રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં મળતું એક સામ્ય એ છે કે એમાં વૈભવશાળી નગરમાંથી ગાઢ વનમાં જવાની ગતિ નિરૂપાઈ છે. રામાયણમાં રામને વનવાસ મળે છે, તો મહાભારતમાં પાંડવોને ૧૨ વર્ષનો અરણ્યવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ મળે છે. નગરમાંથી વન તરફનું પ્રયાણ એ ગતિનું સૂચક છે અને આમેય જીવન ગતિમાન હોવું જોઈએ.
એક અર્થમાં કહીએ તો ચાલવું એ જ જીવનધર્મ છે, કારણ કે જે ચાલે છે તે જ વિકાસ સાધે છે. વિકાસની સાધના માટે છેક અનાદિકાળથી માનવી ચાલતો આવ્યો છે અને એ સતત ચાલતો રહે છે. ભારતના સંતો આથી પગપાળા યાત્રા કરતા હતા અને પવિત્ર નદીની પરિક્રમાનુંય એ જ મહત્ત્વ છે. સૂર્યનું પણ ઉત્તરાયન અને દક્ષિણાયન થાય છે. આ અયન એ અનુભવોનો રાજમાર્ગ અને અધ્યાત્મનો પરમમાર્ગ છે.
વર્તમાન સમયમાં ટૅક્નૉલૉજીએ માનવીને અપરંપાર સુવિધાઓ આપી, પરંતુ એની આ સાહિજક ગતિ છીનવી લીધી. હવે એ એની આંખોથી ટેલિવિઝન કે કમ્પ્યૂટરમાં ગતિ કરે છે, પરંતુ એના પગથી ગતિ કરતો નથી. પગથી ગતિ થાય તે અયન કહેવાય. આવું અયન કે ગતિ એ જ જીવનને અનુભવ આપે છે, પછી તે વ્યાવહારિક હોય કે આધ્યાત્મિક.
કુમારપાળ દેસાઈ