હિંદુ ક્રિકેટના ભૂલાયેલા સર્જક : દેવીદાસ વીરજી

ભારતીય ક્રિકેટમાં આજે ગુજરાતનાં ખેલાડીઓ મોખરાનું સ્થાન ધરાવે છે, પણ એના મૂળમાં તો મહાન ખેલાડી રણજિતસિંહે ઇંગ્લૅન્ડની ધરતી પર કરેલા કારનામાઓની દંતકથાઓનો કાઠિયાવાડ(આજનું સૌરાષ્ટ્ર) પર પડેલો પ્રભાવ છે અને એ કાઠિયાવાડનાં અનેક ખેલાડીઓએ ભારતીય ક્રિકેટનાં પ્રારંભમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે, પરંતુ આજે એક એવા ખેલાડીની વાત કરવી છે કે જેની ભારતીય ઇતિહાસમાં ક્યાંય નોંધ મળતી નથી. આમેય ઇતિહાસવિદોની નજ૨ ઈ. સ. 1932માં ભારતે પ્રારંભેલા ટેસ્ટ ક્રિકેટ પછી વધુ ગઈ છે, પરંતુ ભાગ્યે જ કોઈની નજર પ્રારંભના બ્રિટિશરો અને પારસીઓનાં પ્રભાવ હેઠળ ભારતમાં ખેલાતા ક્રિકેટ પર ગઈ છે.

એ જૂનાં પુસ્તકોમાં પણ મુંબઈની ચતુરંગી અને પચરંગી સ્પર્ધામાં હિંદુ ટીમનાં સર્જક દેવીદાસ વીરજી દેસાઈનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. ભારતીય ક્રિકેટની મહાન ઇમારતનાં સૌથી પ્રારંભના પાયાના સર્જક અને ક્રિકેટની રમતને માટે તન, મન અને ધનથી સમર્પિત થનાર દેવીદાસ વીરજીની આજે વાત કરવી છે.

વિ. સં. 1908ના જેઠ વદ દસમના દિવસે પોરબંદરના સુખીવણિક ગૃહસ્થ શ્રી વીરજી રુગનાથજી દેસાઈના ત્યાં થયો. એ સમયે વીરજી દેસાઈ મુંબઈમાં રહેતા હતા અને એમનું કુટુંબ ધાર્મિકચૂસ્તતા ધરાવતું હતું. એમાંય સત્યપ્રિયતા અને ખાનદાની એ એમના કુટુંબનાં વિશેષ ગુણો હતા. આવા કુટુંબમાં જન્મ પામેલા દેવીદાસે હિંદુ ક્રિકેટના નવસર્જનનું ભગીરથ કાર્ય કર્યું. શાળાનો અભ્યાસ દરમિયાન કુમારવયથી જ ક્રિકેટનાં મેદાન પર સિદ્ધિ મેળવવાનાં દેવીદાસને મનોરથો જાગતા હતા, પરંતુ કૌટુંબિક બંધનો અને સાંસારિક દુઃખોની પરંપરાના કારણે એ ક્રિકેટની ૨મતમાં વધુ વિકાસ કરી શકતા નહોતા.

જરા એ જમાનાની વાત કરીએ તો એ સમયે મુંબઈ પ્રેસિડેન્સીનાં યુરોપિયનો, પારસીઓ અને ગણ્યા ગાંઠ્યા હિંદુ કુટુંબો જ ક્રિકેટની રમતમાં રસ ધરાવતા હતા. બ્રિટિશરોની ક્રિકેટ પ્રત્યેની પોતિકી રમત અને પ્રભુત્વની ભાવનાને કારણે વિદેશીઓ હિંદુ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા નહોતા. એના પિતા અને એના કાકા દેવીદાસ ક્રિકેટ ખેલે એના વિરોધી હતા, ત્યારે સ્કૂલેથી નીકળીને દેવીદાસ મુંબઈના અસ્પ્લેનેડ મેદાન પર ખેલાતી મેચો જોતો.

એ સમયે યુરોપિયન ખેલાડીઓ આ ૨મતને પોતિકી ૨મત ગણતા હતા અને તેથી પારસી ખેલાડીઓને ઝળકવાની તક આપતા નહોતા.

