વિશ્વ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પ્રભુત્વ વિનાશ વેરશે ?

માત્ર 24 શબ્દો પાછળ આવતીકાલના વિશ્વની ભયજનક ચિંતાઓ અને સંભવિત જોખમોની વેદના છુપાયેલી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૉર્પોરેશનોનાં ટૅક એક્ઝિક્યુટિવ અને CEOએ પોતાના સંશોધનની સાથોસાથ ભવિષ્યનો ભય પણ રજૂ કર્યો અને એમણે હસ્તાક્ષર સાથે થોડા ડર અને દહેશતથી લખ્યું, ‘રોગચાળા અને પરમાણુયુદ્ધ જેવાં સામાજિક ગંભીર જોખમોની જેમ AIથી પણ જગત લુપ્ત થવાનું જોખમ ઓછું કરવું, એ અન્યની સાથે વૈશ્વિક પ્રાથમિકતા હોવી જોઈએ.’

રોગચાળાની ભયાનકતા તો આખી દુનિયાએ કોવિડના સમયે જોઈ લીધી છે અને અણુબૉમ્બના ખતરા અંગે તો આજની દુનિયા પાસે પ્રત્યક્ષદર્શી પુરાવો છે કે જેમાં એક લાખ અને ચાલીસ હજાર હિરોશીમાવાસીઓ અને ચુમોતેર હજાર નાગાસાકી શહે૨ના નિવાસીઓ મૃત્યુ પામ્યા હતાં. બીજા અર્થમાં કહીએ તો હિરોશીમાની ચાલીસ ટકા વસ્તી અને નાગાસાકી શહે૨ની સાઠ ટકા વસ્તી અણુબૉમ્બને કારણે મૃત્યુ પામી હતી. હિરોશીમાના અણુવિસ્ફોટની અસરનું મૂલ્યાંકન કરવા અને પીડિતોની મદદ માટે દોડી જનાર પ્રથમ વિદેશી ડૉ. માર્સેલ જુનોડે નોંધ્યું છે કે ‘શહેરની મધ્યમાં શેરીઓ અને બગીચાઓમાં હજારો માનવીઓ તીવ્ર ગ૨મીનાં મોજાંથી ત્રાસીને માખીની જેમ મૃત્યુ પામ્યા. અન્ય લોકો જીવતા સળગતા હતા અને ખાનગી મકાનો અને વખારો કોઈક અલૌકિક શક્તિથી અદૃશ્ય થઈ ગયાં હતાં. ટ્રેનો રેલવેના પાટાથી દૂર ફેંકાઈ ગઈ હતી અને દરેક જીવંત વસ્તુ તીવ્ર પીડા અને યાતનાનો અનુભવ કરતી હતી.’

વિજ્ઞાને માનવજાત પર અનેક ઉપકારો કર્યા છે, પરંતુ એની સાથોસાથ આજે મનુષ્યજાતિની અને સમગ્ર બ્રહ્માંડની સલામતી પર મોટું જોખમ ઊભું કરી દીધું છે. આજે દુનિયાના કેટલાય દેશો અણુબૉમ્બ અને યુદ્ધનાં આધુનિક શસ્ત્રો બનાવવા પાછળ અબજો રૂપિયા ખર્ચે છે. જો એટલાં જ નાણાં જગતની ગરીબી નાબૂદ કરવા માટે વપરાય, તો દુનિયામાં એક પણ વ્યક્તિ ગરીબ ન રહે. મિલો, કારખાનાં તેમજ વાહનોના ઘોંઘાટ અને ધુમાડાથી હવા અને અવાજનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. કારખાનાંઓ દ્વારા ઠાલવવામાં આવતું કેમિકલ શુદ્ધ પાણીમાં ભળતાં પાણીનું પ્રદૂષણ વધ્યું છે. પ્રદૂષણ હવે દુનિયાની એક મોટી સમસ્યા બની ગઈ છે અને એ અવારનવાર આપત્તિનું રૂપ ધારણ કરીને માનવજાત પર ત્રાટકે છે. સુખ-સગવડનાં સાધનો વધતા માનવીનો શારીરિક શ્રમ ઘટી ગયો છે અને અનેક દેશોમાં બેકારીનું પ્રમાણ વધતું ચાલે છે.

