આજથી પંદરેક વર્ષ પહેલાં બ્રિટનના પ્રવાસ દરમિયાન એક કૉન્ફરન્સમાં જવાનું બન્યું અને તેમાં ચર્ચા હતી કે ‘શું મશીન માણસને હરાવી દેશે ખરું ?’
અને એ સમયે જુદા જુદા વિષયના તજ્જ્ઞોએ પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતાં કહ્યું કે, ‘મશીન ગમે તેટલાં બનાવશો, તોપણ એ માણસની બુદ્ધિને ક્યારેય આંટી જાય એવી કોઈ શક્યતા નથી.’
પરંતુ આજે એ મશીનોની તાકાત એટલી બધી વધી ગઈ છે કે એણે માનવીય બુદ્ધિને પરાસ્ત કરી દીધી છે ! આપણે ધારીએ નહીં, એટલી ઝડપથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા રોજિંદા જીવનમાં પ્રવેશ કરી રહી છે. મહત્ત્વની વાત તો એટલી છે કે એ.આઈ. કમ્પ્યૂટર પ્રોગ્રામને પોતાની જાતે વિચારવાની અને શીખવાની ક્ષમતા પ્રદાન કરે છે. એ માનવબુદ્ધિનું અનુકરણ કરી શકે છે. એ.આઈ.ની ક્ષમતાના ત્રણ પ્રકાર જોવા મળે છે. નિર્બળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એની મર્યાદાઓથી આગળ કામ કરી શકતું નથી. એ પછી બીજો પ્રકાર છે મજબૂત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કે જે માણસ કરી શકે છે, તેવું બૌદ્ધિક કાર્ય સમજી શકે છે અને શીખી શકે છે. જ્યારે એનો ત્રીજો પ્રકાર સુપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જે કોઈ પણ કાર્ય માણસ કરી શકે એના કરતાં વધુ સારી રીતે કરી શકે છે અને માનવબુદ્ધિને આંબી જાય એવું કાર્ય આસાનીથી કરી શકે છે.
આજના જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હકીકત બનતું જાય છે અથવા તો આ વિશ્વનો એક સળગતો સવાલ બની ગયો છે, ત્યારે ગયા વખતે એની વિનાશક અસરો જોઈ, તો હવે એના ફાયદા પણ જોઈએ. આ એવા ફાયદા છે કે જે મનુષ્યજાતિને લાભદાયી બની શકે છે. એ.આઈ.નો સૌથી મોટો ફાયદો એ છે કે એ માનવીય ભૂલમાં ઘટાડો કરી શકે છે અને એના કાર્યની ચોકસાઈ વધારી શકે છે. આનું કારણ એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા દરેક પગલામાં લેવાયેલા નિર્ણયો અગાઉ એકત્રિત કરવામાં આવેલી માહિતી અને ચોક્કસ ગાણિતિક પ્રક્રિયા દ્વારા નક્કી ક૨વામાં આવે છે. આથી જો યોગ્ય રીતે પ્રોગ્રામ તૈયા૨ ક૨વામાં આવે તો માનવીય ભૂલોને ઘટાડી શકાય છે. એનું સૌથી મોટું ઉદાહરણ રોબૉટિક્સ સર્જરી સિસ્ટમ છે. એમાં એ માનવીય ભૂલનું જોખમ ઘટાડી શકે છે અને આરોગ્યસંભાળમાં, દર્દીની સલામતીમાં સુધારો કરી શકે છે.
એ.આઈ. તમારા સ્વાસ્થ્યના ભવિષ્ય વિશે પણ ઍનાલિસિસ કરીને કહી શકે છે. તો ૧૬૩ જેટલી ઍલર્જીમાંથી તમે કઈ ઍલર્જીથી પરેશાન છો ? એ એને જરૂરી ડેટા આપવામાં આવે તો કહી શકે છે. બૉડી સ્કેનથી એ હૃદયરોગ, ડાયાબિટીસ, શ્વાસની તકલીફ કે લીવરની બીમારી વિશે તમને આગોતરી જાણ કરી શકે છે અને એ રીતે જોઈએ તો લીવર, કૅન્સર, ડાયાબિટીસ, સ્ટ્રોક, હાર્ટડિસીસ, ડિપ્રેશન અને અલ્ઝાઇમર જેવા રોગોના નિદાનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મહત્ત્વનો ભાગ ભજવે છે.
