અંતે આ વર્ષે મુરલીકાન્ત પેટકરને રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન ઍવૉર્ડ મળ્યો અને ચિત્તમાં અનેક સ્મરણો ઉભરાઈ રહ્યા. છેક 1973માં ‘અપંગના ઓજસ’ નામનું પુસ્તક લખ્યું. એ સમયે મનમાં એક મથામણ હતી કે આ અપંગોની કેવી ઘોર અવહેલના કરવામાં આવે છે ! કોઈ એમને બીજા દરજ્જાના નાગરિક ગણે છે, તો કોઈ એમને અશક્ત અને ભારરૂપ ગણે છે. મારી પાસે મારા ગુરુ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનું જીવંત ઉદાહરણ હતું. પંદર વર્ષની વયે શિતળાને કા૨ણે બંને આંખોની રોશની ગુમાવનાર પંડિત સુખલાલજીના તત્ત્વદર્શનનાં જ્ઞાન સામે કોઈ મુકાબલો કરી શકે તેમ નહોતું.
વળી વિચાર્યું કે અપંગ વ્યક્તિ શિક્ષક કે સંગીતકાર બને, પણ મારે એવી ઘટનાઓ શોધવી છે કે જે અપંગ હોય અને જેમાં શારીરિક બળનો સૌથી વધુ મહિમા હોય તેવા ૨મતગમતનાં ક્ષેત્રે એણે ઊંચી કામીયાબી મેળવી હોય. મારી આ ખોજમાં મને મુરલીકાન્ત પેટકર મળી આવ્યા. 1973માં એ પુસ્તકમાં એની વિસ્તૃત સંઘર્ષકથા લખી. આજે જ્યારે એમને અર્જુન લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ મળે છે, ત્યારે જેના પરથી ‘ચંદુ ચૅમ્પિયન’ ફિલ્મ નિર્માણ પામી હતી તે મુરલીકાન્ત પેટકરની સંઘર્ષકથા નજર સામે આવે છે.
1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં ખૂંખાર યુદ્ધ સમયે ભારતીય લશ્કરે લાહોર નજીક ઘેરો ઘાલ્યો હતો. સિયાલકોટ પર એનો પહેરો હતો. લાહોર દુશ્મનનું નાક હતું. સિયાલકોટ દુશ્મનનું શિર હતું. ભારતીય જવાનો દુશ્મનનાં શિર અને નાક બંનેને ઝડપવા મેદાને પડ્યા હતા. સિયાલકોટ પર પાકિસ્તાને વિપુલ શસ્ત્રસરંજામ સાથે પોતાની ભીંસ વધારી. અમેરિકાની જગવિખ્યાત ‘પેટન’ ટૅન્ક રણગાડીઓ મેદાને પડી હતી. સેબર જેટ જેવાં વિમાનો આકાશમાં ઘૂમતાં હતાં. નેપામ જેવા ભયંકર બૉમ્બ ગાજતા હતા. સામે તોપના ગોળા વરસતા હોય કે બંદૂકની ધાણી ફૂટતી હોય, માથે આગ વરસાવતાં વિમાનો ચકરાવાં લેતા હોય, છતાં ભારતીય લશ્કરનો જવાન મુરલીકાન્ત પાછો પડે તેમ ન હતો. બરાબર નિશાન લઈને દુશ્મનનાં એકે એક સૈનિકને વિંધ્યે જતો હતો. એવામાં એક બુલેટ આવી. એની પીઠમાં પેસી ગઈ. ન તો ચીસ પાડી કે ન તો આહ ભરી. જાણે કશું થયું ન હોય તેમ આગળ વધવા લાગ્યો. દુશ્મનના સૈનિકોને મોતને હવાલે કરવા માંડ્યો.
બીજી બુલેટ આવી. મુરલીની કમરમાં ઘૂસી ગઈ. ન કોઈ આહ, ન કશો અવાજ. ત્રીજી બુલેટ આવીને એના પગમાં પેસી ગઈ. મુરલી લથડી ગયો. નવ-નવ બુલેટનો સામનો કરનાર મુરલી બેભાન થઈને નીચે પડી ગયો.