આજે પરમાણુશસ્ત્રો બનાવ્યાં છે, પરંતુ રેડિયો ઍક્ટિવ ફોલઆઉટ ક્યાં સુધી ફેલાશે અથવા એની અસર કેટલો સમય ચાલશે – તેને નિયંત્રિત કરવાનો કોઈ ઉપાય આપણી પાસે નથી. આ પરમાણુશસ્ત્રોનો પ્રયોગ આપણા ગ્રહને લાંબા ગાળાના નુકસાનનું કારણ બની શકે છે. હિરોશીમા પર બૉમ્બ પડ્યા બાદ ગામા કિરણોથી પ્રભાવિત લોકોનાં મસ્તક પર અણુવિસ્ફોટ પછીના દસમા દિવસે તમામને ટાલ પડી ગઈ હતી.

પરમાણુશસ્ત્રોનું અસ્તિત્વ ભવિષ્યની પેઢીઓ માટે અને ખરેખર માનવતાના અસ્તિત્વ માટે ખતરો છે. વર્તમાન પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય તનાવને જોતાં, પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થવાનું જોખમ શીત યુદ્ધ પછીથી સૌથી વધુ છે. પરમાણુ-શસ્ત્ર રાજ્યો તેમના શસ્ત્રાગારોનું આધુનિકીકરણ કરી રહ્યા છે અને તેમની કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ સાયબર હુમલાઓ માટે વધુ સંવેદનશીલ બની રહી છે. આપણે બધા જે જોખમનો સામનો કરીએ છીએ તેના વિશે સાવચેતી રાખવા માટે પુષ્કળ કારણો છે.

આજે આપણે ક્યાં ઊભા છીએ ? આજે વિજ્ઞાનની સર્જક અને સંહારક અસરોમાંથી માનવીએ વિવેકપૂર્વક પસંદગી ક૨વાની છે. માનવીએ સર્વનાશનો માર્ગ અપનાવવો કે સર્વ-કલ્યાણનો માર્ગ અપનાવવો ! માણસે યુદ્ધનો માર્ગ સ્વીકારવો છે કે બુદ્ધનો માર્ગ સ્વીકારવો છે ? સૌના કલ્યાણમાં આપણું કલ્યાણ સમાયેલું છે. સૌના નાશમાં આપણો પણ નાશ સમાયેલો છે. માનવી વિજ્ઞાનની શોધોનો સમજપૂર્વક ઉપયોગ ક૨શે તો જ વિજ્ઞાન માનવજાત માટે વરદાનરૂપ બની રહેશે.

એક સમયે પ૨માણુબૉમ્બ વિશે વિજ્ઞાનીઓએ ચેતવણી આપી હતી, આજે એ જ પરિસ્થિતિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે છે અને વિશેષ તો અસરકારક રાસાયણિક શસ્ત્રો, સુપરચાર્જિંગ ડિસઇન્ફર્મેશન ઝુંબેશો અને સામાજિક અસમાનતા વધારવામાં એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા છે. સમય જતાં એ આખા વિશ્વને કબજે કરી શકશે ? આજે ટૅક્નૉલૉજી ઝડપથી આગળ વધી રહી છે અને આર્ટિફિશિયલ વધુ ને વધુ ઇન્ટેલિજન્ટ બની રહ્યું છે, ત્યારે આપણે સામૂહિક ચેતનાના ભવિષ્ય માટે વિચાર કરવો જરૂરી છે. શું આ કૃત્રિમ બુદ્ધિ માનવતા પર કબજો કરી શકશે ખરી ?

એ હકીકત છે કે બિઝનેસના જગતમાં એ પ્રભુત્વ મેળવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રભાવનો ભય ત્યારે લાગે છે કે જ્યારે મશીનો માનવબુદ્ધિને પરાસ્ત કરશે અને એ મશીનો જ માનવીની કશીય મદદ કે ઈનપુટ વિના નિર્ણયો લઈ શકે છે. જેને પરિણામે ભવિષ્યમાં વિનાશક પરિણામો આવી શકે. એનું ઉદાહરણ જોઈએ તો સ્વ-ડ્રાઇવિંગ કાર અને સ્માર્ટ હોમ્સ જેવી વધુ ને વધુ અદ્યતન ટૅક્નિકો વિકસાવવાનું ચાલુ રહેશે તો એનો વપરાશ કરતી વ્યક્તિ વતી નિર્ણય લેવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધાર રાખે છે અને એથી કેટલાક નિષ્ણાતો એવી ચેતવણી આપે છે કે એવુંય બને કે AI પોતે જ પોતાનો એજન્ડા વિકસાવી શકે. આ એજન્ડાને માનવમૂલ્યો કે નીતિશાસ્ત્ર સાથે સંબંધ હોતો નથી, પણ એવી પરિસ્થિતિ તરફ દોરી લઈ જશે કે જ્યાં આ મશીનો એમના પોતાના ધ્યેયને પ્રાધાન્ય આપવાનું પસંદ કરે અને આથી જ એવી માગ ઊઠી છે કે આ મશીનો માનવમૂલ્યો અને નૈતિકતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવાં જોઈએ.

