બંગાળના આ બાઉલ સંતોને તમે જાણો છો ? આ બાઉલને કોઈ શાસ્ત્ર-ગ્રંથવિહીન વિશિષ્ટ બોધ આપતો વર્ગ માને છે, તો કોઈ એમ માને છે કે બાઉલ સારતત્ત્વ દ્વારા મનને કોઈ બોધ ત૨ફ અંગુલિનિર્દેશ કરે છે. કોઈને બાઉલ સંતોના ગાનમાં પરમ પ્રકાશ પાસે પહોંચવાનો અધ્યાત્મ પુરુષાર્થ જોવા મળે છે, તો કોઈને મનુષ્ય પ્રકૃતિની પ્રત્યક્ષ પ્રેરણારૂપ લાગે છે.
છેલ્લા એક દાયકાથી બાઉલ સંતોની પરંપરાની ગુજરાતને ઓળખ આપનાર સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’ એ ગ્રંથો દ્વારા તો આપણને બાઉલની ઓળખ આપી, પણ સાથોસાથ એ બાઉલ સંતોનું ગુજરાતની ભૂમિ પર પરિભ્રમણ કરાવીને એમની આખીયે સંસ્કૃતિ આપણી દૃષ્ટિ સન્મુખ પ્રગટ કરી. આ બાઉલની વિશેષતા વિશે તેઓની જ વાત સાંભળીએ.
બાઉલો માને છે કે સહજ અવસ્થા સૌથી ઉત્તમ છે. બ્રહ્મમાં ડૂબી રહેવું તે સહજ અવસ્થા છે. મર્મી સંતો કહે છે કે મરીને જીવો. બાઉલોનો ધર્મ નિત્ય સહજ માનવધર્મ પર જ પ્રતિષ્ઠિત છે. બાઉલ એ મુક્ત માનુષ બનીને રહેવાનો પથ છે. બાઉલ પંથમાં જાતિ સંપ્રદાય નથી. હિન્દુ મુસલમાન સાથે રહે છે. એકબીજાના ગુરુ શિષ્ય થાય છે. તેઓ પ્રચાર-પ્રસારમાં માનતા નથી. શાસ્ત્રોને અને ગ્રંથને માનતા નથી. બાઉલગાન કંઠસ્થ સ્વરૂપે જળવાયું છે. બાઉલ પંથની સાધના ગુપ્ત માર્ગ છે.
આ ગુપ્તતાનું કારણ આચાર્ય ક્ષિતિમોહન સેને એક બાઉલને પૂછતાં, તેણે કહ્યું, ‘બાબા, આ સાહિત્ય નથી, આ અમારા અંતરંગની પ્રાણ વસ્તુ છે, અમારી આત્મજા છે. જો કોઈ અમારી આ કન્યાને વિશે આમ વિનંતી કરે કે ‘તેને લઈને હું ગૃહસ્થ થાઉં’ તો તે વખતે અમારે તેને આપવી ઉચિત ગણાય અને તેને દઈને અમે ધન્ય થઈએ અને એ પણ ધન્ય થાય અને અમારી આત્મજા પણ ધન્ય થાય, પરંતુ કોઈ માત્ર રસાસ્વાદના સુખને માટે, અમારી આત્મજાને રાખવા ઇચ્છે, તો પરિણામે એવી વિનંતી અધન્ય ગણાય, અમે પણ અધન્ય થઈએ અને અમારી આત્મજા પણ અધન્ય થાય. આ બધી વાણી સાહિત્યરસના રસાસ્વાદ માટે નથી, એ તો છે સાધના માટે’
આ બાઉલ ગામને પાદર કુટુંબકબીલા સાથે રહી ખેતી પર ગુજરાન ચલાવે છે. ઘરના બધા જ બાઉલગાન કરતા હોય છે. એમાં કોઈ સદી વટાવી ચૂકેલો બાઉલ પણ પોતાનું ગાન કરતો હોય છે. એમનાં પદો અત્યંત સરળ હોવા છતાં એમાં ગહન રહસ્યમય સત્ય જોવા મળે છે. આ બાઉલ પુરાતનશાસ્ત્રો કે પરંપરાનાં બંધનો ત્યજીને નવેસરથી યોગ સાધે અને સમન્વયનો પ્રયત્ન કરે છે. એનો અર્થ એટલો કે તેઓ અનુભવ દ્વારા પ્રત્યક્ષ થયેલા સત્યને માને છે.