એના સાથીઓએ રણક્ષેત્રમાંથી મુરલીને ઊંચકી લીધો. લાંબા સમય સુધી મુંબઈમાં ભારતીય નેવી હોસ્પિટલમાં એણે સારવાલ લીધી. કુલ નવ બંદૂકની ગોળીઓનો સામનો કરનાર મુરલીના શરીરમાંથી આઠ બુલેટ તો કાઢવામાં આવી, પરંતુ એક બુલેટ એની કરોડરજ્જુમાં પેસી ગઈ હતી. જેને કારણે કમરની નીચેનો ભાગ નિશ્ચેતન બની ગયો.
હોસ્પિટલની બહાર આવ્યો, ત્યારે બોક્સિંગનો આ શોખીન જવામર્દ સૈનિક વ્હિલચૅરના સહારે ચાલતો હતો. એણે વિચાર્યું કે એ હવે દુશ્મનને ડરાવી શકશે નહીં ! દેશને ખાતર લડી શકશે નહીં ! સિકંદરાબાદમાં બૉક્સર તરીકે જાણીતો આ જવામર્દ હવે બૉક્સિંગ કરી શકશે નહીં, પણ તેથી શું ?
એણે વિચાર્યું કે ભલે વ્હિલચૅરમાં જીવન જીવતો હોઉં, પરંતુ જીવનથી હારી જાય તે બીજા. આ જવામર્દ સૈનિકે હવે સાહિસક ખેલાડી બનવાનો નિશ્ચય કર્યો. સાંગલી જિલ્લાના ઇસ્લામપુરમાં જન્મેલો આ મુરલી બાળપણની એક ઘટના ભૂલી શકતો ન હતો. એક વાર એ મિત્રો સાથે મેળાની મોજ માણવા નીકળ્યો, ત્યારે ટહેલતા ટહેલતા એણે એક જગ્યાએ જોયું તો કુસ્તીના જોરદાર દાવ ખેલાતા હતા. મુરલીનું શરીર કસાયેલું હતું. ૨મતગમતનો ભારે શોખીન હતો. એમાંય એની નિશાળના શિક્ષક શ્રી સી. બી. દેશપાંડેએ એને જુદી જુદી રમતોમાં નિપુણ બનાવ્યો હતો. મુરલીને કુસ્તીનો દાવ અજમાવી જોવાનું મન થયું. મેદાનમાં ઝુકાવીને વિરોધીને ચીત કરવાની ઇચ્છા થઈ. એકાએક એ વ્યવસ્થાપક પાસે દોડી ગયો. મુરલીએ કહ્યું, “મારે કુસ્તી ખેલવી છે, મને તક આપો ને !”
વ્યવસ્થાપકે નાનકડા મુરલીને જોઈને કહ્યું, “અલ્યા, છે તો સાવ બટકો ને કુસ્તી ખેલવાની વાત કરે છે ? આ કંઈ બચ્ચાંની ૨મત નથી. ઘરભેગો થઈ જા, મોટો થા ત્યારે કુસ્તી ખેલવા આવજે.” નાનકડો મુરલી તો આ જવાબ સાંભળીને સમસમી ગયો. એણે નિશ્ચય કર્યો કે પોતે કાબેલ ખેલાડી બનશે એટલું જ નહીં, પણ રમતના મેદાનમાં દેશનું નામ રોશન ક૨શે.
યુદ્ધના મેદાનમાં તો મુરલીએ દેશનું નામ રોશન કર્યું, પરંતુ હવે એના બંને પગ તદ્દન નકામા થઈ ગયા હતા. જ્યાં જાતે ચાલી શકાય તેમ ન હોય, ત્યાં વળી ૨મત રમવાની તો વાત જ કેવી ? વ્હીલચેર(પૈડાંવાળી ખુરશી)ના સહારે જ હવે તો ચાલવાનું હતું. આવી હાલત હોય ત્યારે રમતના મેદાન પર નામ રોશન કરવાની ઇચ્છા, એ તો શેખચલ્લીના તુક્કા જેવી જ ગણાય !
