માનવીની મનની ઇચ્છાઓનો કાર્ડિયોગ્રામ સાંભળવા જેવો હોય છે. એ કાર્ડિયોગ્રામમાં ઝિલાયેલા ધબકાર જોવા જેવા છે. એમાં થતી વધ-ઘટનાં સંચલનો જાણવા જેવાં હોય છે. મનનાં બાહ્ય આવરણ અને આચરણને આપણે જોઈએ છીએ, જેમ માનવીના બાહ્ય દેખાવ અને વર્તાવને જોઈએ તેમ. કિંતુ ખરેખર તો એ મનનાં આચરણ પાછળનાં કારણો અને પ્રયોજનોની લીલા જોવી જોઈએ. અજાગ્રત મનમાં શું ચાલે છે ? એ કેમ ચાલે છે ? એનો હેતુ શો છે ? અને જાગ્રત મનને એ કઈ રીતે દોરે છે, તે જાણવું જોઈએ. માનવીના બાહ્ય વર્તનના મૂળમાં એની વાસના, વૃત્તિ, ઇચ્છા કે ઝંખના જ એને કઠપૂતળીની જેમ નચાવતી હોય છે.
માનવીની એક એવી પણ વ્યાખ્યા થઈ શકે કે તે ‘ઇચ્છાથી દોડતું પ્રાણી’ છે. ઇચ્છાઓ એને દોડાવે છે અને એ સતત એની પાછળ દોડ્યે જાય છે. વળી ઇચ્છાઓ એને એ રીતે દોડાવે છે કે એની એક ભાવના સિદ્ધ થાય, તો એના મનમાં બીજી ભાવના મૂકી દે છે, પણ એની દોડને ઇચ્છા અટકવા દેતી નથી. ૨મતની દોડ અમુક અંતરે પૂર્ણ થાય છે, જ્યારે ઇચ્છાની દોડનું અંતર સતત વધતું રહે છે અને સદા અપૂર્ણ રહે છે.
માનવી ધનની ઇચ્છા રાખે છે અને પહેલાં તો આજીવિકા પૂરતા ધનનો વિચાર કરે છે. આજીવિકા માટેનું ધન મળતાં નવી સ્પૃહા જાગે છે. એ રહેવા માટેના મકાનની ઇચ્છા રાખે છે, પરંતુ જેવું ઘરનું ઘર થાય કે એને બંગલાની ઇચ્છા જાગે છે. ફરી પાછી એની દોડનો પુનઃ પ્રારંભ થાય છે. ઇચ્છાઓ એની પાસે માગણી કરતી જ રહે છે અને એ માગણીઓનો તાબેદાર બનીને કામ કરે છે. વળી પ્રત્યેક ઇચ્છા માનવીને સતત કહેતી હોય છે કે આટલું મેળવી લે એટલે તને બધું મળી જશે. પછી થશે નિરાંત અને જાગશે સંતોષ. આ મળ્યે જીવનનો સઘળો આનંદ તને પ્રાપ્ત થઈ જશે. તારા જીવનમાં શાંતિ આવશે અને આ સઘળી દોડધામ ચાલી જશે.
આવી ઇચ્છાથી એ મહેનત કરીને સ્કૂટર કે મોટર મેળવે છે, પરંતુ એ ઇચ્છા પૂર્ણ થવા સાથે એની વાહન માટેની ધનની દોડ અટકતી નથી. વળી પાછો એના મનમાં નવી ભૌતિક વસ્તુની પ્રાપ્તિનો કે વધુ ધનપ્રાપ્તિનો નવો વિચાર જાગે છે. પુનઃ એ દોડવાનો પ્રારંભ કરે છે અને આમ આખી જિંદગી પૂરી થાય તોપણ એની દોડ અટકતી નથી અને એની ઇચ્છાઓ પૂર્ણ કે તૃપ્ત થતી નથી. વ્યક્તિમાં કામેચ્છા જાગે અને એ ઇચ્છા પણ વધુ ને વધુ એને દોડાવતી રહે છે. પ્રથમ એક વ્યક્તિમાં એની ઝંખના પૂરી ક૨વાનો વિચાર કરે. એક વ્યક્તિ મળે, છતાંય એની કામેચ્છા જગતમાં કામના અને વાસનાને શોધતી રહે છે.
ધનવાન હોય કે સત્તાવાન હોય એની નજર તો જેની પાસે પોતાનાથી વધુ કે વિશેષ ધન કે સત્તા હોય, તેના પર રહે છે અને તે મેળવવાનો એનો પુરુષાર્થ હોય છે. ધનથી થોડી ભૌતિક સમૃદ્ધિ મેળવે એટલે એને વધુ ભૌતિક સમૃદ્ધિ પોકાર પાડે છે. ગમે તે પરિસ્થિતિમાં હોય, પણ તે પોતાનાથી અધિકને કે વધુ સત્તા-સંપત્તિ ધરાવનારને જ સદાય જોતો હોય છે, ન્યૂનને નહીં. અર્થાત્ એની પાસે બંગલો હોય અને એની ઇચ્છા ઈશ્વરે પૂર્ણ કરી એમ માનીને એમાં એ આનંદ ભોગવતો નથી. એને બીજાનો બંગલો કે મહાલય દેખાય છે અને વહેલી તકે એ પ્રકારનો મોટો બંગલો કે મહાલય મેળવવા દોડ લગાવે છે. આથી ઇચ્છાને ક્યારેય પૂર્ણતા હોતી નથી. એ તો જીવનના માર્ગે એક પછી એક પડાવ નાખીને અને તેને પાર કરીને આગળ ધપતી રહે છે.
