માત્ર જમાનાનો રંગ બદલાતો નથી, પણ જીવનના રંગો પણ બદલાતા હોય છે. એક સમય હતો કે જ્યારે એક જ દિવસના ‘ગુજરાત સમાચાર’માં ખેલાતી મૅચનો અહેવાલ, ખેલાડીની મુલાકાત, ૨મતની સમીક્ષા અને મૅચની વિશેષ બાબતો એમ ચાર ચાર લખાણો પ્રગટ થતાં હતાં. ‘ક્રિકેટ રમતા શીખો’ અને ‘ભારતીય ક્રિકેટરો’ તથા ‘ક્રિકેટના વિશ્વવિક્રમો’ જેવી પુસ્તિકાઓની લાખેક કૉપી વેચાતી હતી અને દરેક પ્રવાસી તે વખતે એક વિશેષ ક્રિકેટજંગ ‘ગુજરાત સમાચાર’ તરફથી પ્રસિદ્ધ થતો હતો. દર અઠવાડિયે નિયમિતપણે ‘૨મતનું મેદાન’ કૉલમ પ્રસિદ્ધ થતું. રેડિયો અને ટેલિવિઝન પર સમીક્ષા કરતો.
પણ સમય અને રસનાં ક્ષેત્રો વિકસતાં રહ્યાં. ક્રિકેટની પરિસ્થિતિ પણ સાવ બદલાઈ ગઈ. મૅચ ફિક્સિંગ જેવી આઘાતજનક ઘટનાઓ બની અને સાથોસાથ જીવનનાં રસનાં ક્ષેત્રોમાં ક્રિકેટ તો રહ્યું, પણ એમાં ઇતિહાસ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મનો નવો વળાંક આવ્યો, પરંતુ એ પુરાણી યાદોના ઝરોખામાં ઊભા રહીને મારી ડાયરીમાં નોંધાયેલા સ્મરણોને નિહાળું છું, ત્યારે એક પ્રકારનો અજીબોગરીબ આનંદ આવે છે. આવા ભૂતકાળને મમળાવીએ ત્યારે અજીબોગરીબ મોજ-મસ્તી આવે છે. એમાંનાં કેટલાંક સ્મરણો આજે અહીં પ્રસ્તુત કરું છું.
ક્રિકેટમાં લોહીની સગાઈની વાત આવે ત્યારે પટૌડીના નવાબ મનસૂરઅલી ખાન અને તેમના પિતા સિનિયર પટૌડી ઈફ્તીકાર અલી ખાનને યાદ કરીએ છીએ. લાલા અમરનાથ અને એમના પુત્રો સુરિદર, મોહિન્દર અને રાજિન્દરને યાદ કરીએ છીએ. મહાન મૂળવંતરાય ઉર્ફે ‘વિનુ’ માકડ અને અશોક, અતુલ ને રાહુલનું સ્મરણ થાય છે. અશોક માંકડ સાથેની વાતચીતમાં એણે એના પિતા સાથેના ખેલનો કહેલો પ્રસંગ જોઈએ.
એક વાર સિંગલ-વિકેટ ટુર્નામેન્ટમાં અશોક બૅટિંગમાં અને વિનુ માંકડ બૉલિંગમાં સામસામા આવી ગયા. પિતા વિનુ માંકડે કહ્યું, ‘તું એકે રન નહીં કરી શકે.’ અશોકે જવાબ આપ્યો, ‘તમારી ઓવરમાં ઓછામાં ઓછી ચાર બાઉન્ડ્રી લગાવીશ.’
વિનુ માંકડ કહે, ‘એમ ચાર બાઉન્ડ્રી લગાવવી હોય તો ચાલ, તારી મરજી પ્રમાણે ફિલ્ડિંગ ગોઠવ.’ બૅટ્સમૅન અશોક માંકડે પોતાને માફક આવે એ રીતે ફિલ્ડર ગોઠવ્યા.