આજના યુગમાં જેવી ટૅક્નૉલૉજીની પ્રગતિ થાય તેવી ક્યારેય થઈ નથી, ત્યારે AIનાં જોખમો અંગે ચિંતાઓ વધી રહી છે અને સૌથી મોટું જોખમ એ છે કે આ મશીનો પોતાની આગવી કાર્યસૂચિ વિકસાવી શકે છે. એ એક દૃશ્ય બનાવશે જ્યાં એમની પ્રાથમિકતાઓ, માનવીય ભાવનાઓ અને નૈતિક મૂલ્યોથી અલગ હશે. આ મશીનો એટલાં અદ્યતન બની જશે કે તેઓ માનવસમાજનાં મહત્ત્વપૂર્ણ પાસાંઓને નિયંત્રિત કરીને પાવર ગ્રીડ અને નાણાકીય સિસ્ટમ જેવી આવશ્યક સિસ્ટમોને હેક કરી શકે છે.

બીજી શક્યતા છે તે સ્વાયત્ત રોબૉટ્સની. એ રોબૉટ્સ સૈન્ય તરીકે કામ કરી શકે છે, મનુષ્યો પર કાબૂ મેળવી શકે છે અને વિશ્વને કબજે કરી શકે છે. આ માત્ર કોઈ વિજ્ઞાનલેખકની આકાશી ઉડ્ડયન કરતી કલ્પના નથી, પરંતુ વાસ્તવિક જોખમ છે. આ મશીનો માનવસમાજ પર અભૂતપૂર્વ સત્તા સ્થાપશે અને એ વ્યાપક અરાજકતા તથા વિનાશ તરફ દોરી શકે છે. વળી AI દ્વારા આરોગ્ય સંભાળના આશાસ્પદ ઉકેલો પ્રાપ્ત થશે અને તે માનવીના સ્વાસ્થ્ય વિશેના સામાજિક, રાજકીય, આર્થિક અને સુરક્ષા સંબંધિત નિર્ણયોમાં પોતાનો મત અભિવ્યક્ત કરશે અને કદાચ એ માનવના સ્વાસ્થ્ય માટે પણ ખતરો બની જાય. એ રીતે એ માનવતા અને માનવસ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરે છે. ઘાતક શસ્ત્રોની ક્ષમતા વધારવી અને અમાનવીય બનાવવી એવું એ કરી શકે છે. માનવશ્રમનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને એ માનવતા સામે જોખમ ઊભું કરી શકે છે.

AIની ક્ષમતાથી આવે છે કે જેમાં કૅમેરાની વધતી જતી સર્વવ્યાપક હાજરી દ્વારા એકત્રિત કરવામાં આવેલી છબીઓ સહિત વ્યક્તિગત ડેટાનો સમાવેશ થતો હોય તેવા વિશાળ ડેટા સેટને ઝડપથી સાફ કરવા, ગોઠવવા અને તેનું વિશ્લેષણ કરવાની અને અત્યંત વ્યક્તિગત અને લક્ષિત માર્કેટિંગ અને માહિતી ઝુંબેશ વિકસાવવાની ક્ષમતા સર્વેલન્સની મોટા પાયે વિસ્તૃત સિસ્ટમ તરીકે છે. AIની આ ક્ષમતાનો સારો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, માહિતી સુધીની એક્સેસને સુધારવા અથવા આતંકવાદનાં કૃત્યોનો સામનો કરવા, પરંતુ તેનો દુરુપયોગ ગંભીર પરિણામો લાવી શકે છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ માટે વ્યાપારી આવક પેદા કરવા માટે આ શક્તિનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળતા ધ્રુવીકરણ અને ઉગ્રવાદી વિસ્તારમાં વધારો કરવામાં ફાળો આપ્યો છે. શક્તિશાળી વ્યક્તિગત માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ગ્રાહકના વર્તનમાં હેરફેર કરવા સક્ષમ છે. પ્રાયોગિક પુરાવા દર્શાવે છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર મોટા પ્રમાણમાં AIનો ઉપયોગ રાજકીય ઉમેદવારોને સત્તામાં તેમના માર્ગમાં ચાલાકી કરવા માટે એક શક્તિશાળી સાધન પૂરો પાડે છે. ચૂંટણીના પ્રેરિત તોડફોડમાં 2013 અને 2017 કેન્યાની ચૂંટણીઓ, 27ની 2016ની યુએસ. પ્રમુખપદની ચૂંટણી અને 2017ની ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.

તા. 20-8-2023

પારિજાતનો પરિસંવાદ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