મેદાન પરની રમત જોઈને દેવીદાસના મનમાં ક્રિકેટર બનવાનાં સ્વપ્ન ઊભરાતાં હતાં, પણ સામે મુશ્કેલી એ હતી કે એના પિતા એને ક્રિકેટનાં સાધનો માટે પૈસા આપે તેમ નહોતું. માગતા પણ બીક લાગતી. આથી આ ક્લબોનાં તંબુઓ પાસે દેવીદાસ ક્રિકેટનાં સાધનોનું સમારકામ કરનાર ફેરિયા તરીકે આંટા મારતો, બૂમ લગાવતો અને એમાંથી જે કંઈ નાણાં મળ્યાં અને એથીયે વિશેષ એને કારણે જે ક્રિકેટરોનો પરિચય થયો એમાંથી એના સક્રિય જીવનની શરૂઆત થઈ.

એણે પારસી કોમના આગેવાન ક્રિકેટરો પેશ, એન, બમ્મન, મુરગી, શોલુ લેફ્ટહેન્ડ ઇત્યાદિ સાથે દોસ્તી કરવા લાગ્યો અને ધીરે ધીરે એમની ક્લબનો સભ્ય બની ગયો. ક્રિકેટની ૨મતમાં વધુને વધુ તાલીમ લઈને એ સહુની ચાહના મેળવવા લાગ્યો. એ સમયે યુરોપિયનો અને પારસીઓની ક્રિકેટસ્પર્ધા થતી હતી. દેવીદાસ વીરજીનાં મનમાં હિંદુ ઈલેવન ઊભી કરવાનો વિચાર જાગ્યો અને આને માટે એણે પોતાના મિત્રોનો સંપર્ક સાધ્યો.

એણે પહેલવહેલી હિંદુ ઈલેવન ઊભી કરી અને શ્રી જમશેદજી માણેકજી પટેલ દ્વારા એ સમયના ડેપ્યુટી કમિશ્નર એમ. જેલ.ની મદદથી મુંબઈના અજિત પ્રેસિડેન્સી જિમખાના સામે હિંદુઓની પહેલ-વહેલી મેચ ગોઠવાઈ. અહીં તમને ‘લગાન’ ફિલ્મની જરૂર યાદ આવશે. આ મેચમાં દેવીદાસે બેટિંગ અને બોલિંગમાં કામયાબી બતાવી. ઑલરાઉન્ડર તરીકે એની નામના થવા લાગી અને પહેલીવાર યુરોપિયન ખેલાડીઓ સામે ખેલતા હિંદુ ખેલાડીઓ જોવા મળ્યાં.

દેવીદાસની ગોલંદાજીને કારણે પ્રમાણમાં સામાન્ય ખેલાડીઓ ધરાવતી હિંદુ ટીમ સારો દેખાવ કરી શકતી હતી. હિંદુ ટીમના ગોલંદાજોમાં પી. બાલુ અને એલ. ભંડારી ડાબોડી ગોલંદાજી તરીકે યશસ્વી કારકિર્દી ધરાવતા હતા. જ્યારે લરાઉન્ડર તરીકે દેવીદાસ વધુ પંકાયેલા હતા. એની ગોલંદાજીનું વર્ણન કરતા મળતી એ સમયના અખબારોમાં આ પ્રમાણે નોંધ મળે છે – ‘ડાબા હાથની ઊંચી, લેંથ પરનાં પૂરતા કાબુવાળી, છેતરામણી ‘ડિલીવરી’ કરનાર, તદ્દન ઓછા શ્રમે જોઈતા બ્રેક નાખનાર, ઊંચાઈમાં, ફેંકણીમાં, પેચ-પીચ બદલવામાં, બધી રીતે નિપુણ બનેલો એ બૉલર સુંદરમાં સુંદર યુરોપિયન બેટ્સમેનોને રૂખસદ અપાવી દેતો.’

એ જમાનામાં પારસી ટીમ પાસે અત્યંત અસરકાર ઝડપી ગોલંદાજો હતાં. ડૉ. ડી. કે. કાપડિયા, ડૉ. ધનજીશાહ પટેલ, દોરાબ ધારવાડી, પેશ એન, બમ્મન મુરગી, સોરાબજી લેફ્ટહેન્ડ અને રૂસ્તમ અવારી જેવા પારસી ઝડપી ગોલંદાજો સામે દેવીદાસ બરાબર ઝીંક ઝીલતા હતા, તો બીજી બાજુ અવારનવાર ટૅનિક બદલાતા યુરોપિયન ઢબનાં ગોલંદાજો સામે એ સાવધાની, ચપળતા અને દુરંદેશીથી ખેલતો હતો. વળી ફિલ્ડીંગમાં પણ દેવીદાસ એવો ‘ફાંકડો’ ફિલ્ડર ગણાતો કે એ મેદાન પર કોઈ પણ પૉઝિશનમાં ઊભો રહીને કામયાબ ફિલ્ડીંગ કરતો હતો અને એ સમયનાં અંગ્રેજી અખબારોમાં એને ‘ફ્લાવર ઑફ ધ ફિલ્ડ’ નામે ઓળખવામાં આવતો.

