉપેક્ષા કરવી એમને માટે શક્ય નહોતી અને એથી ધર્મપ્રભાવનાનો વ્યાપક વિસ્તાર કરવાનો નિશ્ચય કર્યો. ક્યાંક હિંસક પ્રદેશમાં અહિંસાનો આહલેક જગાવ્યો છે, તો ક્યાંક ભૂકંપપીડિત કચ્છની પ્રજાને સબળ સધિયારો પૂરો પાડ્યો. આને માટે નક્સલવાદીઓ અને આતંકવાદીઓનો નિર્ભયતાથી સામનો કર્યો. વળી જે ભૂમિ પર ભગવાન મહાવીરની અહિંસાનો ભવ્ય જયઘોષ ગુંજતો હતો, ત્યાં થોડાં વર્ષો પૂર્વે એમણે જોયું કે ચોતરફ હિંસાનો દાવાનળ સળગી રહ્યો છે. એક સમયે જે પાવન રાજગૃહી નગરીમાંથી વિશ્વશાંતિ અને માનવ-કલ્યાણની પાવનવાણી જન-જનનાં હૃદયમાં શુદ્ધતા અને સાત્ત્વિકતા જગાડતી હતી, એ જ ધરતી પર અડાબીડ જંગલોની વચ્ચે પ્રાણીઓનો નિર્દયતાથી શિકાર થતો હતો.
એક સમયે રાજગૃહી નગરીની વૈભારગિરિની તળેટીમાં રચાયેલા સમવસરણમાંથી ભગવાન મહાવીરની માલકોશ રાગમાં સર્વ કલ્યાણકારી દેશના (ઉપદેશ) વહેતી હતી, તે સ્થળે હિંસા, અનાચાર, ગરીબી અને બીમારી વર્ષોથી ધામા નાખીને બેઠા હતા. કલ્પના પણ કરવી મુશ્કેલ હતી કે આ રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે ૧૪ વખત ચાતુર્માસ ગાળ્યાં હતાં, પરંતુ કાળના વારાફેરા અને ઇતિહાસનાં પરિવર્તનોને કારણે આ ભૂમિ ભેંકાર બની ચૂકી હતી.
આવે સમયે ક્રાંતદૃષ્ટા ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજે ભગવાન મહાવીરની પચીસોમી નિર્વાણ શતાબ્દી સમયે આ ભૂમિ પરથી આહ્વાન કર્યું કે, ‘ભગવાન મહાવીરની 2500ની નિર્વાણ-શતાબ્દીના પ્રસંગે જો રાજગૃહીમાં એક આનંદદીપ પ્રજ્વલિત થાય, તો તે સમસ્ત માનવજાતિના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરતો રહેશે. પ્રભુ મહાવીરનો કલ્યાણકારી મંગલ સંદેશ સમગ્ર વિશ્વમાં વ્યાપી વળવો જોઈએ.’
ઉપાધ્યાય શ્રી અમરમુનિજીની દૃષ્ટિ એ કોઈ સંપ્રદાયથી સંકુચિત નહોતી, પરંતુ સમગ્ર માનવજાતિના સમન્વય પર આધારિત હતી અને એ દૃષ્ટિને કોણ પામી શકે ? વિરાટદ્રષ્ટા ગુરુની આ ભાવનાને કોણ સાકાર કરી શકે ? એવો સવાલ જાગે, તે પહેલાં દાર્શનિક અને નિર્ભીક શિષ્યા મહાસતી શ્રી ચંદનાશ્રીજીએ વંદનપૂર્વક ગુરુદેવ પાસે આજ્ઞા માંગી અને કહ્યું, ‘આપની એ ભાવના અને યોજનાને સાકાર કરવા માટે હું જીવન-સમર્પણ કરવા પણ તૈયાર છું.’ અને ગુરુદેવ ઉપાધ્યાય મુનિશ્રી અમરમુનિને તેમના પર પૂર્ણ વિશ્વાસ હોવાથી કહ્યું, ‘તેઓને માટે સઘળું શક્ય છે, કશું અશક્ય નથી.’ અને પછી રાજગૃહીના વૈભારગિરિની તળેટીમાં ‘વીરાયતન’નો પ્રારંભ થયો. વીર એટલે મહાવીર અને આયતન એટલે પવિત્ર સ્થળ અને જાણે ૨૫૦૦ વર્ષ પૂર્વેની આ ભૂમિની પવિત્રતા ધીરે ધીરે પ્રગટવા લાગી.
