જ્યારે તમે એક બિનશાકાહારી ટુકડો ખાવ છો, ત્યારે તમે મડાગાસ્કર ટાપુના એક માકડાની હત્યા કરો છો. જ્યારે તમે ચીકન ખાવ છો, ત્યારે તમે એમેઝોનનાં જંગલોમાં આવેલા એક પોપટને મારી નાખો છો, આ વાક્યો છે અમેરિકાના જીઓફિઝિસિસ્ટ ગીડોન એશેલના કે જેમણે ખેતી અને માનવ આહાર પર ભૌગોલિક પરિસ્થિતિની થતી અસર વિશે ગહન અભ્યાસ કર્યો છે. એમના કહેવા પ્રમાણે જંગલોનો વિનાશ કરીને માંસાહાર અને ડેરી પ્રોડક્ટને માટે ઉગાડવામાં આવતો પાક વિશ્વની માનવવસ્તી માટે ભયજનક બની ગયો છે.
2001થી 2020 સુધીમાં લગભગ 411 મિલિયન હેક્ટર જમીન ગુમાવી છે અને આજે પ્રાણીઓનાં ફાર્મિંગની પાછળ 85 ટકા જમીનનો વપરાશ કરવામાં આવે છે. ફિલિપ લેમ્બે નામના ઇંગ્લૅન્ડના વિખ્યાત લેખક ખૂબ વિગત દર્શાવે છે કે પ્રાણી અને માણસ કેટલા બધા પરસ્પર પર આધારિત છે અને જો એમાં કોઈ અસમતોલન ક૨વામાં આવે, તો તે ઘણાં ભયાવહ પરિણામો માનવજાતને માટે લાવી શકે છે. એમના કહેવા પ્રમાણે આ જગતની જૈવવિવિધતા એ ઑક્સિજનનાં ઉત્પાદન માટે, પાણીનાં શુદ્ધિકરણ માટે, પૌષ્ટિક તત્ત્વોનાં રી-સાયકલિંગ માટે, જમીનને બાંધી રાખવા માટે અને જુદી જુદી દિશાઓમાં વૃક્ષનાં બીજ ઉગાડવા માટે જરૂરી છે. હકીકતમાં તો આ જ અર્થકારણનો મૂળભૂત સિદ્ધાંત છે, માનવીના જીવન નિર્ધારણનું પરિબળ છે. એના ભોજન, સ્વાસ્થ્ય અને એના જીવનની ગુણવત્તાનો આધાર છે.
આજે એક દિવસ પણ એવો ઊગતો નથી કે જ્યારે આ પૃથ્વી પર કોઈ કુદરતી આફત ત્રાટકી ન હોય, એકાએક માણસ તીવ્ર તાપથી શેકાવા લાગે છે તો વળી ક્યારેક બરફનું તોફાન આવે છે. અણધાર્યા પૂર અને ઝંઝાવાતોનો તો પાર નથી, ગાઢ જંગલોમાં સતત સળગતી આગ કે કારમા દુષ્કાળનાં દશ્યો આપણી નજર સામે જોવા મળે છે.
હકીકતમાં આ બધી કુદરતી આફતો એ આવનારી ભયાનક પરિસ્થિતિનાં એંધાણ આપનારી છે. જ્યારે માણસને પોતાના અસ્તિત્વને માટે ભારે મથામણ કરવી પડશે કે જેમાં માણસ એની મૂળભૂત જરૂરિયાતોથી જ સમૂળગો વંચિત રહેશે. આ કુદરતી આફતોની સાથે અશુદ્ધ પાણી, જીવલેણ પ્રદૂષણ અને પ્રાણી વિનાશને કારણે માનવીની જિંદગી દુઃખોથી ભરાઈ નહીં, પણ ઉભરાઈ જશે અને પૃથ્વી પર આવનારી ઘોર હિંસા અને અંધાધૂંધીના આગમનનો આને સંકેત માનવામાં આવે છે.
