છેક મહાન રણજિતસિંહના સમયથી ભારતીય ક્રિકેટમાં કોઈને કોઈ ‘હીરો’ની બોલબાલા જોવા મળે છે. રણજિતસિંહે એમના ક્રિકેટ કારનામાઓ તો ઇંગ્લૅન્ડની ધરતી પર કર્યા, પરંતુ આખોય ભારત દેશ એનાથી ગર્વ અનુભવતો રહ્યો. સૌરાષ્ટ્રમાં તો રણજિતસિંહ વિશે એવી દંતકથાઓ પ્રચલિત હતી કે નવાનગરનાં આ બાપુએ એવા જોશથી દડો ફટકાર્યો કે એને પકડવા માટે એક ગોરો ખેલાડી દોડ્યો, બે દોડ્યા, આમ અગિયાર ગોરા ખેલાડીઓ દોડ્યા, પણ દડો પકડી શક્યા નહીં અને નિષ્ફળ જતાં બાપુ પાસે આવીને કહ્યું, ‘બાપુ, મેં તેરી ગૌઆ, પણ હવે પછી આ રીતે દડો ફટકારશો નહીં.’
એ જ ‘હીરો’ની પરંપરા ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રારંભે કર્નલ સી. કે. નાયડુમાં જોવા મળી અને પછી એ પરંપરા મનસૂર અલીખાન પટૌડી, સુનિલ ગાવસકર, કપિલ દેવ, સચિન તેંડૂલકર અને મહેન્દ્રસિંહ ધોનીમાં નજરે પડી. એ જ પરંપરા, એ જ ઝાકઝમાળ આજે વિરાટ કોહલીમાં જોવા મળે છે. આ દરેક ‘હીરો’ની વિશેષતા એ છે કે એમણે પોતાના જમાનાને અનુરૂપ પોતાની ૨મતની આગવી છટા દાખવીને દર્શકોને મુગ્ધ કર્યા છે. સમય જેમ વહેતો જાય છે, તેમ ક્રિકેટમાં કલદાર તથા એનો મહિમા વધતો જાય, તેમ તેમ ‘હીરો’ની શાન-શૌકત પણ બદલાતી હોય છે. એ દૃષ્ટિએ જોઈએ તો આ ‘હીરો’ જ વિરોધી ટીમને માટે કૂટ સમસ્યારૂપ હોય છે. એની ટીમને માટે એ વિજય લણી આપનારો અને પ્રેરણા આપનારો ખેલાડી હોય છે. એની નિષ્ફળતા અન્ય ખેલાડીઓની નિરાશામાં પલટાઈ જતી હોય છે.
કોહલીના ભવ્ય, ઝાકઝમાળભર્યા અને અતિ પ્રસિદ્ધ એવા જીવનને જોઈએ, ત્યારે ખ્યાલ આવે કે બહુ ઓછા ખેલાડીઓને એક વાર સફળતા મળ્યા પછી એમના ક્રિકેટ-જીવનમાં સતત આટલા બધા ઉતાર-ચઢાવ આવતા હોય છે. કોહલીને ઘણી નિષ્ફળતાઓ મળી. લાંબા સમય સુધી ફોર્મ ગુમાવી બેઠો, છતાં ભાગ્યે જ કોઈ એમ વિચારતું હોય છે કે, ‘એણે આ ઉચ્ચકક્ષાના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી જોઈએ.’ એનું કારણ એની ઉત્કૃષ્ટ બેટિંગ અને આજે વિશ્વભરમાં નામના ધરાવતી ચપળ ફિલ્ડીંગ છે. મેચની પ્રત્યેક ક્ષણે એ થનગનતો હોય છે. એની ફિટનેસ અને લડાયક મિજાજ જોઈને વેસ્ટ ઇંડિઝના મહાન બેટ્સમેન વિલિયમ રિચાર્સે કહ્યું કે એ પચાસ વર્ષની ઉંમર સુધી ૨મી શકે તેવો તરોતાજા ખેલાડી છે. વળી મેદાન પર એ ગાવસકર કે તેંડૂલકરની માફક બહુ વિનમ્રતાથી વર્તતો નથી, બલ્કે ક્યારેક આક્રોશ જોવા મળે છે. એનો અણગમો સ્પષ્ટ રૂપે વ્યક્ત કરે છે અને એ દૃષ્ટિએ આ આક્રમક ખેલાડી રમવા આવતાંની સાથે જ પોતાનું પ્રભુત્વ વિરોધીઓ પર સ્થાપવા માગે છે.