મુરલી સંજોગોથી હતાશ થયો નહીં. એણે તો વિચાર કર્યો કે પગ ભલે કામ ન આપે, પણ પુરુષાર્થ તો ગીરે મૂક્યો નથી ને ? પોલાદી ઇચ્છા આગળ તો ભલભલી આફત અને હરકત મીણની માફક પીગળી જાય.
વ્હીલચેરને જ એણે પોતાના પગ માન્યા. એમાં બેસીને એ જુદી જુદી રમતની તાલીમ લેવા લાગ્યો. વ્હીલ ચેરને એટલી ઝડપથી દોડાવતો કે મુરલીને માનવતાકાતનો અને ઝડપનો નમૂનો ગણાવા લાગ્યો. એ ડિસ્કસ-થ્રોમાં ભાગ લેવા માંડ્યો. આબાદ તીરંદાજીથી નિશાન વીંધવા લાગ્યો. કુસ્તીમાં પણ કાબેલ બન્યો. ખુરશીમાં બેસીને જ ટેબલ ટેનિસ જેવી ખૂબ હલનચલન માગતી ૨મત છટાદાર રીતે ખેલવા લાગ્યો.
બધી ૨મતોમાં મુરલીને સહુથી વધુ તો તરવું ગમે. બાવડાના બળે એ તરવામાં પાવરધો બન્યો. એ ફ્રી સ્ટાઇલ, બ્રેસ્ટ સ્ટ્રૉક અને બેક સ્ટ્રોક બધી ૨ીતે તરવામાં નિપુણ બની ગયો. એના તાલીમબાજ કરતાં પણ વધુ ઝડપથી મુરલી તરવા લાગ્યો.
ઈ. સ. 1969ના જુલાઈમાં દિવ્યાંગો માટેની લંડનમાં યોજાયેલી રાષ્ટ્રસમૂહ(કોમનવેલ્થ)ની પ્રથમ સ્પર્ધામાં મુરલીએ ભાગ લીધો. પોતાને મનગમતી તરવાની સ્પર્ધામાં એને સુવર્ણચંદ્રક મળ્યો, ટેબલ ટેનિસની સ્પર્ધામાં કાંસાનો ચંદ્રક મળ્યો. બીજી ઘણી રમતમાં બીજા ક્રમે આવનારને મળતો રોપ્ય ચંદ્રક મેળવ્યો. મુરલીએ એવી તો સિદ્ધિ બતાવી કે આ ૨મતોત્સવનો એ સૌથી શ્રેષ્ઠ ખેલાડી ગણાયો. એની આવી સિદ્ધિ જોઈને લશ્કરમાં એની કંપની હવાલદાર મેજર તરીકેની બઢતી કરવામાં આવી.
1968માં મેક્સિકોમાં ઑલિમ્પિક સ્પર્ધા થઈ. આ ઑલિમ્પિક સ્પર્ધામાં ભારત એક પણ સુવર્ણચંદ્રક મેળવી શક્યું નહીં, પરંતુ એ પછી 1938માં મેક્સિકોમાં વિકલાંગો માટેની ઑલિમ્પિક સ્પર્ધા થઈ. ભારતનો કોઈ પણ ખેલાડી તરણ સ્પર્ધામાં તો સુવર્ણચંદ્રક મેળવી શક્યો ન હતો અને અગાઉ પણ ક્યારેય ભારતના કોઈ ખેલાડીએ વ્યક્તિગત રીતે
ઑલિમ્પિક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો ન હતો, પરંતુ દિવ્યાંગોની ઑલિમ્પિક સ્પર્ધામાં ભારતનો એક ખેલાડી તરણસ્પર્ધામાં ચાર-ચાર સુવર્ણચંદ્રક મેળવી ગયો અને તે છે મુરલીકાન્ત રાજારામ પેટકર. ઑલિમ્પિક સ્પર્ધામાં વ્યક્તિગત રીતે સુવર્ણચંદ્રક મેળવનાર, પહેલો ભારતીય દિવ્યાંગ ખેલાડી બન્યો. ૨મતની દુનિયામાં આથી ઉત્તમ બીજું કયું ગૌરવ હોય ?