દેવીદાસ લાંબા સમય સુધી એકધારી ગોલંદાજી કરવાની તાકાત અને કલા ધરાવતો હતો અને એથી જ એ હિંદુ ટીમનો એક વિશ્વાસુ ગોલંદાજ ગણાતો હતો. એ જમાનામાં એમ. આર. વાયર, ફ્રેન્ક એ. ટેરન્ટ, માયર્સ, કાલ્ડિયટ વગેરે કામયાબ યુરોપિયન બેટ્સમેનો સામે એ આબાદ ગોલંદાજી કરતો. એની લેન્થ એવી સચોટ હતી કે જેને પરિણામે ભાગ્યે જ કોઈ બેટ્સમેન એના દડાને ફટકારીને સારો એવો સ્કોર નોંધાવી શકતો.

આ દેવીદાસ વીરજીને કારણે જ મુંબઈમાં હિંદુ જિમખાનાનો પાયો નંખાયો. દેવીદાસની આગેવાની હેઠળ હિંદુ ખેલાડીઓની ૨મતે મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસનને આકર્ષ્યા અને એને કારણે ઈ. સ. 1895માં ‘હિંદુ જિમખાના’ બંધાયું, આથી એનો ખરેખરો પ્રણેતા દેવીદાસ જ ગણાય. એ સમયે ગોરધનદાસ પરમાનંદદાસ જીવણલાલે આને માટે દસ હજાર રૂ.ની સખાવત કરી.

આ સમયે ભારતીય ક્રિકેટમાં પારસીઓનો દબદબો હતો અને દેવીદાસ આ પારસી ખેલાડીઓ સાથે સારો એવો ઘરોબો ધરાવતા હતા. પારસીઓ પણ દેવીદાસની ભલાઈ, સહૃદયતા, સજ્જનતા અને વ્યક્તિત્વની મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. દેવીદાસ સાથે લક્ષ્મીદાસ અને શિવજી જેવા ખેલાડીઓ હતા. સતત વીસ વર્ષ સુધી હિંદુ ક્રિકેટમાં અજોડ કામયાબી મેળવનાર દેવીદાસ પોતાના અંતિમ દિવસોમાં પણ ક્રિકેટનાં મેદાન પર આવીને મેચ જોતા હતા. વેપારમાં સારી એવી કમાણી કરનાર દેવીદાસ કુટુંબ-પરિવારની લીલી વાડી વચ્ચે સંવત 1983ના ચૈત્ર સુદ દસમનાં દિવસે પંચોતેર વર્ષની ઉંમરે અવસાન પામ્યા. એ સમયે એવી માગ પણ થઈ હતી કે હિંદુ જિમખાનામાં દેવીદાસ વીરજીની યાદગીરી માટે એક તૈલચિત્ર મૂકાવું જોઈએ. ૧૯૨૭ની ૧૫મી ઑગસ્ટના ‘હિંદુસ્થાન’ સામયિકમાં પારસી લેખક ડી. બી. તાપીઆએ પણ આવી અપીલ કરી હતી.

ભારતમાં ક્રિકેટના પ્રારંભ સમયે યોગદાન આપનાર અનેક ખેલાડીઓનાં જીવન પર અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે એમણે યુરોપિયનોનાં પ્રભુત્વ અને મજબૂત પારસી ટીમ સામે ભારે ઝીંક ઝીલી હતી. એથીયે વિશેષ એ જમાનામાં ક્રિકેટની તાલીમ લેવા માટે યોગ્ય મેદાનો નહોતા અને ખાસ તો ક્રિકેટનાં સાધનો મેળવવાની ઘણાં ખેલાડીઓમાં આર્થિક ક્ષમતા પણ નહોતી. આવા કેટલાંય જાણ્યા-અજાણ્યા ખેલાડીઓની સંઘર્ષ કથાઓ ક્રિકેટનાં ઇતિહાસમાં છુપાયેલી પડી છે.

તા. 16-2-2025

પારિજાતનો પરિસંવાદ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