મેદાન પર રોહિત શર્મા હોય કે બીજો કોઈ હોય, પરંતુ કેમેરાની નજર તો કોહલી પર જ ફરતી રહે છે, કારણ કે એમાં પ્રેક્ષકોને ગમતી કોઈને કોઈ ‘એક્શન’ હોય છે. કેટલાક એને ‘એક્શન હીરો’ તરીકે પણ ઓળખે છે. મેદાન પર બનતી દરેક ઘટનાઓની પ્રતિક્રિયા એના ચહેરા ૫૨ જોવા મળે છે, આથી એ ભારતીય ટીમનો ‘પોસ્ટર બોય’ કહેવાય છે, પણ એનું સૌથી મહત્ત્વનું પ્રદાન એ કે એણે એની બેટિંગની સફળતાઓ ઉપરાંત ભારતીય ફિલ્ડિંગનું સૌથી ઊંચું સ્તર પ્રસ્થાપિત કર્યું છે, તે છે.
થોડાં વર્ષો પૂર્વે તો ભારતીય ટીમ ‘કેચ ગુમાવે મેચ’ના ન્યાયે ઘણી વાર મેચ ગુમાવતી હતી, પરંતુ એ પછી એકનાથ સોલકર જેવા ફિલ્ડરોએ અને ત્યારબાદ વિશ્વક્રિકેટમાં આવેલા પરિવર્તનને કારણે ખેલાડીની ફિટનેસ પર સહુનું ધ્યાન રહેવા લાગ્યું. લગભગ 81 ટકા જેટલી ફિટનેસ ધરાવતો કોહલી એક અર્થમાં કહીએ તો ઉત્કૃષ્ટ સઁથલેટ છે. એ સાચું કે એણે આવી ઉત્કૃષ્ટતા મેળવવા માટે પોતાની ભોજનની ટેવોમાં ઘણું પરિવર્તન આણ્યું છે. એ વિગન એટલે કે દૂધની બનાવટોનો ઉપયોગ નહીં કરતો બની ગયો છે. એણે માત્ર મેદાન પર જ નહીં, પણ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ એણે ફિટનેસની એક નવી સંસ્કૃતિ ઊભી કરી છે.
બીજી બાજુ સુંદર પોશાક ધરાવતી વ્યક્તિ તરીકે એણે ફેશન મેગેઝીનમાં સ્થાન મેળવ્યું છે અને આજે તો કોહલીની બ્રાન્ડ વેલ્યૂ અંદાજે 56.4 મિલિયન જેટલી છે અને સોશિયલ મીડિયા પર એના ફોલોઅરોની સંખ્યા પણ ઘણી છે અને એટલે જ એણે 90 કરોડ જેટલી રકમ ભારતમાં હેલ્થ ક્લબ અને ફિટનેસ સેન્ટર સ્થાપવામાં ખર્ચી છે. 2019માં દિલ્હી ક્રિકેટ એસોસિએશને ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ પરના એક સ્ટેન્ડને વિરાટ કોહલીનું નામાભિધાન આપવામાં આવ્યું અને ભારતીય ક્રિકેટનો એ સૌથી નાની વયે આવું સન્માન મેળવનારો ક્રિકેટર બન્યો. પણ હકીકત એ છે કે કોહલીને ક્રિકેટની કારકિર્દીના પ્રારંભમાં દિલ્હી ક્રિકેટ એસોસિયેશનની ઘોર અવગણનાનો સામનો કરવો પડ્યો હતો !
દિલ્હી એસોસિયેશને વિરેન્દ્ર સહેવાગ અને ઋષભ પંત જેવા ખેલાડીઓની પણ જુનિયર ટીમની પસંદગી વખતે ઉપેક્ષા કરી હતી. આ ખેલાડીઓએ જ્યારે લોકલ ક્રિકેટમાં ૨નનાં જુમલા નોંધાવ્યા, ત્યારે નાછૂટકે એમનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમયે ભારતીય ઓપનર ચેતન ચૌહાણે કોહલીમાં ‘અત્યંત મૂલ્યવાન ક્ષમતા’ હોવાનું જાહેર કરીને એના તરફ સહુનું ધ્યાન દોર્યું હતું એને પરિણામે એ દિલ્હી તરફથી ખેલવા લાગ્યો અને એથીયે વિશેષ સહેવાગ અને શિખર ધવન જેવા ખેલાડીઓ પાસેથી એને સારું એવું પ્રોત્સાહન મળ્યું. આજે દિલ્હી કોહલીને માટે ગૌરવ અનુભવે છે.