મૅચ શરૂ થઈ. વિનુ માંકડના પહેલા દડાને અશોક ‘સ્વીપ’ કરવા ગયો. દડો ન પકડાયો ને ગયો વિકેટકીપરના હાથમાં ! બીજા દડાની ફ્લાઇટ એટલી બધી છેતરામણી હતી કે માંડ માંડ બૉલ ને બૅટનો સંગમ થયો ! ત્રીજો દડો નાખતાં અગાઉ વિનુ માંકડે કહ્યું, ‘બસ અશોક, હવે સાહેબજી કરી લે !’ અશોક માંકડે કહ્યું, ‘અરે ! હવે તો બાઉન્ડ્રી જ.’
પછીની વાત અશોક માંકડના શબ્દોમાં જ કહું, ‘વિનુભાઈ ત્રીજી વાર દડો ફેંકવા ગયા. એમનો હાથ ઘૂમતો દેખાયો. બૅટથી દડાને ન્યાય આપવા વિચારું તે અગાઉ મારા મતે જગતનો સૌથી દુ:ખદ અવાજ-સ્ટમ્પ પડવાનો-સંભળાયો !’
આવા વિનુ માંકડની સાથોસાથ એમના સમકાલીન જેની બૅટિંગની દૃઢતા અને સ્વભાવની નમ્રતા આજે પણ ચિત્તમાં તરવરે છે એવા વિજય હઝારે(જ. 11 માર્ચ, 1915; અ. 18 ડિસેમ્બર, 2004)નું સ્મરણ થાય. મારે વાત કરવી છે એમણે કરેલા માત્ર આડત્રીસ રનની. 1915ની અગિયારમી માર્ચે સાંગલીમાં એક શિક્ષકને ત્યાં જન્મેલા વિજય હઝારે એક સમર્થ ખેલાડી ઉપરાંત એથીય વધુ સૌમ્ય માનવી હતા. ઓપનિંગ ગોલંદાજ તરીકે નિશાળમાંથી ક્રિકેટ ખેલવાનો પ્રારંભ કર્યો. એક વાર સદી થતાં એમને એમની બૅટિંગની તાકાતનો અહેસાસ થયો. એ વેળાએ હઝારે તો આઉટ સાઇડ રાઇટને સ્થાને ફૂટબૉલ પણ ખેલતા. સમય જતાં આ સંગીન ખેલાડીને એક વાર હિંદુ જિમખાનાએ ‘વર્ષના શ્રેષ્ઠ હિંદુ ખેલાડી’નો ખિતાબ આપવાનું નક્કી કર્યું ! સદ્ભાગ્યે જાહેરાત કરે તે અગાઉ ખ્યાલ આવ્યો કે વિજય સેમ્યુઅલ હઝારે ક્રિશ્ચિયન છે ! છતાં વિજય હઝારે જીવનભર હિંદુ મિત્રો સાથે પંઢરપુર ‘દર્શન’ કરવા જતા હતા !
વિજય હઝારેને ઝડપી ગોલંદાજના તીખા દડા ગમતા, પણ દરિયાઈ મુસાફરીથી ભારે ડર લાગતો. એને સફરમાં અચૂક માંદગી વળગે જ. કવરડ્રાઇવ અને ઑનડ્રાઇવ એ હઝારેના પ્રિય સ્ટ્રોક હતા. એમના પ્રિય મેદાન બ્રેબાર્ન સ્ટેડિયમ અને ઑસ્ટ્રેલિયાનું એડીલેડ આવેલ હતા. એના અનોખા વાતાવરણ માટે એ મેદાનો એમનાં પસંદીદા મેદાનો હતાં. જંગી જુમલા નોંધાવનાર વિજય હઝારે પોતાની યાદગાર રમત તરીકે 1952માં ઇંગ્લૅન્ડના ઓવલના મેદાન પર કરેલા 38 રનને ગણે છે. માત્ર છ રનમાં અડધી ભારતીય ટીમ આઉટ થઈ ગઈ હતી. હઝારે અને ફડકર રમવા આવ્યા. વિકેટ ભારે ખતરનાક ! આ સ્થિતિમાં કરેલા 38 ૨ને વિજય હઝારેને સારી વિકેટ પરની બેવડી સદી જેટલો આનંદ આપ્યો હતો ! ‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે !’ એમ કેટલાંય સ્મરણો યાદ આવે છે. વિજય હઝારે યાદ આવ્યો તો એની સાથે ચંદુ બોરડેની સ્મૃતિ જાગી ઊઠે છે. અમદાવાદની રિટ્ઝ હોટલમાં સવારે બોર્ડની સાથે વાતચીત કરવા ગયો, ત્યારે એ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થનામાં લીન હતો. વિશ્વના કોઈ પણ દેશમાં જાય છતાં પ્રાતઃકાળે ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરવાનું એ ચૂકતો નહીં. મૅટ્રિકનો અભ્યાસ પૂરો કર્યો અને ચંદુ બોરડેને માથે મોટી જવાબદારી આવી પડી. પોલીસખાતામાં કામ કરતા એના પિતાને મૅનિન્જાઇટિસ થયો અને બોરડેને વ્યવસાયમાં જોડાવું પડ્યું. આમ ચંદુ બોરડે કૉલેજનું પગથિયુંય ચડ્યો નથી, જ્યારે એનાં પત્ની ગ્રેસ બોરડે હતાં ગ્રૅજ્યુએટ !