સારો પાક ઉગાડવાને માટે આપણી પાસે ફળદ્રુપ જમીનની જરૂ૨ હોય છે, એને માટે વરસાદની જરૂર હોય છે, એને માટે પરાગનયન મધમાખીઓની જરૂર હોય છે અને એને માટે જંતુઓની જરૂ૨ હોય છે. આમાંની એક પણ બાબત ન હોય તો આ પૃથ્વીનું પર્યાવ૨ણ ખોરવાઈ જાય છે. પૃથ્વીના ગ્રહ પર આજે માનવજાતને માટે સૌથી મોટો પડકાર એ આહાર માટે થતો કરોડો પ્રાણીઓનો ઉછે૨ અને એમનો વિનાશ છે. પ્રાણીની માફક માછલીઓનો પણ ઘોર સંહાર થાય છે.
આથી જ આજે ઘણા જાગૃત લોકો અહિંસા તરફ વળીને માંસાહાર છોડી રહ્યા છે. તેમજ પ્લાન્ટ બેઝ ડાયટ એટલે કે શાકાહાર અપનાવી રહ્યા છે. અળસિયા અને પરાગનયન કરતી મધમાખીઓ એ માત્ર ખેતી માટે જ આવશ્યક નથી, બલ્કે માનવજાતનું અસ્તિત્વ ટકાવવા માટે પણ અનિવાર્ય છે અને આજે એનો નાશ થઈ રહ્યો છે. પક્ષી, પતંગિયા, મધમાખી અને બીજા નાનાં નાનાં જંતુઓ એ પરાગનયનનું મહત્ત્વનું કામ કરે છે અને આજે દુનિયામાં થતા અનાજનો ત્રીજો ભાગ જેમાં ફળ, શાકભાજીની સાથોસાથ કૉફી, કોકોનેટ અને બદામ છે. એ બધાં આ પોલિનેટર એટલે કે પરાગનયન કરતા જંતુઓ પર આધારિત છે, પરંતુ સોયાનાં વિશેષ ઉત્પાદનને કારણે અને બીજી સિરિયલને કારણે તેમજ પેસ્ટીસાઈડ અને કેમિકલને કારણે આ જંતુઓ નાશ પામે છે અને એથીયે વિશેષ પક્ષીઓ પણ નાશ પામે છે.
દક્ષિણ અમેરિકાના પેરાગ્વે અને બોલિવિયા જેવાં દેશોએ અમેરિકામાં નિકાસ કરવાની દૃષ્ટિએ મોટા પ્રમાણમાં સોયા ઉગાડ્યા અને એની નિકાસ કરી. આ સોયાની નિકાસ કરતાં વધુ તો એમાંનાં કેમિકલ્સને કા૨ણે થયેલા રોગોથી અમેરિકા વધુ પરેશાન થયું. બીજી બાજુ જમીનમાંથી ફળદ્રૂપ તત્ત્વો ઘટી જતાં અને હવે પહેલા જેટલી વખત લણણી કરી શકાતી નથી.
બ્રાઝિલે 175 હેક્ટર જમીન ઘેટાં, મરઘાં ઉછે૨વા માટે જુદી ફાળવી. એક અર્થમાં કહીએ તો સમગ્ર યુરોપિયન યુનિયનનાં દેશોની ખેતીલાયક આટલી જમીન છે. બ્રાઝિલની એમેઝોનમાં 2022નાં આરંભે જંગલોનો વિનાશ કરવામાં આવ્યો. 2018માં જેટલાં જંગલોનો નાશ કર્યો હતો એનાથી વધુ એંશી ટકા જંગલોનો બ્રાઝિલે સફાયો કરી દીધો. અમેરિકાનાં માર્કેટમાં બીફ વેચવા માટે એણે સોયા અને બીજી સિરિયલ એટલે કે ઘેટાંઓને ખવડાવવાનું અનાજ ઉગાડ્યું અને એને કારણે રેઇન ફોરેસ્ટનો, વરસાદ આણતા જંગલોનો નાશ કર્યો. હજારો પ્રાણીઓનાં લોહીથી એ નદીઓ ભરાઈ ગઈ અને વીસ જેટલી લાઈવસ્ટોક એટલે કે પાળેલા જાનવરો રાખનારી કંપનીએ જર્મની, બ્રિટન અને ફ્રાન્સ ત્રણેયનાં કરતા વધુ ગ્રીનહાઉસ ગેસ બહાર કાઢ્યો. આજે આ લાઈવસ્ટોક ઇન્ડસ્ટ્રી એ દુનિયાની તમામ મોટરો, પ્લેન કે ટ્રેન કરતા વધુ કાર્બન ઉત્સર્જન કરે છે.