એનાં પદો સરળ ભાષામાં હોવા છતાં એમાં ગહન રહસ્યમય સત્ય ઉદ્ઘાટિત થતું હોય છે. એમાં કાયાબોધ-કાયાયોગનું સૂત્ર મહત્ત્વનું છે. બાઉલ માને છે કે જાતને જાણવાથી સંસારને જાણી શકાય. બ્રહ્માંડ આખું પિંડમાં મોજૂદ છે. સતત જાગરૂકતા એ જ કાયાયોગ અને એથી જ બાઉલો સાધનાને કે અધ્યાત્મને પોતાના રોજિંદા જીવનવ્યવહારથી જુદાં માનતા નથી. પરિણામે એમના સામાન્ય વાણી-વર્તનમાં બહુ સહજ રીતે ગહન બોધ સમાયેલો મળે છે.
એ જાગૃતિની વાત કરે છે, પરંતુ એની જાગૃતિ કોઈ સીમામાં બંધ નથી. એનો સંબંધ આંતરચેતના સાથે છે અને જગત જ્યારે ભૌતિકતાની આસપાસ નિરર્થક રીતે ભ્રમણ કરતું હોય, ત્યારે આ બાઉલ આત્મજાગૃતિ અને આંતરઅવકાશ તરફ જવાની પ્રેરણા આપે છે. એ માનવીની સ્વ- ચેતનાને ખોલી આપે છે અને તેઓ માને છે કે સમાજ ભવિષ્યની કાલ્પનિક ચિંતામાં વર્તમાન પ્રત્યે બેદરકાર રહે છે. વાંચેલી, સાંભળેલી, લક્ષ્યવિહીન વસ્તુઓની પાછળ દોડ લગાવે છે અને તેમાં જ અંતઃસ્થ આનંદ અને ઉપલબ્ધિને વેડફી નાખે છે.
સમાધિની બાબતમાં પણ બાઉલ પાસેથી એક જુદી વિચારધારા મળે છે. સામાન્ય માન્યતા એવી છે કે તપ, ત્યાગ કે યોગથી સમાધિ પ્રાપ્ત થાય. એને માટે પુરુષાર્થ કરવો પડે અને પછી જેને આવી સમાધિ પ્રાપ્ત થાય છે તે કાં તો મહાત્મા કહેવાય છે અને કાં તો સંત કહેવાય છે. એની આસપાસના માનવીઓમાં એ વિશેષ ગણાય છે, પરંતુ બાઉલની દૃષ્ટિએ એકલા પુરુષાર્થથી સમાધિ પ્રાપ્ત ન થાય અને એવી સમાધિ પ્રાપ્ત કરવી તે બાઉલનું ધ્યેય પણ હોતું નથી. જો સમાધિને તમે સહજ કહેતા હો તો પછી એ જીવનના માર્ગે સાહજિકતાથી પ્રાપ્ત થતી હોય છે. આથી બાઉલ પ્રત્યેક ક્ષણને મહત્ત્વની માને છે. ક્ષણે ક્ષણે જાગૃત રહે છે અને એવી જાગૃતિ સાથે જીવનનાં નૂતન પરિણામોને ખોલતા રહેવાની સાથોસાથ ક્ષિતિજવિહીન વિરાટ આકાશને એ નિહાળે છે.
સમાધિમાં ન માનતો બાઉલ જ્યારે બાઉલત્વ પામે છે, ત્યારે શું થાય છે ? એ બાઉલ અભય, આશંકારહિત, જીવંત, વૃત્તિસંવેગરહિત જાગતો માણસ બની જાય છે. એ બાઉલનું આચરણ એવું હોય છે કે જ્યાં સહેજે અહંકાર હોતો નથી. એનો અભિગમ અત્યંત ઉદાર અને વ્યાપક હોય છે.