વેસ્ટ ઇન્ડીઝમાં બનેલા એક બનાવને ચંદુ બોરડે પોતાના જીવનનો સૌથી યાદગાર બનાવ માનતા હતા. બોરડે વિશ્વટીમ તરફથી બારબાડોસની ટીમ સામે રમવા ગયા હતા. બારબાડોસની જે હોટલમાં એને ઉતારો આપ્યો હતો, ત્યારે એમના સાથી તરીકે બેસિલ ઓલિવિએરા હતા. એમની સરભરા કરવા હોટલના વેઇટર આવતા ત્યારે પહેલાં તો તેમની સામે તાકી રહેતા અને આશ્ચર્યથી પૂછતા, ‘તમે બારબાડોસની ટીમને હરાવવા આવ્યા છો !’
આનું કારણ એ કે બારબાડોસના એકેએક માનવીને મન ક્રિકેટ એ ધર્મ અને એના ક્રિકેટરો એ વિરલ વિભૂતિ સમાન હતા. આવો ક્રિકેટપ્રેમ ધરાવતો ટાપુ જ વિક્સ, વોરેલ, વોલ્કોટ, સોબર્સ, હોલ, નર્સ જેવાં રત્નો પેદા કરી શકે. આ મૅચમાં બારબાડોસની ટીમની હાર થઈ ત્યારે આખા શહેરમાં ગમગીની છવાઈ ગઈ ! જાણે કોઈ રાષ્ટ્રપુરુષનું અવસાન થયું હોય તેવો બોરડેને અનુભવ થયો.
અમદાવાદમાં ખેલવા આવેલા ચંદુ બોરડેને મેં એને વિશેનું મારું ક્રિકેટ-કવર બતાવ્યું. એમાં એને વિશેની નાનામાં નાની માહિતી હતી, પુષ્કળ કટિંગ્સ હતાં. કેટલાય ફોટોગ્રાફ્સ હતા અને કૅરિયર્સ રેકૉર્ડ્સ હતા. બોરડેએ કહ્યું, ‘આ મુલાકાતની યાદગીરી રૂપે મને ભેટ આપી દો’ અને મને એ મહાન ભારતીય ક્રિકેટરને ભેટ આપવાની તક મળી.
બોરડેની પ્રાર્થનાની વાત આવી તો સુનિલ ગાવસકરનું પણ સ્મરણ જાગી ઊઠે છે. એ સમયે વિશ્વટીમની રચના થતી હતી અને ત્યારે સુનિલ ગાવસકરને પૂછ્યું કે, ‘આમાં તમે સામેલ થશો તેવું લાગે છે ?’ ત્યારે એમણે કહ્યું, ‘મને ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા છે. હું માનું છું કે પ્રાર્થનાથી ગમે તેવું કપરું કામ પણ સિદ્ધ થાય છે. હું સતત પ્રાર્થના કરું છું અને હકીકતમાં મારી સફળતાનું રહસ્ય જ પ્રાર્થના છે.’