આજે આ પૃથ્વી છઠ્ઠી વખત વિશાળ પાયા પર પ્રાણીનાશ કરી રહી છે. કેટલાય પશુઓ, પક્ષીઓ, એ સઘળું આ પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયા છે. દસેક લાખ જેટલી પશુ-પક્ષીની જાતિઓ તો નષ્ટ થવાને આરે છે અને આ બધું શા માટે ? આ બધું માત્ર માણસની માંસાહારની તૃપ્તિ માટે.
એક સમયે આપણા શાહમૃગ કરતા પણ મોટું ન્યૂઝીલૅન્ડમાં માઓ પક્ષી જોવા મળતું નથી. એની ઊંચાઈ લગભગ 15 ફૂટ જેટલી હતી. પાંચસો વર્ષ પહેલાં એ આ પૃથ્વી પર હરતું ફરતું હતું. આજે શિકારીઓનો ભોગ બનતાં નામશેષ થઈ ગયું છે.
આફ્રિકાના ખંડમાં આવેલા મોરેશિયસ ટાપુની નજીકનાં બેટો પર ડોડો નામનું કબૂતરની જાતનું પરંતુ કદમાં મરઘાં, કૂકડા જેવું પક્ષી જોવા મળતું હતું. પોર્ટુગીઝ વસાહતીઓ આ બેટ પર ઉતર્યા. એમને આહાર માટે આ લલચાવનારું પક્ષી જોવા મળ્યું. ડોડો એ માનવસ્વભાવથી સાવ અજાણ એટલે કોઈ માનવ શિકારી આ ડોડોને લાકડી મારીને મારી નાખતું હોય તો પણ બીજા ડોડો પક્ષીઓ ભાગતા નહીં. આથી એમનો શિકાર ખૂબ સરળ બની ગયો અને જોતજોતામાં આ ટાપુ પરથી આ પક્ષી સદાને માટે નાશ પામ્યું.
દોઢસો વર્ષ પહેલાં ઉત્તર અમેરિકાના શિકાગો વિસ્તારની આસપાસના ઍક્ટોપિક્ટસ માઇગ્રેટોરિયસ નામની કબૂતરની જાતનું પક્ષી જોવા મળતું હતું. એ સંદેશવાહક કબૂતર કે નિવાસી કબૂતર તરીકે ઓળખાતું હતું. કાગડા જેવું લાંબું પણ ઊડવામાં ખૂબ ઝડપી હતું અને ઓગણીસમી સદી સુધી તો આ પક્ષીઓ યુદ્ધમાં સંદેશાવ્યવહારની આપ-લે માટે વપરાતા હતા. એમને કોઈ પણ જગાએથી છોડવામાં આવે, તો તે પોતાના મૂળ સ્થાને અચૂક આવી જવાની ક્ષમતા ધરાવતા હતા. એની યોગ્ય જાળવણી ન થતા એ ધીરે ધીરે નાશ પામવા લાગ્યા. એક સમયે લાખોની સંખ્યામાં આ કબૂતરો ઈલિનોઇસ અને બીજા રાજ્યોનાં જંગલ વિસ્તારમાં માળા બાંધીને રહેતા હતા, પરંતુ સામાન્ય લોકોને એની વિશાળ સંખ્યા જોઈને ગુસ્સો થતો અને એના પર તૂટી પડ્યાં. આથી કોથળાનાં કોથળા ભરી આ કબૂતરો મફતનાં ભાવે વેચાવા લાગ્યા અને છેલ્લાં પચાસ વર્ષથી અમેરિકાની ભૂમિ પરથી તે નામશેષ બની ગયું. આવું એક પક્ષી ઇંગ્લૅન્ડના પ્રાણીબાગમાં સચવાયેલું હતું, તે પણ 1914માં મૃત્યુ પામ્યું. અત્યારે માત્ર એનું હાડપિંજર એ મ્યુઝિયમમાં જોવા મળે છે. પક્ષીઓની માફક પ્રાણીઓનો પણ માનવજાતે સંહાર કર્યો છે અને આને પરિણામે પર્યાવરણની પરિસ્થિતિ વધુને વધુ વિકટ થવા લાગી છે. કુદરતી માફતો માઝા મૂકી ૨હીને માનવજાત ૫૨ બદલો લઈ રહી છે !
તા. 2-3-2025
પારિજાતનો પરિસંવાદ