વળી કેટલાંક જોખમી કામો એવાં હોય છે કે જેમાં માણસ જીવ ગુમાવે તેવી શક્યતા હોય છે. જેમ કે, બૉમ્બને નિષ્ક્રિય કરવાનો હોય, અવકાશમાં જવાનું હોય, મહાસાગરના સૌથી ઊંડા ભાગોનું અન્વેષણ કરવાનું હોય અથવા તો કોઈ ભયજનક વાતાવરણ વચ્ચે કામ કરવાનું હોય તો ત્યાં માણસને બદલે એ.આઈ. રોબૉટ્સ વાપરવામાં આવે તો તે વધુ જવાબદારી સાથે કાર્ય કરી શકે છે અને એ સરળતાથી થાકી જતા નથી. આમ જોખમી વાતાવરણમાં માનવીય ભૂલ અને જોખમોને દૂર કરીને એ તમામ કામ કરી શકે છે. આપણા દેશમાં ગટરમાં ઊતરીને સફાઈ કરવા જતા કેટલાય મજૂરોનાં મૃત્યુ થાય છે, ત્યારે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર થયેલા મશીનથી આ કામ થઈ શકે છે.
માણસ ગમે તેટલું કામ કરે તોપણ એને થાક લાગે છે અને કેટલાક સર્વે પરથી એવું તારણ નીકળ્યું છે કે માણસ દિવસમાં માત્ર ત્રણથી ચાર કલાક જ ઉત્પાદક કાર્ય કરી શકતો હોય છે. વળી એને કામના બોજની સાથે ઘણી માનસિક મૂંઝવણો અનુભવવી પડતી હોય છે અને એને વિરામની પણ જરૂર પડે છે. તો બીજી બાજુ એ.આઈ. સહેજે આરામ લીધા વિના અવિરતપણે કામ કરી શકે છે. એ મનુષ્ય કરતાં વધુ ઝડપથી વિચારે છે અને સચોટ પરિણામો સાથે એક સમયે અનેક કાર્યો કરી શકે છે. વળી એ.આઈ. ગાણિતિક પ્રક્રિયાની મદદથી કંટાળાજનક એવી પુનરાવર્તિત નોકરીઓને સરળતાથી કરી શકે છે. જેમ કે ઑનલાઇન ગ્રાહક સપોર્ટ ચૅટબૉક્સનો વિચાર કરો કે જે ગ્રાહકને ગમે ત્યારે, ગમે ત્યાં, ત્વરિત સહાય પૂરી પાડે છે અને એ એ.આઈ. અને નેચરલ લૅંગ્વેજ પ્રોસેસિંગનો ઉપયોગ કરીને ચૅટબૉક્સ સામાન્ય પ્રશ્નોના જવાબ આપી શકે છે, સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે અને ચોવીસે કલાક તમે એની સેવા નિશ્ચિંતપણે લઈ શકો છો.
કેટલીક ટૅક્નિકની દૃષ્ટિએ અદ્યતન કંપનીઓ ડિજિટલ સહાયકોનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ સાથે જોડાય છે. એ માનવકર્મચારીઓની જરૂરિયાતને દૂર કરે છે. ઘણી વેબસાઇટ વપરાશકર્તાઓ દ્વારા વિનંતી કરાયેલ સામગ્રી પહોંચાડવા માટે ડિજિટલ સહાયકોનો ઉપયોગ કરે છે. આપણે એની સાથે એ રીતે વાતચીત કરી શકીએ કે આપણને ખ્યાલ પણ ન આવે કે આપણે કોઈ માણસ સાથે નહીં, બલ્કે ચૅટબૉક્સ સાથે વાત કરી રહ્યા છીએ. આથી જુદા જુદા વ્યવસાયવાળાં ચૅટબૉક્સ અથવા વૉઇસબોટ બનાવી શકે છે, જે એ.આઈ.ના ઉપયોગ દ્વારા એમના ગ્રાહકોના તમામ પ્રશ્નોના જવાબ આપી શકે છે.
એ.આઈ. અસંખ્ય નવીનતાઓ પાછળ પ્રેરકબળ બનશે, આરોગ્યના અનેક પ્રશ્નોમાં માર્ગદર્શક બનશે અને સૌથી વધુ તો વ્યક્તિના આરોગ્યનો ડેટા ધરાવતું હોવાથી એ એને એના સ્વાસ્થ્ય બાબતમાં યોગ્ય સલાહ આપતું રહેશે. જેવી વાત સ્વાસ્થ્યની છે, એવી જ વાત પરિવહનની છે. એમાં પણ એ.આઈ. ક્રાંતિનો પગપેસારો થઈ ગયો છે. માનવ હસ્તક્ષેપ વિના સ્વ-ડ્રાઇવિંગ કારની શોધ થઈ ચૂકી છે. રસ્તાઓ અને ટ્રાફિકને નેવિગેટ ક૨વા માટેના કૅમેરા અને એ.આઈ. ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વ-ડ્રાઇવિંગ કારમાં રસ્તા પરની સલામતી વધશે, ટ્રાફિકની ભીડ ઘટશે અને વિકલાંગ લોકોને અથવા તો મર્યાદિત ગતિશીલતા માટે સુલભતા વધારવાની ક્ષમતા આપશે. આજે જુદી જુદી કંપનીઓ પરિવહનમાં ક્રાંતિ લાવવાની અપેક્ષાએ પરિવર્તનો કરી રહી છે.