એ પોતાની ઇચ્છા તૃપ્ત થતાં વિરામ કે વિશ્રામ કરતો નથી, પરંતુ એને પોતાનાથી વધુ ક્ષમતા કે સમૃદ્ધિ ધરાવતી વ્યક્તિ જોઈને દોડતો હોય છે. એની વાસના વધુ ને વધુ ઉદ્દીપ્ત થતી જાય છે. એનો લોભ વધારે ને વધારે એને દોડાવતો જાય છે. આ બધાંને કારણે માનવીનું મન સતત અશાંત રહે છે. એના જીવનમાં માત્ર બે જ બાબત હોય છે અને તે એ કે પોતાને પ્રાપ્ત થયેલી સ્થિતિ પ્રત્યેનો અસંતોષ અને મેળવવાની સ્થિતિ તરફની આંધળી કામના. આને પરિણામે એનું જીવન સદૈવ ચિંતામાં, દુઃખમાં, ભયમાં કે લાલસામાં દોડતું રહે છે.
આનું મુખ્ય કારણ એ છે કે વ્યક્તિ ક્ષણિકમાં સનાતનને શોધે છે. થોડો સમય ટકનારી વસ્તુમાં એને ભરપૂર સુખ લાગે છે અને તેથી એ શાશ્વત સુખની કોઈ ખેવના કરતો નથી. આવી વ્યક્તિને સ્વાધીન સુખ ક્યારેય મળતું નથી. બાહ્ય સુખ શોધનારી વ્યક્તિ વિચારે કે સત્તા, સંપત્તિ, કામવૃત્તિ કે લોભવૃત્તિ વધારવા જતાં એણે પોતાની આત્મસમૃદ્ધિ કેટલી ઓછી કરી છે, તો એને ખરો ખ્યાલ આવે. ખબર પડે કે સંસાર બાહ્ય વસ્તુમાં સુખ માને છે અને હકીકતે એમાં સહેજે સુખ નથી. આ બાહ્ય વસ્તુ એના અહંકારને જગાડે છે. એ બીજાની સાથે પોતાની તુલના કરતો થઈ જાય છે અને સમય જતાં એનું આખુંય જીવન માત્ર બાહ્ય બાબતોમાં વીંટળાઈ જાય છે.
આવી વ્યક્તિ માત્ર દેહની આસપાસ ભમતી હોય છે. એ સૌથી પહેલાં પોતાના સ્વાર્થ અને સુખાકારીનો વિચાર કરતો હોય છે અને આથી જેમ જેમ પદ, સત્તા કે સંપત્તિ વધે છે, તેમ તેમ એના બાહ્ય દેખાવમાં પરિવર્તન આવે છે. ધન વધતાં એનાં વસ્ત્ર બદલાય છે. સત્તા વધતાં એનો તોર વધે છે અને કામના વધતાં એ સતત પોતાની વાસના અને વિષયોને વધારતો રહે છે. આમ, એની બહારની જીવનશૈલી બદલાશે, પરંતુ એ જીવનશૈલી એને વધુ ને વધુ બહાર રાખશે. પહેલાં સાદાં વસ્ત્રો પહેરતો હોય તે મોંઘાં વસ્ત્રો પહેરશે અને મોંઘાં વસ્ત્રો પહેરતો હોય તે છેલ્લી ડિઝાઇનનાં વસ્ત્રો પહેરશે. સતત વસ્ત્રોથી પોતાની જાતને આગળ ધરશે.
સુવિધાવાળા નિવાસમાં રહેનારો ભવ્ય, વૈભવશાળી બંગલાની ઇચ્છા રાખશે અને એક દિવસ એવો ઇચ્છશે કે કોઈનોય ન હોય, તેવો વિશાળ અને ભવ્ય એનો બંગલો હોય. જેમ બંગલો વિશાળ બને છે, તેમ એનો અહંકાર વધુ ને વધુ બહેકે છે, એની બાહ્યાડંબરની ઇચ્છા એનામાં સતત ચળ જગાવતી હોય છે અને ‘સૌથી વધુ વૈભવશાળી બંગલો’ ધરાવવાની એની દોડ વણથંભી ચાલુ રહે છે. એના સમગ્ર બાહ્ય વનને વૈભવશાળી બંગલાને અનુરૂપ ઢાળવાની કોશિશ કરે છે.
