કુરુક્ષેત્ર પર અઢાર-અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું, પરંતુ એ મહાભારતની કથાએ સાહિત્ય, ચિત્રકલા અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે કેટકેટલાંય રસપ્રદ સમરાંગણો રચ્યાં છે. કોઈએ સાહિત્યના શબ્દથી એનું યુદ્ધ ખેલ્યું છે, કોઈએ સામાજિક વિજ્ઞાનની દૃષ્ટિએ એની ચર્ચા કરી છે, તો કોઈએ પોતાના તત્ત્વજ્ઞાનને આધારે મહાભારતની ઘટનાનું ગંભીર અર્થઘટન કર્યું છે.
ગુજરાતી સાહિત્યના બે પ્રખર વિદ્વાનો વચ્ચે મહાભારતના ‘યુધિષ્ઠિરના અસત્યકથન’ પર ભારે વિવાદ જાગ્યો હતો. ગુજરાતી સાહિત્યના સાક્ષરયુગમાં એ દિગ્ગજ વિદ્વાનોનાં નામ છે નરસિંહરાવ દિવેટિયા અને આનંદશંકર ધ્રુવ. આ બંને સાક્ષરો વચ્ચે થયેલી સાઠમારી વિશે વિચારીએ, તે પહેલાં મહાભારતનો એ ઘટનાક્રમ જોઈ લઈએ.
મહાભારતના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણે અર્જુનને સૌપ્રથમ કહ્યું, ‘આ યુદ્ધમાં દ્રોણને પરાસ્ત કરવાની કોઈની શક્તિ નથી, પરંતુ દ્રોણને એ વાતની જાણ થાય કે એમનો અતિ પ્રિય પુત્ર અશ્વત્થામા માર્યો ગયો છે, તો એ શોકાતુર બનીને તત્કાળ હથિયાર હેઠા મૂકી દેશે.’ શ્રીકૃષ્ણની આ વાતનો અર્જુને સ્વીકાર કર્યો નહીં, કારણ કે અધર્મના રસ્તે જવાની એણે સાફ ના પાડી. માત્ર યુધિષ્ઠિરે જરા ઊંડો વિચાર કરીને કહ્યું, ‘આ પાપ હું મારા ઉપર લઈ લઉં છું.’ અને ભીમે ગદાપ્રહારથી અશ્વત્થામા નામના એક હાથીને મારી નાખ્યો અને યુદ્ધભૂમિ પર ગર્જના કરી કે, ‘મેં અશ્વત્થામાને હણી નાખ્યો.’
આવે સમયે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાની તૈયારી કરતા દ્રોણાચાર્યે ભીમસેનનો આ અવાજ સાંભળ્યો અને વિચલિત બની ગયા, પરંતુ એની ખરાઈ કરવા માટે એમણે યુધિષ્ઠિરને પૂછ્યું, ‘યુધિષ્ઠિર, શું એ વાત સાચી છે કે મારો પ્રિય પુત્ર અશ્વત્થામા લડાઈમાં મરાયો ? ‘
આચાર્ય દ્રોણને વિશ્વાસ હતો કે યુધિષ્ઠિર ત્રણલોકનું રાજ્ય મળે, તોપણ કદી જૂઠું બોલે નહીં. એ સમયે યુધિષ્ઠિર અસત્ય વચન બોલતાં ડર્યા, અચકાયા, પણ બીજી બાજુ વિજય પ્રાપ્ત કરવાની લાલસા એમને અકળાવી રહી હતી. અશ્વત્થામા ‘હાથી’ મર્યો એ યુધિષ્ઠિર જાણતા હતા અને તેથી અશ્વત્થામા મર્યો એવું કહેવું અસત્ય વચન ગણાય, ત્યારે શ્રીકૃષ્ણ એમને સમજાવે છે કે, ‘ઐત્થામા હર્તઃ કૃતિ સ્પષ્ટમુવવા સ્વૈર સ્વર મનહતેતિ । અશ્વત્થામા મર્યો એમ જોરથી બોલવાનું અને હાથી એવું મનમાં બોલવાનું.’ યુધિષ્ઠિરે આમ કર્યું. તેને પરિણામે અત્યાર સુધી પૃથ્વીથી ચાર આંગળ ઉપર ચાલતો એમનો ૨થ પૃથ્વી પર નીચે ઊતરીને જમીન પર ચાલવા લાગ્યો.