માણસ એના જીવનમાં ક્યારેક લાગણીઓથી ચાલે છે, ક્યારેક આવેશમાં આવીને નિર્ણય લેતો હોય છે, ક્યારેક કયો નિર્ણય યોગ્ય છે તે વિચારી શકતો નથી. એના કેટલાક નિર્ણયો સાથે એના ભાવ કે ભાવના જોડાયેલાં હોય છે અને તેથી એ તટસ્થપણે વિચારી શકતો નથી કે મારે કયું કાર્ય કરવું જોઈએ અને કયું ન કરવું જોઈએ. ચંચળ મનના માનવીઓમાં તો આવી દ્વિધાઓનો પાર હોતો નથી, ત્યારે એ.આઈ. લાગણીઓથી વંચિત છે અને તેનો અભિગમ અત્યંત વ્યવહારુ અને તર્કસંગત છે. વળી એનો સૌથી મોટો ફાયદો એ છે કે એનાં પોતાનાં કોઈ પક્ષપાતી મંતવ્યો હોતાં નથી, જેથી તે સચોટ અને તટસ્થ નિર્ણય લઈ શકે છે.
જેમ કે એ.આઈ. દ્વારા સંચાલિત ભરતી પ્રણાલી છે. એ ભરતી પ્રક્રિયામાં એ નોકરીના અરજદારોના કૌશલ અને લાયકાતને સ્ક્રીન કરે છે અને એ રીતે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર એ યોગ્યની પસંદગી કરે છે. જીવનમાં કેટલાંક કામ વારંવાર કરવાં પડતાં હોય છે અથવા તો કહીએ તો એનું પુનરાવર્તન થતું રહે છે. જેમ કે, કોઈને આભાર-પત્ર લખવો, કોઈને અભિનંદન મોકલવા વગેરે. આવાં કામ કૃત્રિમ બુદ્ધિમત્તાથી આસાનીથી થઈ જાય છે અને લોકોને વારંવાર કરવાં પડતાં આ કંટાળાજનક કાર્યમાંથી મુક્તિ મળે છે અને એથીયે વિશેષ એ બધાં વધુ સર્જનાત્મક બનવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે વેલ્ડિંગ કે પેકેજિંગનાં કાર્યો વારંવાર કરાતાં હોય છે. એમાં રોબૉટ્સનો ઉપયોગ કરવાથી પૂરી ચોકસાઈ અને ઝડપથી એ કામ થઈ શકે છે. એમાં થતા ખર્ચનો ઘટાડો થાય છે અને એની કાર્યક્ષમતામાં સુધારો થાય છે.
આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જગતને થનારા લાભનું ચિત્ર. એ.આઈ.ના આવા લાભ હોવા છતાં એનાં જોખમોને કારણે સ્ટિફન હોકિન્સ કહે છે કે, ‘કૃત્રિમ બુદ્ધિનો વિકાસ માનવજાતિના અંતનું ભવિષ્ય ભાખી શકે છે.’ તો ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કે તો એમ કહ્યું કે, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મને નરકના ભયથી ડરાવે છે. તે કોઈ જાણે છે એના કરતાં ઘણું વધારે સક્ષમ છે અને એનો સુધારણાનો દર સૌથી વધુ છે.’ અને એ પણ હકીકત છે કે આંકડાકીય અભ્યાસ અનુસાર થોડા જ સમયમાં વૈશ્વિક એ.આઈ. બજાર દર વર્ષે ૫૪ ટકા જેટલું વધતું જશે. આજે વિશ્વના વર્તમાનકાળ અને ભવિષ્યને માટે એ.આઈ.એ મહાપ્રશ્ન ખડો કર્યો છે. મનુષ્યજાતિ એનાં જોખમોથી મુક્ત થવાનો અને એની ઉપયોગિતાનો લાભ લેવાનો કેવો પ્રયાસ કરે છે, એના પર એનું ભાવિ અવલંબિત છે.
તા. 27-8-2023
પારિજાતનો પરિસંવાદ