‘લાલચ બૂરી બલા’ એ કહેવત કેટલી બધી યથાર્થ છે ! જૈન ગ્રંથોમાં આવતી મમ્મણ શેઠની કથા એ લોભ અને લાલચનું માર્મિક દૃષ્ટાંત છે.
મમ્મણ શેઠ પાસે સોનાનો રત્નજડિત બળદ હતો, રાજા શ્રેણિક આખું રાજ્ય વેચી નાખે, તોપણ આવો સોનાનો રત્નજડિત બળદ બની શકે નહીં. આવો સોનાનો રત્નજડિત બળદ હોવા છતાં વધુ સોનાની આશાએ મમ્મણ શેઠ અમાવાસ્યાની અંધારી રાતે પ્રાણની પરવા કર્યા વિના કંઈ મળે એની પાણીના ઘૂઘવતા ઘોડાપૂર વચ્ચે શોધ કરતા હતા.
સંગ્રહવૃત્તિ કે પરિગ્રહની ઇચ્છા માનવીના વિવેક અને ઈમાનને ઓલવી નાખે છે. ‘અતિ લોભ એ પાપનું મૂળ છે’ એ સૂત્ર કોઈ પણ યુગ કરતાં આધુનિક સમયને માટે વિશેષ યથાર્થ છે. એક દૃષ્ટિએ જોઈએ તો પ્રગતિ અને લોભ વચ્ચેની ભેદરેખા એટલી બધી ભૂંસાઈ ગઈ છે કે માણસ લોભને કારણે કાવાદાવા અજમાવીને પ્રગતિ કરે છે અને એ પોતે આચરેલા લોભને અને કરેલી કુટિલતાને ભૂલીને પોતાને ‘પ્રગતિશીલ’ માને છે. જેમ જેમ ભૌતિકતાનો અને પરિગ્રહ-પ્રદર્શનનો પ્રસાર થાય છે, તેમ તેમ લોભવૃત્તિ વધતી જાય છે અને તેથી આ લોભને કારણે વ્યક્તિ પ્રપંચ ખેલતાં અચકાતી નથી અને એની આ દુર્યોધનવૃત્તિ સ્વયંને અને સમગ્ર કુળને માટે સંહારક બને છે. વર્તમાન સંદર્ભમાં દેશના ધનને બરબાદ ક૨નારા ઉદ્યોગપતિઓ આનું જ એક રૂપ છે.
‘ઍનરોન’ અને ‘વર્લ્ડકૉમ’ જેવી અતિ ધનાઢ્ય કંપનીઓનો જરા વિચાર કરો. આ કંપનીઓ પાસે એક સમયે ધનની રેલમછેલ હતી અને ‘ફૉર્ચ્યુન ૫૦૦’ કંપનીઓમાં એમનું ગૌરવભર્યું સ્થાન હતું. એ ઉદ્યોગપતિઓને સર્વત્ર આદર સાંપડતો હતો, પરંતુ એમને લોભનું એવું ગ્રહણ લાગ્યું કે આખી કંપની એ લોભથી તૂટી ગઈ.
લોભવૃત્તિ માણસને જંપવા દેતી નથી અથવા એમ પણ કહીએ કે એનો લોભ સતત વૃદ્ધિ પામતો રહે છે. શેખ સાદીએ કહ્યું છે કે ‘માનવી જો લાલચને ઠુકરાવી દે તો બાદશાહનો બાદશાહ બની શકે છે, કારણ કે સંતોષથી જ માનવી હંમેશાં પોતાનું મસ્તક ગૌરવથી ઊંચું રાખી શકે છે અને લાલચથી દોડતી વ્યક્તિ સંતોષથી દૂર જતી જાય છે.’
સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રારંભિક સાધનાના દિવસોમાં એક સદ્ગૃહસ્થે આવીને કહ્યું કે “મહારાજ, આપ મારા પર જરૂર પ્રસન્ન થશો, કારણ કે આપના માટે હું એક નવી લંગોટી લાવ્યો છું.” ત્યારે એના ઉત્તરમાં ભારતીય સંસ્કૃતિના મહાન ઉપાસક સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું, “ભાઈ, તારી વાતથી હું પ્રસન્ન થયો નથી, પરંતુ અપ્રસન્ન થયો છું. આ એક જ લંગોટી ભારરૂપ છે, ત્યાં વળી નવી લંગોટીની નવી ઉપાધિ શા માટે ? તારી ઉમદા ભાવનાનો સ્વીકાર કરું છું, પરંતુ લંગોટીનો નહીં, જેવી એ લાવ્યો તેવી જ પાછી લઈ જા.”
સંતોષની ભાવના એક અર્થમાં કહીએ તો લોભથી બચાવે છે. આને માટે શું કરવું જોઈએ ? આને માટે વ્યક્તિએ હિંમત કેળવવી જોઈએ કે, “મારે માટે આટલું બસ છે.” જે આટલું બસ છે એમ કહી શકે છે, એને કોઈના વશમાં રહેવું પડતું નથી કે કોઈની તાબેદારી સ્વીકારવી પડતી નથી.
તા. 13-8-2023
પારિજાતનો પરિસંવાદ