આચાર્યા શ્રી ચંદનાજી(શ્રી તાઈ મા)એ કલ્પના કરવાને બદલે ચોપાસની પરિસ્થિતિનું અવલોકન અને અવગાહન કર્યું. ક્યાંક ચિકિત્સાના અભાવે અંધાપો આવતો હોય તો ક્યાંક સારવાર ન મળતાં જીવનભર પોલિયોને કારણે વ્યક્તિઓ પીડાતી હોય. મનમાં સતત એમ થતું કે ભગવાન મહાવીરનું સંપૂર્ણ જીવન અને દર્શન કરુણાથી પરિપૂર્ણ છે. બસ, તો પ્રભુ મહાવી૨ની આ ભૂમિ પર મારે માનવોન્નતિ કરતું કરુણાનું પવિત્ર ઝરણું વહેવડાવું છે અને એ વિચારને પ્રગટાવતી આ શાયરીનું સ્મરણ થાય છે,
હો સકે તો કિસી બેબસ કા સહારા બન,
મોજે તૂફાન ન બન, ખામોશ કિનારા બન.’
આદિવાસી વિસ્તારમાં આવેલા આ વીરાયતનના સર્જનને માટે તેઓને પારાવાર સંઘર્ષો ખેલવા પડ્યા. પ્રાણીના શિકારને સામાન્ય બાબત માનતા લોકોની વચ્ચે જઈને એમણે પ્રાણીપ્રેમના પાઠો શીખવ્યા, પરંતુ આ કોઈ સરળ કામ નહોતું. આને માટે એમને શિકારીઓનો સામનો ક૨વો પડ્યો. ક્યારેક પ્રાણીઓને લઈ જતી ટ્રકોની સામે ઊભા રહેવું પડ્યું. એક શિકારીએ તો કહ્યું, ‘તમે શા માટે તમારા જાનને જોખમમાં નાખો છો’, ત્યારે સાધ્વીશ્રીએ કહ્યું, ‘બીજાનો પ્રાણ બચાવવા માટે મારો પ્રાણ આપવા તૈયાર છું.’
એક વાર ગ્રામજનોનો સમૂહ તાઈ મા અને એમનાં સાધ્વીવર્ગ પર હુમલો ક૨વા માટે શસ્ત્રો સાથે આવી પહોંચ્યો અને અપમાનજનક વચનો કહેવા લાગ્યો, પરંતુ આચાર્યા શ્રી ચંદનાજી(શ્રી તાઈ મા) મૌન રહ્યાં. સહયોગી સાધ્વીઓને પણ મૌન રહેવાનો સંકેત કર્યો, પરિણામે આક્રમણકારીઓનો ક્રોધ ધીરે ધીરે શાંત પડ્યો અને શ્રી તાઈ માનાં કરુણાપૂર્ણ મૌનથી એમના મનનો ક્રોધ શાંતિમાં પલટાઈ ગયો. એ સમયે શ્રી તાઈ માએ કહ્યું કે, ‘પ્રભુ મહાવીરે મને મૈત્રીનો નાનો પણ અત્યંત બહુમૂલ્ય એવો સંદેશો આપવા માટે મોકલી છે, તમારી સાથે મારો મૈત્રી સંબંધ છે. આપ સહુ મારા મિત્ર અને બંધુ છો, પરાયા નથી અને તેથી એકબીજાનાં સુખ-દુઃખ વહેંચીએ અને સારું જીવન જીવીએ.’ ગ્રામજનોનો ક્રોધ શમી ગયો. આચાર્યા શ્રી ચંદનાજી(શ્રી તાઈ મા)નાં વચનો એમને સ્પર્શી ગયાં અને એ રીતે ભગવાન મહાવીરની સર્વ જન સ્પર્શી કરુણાનો સહુને અનુભવ થયો. આવી તો કેટલીય ઘટનાઓ બની, અને ધીરે ધીરે મહાસતીશ્રી ચંદનાશ્રીજીનાં સેવાકાર્યોની સુવાસનો હિંસાચારમાં ડૂબેલા લોકોને સ્પર્શ થતો ગયો,
તા. 25-1-2024
આકાશની ઓળખ