ભારતીય ટીમમાં શરૂઆતમાં એને કામચલાઉ ઓપનર તરીકે સ્થાન મળ્યું અને ઓગણીસમા વર્ષે પ્રમાણમાં બિન અનુભવી એવા કોહલીને સચિન તેંડૂલકર અને વિરેન્દ્ર સહેવાગ ઈજાગ્રસ્ત હોવાથી ઓપનરનું સ્થાન મેળવવાની તક મળી.
કોહલીને એના ક્રિકેટજીવનમાં ઑફ સ્ટમ્પની બહાર પડતા દડાએ ઘણી ચિંતા કરાવી છે. ટેસ્ટ મેચ અને વન-ડે મેચોમાં એની આ નબળાઈ પર ગોલંદાજો નિશાન સાધતા રહ્યા છે. ન્યુઝિલેન્ડના રીચર્ડ હેડલીએ કહ્યું હતું કે, ‘કોહલી આઉટ-સ્વિંગર ખેલવામાં થાપ ખઈ જાય છે’ અને અગાઉ વી.વી.એસ. લક્ષ્મણ અને સંજય માંજરેકરે તેમજ તાજેત૨માં ગાવાસ્કરે એની આ નબળાઈની ભારે ટીકા કરી હતી. કોઈ તો કહેતું કે ઑફ સ્ટમ્પની બહાર ચોથા કે પાંચમા ‘કાલ્પનિક સ્ટમ્પ’ પર દડો નાખીને ય કોહલીની વિકેટ મળી શકે છે.
હકીકતમાં કોહલી બીજા બેટ્સમેનો કરતાં થોડો વહેલો ફટકો લગાવવા આગળ જાય છે અને એને કારણે ઑફ સ્ટમ્પની બહારનાં દડાને એ બરાબર ખેલી શકતો નથી અને સ્લીપમાં કેચ આપી બેસે છે. વિચિત્રતા એ હતી કે સુકાની તરીકે કોહલી પોતાની ટીમનાં સાથીઓની ખામીઓને દૂર ક૨વા માટે ઘણો સમય આપતો, પરંતુ પોતાની ટૅનિકની ક્ષતિ સુધા૨વા માટે એની પાસે બહુ ઓછો સમય રહેતો નહીં અને એને પરિણામે એની રમતમાં આવી ક્ષતિ દાખલ થઈ ગઈ. જોકે કોહલીએ આને વિશે, પોતાની બેટિંગની સ્ટાઈલ વિશે, દડાનાં સ્વિંગ વિશે અને પોતાના ફૂટવર્ક વિશે ઘણો વિચાર કર્યો હતો, પરંતુ વિધિની વક્રતા એવી કે આમાં એ જેમ જેમ વધુ વિચાર કરવા લાગ્યો, તેમ તેમ એ વધુ નિષ્ફળ જવા માંડ્યો !
2019માં બાંગ્લાદેશ સામે કૉલકાતામાં કરેલી ટેસ્ટ સદીએ એના વિરોધીઓને શાંત કર્યા, પણ કોહલીએ એનાથી પોતાના મનને મનાવી લીધું નહીં. એણે પોતાની ૨મત સુધારવા માટે એણે સુકાનીપદનો ત્યાગ કર્યો અને ફરી પાછો બેટ્સમેન કોહલી ખીલી ઊઠ્યો. પાકિસ્તાન સામેની દુબઈની મેચમાં કોહલીની અણનમ સદી ભારતને માટે વિજય ધ્વજ બની રહી. તો એ જ રીતે 2022માં ઑસ્ટ્રેલિયામાં ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ક્રિકેટ રસિકોથી ઉભરાતા મેલબોર્ન ગ્રાઉન્ડ પર બરાબર દિવાળીના દિવસે જ કોહલીએ ક્રિકેટના ઇતિહાસની એક ભવ્ય ૨મત બતાવી હતી. અત્યંત ‘પ્રેશર’ ધરાવતી આ રમતમાં ભારતના મુખ્ય પ્રતિસ્પર્ધી ગણાતા પાકિસ્તાન સામે એણે ભારતની અત્યંત નબળી સ્થિતિમાંથી ટીમને બહાર લાવીને વિજય અપાવ્યો હતો અને એ સમયથી વિરાટ કોહલીની રમતમાં પરિવર્તન આવવા લાગ્યું.