મુરલી સતત આગળ ધપતો રહ્યો. મુંબઈમાં આવી દિવ્યાંગો માટેની સ્પર્ધા યોજાઈ. એ સમયે હેમર થ્રો, જેવલિન થ્રો અને ગોળાફેંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તરવાની એકેએક સ્પર્ધામાં મુરલી પ્રથમ આવ્યો. એણે આઠ સુવર્ણચંદ્રક મેળવ્યા, એટલું જ નહીં, પણ આ સ્પર્ધામાં ઉત્તમ ખેલાડી જાહેર થયો.
1972માં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં પશ્ચિમ જર્મનીના હેડલબર્ગ શહે૨માં દિવ્યાંગો માટેની 21મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા થઈ. ભારત તરફથી મુરલીકાન્ત પેટકરે ભવ્ય દેખાવ કરીને દેશનું નામ રોશન કર્યું. આ અગાઉ 50 મીટરની ફ્રી સ્ટાઇલ તરણસ્પર્ધામાં 38 સેકન્ડમાં અંતર પાર કરવાનો વિક્રમ મુરલીકાન્ત ધરાવતો હતો. મુરલીએ પોતે જ પોતાનો વિક્રમ તોડ્યો. એણે 50 મીટરની ફ્રી સ્ટાઇલ તરણસ્પર્ધા 3.73 સેકન્ડમાં પાર કરીને નવો વિશ્વવિક્રમ સર્જ્યો અને ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો.
મુરલીના મુખ પર સદાય એ જ હિંમત, સાહસ અને આનંદ જોવા મળ્યા. એણે જુદી જુદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઈ. 1973 સુધીમાં એકસો ચાલીસ કરતાં પણ વધારે સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા. રૌપ્ય અને કાંસાના ચંદ્રકો તો પાર વિનાના મેળવ્યા છે. એ કેટલા છે એની ખુદ મુરલીકાન્તને જ ખબર નથી ! મુરલીકાન્તે આફ્રિકા, રશિયા અને ચીન અને આફ્રિકા ખંડ સિવાય મોટા ભાગના દેશોનો પ્રવાસ ખેડ્યો. વિદેશમાં ઠેર ઠેર ઘૂમ્યો હોવા છતાં પોતાનું ખરું ગૌરવ તો ભારતમાતાનો પુત્ર હોવામાં માને છે.
2018માં મુરલીકાન્ત પેટકરને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. એની જીવનકથા પરથી ‘ચંદુ ચૅમ્પિયન’ નામની ફિલ્મ નિર્માણ પામી, જેમાં અભિનેતા કાર્તિક આર્યને મુરલીની ભૂમિકા ભજવી હતી. એની અર્જુન લાઇફટાઈમ એચિવમેન્ટ ઍવૉર્ડ મેળવવાની તીવ્ર ઝંખના 2025ની 18મી જાન્યુઆરીએ સિદ્ધ થઈ. ભારતના રાષ્ટ્રપતિએ એને આ ઍવૉર્ડ એનાયત કર્યો. જાણે રૂપેરી પડદા પરની ચંદુ ચૅમ્પિયન ફિલ્મનું વાસ્તવમાં સુંદર સમાપન થયું.
આજે તો કુસ્તી ખેલતો, ટેબલ ટેનિસ ૨મતો કે પાણીમાં માછલીની માફક તરતો યુવાન મુરલીકાન્ત માનવીની પોલાદી ઇચ્છાશક્તિનો જીવંત નમૂનો બની ગયો છે.
તા. 2-2-2025
પારિજાતનો પરિસંવાદ