આ ઘટનાનું પૃથક્કરણ કરતાં સાહિત્ય, શિક્ષણ, ધર્મ અને સંસ્કૃતિ જેવા વિષયોના સમર્થ તત્ત્વચિંતક શ્રી આનંદશંકર ધ્રુવે મહાકવિ વ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરને ન્યાય આપવા પ્રયત્ન કર્યો. એમણે કહ્યું, ‘યુધિષ્ઠિરનું આવું અસત્યકથન દૂષણરૂપ ગણાય, પરંતુ આ એક દૂષણને કારણે યુધિષ્ઠિરના ભવ્ય નીતિમય જીવનને લોકો ભૂલી જાય છે, તે અન્યાય છે.’ તેઓ દલીલ કરે છે કે સદ્ગુણ અને દુર્ગુણ વચ્ચે નિર્ણય કરવો સહેલો છે, પરંતુ બે સદ્ગુણો વચ્ચે નિર્ણય ક૨વો મુશ્કેલ છે. એક બાજુ સત્ય બોલવાની યુધિષ્ઠિરની ફરજ હતી, તો બીજી બાજુ દ્રોણ દ્વારા થતો સંહાર અટકાવવો, એ એમનું કર્તવ્ય હતું.
સત્યપાલનનું એ પહેલું કર્તવ્ય શુષ્ક બુદ્ધિથી પ્રેરિત ગણાય, જ્યારે સ્વજનોને ઉગારવાનું કર્તવ્ય એ પ્રેમ અને દયાની લાગણીથી પ્રેરિત હોય. વળી આવું અસત્યકથન કરવાની પાછળ યુધિષ્ઠિરના મનમાં વિજયની સ્વાર્થી અભિલાષા પણ હતી. શ્રી આનંદશંકર ધ્રુવ આમાં એવો સંકેત જુએ છે કે આ દ્વારા મહાકવિ વ્યાસ બતાવે છે કે, ‘આપણા અંતરમાં ગુપ્ત રીતે પાપની પેસી જવાની કેવી યુક્તિ(ચાલબાજી) હોય છે તે આમાં જોવા મળે છે.’
શ્રીકૃષ્ણ વિજયની લાલચ આપે છે. આ જગતનાં મનુષ્યોના મન પર લાલચો સવાર થઈ જતી હોય છે. એક અર્થમાં કહીએ તો આવું દોષયુક્ત જગત રચીને પરમાત્મા નિર્દોષ જ રહે છે. અસત્ય કથન કરવાને કારણે યુધિષ્ઠિરનો રથ પૃથ્વીથી ચાર આંગળ ઊંચે ચાલતો હતો, તે નીચે ઊતરી ગયો. આ અસત્ય કથનના પરિણામે સ્વર્ગારોહણ વખતે પણ કવિ વ્યાસ યુધિષ્ઠિરને નરકમાં ફેરવે છે, માનવીના નૈતિક જીવનની આ ટ્રૅજેડી એને મનુષ્ય હોવાનું ભાન કરાવે છે. આમ યુધિષ્ઠિરના અસત્ય કથનનું ફળ એમને સ્વર્ગમાં પણ ભોગવવું પડે છે. યુધિષ્ઠિર મહાભારતમાં પાંડવપક્ષના અગ્રણી હતા અને તેથી પોતાના સૈનિકો અને સ્વજનોનાં પ્રાણની રક્ષા માટે આવું કરવું પડે તે પણ એક કારણ છે.
આ સંદર્ભમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના આચાર્ય અને ઉપકુલપતિ તરીકે કાર્ય કરનાર આનંદશંકર ધ્રુવ એક માર્મિક મુદ્દો એ દર્શાવે છે કે, ‘અશ્વત્થામા મરાયો’ એમ અસત્ય બોલતા ભીમને લેશમાત્ર સંકોચ થતો નથી. જ્યારે યુધિષ્ઠિરને સંકોચ થાય છે, પણ આખરે બોલે છે. એકમાત્ર અર્જુન આવું બોલતો નથી, એણે આવા અધર્મના રસ્તે જવાની સ્વયં શ્રીકૃષ્ણને ચોખ્ખી ના પાડી હતી.’ અહીં મનુષ્યસ્વભાવનો એક ગૂઢ વ્યાપાર પ્રગટ થાય છે. મહાબલિ ભીમ વૃત્તિના આવેગને આધીન થઈને બોલે છે, ધર્મરાજ યુધિષ્ઠિર કાર્ય-અકાર્યનો વિચાર કરીને ચાલે છે, પણ ધર્મબુદ્ધિ સિવાય એમનું બીજું કોઈ આલંબન નથી. જ્યારે અર્જુન પરમાત્માનો સખા અને ભક્ત છે. તેની ભાવના પ્રેમની છે, એણે વીરત્વ કેળવ્યું છે અને પ્રભુ સાથે પ્રેમ સાધ્યો છે જે એનું મનુષ્યત્વ છે.