આપણને મનમાં થાય કે કેવા હશે બાઉલ ? તો ગુજરાતીમાં બાઉલ વિશે જાણકારી આપતાં અનેક પુસ્તકો આપનાર અને બે હજાર જેટલાં બાઉલગાનનો સમગાની અનુવાદ કરનાર શ્રી સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’ પોતાના દાયકાઓના અનુભવને આધારે કહે છે,
બાઉલ બહારથી પ્રસન્નચિત્ત અને ૨મૂજી, હળવાફૂલ હોય, પરંતુ અંદરથી ગંભીર હોય છે. પ્રતિક્ષણ અંતસ્થ ‘મનેર માનુષ’ની પ્રસાદી સંતૃપ્તિપૂર્વક માણતો હોય છે. બાઉલ ‘અંદરનું બહાર અને બહારનું અંદર’ નિહાળતો હોય છે. બાઉલત્વ બાઉલને નમ્ર બનાવી દે છે. બાઉલ દેશકાળ, સમય, સંજોગ અને વ્યક્તિ સાથે સહજ અનુકૂલન સાધી સ્વતઃ ચિન્મય આનંદ પ્રાપ્ત કરે છે અને સૌને તે બાંટતો ફરે છે.
તેનો સંવાદ અખિલ જગત સાથે જરૂર હોય છે, પણ પોતે તો એકલવિહારી હોય છે. સૂક્ષ્મ અવલોકનથી જગતની બધી લીલાને નિહાળે છે, પણ તે જાતે કોઈ લીલામાં બંધાતો નથી. પૃથ્વી પરની આ દેહયાત્રાને ઉત્સવ પેઠે માણતો માણતો માનવકુળને હળવા બોધ, સહજ ગાન, રુચિકર વાદન દ્વારા સત, ચિત્ અને આનંદની ઉપલબ્ધિ કરાવતો રહે છે. પોતાના મૃત્યુને તે પમરતા પુષ્પના ખરી પડવાની જેમ, પોતે જ નિહાળી શકે છે. તે રીતે તે મૃત્યુંજય બની ગયો હોય છે.
કેટલી સદીથી આ મોજયાત્રા ચાલતી હશે તેનાં એંધાણ તો બાઉલ પણ ક્યાં આપી શકે છે ? તેથી તો મદન બાઉલ કહે છે :
યદી આમિ શેખાને પોચાતે હોબે…
નદીર ઉત્પતિ દૂરદૂર ચલે જાચ્છે !
(હું નદીના મૂળ પાસે પહોંચવાની તૈયારીમાં હોઉં છું ત્યાં તો નદીનું મૂળ દૂર ને દૂર ચાલ્યું જાય છે.)
કેટલીય સરિતા ભળીને બાઉલસંગ બની છે ! ચર્યાગીતની અલકનંદા, વૈષ્ણવોની યમુના, ઇસ્લામની કોશી, યોગની ગંડકી, શાક્તની ભાગીરથી જેવા અસંખ્ય પ્રવાહ ભળીને આ ગંગા સદીઓથી વહે છે.
મુખપાઠપરંપરાને બાઉલોએ અતિશય મૂલ્યવાન ખજાનાની જેમ સાચવી છે. સ્મૃતિલોપના ઓછાયાથી સંગોપી તે ખજાનો સુરક્ષિત રાખ્યો છે તે તો સૌને દેખાય છે, પરંતુ આ ખજાનાને ફક્ત ‘જાણકારી ભૂખી, જ્ઞાનભૂખી, કુતૂહલપ્રિય, ઊધઈથી દૂર રાખી, મુખરિત થવા નથી દીધો તે બદલ આધ્યાત્મિક જગત તેનો ઉપકાર માને તેટલો ઓછો છે. ગુજરાતને આ બાઉલ સંસ્કૃતિનો લોકપરિચય કરાવનાર સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’ સ્વયં બંગાળી ભાષા શીખ્યા, એનો ઊંડો અભ્યાસ કર્યો. એમણે વિશે ‘રવીન્દ્ર વંદના’, ‘આગમની ગાન’, ‘વ્યાસ વિચાર’ જેવી પુસ્તિકા પ્રકાશિત કરી અને પોતે બાઉલ સંતોને ગુજરાતમાં લાવ્યા અને એ આખીય પરંપરાનો પ્રત્યક્ષ પરિચય આપ્યો. એમણે બાઉલની નજરે ગુરુદેવશ્રી રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની માર્મિક ઓળખ આપી છે.
તા. 2-7-2023
પારિજાતનો પરિસંવાદ