ક્રિકેટર તરીકે કોહલીનાં જીવનમાં ખરું પરિવર્તન તો 2009નાં જુલાઈ-ઑગસ્ટમાં ખેલાયેલી ચાર દેશો વચ્ચેની સ્પર્ધાથી આવ્યું, જેમાં કોહલીએ સાત મેચમાં 66 રનની સરેરાશથી 398 રન કર્યા હતા અને દક્ષિણ આફ્રિકાની ટીમ સામે 102 દડામાં 104 રન કરીને એણે આ ટૂર્નામેન્ટમાં ભારતને વિજય અપાવ્યો હતો. કોહલીના કહેવા પ્રમાણે આ ટૂર્નામેન્ટ એના જીવનમાં પરિવર્તન લાવનારી બની.
પરિવર્તનની વાત કરીએ, ત્યારે કોહલીના પ્રારંભિક જીવનમાં એ દિલ્હીનાં પશ્ચિમ વિહારનાં મીરાં બાગમાં રહેતો હતો, ત્યારે એના પિતા પ્રેમ કોહલીને પેરાલિસિસી થયો હોવાથી એના પિતા પરાવલંબી જીવન જીવતા હતા. 2006ના ડિસેમ્બરમાં પિતા પ્રેમ કોહલીને હાર્ટ એટેક આવ્યો. મોંઘી સારવાર લઈ શકાય તેવી આર્થિક પરિસ્થિતિ નહોતી, વહેલી સવા૨ના ત્રણ વાગે પિતાનું અવસાન થયું હતું અને વિરાટ કોહલીને ફિરોજશા કોટલા મેદાન પર કર્ણાટકની ટીમ સામે રણજી ટ્રોફી મેચમાં પોતાનો બાકીનો દાવ ખેલવા જવાનું હતું અને સવારે છ વાગે કોહલી પિતાની ક્રિકેટની ભાવનાને અંજલિ આપવા માટે મેદાન પર પહોંચ્યો. સાથીઓએ એને દિલસોજી પાઠવી, ત્યારે એ આંસુ ખાળી શક્યો નહીં. દિલ્હીની ટીમના સુકાની મિથુન માન્યાસે તો કહ્યું પણ ખરું કે, ‘તારે બેટિંગ કરવાની જરૂર નથી. તું ઘેર જા,’ પણ અઢાર વર્ષનો કોહલી મેચ ખેલવા ગયો. નેવું રન કર્યાં. અમ્પાયરના ખોટા નિર્ણયને કારણે એ આઉટ થયો. મેચ પૂરી થતા એ પિતાની અંતિમવિધિ માટે ઘેર પહોંચી ગયો, પણ આ આઘાતજનક ઘટનાથી કોહલીમાં પ્રચંડ પરિવર્તન આવ્યું, એમ એની માતાએ કહ્યું. એની ક્રિકેટ માટેની તમન્ના જુદા જ જોશ અને પ્રબળ આક્રમકતામાં પલટાઈ ગઈ. એનું ક્રિકેટ પ્રત્યેનું વલણ જ બદલાઈ ગયું અને ‘દેશને માટે મારે ક્રિકેટ ખેલવું’ એવું પિતાનું સ્વપ્ન સાકાર કરવા માટેનાં ઈરાદાથી એ મક્કમપણે ખેલવા લાગ્યો. ક્રિકેટને માટે લોહી રેડવા લાગ્યો અને આથી જ મેદાન પર જ્યારે એ ગાર્ડ લે છે, ત્યારે એના કાનમાં એના પિતાની એક સમયની ભવિષ્યવાણીનાં શબ્દો ગૂંજે છે કે, ‘મેરા બેટા ઇન્ડિયા કે લિયે ખેલ રહા હૈ’ અને કોહલી માને છે કે એની પ્રત્યેક સિદ્ધિ વખતે એના પિતાનો આત્મા હાજરાહજૂર હોય છે.
તા. 9-3-2025
પારિજાતનો પરિસંવાદ