તૈયા૨ રાજમાર્ગો પર, તૈયાર ભોજન પર અને પિતાના વ્યવસાયની તૈયાર ગાદી પર બેસવાનું વલણ જોવા મળે છે અને તેથી વ્યક્તિ નવો રસ્તો, જુદો વિચાર કે આગવો અભિગમ અપનાવતી નથી. એનું એક કારણ એ કે પરંપરા એને કોઠે પડી ગઈ હોય છે અને એવો ભય પણ હોય છે કે પરંપરાનાં બંધનોને ફગાવીને એ કોઈ નવો અભિગમ અપનાવશે, તો એનો પ્રચંડ વિરોધ થશે. એ કશુંક નવું કરશે તો એની સામે એના ક્ષેત્રના મહાનુભાવોનાં ભવાં ઊંચા ચડી જશે. પ્રબળ વિરોધ જાગશે અને સ્થૂળ ઠઠ્ઠામશ્કરી પણ થશે. એના નાવીન્યને કોઈ નિમ્ન સ્તરનું તો કોઈ ભેળસેળવાળું ગણશે. આવા વિરોધની ચિંતાથી ઘણી વ્યક્તિ ‘માંડી વાળીએ’ એમ વિચાર કરીને જૂના ચીલે જ ચાલતી રહે છે.
હકીકતમાં મૌલિકતાનું વરદાન મુશ્કેલીના માર્ગેથી જ સાંપડે છે. નવા રસ્તા શોધનાર કે નવા ચીલે ચાલનાર જો પોતાના કાર્યમાં દૃઢ વિશ્વાસ રાખશે તો સમય જતાં લોકોની વિચારધારા બદલાઈ જશે અને ધીરે ધીરે એની બાજુ લોકપ્રવાહ વહેવા માંડશે.
વિશ્વખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરે ૧૯૪૯માં પૅરિસ ખાતે વિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેન્યુહિન અને ડેવિડ ઑઇસ્ટ્રેચ સાથે ભારતીય શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના ફ્યૂજનનો કાર્યક્રમ ૨જૂ કર્યો હતો. એ સમયે એમની સામે પ્રબળ વિરોધ જાગ્યો હતો. કોઈએ એમાં ભારતીય સંગીતનો સર્વનાશ જોયો તો કોઈએ સંગીતની દુનિયામાં ખીચડી સંગીતનો પ્રાદુર્ભાવ જોયો, પરંતુ સમય જતાં એ કાર્યક્રમ શકવર્તી સાબિત થયો. વાસ્તવિકતા તો એ છે કે વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં જેટલા નવા નવા રસ્તા શોધશે, તેટલો એ એના ક્ષેત્રમાં અસાધારણ બની રહેશે.
કુમારપાળ દેસાઈ