સુનિલ ગાવસકરે ટેસ્ટક્રિકેટમાં પ્રવેશતાંની સાથે જ વેસ્ટ ઇન્ડીઝ સામે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી. સહુને દહેશત હતી કે ગાવસકર ઘમંડી બની જશે. આટલી મોટી સિદ્ધિ એ પચાવી શકશે નહીં. આ વાત જ્યારે ગાવસકરને કરી, ત્યારે એમણે મને કહ્યું કે, ‘ઘણા મને સલાહ આપે છે કે, સફળતાથી બહુ ફુલાઈ ના જતો, પણ મને તો ખુદ ભગવાને માથું સલામત રહે તે માટે બખ્તર આપ્યું છે. મારા આ લાંબા ઘટાદાર, ગુચ્છાદાર વાળ મારા મગજને બહારની બાબતોથી ખૂબ રક્ષણ આપે તેવા છે.’
ગાવસકરે વેસ્ટ ઇન્ડીઝમાં પૉર્ટ ઑફ સ્પેનની અંતિમ ટેસ્ટમાં બેવડી સદી કરીને ભારતને પરાજયમાંથી બચાવ્યું અને યશસ્વી વિજય અપાવ્યો. એણે 290 મિનિટમાં ૨૨ ચોગ્ગા સાથે 220 રન કર્યા ! પણ ભાગ્યે જ કોઈને ખબર હશે કે ગાવસકરને એ વખતે દાંતનો સખત દુઃખાવો ઊપડ્યો હતો. એણે વેદના દૂર કરનારી ગોળીઓ લઈને ભારતને બચાવવાનો અજોડ પુરુષાર્થ કર્યો હતો. ગાવસકરના આ દાંતના દુઃખાવા વિશેનું એક રહસ્ય માટે પ્રગટ કરવું જોઈએ.
1975ની 7મી જૂને ઇંગ્લૅન્ડના લૉર્ડ્ઝના મેદાન પર ભારત અને ઇંગ્લૅન્ડની સર્વપ્રથમ ખેલાઈ રહેલા વર્લ્ડકપની એ પ્રથમ મૅચ હતી. એમાં ઇંગ્લૅન્ડે 60 ઓવરની મૅચમાં 334 રન કર્યા. જ્યારે એની સામે ભારતનો ઓપનિંગ બૅટ્સમૅન સુનિલ ગાવસકર આ 60 ઓવર સુધી સતત રમ્યો અને માત્ર છત્રીસ જ રન કર્યા ! એ સમયે ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર જી. એસ. રામચંદને એમ લાગ્યું કે ગાવસકર જાણે બૅટિંગની પ્રૅક્ટિસ કરતો હોય એ રીતે રમતો હતો ! આને પરિણામે ભારતનો ઘોર પરાજય થયો અને પ્રથમ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમી ફાઇનલ સુધી પણ પહોંચી શકી નહીં. ગાવસકરના 60 ઓવરના 36 રને ક્રિકેટબોર્ડમાં ખળભળાટ મચાવ્યો. તપાસ સમિતિ નિમાઈ. ગાવસકરે કહ્યું કે, ‘જેમ જાદુગરનો જાદુ ખુલ્લો પડી જાય અને જેવું થાય, એમ એણે એ સમયે એની બૅટિંગનો જાદુ ગુમાવી દીધો હતો.’ હકીકતમાં ટેસ્ટખેલાડી ગાવસકર વન-ડે ક્રિકેટ માટે પોતાની રમતમાં પરિવર્તન કરવા ગયો હતો, પણ ફાવ્યો નહીં. આ તપાસ સમિતિ સમક્ષ ગાવસકરને પોતાની વફાદારી પુરવાર કરવાની હતી અને ત્યારે એણે પોતાની વેસ્ટ ઇન્ડીઝમાં પૉર્ટ ઑફ ટેસ્ટની યાદ આપી કે જ્યારે એણે દાંતમાં સખત દુઃખાવો હોવા છતાં 290 મિનિટમાં 220 રન કર્યા હતા. આ કેફિયત પછી ગાવસકર સામે કોઈ પગલાં ભરવામાં ન આવ્યાં અને આમ એનો દાંતનો દુઃખાવો ફળ્યો !
તા. 23-7-2023
પારિજાતનો પરિસંવાદ