આ રીતે વિ. સં. 1969માં ‘વસંત’ સામયિકમાં ધર્મચિંતન અને સાહિત્યતત્ત્વચર્ચાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કોટિનું અર્પણ કરનાર શ્રી આનંદશંકર ધ્રુવે યુધિષ્ઠિરના અસત્ય કથનનું નૈતિક અને ધાર્મિક દૃષ્ટિએ વિવરણ કર્યું છે. આનો ગુજરાતી ભાષાના સાક્ષર અને કવિ શ્રી નરસિંહરાવ દિવેટિયાએ વિરોધ કર્યો. આ બંને સર્જકો આગવી વિચારસરણી ધરાવતા હતા. આનંદશંકર ધ્રુવ વેદાંતના મહાજ્ઞાની હતા, તો નરસિંહરાવ દિવાટિયાએ ગુજરાતમાં પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિઓ અને વિચારો ફેલાવ્યાં હતાં. આથી નરસિંહરાવ કહે છે કે યુધિષ્ઠિર અસત્ય બોલ્યા, તેથી આપણે અસત્ય બોલીએ તો કોઈ વાંધો નથી એવો સાર લઈ શકાય નહીં. આપણે તો યુધિષ્ઠિરના સત્યવાદીત્વ પર લક્ષ રાખી એનું અનુકરણ કરવું જોઈએ.
મહાકવિ વ્યાસે આમાં ‘ભાવિ તણા જ પ્રભાવે’ એ વચન દ્વારા યુધિષ્ઠિરનો બચાવ કર્યો છે તેવું નથી. બલ્કે મહર્ષિ વ્યાસ એ હકીકત દર્શાવે છે કે, ‘યુધિષ્ઠિર જેવો સત્યવાદી એ જ્યારે આખો જન્મારો સત્ય બોલવામાં જ કાઢ્યો છે, તે આવે પ્રસંગે અસત્ય બોલ્યા ત્યારે ‘ભાવિ’ નહીં તો બીજું શું ?’
આ અસત્ય કથનને આનંદશંકર ધ્રુવે યુધિષ્ઠિરની લાલચમાં ખપાવ્યું છે અને આવી યોજનાનું કર્તૃત્વ ૫૨માત્માનું છે, જીવનું નહીં એમ તેઓ કહે છે. આની સામે નરસિંહરાવ દિવેટિયાએ કહ્યું કે, ‘પાપ સ્વતંત્ર અસ્તિત્વવાળો પદાર્થ નથી. મનુષ્યના આચરણને માટે સંભવરૂપ પદાર્થ છે. પાપનો ભાર પ્રભુને માથે નહીં, પણ મનુષ્યને માથે છે.’
સૌથી મોટી ચર્ચા તો શ્રીકૃષ્ણના પરમાત્મારૂપની ઘટના વિશે જોવા મળે છે. અર્વાચીન ગુજરાતી કવિની સીમાચિહ્નરૂપ કૃતિ ‘કુસુમમાળા’ના રચયિતા નરસિંહરાવ કહે છે કે કૃષ્ણના પરમાત્મા રૂપની વાત કરવી તે અહીં માત્ર ચાતુરીભરી વાત છે, ત્યારે એના જવાબમાં સામે પક્ષે આનંદશંકર ધ્રુવે કહ્યું, ‘એ ઘટના મારી નથી, મહાભારત કાળની છે.’
આનંદશંકર ધ્રુવના મતે ‘પાપ સામે પાપ ઊભું કરનાર પરમાત્મા છે અને તેને વિશ્વની – ઈશ્વરની – યોજનાનો એક ભાગ ગણે છે’, પ્રાર્થનાસમાજના નરસિંહરાવ વેદાંતી આનંદશંકરની વિચારધારાનો વિરોધ કરે છે, કારણ કે તેઓ પ્રાર્થનાસમાજના એકેશ્વરવાદમાં માનતા હતા. ‘પરમ પુરુષ પોતાના પવિત્ર સ્વરૂપની સાથે વિરોધ રાખનારા પાપને સાધન રૂપે પણ વાપરે’ એમાં નરસિંહરાવને એ પરમ પુરુષની શક્તિની ન્યૂનતા દેખાય છે. આ બંને વિદ્વાનો વચ્ચેનો વિવાદ આનંદશંકર ધ્રુવના તંત્રીપદ હેઠળ ચાલતા ‘વસંત’ સામયિકમાં પ્રગટ થતો રહ્યો. પોતાના વિચારોથી તદ્દન વિરોધી વિચાર ધરાવનારાઓને એ જ સામયિકમાં સ્થાન આપવાની મોકળાશ હતી, તો બીજી બાજુ બંને વિદ્વાનો વચ્ચે ચાલેલો આ તાર્કિક વિવાદ આપણી તત્ત્વચર્ચાના ક્ષેત્રનો એક રમણીય ખંડ છે. સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીને આમાંથી માર્ગદર્શન મળે છે. વળી સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ બંને પ્રખર વિદ્વાનો પોતપોતાના સિદ્ધાંત અને મંતવ્યને વળગી રહીને સામી વ્યક્તિના દૃષ્ટિબિંદુને સમજવાનો પ્રયાસ કરે છે. સવિશેષ નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાતી સાહિત્યના આ બંને મહારથીઓ વચ્ચે સિદ્ધાંત અને મંતવ્યોની ઘણી ચર્ચાઓ થઈ હતી, પરંતુ જીવનભર એમનો મૈત્રીસંબંધ અતૂટ ને અતૂટ રહ્યો હતો.
તા. 25-6-2023
પારિજાતનો પરિસંવાદ